જગન્નાથપુરી સિવાય પણ ઘણું જોવા જેવું છે ઓડિશામાં

09 February, 2020 02:52 PM IST  |  Mumbai | Darshini Vashi

જગન્નાથપુરી સિવાય પણ ઘણું જોવા જેવું છે ઓડિશામાં

દેશના મુખ્ય તીર્થસ્થળોમાં જગન્નાથનો સમાવેશ થાય છે. જગન્નાથ એટલે વિષ્ણુ ભગવાનનો એટલે કૃષ્ણનો અવતાર. દર વર્ષે અષાઢી બીજના દિવસે અહીં ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે છે જેમાં વિશાળ રથમાં ભગવાન જગન્નાથજી, બલદેવ અને સુભદ્રા બિરાજે છે જેને જોવા માટે વિશ્વભરમાંથી લોકો ઊમટી પડે છે.

ઓડિશામાં આવેલું જગન્નાથ મંદિર અને એની રથયાત્રા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેને જોવા અને એમાં ભાગ લેવા માટે દર વર્ષે લાખો લોકો અહીં આવતા હોય છે. તમે પણ કોઈ આવો જ પ્લાન કરી રહ્યા હો તો તમને જણાવી દઈએ કે અહીં આવો ત્યારે થોડો વધુ ટાઇમ લઈને આવજો, કેમ કે અહીં જગન્નાથપુરી સિવાય પણ ઘણાં સ્થળો જોવા જેવાં છે. અહીંની સંસ્કૃતિ, મંદિરો, બીચ, જંગલો, વાઇલ્ડ લાઇફ અને ઐતિહાસિક ધરોહરો ટૂરિસ્ટોને એક પર્ફેક્ટ ટ્રાવેલ પૅકેજ પૂરું પાડે છે, એટલું જ નહીં, હવે ત્યાંની સરકારે વેડિંગ પૅકેજની પણ જાહેરાત કરી છે એટલે ટ્રાવેલરને હવે બખ્ખાં થઈ જવાનાં એ વાત તો સાચી. તો ચાલો, ફરવા નીકળી જઈએ ઓછા ખેડાયેલા ઓડિશાની સફરે...

૫૦૦ કિલોમીટર લાંબો સમુદ્રતટ

ઓડિશાનું સૌથી સુંદર આકર્ષણ છે અહીં આવેલા બીચ. લગભગ ૫૦૦ કિલોમીટરના વિસ્તારમાં સમુદ્રતટ ફેલાયેલો હોવાથી અહીં ઘણા બીચ છે જેમાંના કેટલાક તો ખાસ જોવા જેવા છે. એમાં પ્રથમ ક્રમાંકે ચાંદીપુર બીચનું નામ આવે છે જેને હાઇડ ઍન્ડ સીક બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભુવનેશ્વરથી લગભગ ૨૦૦ કિલોમીટરના અંતરે બાલાસોર ગામ આવેલું છે જ્યાં આ બીચ આવેલો છે. કહેવાય છે કે આ બીચ ઘણો રહસ્યમયી છે, જ્યાં આજે ધમધમતો સાગર જોવા મળશે તો થોડા સમય પછી ત્યાં રેતીના ઢગલા જોવા મળશે, જાણે આખો સમુદ્ર ગાયબ થઈ ગયો હોય. હકીકતમાં આને માટે બીચ પર પાણી ભરાવાની પદ્ધતિ જવાબદાર છે. બીચની જમીનને લીધે ભરતીના સમયે અહીં બીચ પર ઘણે અંદર સુધી પાણી આવીને જમા થઈ જાય છે જેને લીધે અહીં સમુદ્રનાં પાણી હોવાનો ભાસ થાય છે, પરંતુ ધીરે-ધીરે આ પાણી સમુદ્રમાં સમાઈ જાય છે ત્યારે આખો બીચ બહાર આવે છે. આવો જ બીજો એક બીચ છે પારાદીપ, જે ભુવનેશ્વર ઍરપોર્ટથી ૧૨૫ કિલોમીટરના અંતરે આવેલો છે અને એક બંદર તરીકે પણ ફેમસ છે. દેશના સૌથી મોટા બંદરમાં પારાદીપનું નામ આવે છે. બીજું એક છે ચિલિકા સરોવર, જે એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. આ સરોવર રાજ્યના ત્રણ જિલ્લામાં ફેલાયેલું છે. પુરીથી ૫૦ કિલોમીટરના અંતરે આવેલા ચિલિકામાં નાના-નાના દ્વીપ આવેલા છે, જે એની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. શિયાળામાં અહીં પુષ્કળ વિદેશી પક્ષીઓ આવી પહોંચે છે. તમને ઓછી ભીડભાડ જોઈતી હોય અને શાંત વાતાવરણમાં ટહેલવું હોય તો આર્યપલ્લી બીચ બેસ્ટ વિકલ્પ બનશે. આ બીચ બુરહાનપુરથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો છે જે કૈસુરીના બગીચા અને કાચ જેવા પાણીથી ઘેરાયેલો છે. બીચ પર આવો અને સનસેટ નહીં માણો તો મજા જ નહીં આવે. સનસેટ જોવા હોય તો ચંદ્રભાગા બીચ પર પહોંચી જજો, કેમ કે આ બીચ એને માટે જ ફેમસ છે. ચંદ્રભાગા બીચ ઓડિશાની મૂલ્યવાન સંપત્તિ ગણાય છે. લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ ગોપાલપુર બીચ જે બેરહમપુરથી ૧૬ કિલોમીટરના અંતરે આવેલો છે. આ બીચ ખૂબ મનમોહક છે. સોનેરી માટી, ભૂરા રંગનું સ્વચ્છ પાણી અને ગમતું રહે એવું વાતાવરણ ટૂરિસ્ટોને સારો અનુભવ પૂરો પાડે છે.

