ઊંચી ઇમારત, મોટી ગુફા, મોટું ઇંડું આવું તો કંઈ કેટલુંયે છે મલેશિયામાં

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Darshini Vashi

ઊંચી ઇમારત, મોટી ગુફા, મોટું ઇંડું આવું તો કંઈ કેટલુંયે છે મલેશિયામાં

ક્વાલા લમ્પુરની નજીકમાં આવેલ પુત્રજ્યાને પ્રશાસનિક રાજધાની જાહેર કરવામાં આવી હતી. પુત્રજ્યા ખાતે મેનમેડ ઝીલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની ફરતે સરકારી કર્મચારીઓનાં ઘર બનાવવામાં આવ્યાં છે તેમ જ પ્રધાનમંત્રીનું કાર્યાલય પણ બનાવવામાં આવ્યું છે.

ભારતીયોમાં હનીમૂન માટે મૉલદીવ્ઝ અને થાઇલૅન્ડ બાદ જો કોઈ દેશ પસંદગીની યાદીમાં સ્થાન ધરાવતો હોય તો એ છે મલેશિયા. એક તો એ ભારતની નજીક આવેલો છે અને બીજું એ કે અહીં ફરવું સસ્તું છે અને ત્રીજું કારણ અહીંનાં આકર્ષણો જે મલેશિયાની ટ્રિપને યાદગાર બનાવે છે. ભારતીયો જ નહીં, પરંતુ મોટા ભાગે તમામ દેશોના લોકોને અહીં આવવાનું ગમે છે એટલે જ મલેશિયાનું નામ ટૉપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં આવે છે. તો ચાલો જાણીએ આ દક્ષિણ પૂર્વ એશિયાના નાનકડા દેશને થોડા વધુ નજીકથી.

મજાની રાજધાની

મલેશિયાની રાજધાની ક્વાલા લમ્પુર છે. આ શહેર મલેશિયાની રાજધાની છે એટલે જ ખાસ છે એવું નથી, પરંતુ અહીં જોવા જેવું ઘણું બધું છે. ટૂરિસ્ટો માટે ક્વાલા લમ્પુરને સ્કિપ કરવા જેવું જરાય પોસાય એવું નથી. ક્વાલા લમ્પુર એ મલેશિયાનો એવો એક હિસ્સો છે જેણે આધુનિકતાની સાથે અર્વાચીન સમયનો હાથ પણ બખૂબીથી પકડી રાખ્યો છે જેનાં અહીં અનેક ઉદાહરણ જોવાં મળશે. અહીંનાં ટૉપ આકર્ષણોમાં પ્રથમ ક્રમાંકે પેટ્રોનાસ ટ્વિન્સ ટાવરનું નામ આવે છે. ટ્વિન્સ ટાવરની ઊંચાઈ ૮૮ ફ્લૉરની છે. આ બન્ને ટાવર ૪૧ અને ૪૨માં માળેથી એકબીજાની સાથે જોડાયેલા છે. જોકે ટૂરિસ્ટોને આટલે સુધી જ જવાની પરવાનગી છે. આ વિશાળ ઇમારતનાં બાંધકામ પાછળ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ ઇમારતની ટોચ પરથી ઐતિહાસિક સુલતાન અબ્દુલ સમદ બિલ્ડિંગનો નજરો જોવા મળે છે. પેટ્રોનાસ ટાવરની બાજુમાં સિટી સેન્ટર પાર્ક આવેલો છે, જ્યાં લગભગ ૧૯૦૦ જેટલાં પામનાં ઝાડ લગાડવામાં આવેલાં છે. અહીં નજીકમાં કેએલસીસી ઍક્વેરિયમ આવેલું છે. આ ૫૦૦૦ સ્ક્વેર ફુટના વિસ્તારમાં ફેલાયેલા ઍક્વેરિયમની અંદર ૧૫૦ જેટલી વિવિધ પ્રકારની માછલીઓ આવેલી છે. આ ઍક્વેરિયમની અંદર એક ટનલ પણ બનાવવામાં આવી છે જ્યાંથી પસાર થતા ટૂરિસ્ટોને પાણીની અંદર હોવાનો અનુભવ થાય છે. આ સિવાય મલેશિયાનું વધુ એક આકર્ષણ બટુ ગુફા પણ ખાસ જોવા જેવી છે જે મલેશિયાના ગોમ્બેક જિલ્લામાં આવેલી છે જે એક ધાર્મિક સ્થળ છે. રાજધાનીથી ૧૩ કિલોમીટરના અંતરે બટુ ગુફા આવેલી છે જે ચૂનાના પથ્થરોની ટેકરીમાંથી કોતરીને બનાવવામાં આવેલી છે. આ ગુફા હિન્દુ ધર્મના લોકોની સાથે સંકળાયેલી હોવાથી અહીં ભારત ઉપરાંત વિદેશમાં વસતા હિન્દુઓ પણ મોટી માત્રામાં આવતા રહે છે. કહેવાય છે કે આ ગુફા શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયને સમર્પિત છે જે અહીં મુરુગન સ્વામી તરીકે ઓળખાય છે. આ સિવાય શહેરમાં આવેલી ગગનચુંબી ઇમારતો, ભવ્ય મકાનો અને અફલાતૂન મૉલ જોવાની મજા પડશે. શૉપિંગની વાત કરીએ તો અહીં લગભગ ૩ લાખ સ્ક્વેર ફુટના એરિયામાં મલેશિયાનો સૌથી મોટો મૉલ બરજાયા ટાઇમ સ્ક્વેર મૉલ આવેલો છે જે સેંકડો દુકાનોથી માંડીને ઘણું બધું છે.

