પહાડોની જ નહીં, ઉત્તરાખંડની પણ રાણી છે મસૂરી

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Darshini Vashi

પહાડોની જ નહીં, ઉત્તરાખંડની પણ રાણી છે મસૂરી

મસૂરી

મસૂરીથી દેહરાદૂન વચ્ચે વિશ્વનો સૌથી લાંબો રોપવે બનવા જઈ રહ્યો છે, જેને લીધે દેહરાદૂનથી મસૂરી સુધીના અંતરમાં અને સમયમાં પણ ઘટાડો થશે તેમ જ નવા આકર્ષણને માણવા ટૂરિસ્ટોનો ધસારો પણ વધશે એવી વાત થઈ રહી છે ત્યારે ઓલ્ડ ઍન્ડ ગોલ્ડ એવા આ ડેસ્ટિનેશન વિશે થોડી ખાસમખાસ વાતો પર નજર કરીએ.

ઉત્તરાખંડમાં કુદરતે છૂટા હાથે સુંદરતા વેરી છે. અહીં આવેલાં તમામ સ્થળો કોઈ ને કોઈ વિશેષ આકર્ષણ ધરાવે છે. આજે અહીં ઘણાં નવાં ડેસ્ટિનેશન શોધી કાઢવામાં આવ્યાં છે છતાં જૂનાં ડેસ્ટિનેશનનું આકર્ષણ હજીયે ઘટ્યું નથી. આપણે વાત કરી રહ્યા છીએ પહાડોની રાણી તરીકે ઓળખાતા હિલ સ્ટેશન મસૂરીની, જે આજે પણ સૌથી લોકપ્રિય હનીમૂન ડેસ્ટિનેશન્સમાં સ્થાન ધરાવે છે. કહેવાય છે કે મસૂરીને અંગ્રેજ લોકોએ શોધી કાઢ્યું હતું અને એને વિકસાવ્યું પણ હતું. અંગ્રેજો ગયા બાદ આ સ્થળ ભારતીયોને પણ એટલું જ પ્રિય લાગવા માંડ્યું એટલે જ આટલાં વર્ષો વીતી ગયાં હોવા છતાં મસૂરી હજી પણ વન ઑફ ધ બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે, તો ચાલો ફરી આવીએ મસૂરી.

ગન હિલ્સ, ઍડ્વેન્ચર પાર્ક અને બીજું ઘણું બધું

મસૂરીમાં અન્ય હિલ સ્ટેશનની જેમ નાના-નાના ઘણા પૉઇન્ટ અને જગ્યાઓ છે. જો તમારી પાસે સમય હોય તો અહીં ચોક્કસ ફરી આવવા જેવું છે. એમાંનો એક પૉઇન્ટ છે ગન હિલ્સ જે મસૂરીની બીજી સૌથી ઊંચી જગ્યા છે. અહીં સુધી પહોંચવા માટે કેબલ કારનો ઉપયોગ કરી શકાય છે. આ સ્થળેથી મસૂરી અને આસપાસના બર્ફીલા પહાડી વિસ્તારોને જોઈ શકાય છે. પહાડી વિસ્તાર હોવાથી અહીં ઍડ્વેન્ચર ઍક્ટિવિટીની પણ ભરમાર છે. મસૂરીમાં એક ઍડ્વેન્ચર પાર્ક આવેલો છે; જેમાં સ્કાયવૉક, ઝિપ સ્વિંગ, ઝિપ લાઇન, રેપ્લિંગ, સ્કીઇંગ અને પૅરાગ્લાયડિંગ જેવી ઍક્ટિવિટી કરવામાં આવે છે. જોકે આજે દરેક ઠેકાણે ઍડ્વેન્ચર ઍક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે, પરંતુ સુંદર પહાડી વિસ્તારમાં ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરવાની મજા કંઈક ઓર જ આવે છે. આવી જ રીતે અહીં ટૂરિસ્ટોને વાઇન મેકિંગમાં ભાગ લેવાનો લહાવો પણ ઑફર કરવામાં આવે છે.