સ્વર્ણ ત્રિભુજ

ઓડિશામાં ત્રણ પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે જે સ્વર્ણ ત્રિભુજથી ઓળખાય છે, જેમાં બિંદુ ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર, પુરીમાં જગન્નાથ મંદિર અને કોણાર્કમાં સૂર્યમંદિરનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં લિંગરાજ મંદિરની વાત કરીએ તો આ મંદિર ભુવનેશ્વરમાં આવેલું છે. ભુવનેશ્વરનો અર્થ થાય છે દેવતાઓનું રહેવાનું સ્થાન. અહીં અઢળક મંદિરો તો છે જ, સાથે ઐતિહાસિક ધરોહરો પણ છે. હવે લિંગરાજ મંદિરની વાત કરીએ તો આ મંદિરનો સમાવેશ સૌથી સુંદર મંદિરોની યાદીમાં થાય છે. આ મંદિરનું નિર્માણ ૧૧મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં પૂર્ણ શિવલિંગ નથી. અહીં હરિ અને હરની સંયુક્ત પ્રતિમા મૂકવામાં આવી છે જેમાં અર્ધભાગ વિષ્ણુનો અને અર્ધભાગ શિવનો છે. પુરીમાં આવેલું જગન્નાથ ભગવાનનું મંદિર ગજબ આકર્ષણ ધરાવે છે. જગન્નાથ મંદિરનો સમાવેશ ચારધામની યાત્રામાં પણ થાય છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ જગન્નાથના રૂપમાં મૂર્તિસ્વરૂપે બિરાજમાન છે. મંદિરની ઊંચાઈ લગભગ ૬૫ મીટર છે. જેટલું ઊંચું મંદિર છે એટલું જ અલૌકિક એનું વાસ્તુ શિલ્પકામ પણ છે. દર વર્ષે અહીંથી નીકળતી જગન્નાથજીની રથયાત્રા એનું મુખ્ય આકર્ષણ છે. પુરીમાં જગન્નાથજીના મંદિર ઉપરાંત સુંદર સમુદ્રતટ પણ છે. વાસ્તુકલાની બાબતમાં કોણાર્કનું સૂર્યમંદિર પણ કોઈથી પાછળ પડે એવું નથી. આ મંદિર જગન્નાથથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. ૧૩મી સદીમાં રાજા નરસિંહદેવે આ મંદિર બંધાવ્યું હતું. સૂર્યમંદિરની દીવાલો પર સુંદર આકૃતિ દોરવામાં આવી છે. મંદિરનો આકાર કોઈ વિશાળ સૂર્યના રથ જેવો છે. પથ્થરનાં ૨૪ વિશાળ પૈડાંવાળો રથ ઘોડા ખેંચીને લઈ જતા હોય એવી મંદિરની બનાવટ છે. મંદિર નહીં, એની અંદર સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિઓ પણ બેજોડ છે

ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાંનું એક નૃત્ય એટલે ઓડિશી નૃત્ય.  ઘણી ફિલ્મોમાં આ નૃત્ય આપણે જોઈ ચુક્યા છીએ.