મલય વાઘની ખૂબ જ ઓછી જાતો મલેશિયામાં બચી છે. અહીં આવેલા જંગલમાં સફારી દરમ્યાન મલય વાઘ જોવાનો ચાન્સ મળશે.ઝરણાંની ફરતે ઘર

વધતી જતી વસ્તી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્વાલા લમ્પુરની નજીકમાં આવેલ પુત્રજ્યાને પ્રશાસનિક રાજધાની જાહેર કરવામાં આવી હતી. પુત્રજ્યા ખાતે મેનમેડ ઝરણાંનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની ફરતે સરકારી-કર્મચારીઓનાં ઘર બનાવવામાં આવેલાં છે તેમ જ પ્રધાનમંત્રીનું કાર્યાલય પણ બનાવવામાં આવેલું છે. અહીં બાંધવામાં આવેલી ઇમારતો ખૂબ જ આકર્ષક છે. ઇમારતો જ નહીં, પરંતુ રસ્તાઓ પણ એટલા જ સુંદર છે. ખૂબ જ સુંદર અને મનમોહી લે એવા પુત્રજ્યા ખાતે ફરવા માટે ક્રૂઝ સર્વિસ અવેલેબલ છે.

વિશ્વના સૌથી ઊંચા ટાવરમાં પેટ્રોનાસ ટાવરનું નામ આવે છે. એ ટ્‍‍‍‍‍વિન્સ ટાવર તરીકે પણ ઓળખાય છે. ટૂરિસ્ટો ૪૧મા માળ સુધી જઈ શકે છે.

અહીં પણ છે સર્વ ધર્મની વાત

૧૪મી સદીમાં રાજા પરમેશ્વરે આ શહેરનો પાયો નાખ્યો હતો તે મેલક્કા નામનું સ્થળ ક્વાલા લમ્પુરથી ૧૫૦ કિલોમીટર દૂર છે. આમ વિભિન્ન પ્રકારનાં વ્યંજનો માટે મેલક્કા મલેશિયામાં મશહૂર છે, પરંતુ આ સિવાય મેલક્કા સર્વ ધર્મ સંસ્કૃતિનું મુખ્ય સ્થળ પણ છે. અહીં દક્ષિણ ભારતીય શૈલીમાં બાંધવામાં આવેલાં પ્રાચીન મંદિરો પણ છે તો બીજી તરફ લિટલ ચાઇના પણ છે જ્યાં ચાઇનીઝ રેસ્ટોરાંથી માંડીને બીજું ઘણું છે. એવી જ રીતે અહીં અનેક જૂની મસ્જિદો પણ છે તો પોર્ટુગીઝ લોકોની વસાહતો પણ છે. આમ અહીં દરેક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. અહીં આવેલું સેન્ટ પૉલ ચર્ચ, પોર્ટુગીઝ વસાહત, સેન્ટ જોન કિલ્લો જોવા જેવા છે. અહીંની ઇમારતો અને સ્મારકોમાં જોવા મળતી તિરાડો અને ઘસાઈ ગયેલા પથ્થરો ઐતિહાસિક સમયની નિશાની છે. જો પ્રાચીન ઇમારતો જોવામાં રસ ધરાવતા હો તો જોકર્સ સ્ટ્રીટ પર ચોક્કસ લટાર મારી આવજો. અહીં પ્રાચીન ઇમારતોનો ખડકલો છે. 