મસૂરીથી ૬ કિલોમીટર દૂર આવેલું લાલ ટિબ્બા ૭૦૦૦ ફુટ કરતાં વધુ ઊંચાઈએ આવેલું છે. અહીં બ્રિટિશ સમયનું આર્કિટેક્ચર હજયે નજરે પડે છે. ઊંચાઈ પરથી ઉત્તરાખંડમાં આવેલાં અનેક સ્થળો નજરે ચડે છે.

લાલ ટિબ્બા અને નાગ ટિબ્બા

લાલ ટિબ્બા મસૂરીથી ૬ કિલોમીટર દૂર લંઢોરમાં હિલ પર આવેલું છે. લાલ ટિબ્બાનો અર્થ લાલ પહાડ એવો થાય છે. ૭૦૦૦ કરતાં વધુ ફુટની ઊંચાઈએ આવેલા લાલ ટિબ્બાનો સમાવેશ અહીંના મુખ્ય આકર્ષણમાં થાય છે. અહીં ઘણા લાંબા સમય સુધી બ્રિટિશરોએ રાજ કર્યું હતું. જોકે હવે અહીં ભારતીય સેનાનું પ્રભુત્વ છે છતાં અહીંના આર્કિટેક્ચરમાં બ્રિટિશ છાંટ જોવા મળે છે. ઊંચાઈ પર આવેલું હોવાથી અહીં પુષ્કળ ઠંડી રહે છે. બીજું એ કે અહીં લંઢોરમાં કોઈ હોટેલ નથી એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરીને અહીં આવવું. અહીં નજીકમાં પ્રસિદ્ધ લેખક રસ્કિન બૉન્ડનું ઘર પણ તમને જોવા મળશે. લાલ ટિબ્બાની જેમ નાગ ટિબ્બા પણ અહીંનાં શ્રેષ્ઠ સ્થળોની યાદીમાં સ્થાન ધરાવે છે, પરંતુ નાગ ટિબ્બા જોવા જેવું નથી, માણવા જેવું છે એટલે કે અહીં ટ્રેકિંગ કરવાની મજા પડે એમ છે. આ સ્થળ બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે લગભગ ૧૦,૦૦૦ ફુટની ચડાઈ પર છે. અહીં સુધી પહોંચવાનો માર્ગ સર્પાકાર છે જેને લીધે એને આ નામ મળ્યું છે. અહીં ટોચ પર અનેક પ્રકારની વનસ્પતિ, જીવો, દેવદારનાં વૃક્ષો જોવા મળશે. અહીં લોકો ખાસ ટ્રેકિંગની મજા લેવા માટે આવે છે.

લેક ઍન્ડ ફૉલ્સ

મસૂરીમાં એક પ્રાચીન લેક એટલે કે તળાવ આવેલું છે જેને લેક મિસ્ટ નામ આપવામાં આવ્યું છે. સુંદર હરિયાળી વચ્ચે આવેલું તળાવ અને ઉપરથી પસાર થતા ફોગ વચ્ચેથી તળાવમાં નૌકાવિહાર કરવાનો આનંદ યાદગાર રહેશે. ટૂરિસ્ટો અહીં આકર્ષાય એ માટે તળાવનું પાણી સ્વચ્છ રાખવામાં આવેલું છે તેમ જ તળાવની આસપાસના પરિસરને પણ સ્વચ્છ જાળવી રાખ્યું છે. અહીં રહેવા અને આરામ કરવા માટેની સગવડ પણ છે. લેક મિસ્ટ તરફ જતાં રસ્તામાં કૅમ્પટી ફૉલ્સ આવે છે જે મસૂરીનું વધુ એક આકર્ષક અને સુંદર સ્થળ છે. અહીંનો બીજો પ્લસ પૉઇન્ટ એ છે કે આ સ્થળે વધુ ભીડ રહેતી નથી એટલે ટૂરિસ્ટો અહીં આરામથી ફૉલ્સને એન્જૉય કરી શકે છે. લગભગ ૪૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલા ફૉલ્સનું પાણી ૪૦ ફુટની ઊંચાઈએ આવેલા વિવિધ આકૃતિ ધરાવતા પથ્થરો પરથી નીચે પડતું હોય ત્યારે એનો નજારો કેટલો સુંદર બનતો હશે એની તો કલ્પના જ કરવી રહી. કદાચ આ જ સુંદરતાને જોઈને અંગ્રેજોએ અહીં પિકનિક સ્થળ વિકસાવ્યું હશે. આ ફૉલ્સ મસૂરીનો જ નહીં, પરંતુ ઉત્તરાખંડમાં પણ ઘણો ફેમસ છે. એવું કહેવાય છે કે અંગ્રેજો અહીં ઘણી વખત ફૉલ્સનો આનંદ લેતા-લેતાં સાંજના સમયે ચા પીતા હતા અને ઘણી વખત અહીં કૅમ્પ બાંધીને રહેતા પણ હતા એટલે કૅમ્પટી એવું આ ફૉલ્સનું નામ પડી ગયું હતું. ફૉલમાં નાહવા અને સ્વિમિંગ કરવા માટે પણ જઈ શકાય છે. આવો જ બીજો એક ફૉલ છે ભટ્ટા ફૉલ્સ. મસૂરીથી ૭ કિલોમીટરના અંતરે ભટ્ટા ગામ આવેલું છે જેના નામ પરથી આ ફૉલ્સનું નામ રાખવામાં આવ્યું છે અને એ પણ ઘણો ગમતીલો બની જાય એવો છે. અહીં વધુ સમય ઠંડી રહેતી હોવાને લીધે આસપાસ ખાવામાં ગરમાગરમ નૂડલ્સ વધુ વેચાતા દેખાય છે.