સમૃદ્ધ વાઇલ્ડ લાઇફ

સત્કોસિયા ટાઇગર રિઝર્વ ઓડિશાના સૌથી સુંદર ઇકો સિસ્ટમ પૈકીનું એક છે. આ રિઝર્વ મહાનંદા નદીના કિનારે આવેલું છે. અહીં મગર અને કાચબાનું ઉછેર-કેન્દ્ર પણ છે. અહીં આવેલી નદીમાં બોટિંગ પણ ઑફર કરવામાં આવે છે જેમાં બેસીને કાચબાને જોઈ શકાય. આવું જ બીજું એક નૅશનલ પાર્ક છે જેનું નામ છે સિમ્પાલ પાર્ક. આ નૅશનલ પાર્ક મયૂરભંજ વિસ્તારમાં આવેલું છે. આ પાર્ક ૧૪૫.૭૦ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ પાર્કનું નામ આસપાસ આવેલા લાલ કપાસને લીધે પડ્યું છે. અહીં બે ખૂબસૂરત ઝરણાં પણ છે, એટલું જ નહીં, પાર્કની અંદર ૧૦૭૬ પ્રકારનાં છોડ અને વૃક્ષો પણ જોવા મળે છે. ભુવનેશ્વરથી ૧૪૨ કિલોમીટરના અંતરે ટીકરપાડા વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી આવેલી છે જે મગર માટે જાણીતી છે અને આવું જ બીજું એક અભયારણ્ય છે ભીતરકણિકા વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, જે ઓડિશામાં સૌથી પ્રખ્યાત છે જેનું કારણ છે અહીં વસેલા કાચબા જે ખૂબ રેર કહી શકાય એ પ્રજાતિના છે. સુંદરબન બાદ સુંદર અને ઘટાદાર વનોથી આચ્છાદિત કોઈ અભયારણ્ય હોય તો એ ભીતરકણિકા છે.

બીજું પણ ઘણું છે!

ઓડિશાની રાજધાનીથી ૨૮ કિલોમીટર દૂર કટક આવેલું છે જે એક ઐતિહાસિક સ્થળ તરીકે નામના ધરાવે છે. પ્રાચીન સમયમાં કટક ઓડિશાની રાજધાની હતું. અહીં ઘણાં ઐતિહાસિક મંદિરો તેમ જ સુંદર તળાવો આવેલાં છે. ઓડિશાનું કાશ્મીર એટલે કે દરિંગબાડી પણ ખૂબસૂરત છે. આમ તો આ નાનકડું હિલ સ્ટેશન છે, પરંતુ અહીંની પ્રાકૃતિક સુંદરતા કાશ્મીરની યાદ અપાવી જશે, એટલું જ નહીં, અહીં કાશ્મીરની જેમ શિયાળામાં બરફવર્ષા પણ થાય છે. કંધમાલ જિલ્લામાં આવેલી આ જગ્યા કૉફીના બગીચા, દેવદારનાં વૃક્ષો અને સુંદર પહાડોથી ઘેરાયેલી છે. લાસ્ટ બટ નૉટ ધ લિસ્ટ ઓડિશી નૃત્ય, જે ખૂબ જ પ્રાચીન અને ભારતનાં આઠ શાસ્ત્રીય નૃત્યોમાંનો એક પ્રકાર છે. આ નૃત્યની અલગ છટા એને અન્ય નૃત્યોથી અલગ પાડે છે. ઘણી હિન્દી ફિલ્મોમાં ઓડિશી નૃત્યને સ્થાન આપવામાં આવ્યું છે. થોડાં વર્ષ પૂર્વે રજૂ થયેલી ફિલ્મ ‘ભુલભુલૈયા’માં વિદ્યા બાલને ફિલ્મના અંતિમ ભાગમાં રજૂ કરેલો ડાન્સ ઓડિશી નૃત્યનો જ એક ભાગ હતો.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. અહીં સૌથી વધુ મંદિરો છે. ઓડિશા જવાનું થાય તો જગન્નાથ મંદિરની સાથે ભુવનેશ્વરની મુલાકાત પણ ખાસ લેવી. 

જાણી-અજાણી વાતો...

ઓડિશાની ઇક્કત અને સંભલ સાડી દેશભરમાં સૌથી વધુ વખણાય છે. આ સાડી હાથવણાટથી બનાવવામાં આવે છે.

ઓડિશાના લગભગ ૮૦ ટકા લોકો કૃષિ-વ્યવસાય પર નિર્ભર છે.