સબાહ અને સારાવાક

સબાહ અને સારાવાક મલેશિયાનાં બે ખૂબસૂરત રાજ્યો છે જે જંગલોથી ભરપૂર છે. જંગલોની વચ્ચેથી વહેતી નદીઓ અને જંગલોમાં જોવાં મળતાં વિવિધ પ્રકારનાં ફૂલ અને વૃક્ષો અહીંનું મુખ્ય આકર્ષણ છે. રફ્લેશિયા અહીંનું સૌથી ખૂબસૂરત ફૂલ ગણાઈ છે. સબાહમાં માઉન્ટ કિનાબાલુ રસ્તો ખૂબ જ રોમાંચક છે. સબાહમાં સંગ્રહાલય, મસ્જિદ, બગીચા તેમ જ નૅશનલ પાર્ક જોવા જેવાં સ્થળોની યાદીમાં આવે છે.

જેમ ભારત દેશ વિવિધ સંસ્કૃતિ અને રીતરિવાજો માટે જાણીતો છે એમ મલેશિયા પણ એશિયાના તમામ દેશની સંસ્કૃતિ જાળવી રાખવા માટે જાણીતો છે. અહીં જેટલાં હિન્દુનાં મંદિરો અને સંસ્કૃતિ જોવા મળે છે એટલી મસ્જિદ પણ છે. એક સ્થાને લિટલ ચીન છે તો એક સ્થાને પોર્ટુગીઝ વસાહ

નેચર વન્ડર

મલેશિયામાં મસમોટાં મકાનો, શાનદાર ઇમારત અને મૉલ્સ ઉપરાંત કુદરતી ખૂબસૂરતી ધરાવતી અનેક જગ્યાઓ પણ છે જેમાંની એક છે માઉન્ટ કિનાબાલુ જે ૪૦૦૦ મીટર કરતાં પણ ઊંચી જગ્યાએ છે જેને લીધે એ સાઉથ ઈસ્ટ એશિયાની સૌથી ઊંચી જગ્યા તરીકે પણ ઓળખાય છે. એટલું જ નહીં, પરંતુ ટ્રૅકિંગ માટેનું પ્રિય સ્થળ પણ છે. પરંતુ હા, અહીં ટ્રૅકિંગ કરતાં પૂર્વે તમે પૂર્ણ રીતે ફિટ છો એની ખાતરી કરી લેવી કેમ કે અહીં ટ્રૅકિંગ માટે કોઈ ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવતાં નથી, માત્ર એક ગાઇડ તમારી સાથે આવી શકે છે. માઉન્ટ કિનાબાલુની જેમ બીજું એક સ્થળ છે કૅમેરૂન હાઇલૅન્ડ્સ જે પૂર્વમાં આવેલું ઊંચું સ્થળ છે. અહીં ચાના પુષ્કળ બગીચાઓ આવેલા છે. અહીં પહાડી બકરીઓ પણ જોવા મળશે. અહીં અનેક પૉઇન્ટ્સ પણ છે જ્યાંથી સુંદર હિલ્સ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર જગ્યાઓ જોઈ શકાશે. અહીં ચાની અનેક રેકડીઓ પણ છે એટલે ચાની ચૂસકી લેતાં-લેતાં અહીંના વાતાવરણને માણી શકશો. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પેનાંગ હિલ્સ. જે મલેશિયાનું પહેલું હિલ સ્ટેશન કહેવાય છે. જ્યોર્જ ટાઉનથી પેનાંગ હિલ્સનું અંતર છ કિલોમીટર છે તેમ જ અહીં પુષ્કળ ઠંડી પણ પડે છે. મલેશિયાનાં પ્રમુખ આકર્ષણોમાં પેનાંગ હિલ્સનો સમાવેશ થાય છે. અહીં ફિશિંગ ઉપરાંત સ્નૅક ટેમ્પલ, કેક લોક સી ટેમ્પલ, ધમ્મીકર્મા બર્મિસ ટેમ્પલ જેવાં અનેક સ્થળોની મુલાકાત લેવા જેવી છે.