ટ્રેકિંગ કરવાના શોખીનને અહીં ખૂબ ગમશે. અહીં સુધી પહોંચવાનો માર્ગ સર્પાકાર છે. બરફથી આચ્છાદિત પહાડો પર ચાલવાની મજા આવશે.

બેનોગ નૅશનલ પાર્ક

મસૂરીમાં હવા ખાઈને કંટાળી ગયા હો તો થોડું થ્રિલ ફીલ કરવા બેનોગ નૅશનલ પાર્ક આવી શકો છો. આ નૅશનલ પાર્ક લાઇબ્રેરી પૉઇન્ટથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલું છે. વહેલી સવારે અહીં કડકડતી ઠંડીમાં બર્ડ-વૉચિંગની મજા આવશે. બર્ડ સાથે અહીં વાઇલ્ડ લાઇફ જીવન પણ એટલું જ રોમાંચક છે. હિમાચલી બકરી, રીંછ, હરણ,  ચિત્તા વગેરે પ્રાણીઓ અહીં વસે છે.

ધનોલ્ટી

ધનોલ્ટી આમ તો મસૂરીથી ૬૨ કિલોમીટર દૂર છે, પરંતુ મસૂરી આવતા લોકો અહીં આવીને જ જાય છે જેનું એક કારણ એ કે અહીં દેવદારનાં અસંખ્ય વૃક્ષો છે જેને લીધે અહીંનું વાતાવરણ સૌમ્ય છે. બીજું એ કે અહીં અસીમ શાંતિ છે જે ટૂરિસ્ટોને આકર્ષે છે. બર્ફીલા પહાડ પણ છે. જોકે મોટા ભાગના ટૂરિસ્ટોને આ સ્થળ વિશે વધુ ખબર ન હોવાથી અહીં ઓછી પબ્લિક આવે છે. જો તમારી નેક્સ્ટ ટ્રિપ બને તો અહીં ચોક્કસ આવી જજો.

પ્રખ્યાત માર્કેટ

હિલ સ્ટેશન પર આવીને ખરીદી ન કરીએ તો પ્રવાસ અધૂરો લાગે છે. મસૂરીમાં શૉપિંગ કરવા માટે સૌથી ફેમસ જગ્યા મૉલ રોડ છે, જે અહીંનું મુખ્ય શૉપિંગ હબ છે. અહીં બધું મળી રહે છે. હિલ સ્ટેશન હોવાથી ગરમ કપડાં ઠેર-ઠેર વેચાતા જોવા મળશે. જો તમે અહીં લૉન્ગ હૉલિડે પસાર કરવા આવ્યા હો તો અહીં આવેલા કૅમ્બ્રિજ બુક ડેપોમાં લટાર મારી આવજો. ત્યાં બુકનું ઘણું સારું કલેક્શન મળી રહેશે. મૉલ રોડ ઉપરાંત મસૂરીમાં વધુ એક ફેમસ જગ્યા છે જેનું નામ કુલરી બજાર છે. આ બજારમાં મોડે સુધી ગિરદી રહેતી હોય છે. મૉલ રોડની દક્ષિણ બાજુએ આ બજાર કપડાં અને હસ્તશિલ્પની વસ્તુઓ માટે જાણીતું છે. મસૂરી-ધનોલ્ટી રોડ પર હિમાલયન વીવર્સ નામનો એક સ્ટોર છે જે બ્રિટિશ નાગરિક દ્વારા ચલાવવામાં આવે છે. કોઈ ઍન્ટિક વસ્તુ ખરીદવી હોય તો લંઢોર માર્કેટ પહોંચી જવું.