કહેવાય છે કે ઓડિશામાં એક મયુરભંજ નામે વિસ્તાર છે જે સંપૂર્ણપણે ચાઇલ્ડ લેબરથી મુક્ત હોવાનું કહેવાય છે. 

ઓડિશામાં હનુમાનની સૌથી મોટી મૂર્તિ આવેલી હોવાનું કહેવાય છે, જ્યાં આ મૂર્તિ આવેલી છે એ વિસ્તારને હનુમાન વાટિકા કહેવાય છે.

ઓડિશામાં ૫૦૦થી વધુ મંદિરો આવેલાં હોવાથી એને મંદિરોની ભૂમિ પણ કહેવામાં આવે છે.

જગન્નાથના મંદિરનું કિચન વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. 

એવું કહેવાય છે કે અહીં એક વિશાળ પથ્થર આવેલો છે જે વિશ્વનો સૌથી જૂનો પથ્થર હોવાનું માનવામાં આવે છે.

દેશની ઘણીખરી મિસાઇલોનું પરીક્ષણ ઓડિશામાં આવેલા એપીજે અબ્દુલ કલામ આઇલૅન્ડ પર કરવામાં આવ્યું હતું.

ઓડિશામાં ભુવાન નામનું ગામ એશિયાનું સૌથી મોટું ગામ ગણાય છે.

ઓડિશામાં લગભગ ૯૩ ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે.

ઓડિશા સમ્રાટ અશોક સાથે થયેલા કલિંગના મહાયુદ્ધનું સાક્ષી પણ છે.

થોડું શૉર્ટમાં

ક્યાં આવેલું છે : ભારત દેશની પૂર્વ દિશામાં અને બંગાળની ખાડીના દરિયાકિનારાને અડીને ઓડિશા આવેલું છે જેની બૉર્ડર છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશને સ્પર્શે છે.

અન્ય નામ : ઓરિસ્સા

રાજધાની : ભુવનેશ્વર

વસ્તી : ૪ કરોડની આસપાસ

મુખ્ય ભાષા : ઓડિયા 

આકર્ષણો : પુરી, કોણાર્ક, ભુવનેશ્વર, સમ્રાટ અશોકનો શિલાલેખ, બારબાટી કિલ્લો, લિંગરાજ મંદિર, ચિલ્કા ઝીલ, ઉદયગિરિની ગુફા, વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરી, હાઇડ ઍન્ડ સિક બીચ વગેરે વગેરે

પ્રખ્યાત ડિશ : પાખલા (જે ચોખા અને દહીંમાંથી બનાવવામાં આવે છે), ઘંતા (મિક્સ વેજિટેબલમાંથી બને છે અને એ ખાસ કરીને તહેવારો દરમ્યાન), સાગા મોંગા (વેજિટેબલ શાક), દાલમા (દાળ-શાકને મિક્સ કરીને બનાવવામાં આવે છે, જે જગન્નાથના ભોગની સામગ્રીમાં પણ આવે છે), ખાટા (ટમેટાં, આદું, દાડમ અને ગોળ મિક્સ કરીને બનાવવામાં આવેલી ચટણી)

કેટલા દિવસ ફાળવવા : ૬થી ૭ દિવસ

ઐતિહાસિક તવારીખ : અહીં ઘણી વખત ચક્રવાત આવતા રહે છે. ૧૯૯૯માં આવેલા વિનાશકારી ચક્રવાતને લીધે એ સમયે અહીં ૧૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા

ક્યારે અને કેવી રીતે જશો?

ઓડિશા આવવા માટેનો બેસ્ટ સમય ઑક્ટોબરથી ફેબ્રુઆરી દરમ્યાનનો ગણવામાં આવે છે, જ્યારે અહીં હવામાન ઠંડું અને આકાશ સાફ રહે છે. ત્યારે અહીં ફરવાની મજા પડશે. ઓડિશા સુધી પહોંચવા માટે રોડ, રેલવે અને હવાઈ માર્ગનો ઉપયોગ કરી શકાય છે. ભુવનેશ્વરમાં બિજુ પટનાયક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે જ્યાં ભારતનાં દરેક મુખ્ય શહેરમાંથી ઊપડતી ફ્લાઇટ આવે છે. હવાઈ માર્ગની જેમ રેલવે અને રોડ પણ એટલી જ કનેક્ટિવિટી ધરાવે છે.

travel news odisha darshini vashi columnists weekend guide