ઉષ્ણકટિબંધ જંગલો જોવામાં રસ ધરાવતા હો તો ‘તમન નેગારા’ બેસ્ટ ઑપશન બનશે. આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. કહેવાય છે કે આ ઉદ્યાન ૧૩ કરોડ વર્ષ જૂનું છે. આ પાર્કના વિસ્તારની વાત કરીએ તો એ લગભગ ૧૦૦ કિલોમીટર લાંબું છે. આ પાર્કમાં ફરવા માટે અનેક જગ્યાએ રસ્સીના પુલ બનાવવામાં આવેલા છે જેના પરથી પસાર થઈને જંગલ ફરી શકાય છે. જંગલ હોવાથી અહીં વિવિધ પ્રકારનાં અનેક ઝાડ અને છોડવા જોવાં મળશે સાથે-સાથે જંગલી પ્રાણીઓ અને દુર્લભ કહી શકાય એવાં પક્ષીઓ પણ અહીં જોવાં મળશે. અહીંના મલય વાઘ, કેકડા ખાવાવાળા લંગુર, ભારતીય હાથી, દુર્લભ મલય મોર, તીતર તમારું દિલ ન જીતી લે તો જ નવાઈ!

તમને ખબર છે?

આબોહવાની બાબતમાં મલેશિયા સૌથી સ્વચ્છ દેશ ગણાય છે. એવું કહેવાય છે કે અહીં શ્વાસની સમસ્યાને લઈને સૌથી ઓછાં મોત થાય છે.

મલેશિયામાં હાઇવે સૌથી વધારે છે. એવું કહેવાય છે કે જો એનું માપ કાઢવામાં આવે તો એ ધરતીની પરિઘ કરતાં પણ વધુ થઈ જશે.

અહીં ઇન્ટરનેટનું ચલણ ઘણું ઓછું છે. ઘણી ઓછી સંખ્યામાં લોકો અહીં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

મલેશિયામાં ભારતીયો અને ચીનના લોકોની વસ્તી સૌથી વધારે છે.

આમ તો અહીંની મુખ્ય ભાષા મલય છે, પરંતુ આ સિવાય દેશમાં ૧૩૦ જેટલી અન્ય ભાષા પણ બોલવામાં આવે છે.

મલેશિયામાં આવેલો સિપાદાન દ્વીપ દુનિયાનું સૌથી બેસ્ટ ડાઇવિંગ સ્થળ ગણાય છે.

મલેશિયાના ગુનુંગ મુલુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલી સારાવાક ગુફા દુનિયાની સૌથી મોટી ગુફા ગણાય છે.

ક્વાલા લમ્પુરમાં આવેલો પેટ્રોનાસ ટાવર દુનિયાની સૌથી ઊંચી ઇમારતમાંનો એક છે. 

મલેશિયામાં સૌથી વધુ ઝેરીલા કોબ્રા સાપ પણ જોવા મળે છે જેની લંબાઈ પાંચ મીટર કરતાં વધુ છે.

અહીં એક કિનાબાલુ નૅશનલ પાર્ક આવેલું છે જેમાં સૌથી ગંદી દુર્ગંધ ધરાવતું એક ફૂલ ખીલે છે જેનું કદ અને વજન અન્ય ફૂલો કરતાં અનેકગણું વધારે હોય છે.

દુનિયાનું સૌથી મોટું ઈંડું મલેશિયામાં મળ્યું હતું જેનું કદ ૧૫ સેન્ટિમીટર હતું.

મલેશિયાને રૂપેરી પડદાથી વિશેષ લગાવ નથી. અહીં વર્ષ દરમ્યાન માંડ ૧૫ જેટલી ફિલ્મો બને છે, જ્યારે આખા દેશમાં માત્ર ૨૫૦ થિયેટર જ છે.

મલેશિયામાં આવેલો પીનાગ પુલ એશિયાનો ત્રીજો સૌથી લાંબો પુલ છે જેની લંબાઈ ૧૩.૭ કિલોમીટર છે.

ક્યારે અને કેવી રીતે જવું?

અહીં આવવા માટેનો બેસ્ટ સમય ડિસેમ્બરથી માર્ચ સુધીનો છે. આમ તો આખું વર્ષ અહીં ફરવા માટે સારું હોય છે, પરંતુ આ સમયગાળા દરમ્યાન અહીંનું વાતાવરણ ગમે એવું હોય છે. મલેશિયામાં ક્વાલા લમ્પુર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ આવેલું છે જ્યાં અંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઊભી રહે છે. મલેશિયાથી ભારત વચ્ચેનું અંતર ૩૦૦૦ કિલોમીટર છે એટલે હવાઈ માર્ગ સૌથી સુલભ છે. દેશનાં મુખ્ય શહેરોમાંથી ક્વાલા લમ્પુર સુધી જતી ફ્લાઇટની ફ્રિક્વન્સી વધારે છે. મલેશિયા સુધી પહોંચવા માટે ક્રૂઝ પણ એક બેસ્ટ વિકલ્પ બની રહે છે, પરંતુ આ માર્ગ થોડો લાંબો બની શકે છે.

travel news malaysia darshini vashi columnists weekend guide