જાણી-અજાણી વાતો...

દલાઈ લામા જ્યારે યુવાન હતા અને ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓ મસૂરી રહ્યા હતા.

૧૮૨૩ની સાલમાં એક બ્રિટિશ ઑફિશરે મસૂરીમાં એક કૉટેજ બંધાવ્યું હતું જે આજની તારીખે પણ અહીં છે.

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ મસૂરીના મોટા ભાગના વિસ્તારોમાં બ્રિટિશ સમયગાળા દરમ્યાન ભારતીયોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અહીં દીવાલો પર મોટા અક્ષરમાં લખવામાં આવતું હતું કે ‘ઇન્ડિયન ઍન્ડ ડૉગ્સ આર નૉટ અલાઉડ.’

ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને મસૂરી ખૂબ પ્રિય હતું. તેઓ અહીં અવારનવાર આવતા હતા. તેમની બહેનનું ઘર પણ અહીં નજીકમાં જ છે. બૉલીવુડ સેલિબ્રિટીને પણ અહીં આવવાનું ગમે છે. ભારતીયો માટે ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેન્ડુલકર અહીં દર વર્ષે આવે છે.

મસૂરી પ્રથમ એવું હિલ સ્ટેશન બન્યું હતું, જ્યાં તમામ લોકોને ફ્રી વાઇફાઇ મળતું હતું.

મસૂરીમાં વૅક્સ મ્યુઝિયમ આવેલું છે, જેની ગણના દેશના મોટા વૅક્સ મ્યુઝિયમની અંદર થાય છે.

મસૂરીમાં એક જગ્યા આવેલી છે જેનું નામ ગનહિલ્સ છે. કહેવાય છે કે એક સમયે આ  જગ્યા પરથી બપોરના સમયે તોપમાંથી ગોળી છોડવામાં આવી હતી જેથી લોકો કેટલા વાગ્યા છે એ જાણી શકે.

 મસૂરીમાં એક ટેકરી છે જેનો આકાર બેસેલા ઊંટ જેવો છે. દૂરથી જોતાં એવું જણાય કે ઊંટ બેઠો છે.

મસૂરીની હૅપી વૅલીમાં એક ખૂબસૂરત મ્યુનિસિપલ ગાર્ડન આવેલું છે જેની અંદર ૮૦૦ અલગ-અલગ પ્રકારનાં ફૂલ ઉગાડવામાં આવ્યાં છે.

મસૂરીની જનસંખ્યા છેલ્લાં ૧૦ વર્ષમાં લગભગ ૪૦૦ ટકા વધી છે.

ક્યારે અને કેવી રીતે જવું?

આમ તો મસૂરીમાં આવવા માટે વર્ષના બારે મહિના સારા ગણાય છે, પરંતુ એપ્રિલથી લઈને જૂન સુધીનો સમયગાળો બેસ્ટ છે. બીજું એ કે મસૂરી એક હિલ સ્ટેશન છે એટલે હવાઈમાર્ગ અને રેલમાર્ગ સાથે ડાયરેકટ જોડાયેલું નથી. અહીં સુધી આવવા માટે સૌથી બેસ્ટ રોડ જ છે જેમાં ઍડ્વેન્ચર પણ ભરપૂર છે. મુંબઈથી આવનાર લોકોએ દેહરાદૂન સુધીની ફ્લાઇટ અથવા ટ્રેન લેવી પડે છે. દેહરાદૂન ઊતરીને રોડ મારફત મસૂરી સુધી પહોંચી શકાય છે.

weekend guide uttarakhand darshini vashi columnists