જાનમાં સફેદ ઘોડી કે વિન્ટેજ ગાડી?

14 December, 2019 01:16 PM IST  |  Mumbai | Arpana Shirish

જાનમાં સફેદ ઘોડી કે વિન્ટેજ ગાડી?

વિન્ટેજ ગાડી

વેડિંગ-પ્લાનરો દુલ્હા-દુલ્હનની એન્ટ્રી લગ્નમંડપમાં કઈ રીતે કરાવવી એ વિશે સતત કંઈ ને કંઈ ક્રીએટિવ કરતા રહે છે. બીજી બાજુ યંગ દુલ્હાઓ પણ હવે ટ્રેડિશનલ ઘોડીને બદલે બારાત દેખાવમાં ક્લાસી અને રૉયલ લાગે એ માટે દુર્લભ અને મોંઘેરી ગાડીમાં પોતાની દુલ્હનને લેવા જવાનું પસંદ કરી રહ્યા છે. લક્ઝરી ગાડી ખરીદ્યા પછી પણ જે કારમાલિકો થોડું કમાવા માગતા હોય તેઓ આ રીતે લગ્નપ્રસંગોમાં પોતાની ગાડી ભાડે આપે છે જેથી આ ગાડીઓનો ભારેખમ મેઇન્ટેનન્સનો ખર્ચ નીકળી જાય. આજે કાર હાયરની એજન્સીઓ પાસે ૧૯૪૬ શેવરોલે સેડાનથી લઈને રોલ્સ રૉય્સ ઘોસ્ટ સુધી જે જોઈએ એ મળી રહે છે. બીજી બાજુ લક્ઝરી કાર ખરીદવાનું અફૉર્ડ ન કરી શકનારા લોકો ઍટ લીસ્ટ લાઇફમાં નહીં તો પોતાના જીવનના સૌથી મોટા દિવસે મોંઘેરી ગાડીનો શોખ પૂરો કરે છે. લક્ઝરી કાર હાયરનો બિઝનેસ છેલ્લાં કેટલાંક વર્ષથી ખૂબ ફૂલ્યોફાલ્યો છે. આવી જ કેટલીક ગાડી ભાડે અપાવતી કંપનીઓ પાસેથી ચાલો જાણીએ વેડિંગ સીઝનનાં આ રૉયલ ટ્રેન્ડ વિશે.   

ફિલ્મથી આવ્યો ટ્રેન્ડ

૨૦૧૧માં આવેલી ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મમાં ફરહાન અખ્તરે પોતાના ફ્રેન્ડની ૧૯૪૯ સ્કાય બ્લુ બિક સુપર કન્વર્ટિબલ ભાડે લીધી હતી અને આ જ સીન વેડિંગ-પ્લાનરોને જાણે એક નવો આઇડિયા આપી ગયો. જોકે આ ટ્રેન્ડ હજી બે વર્ષ પહેલાં સુધી દિલ્હીના બિગ ફેટ પંજાબી વેડિંગ્સ સુધી જ સીમિત હતો, પણ હવે મુંબઈના દુલ્હાઓને પણ વિન્ટેજ અને લક્ઝરી કારનો ચસકો લાગી ગયો છે. મુંબઈમાં લગ્નમાં આવી ગાડીઓની વધતી ડિમાન્ડ વિશે વાત કરતાં લવ ડૂડલ નામની એક કંપનીની ધ્રીતી મહેતા કહે  છે, ‘લાઇફમાં બધાને એક સ્ટેપ આગળ જવું હોય છે. જેની પાસે રેગ્યુલર કાર હોય તેઓ પોતાનાં લગ્નમાં લક્ઝરી કારનો શોખ રાખે છે અને જેમની પાસે ઑલરેડી લક્ઝરી કાર હોય તે વિન્ટેજ કારમાં જાન લઈને જાય છે. આ ટ્રેન્ડ છેલ્લાં કેટલાંક વર્ષથી ટ્રેડિશનલ ઘોડી અને રથને ટક્કર આપી રહ્યો છે.’

આ વાત સાથે સહમત થતાં કાંદિવલીની ભણસાલી કાર હાયરના વિનોદભાઈ ભણસાલી કહે છે, ‘સામાન્ય માણસ પણ આજે લગ્નમાં સ્કોડા અને આઉડી પ્રિફર કરે છે, પછી ભલે એને માટે એક્સ્ટ્રા રૂપિયા ખર્ચવા પડે. આખરે લગ્ન તો એક જ વાર થાય.’

મોંઘેરી બારાત

દરેક લગ્નનું એક બજેટ હોય છે, પણ આજે એવો જમાનો છે જ્યાં લોકો લગ્નમાં ૧૦૦૦ને બદલે ૬૦૦ મહેમાનોને જ બોલાવે છે, પણ લગ્નમાં ભભકો કોઈ રજવાડાને ટક્કર આપે એવાં હોય છે. આાં જ રૉયલ લગ્નના બજેટનો એક ભાગ એટલે વિન્ટેજ ગાડીનું ભાડું. આ વિશે જણાવતાં ધ્રીતી કહે છે, ‘જેવી ગાડીની કિંમત અને ડિમાન્ડ એવું એનું ભાડું. આઉડી અને બીએમડબલ્યુ જેવી લક્ઝરી ગાડીઓનું ભાડું આઠ કલાક માટે ૧૦૦૦થી શરૂ થઈને ગાડીની સિરીઝ પ્રમાણે લાખ રૂપિયા સુધી જઈ શકે છે. લિમોઝીન તેમ જ પોર્શે અને મર્સિડીઝ જેવી ગાડીઓનું ભાડું એનાથીય વધુ છે. જ્યારે વિન્ટેજ ગાડીઓનું ચારથી પાંચ કલાકનું ભાડું ૪૫૦૦૦થી શરૂ થાય છે. ૧૯૩૨ શેવરોલે, હડસન કે ઇમ્પાલા જેવી વિન્ટેજ કારના શોખીનો ૪-૫ કલાક માટે દોઢથી બે લાખ રૂપિયા સુધીનું ભાડું આપતાં જરાય સંકોચ નથી કરતા.’

આ વિશે વધુ જણાવતાં વિનોદભાઈ ભણસાલી કહે છે, ‘ગુજરાતીઓ અહીં પણ બજેટ ન વધે એનું ધ્યાન રાખે છે. જો કોઈ મિત્ર કે સંબંધી પાસે આવી લક્ઝરી કાર હોય તો તેઓ પહેલાં એનાથી જ કામ ચલાવવાનું પસંદ કરે છે અને પછી જ રેન્ટ વિશે વિચારે છે.’

પ્રોફાઇલ જોઈને આપવામાં આવે ગાડી

ગાડીઓનું ૪થી ૮ કલાકનું ભાડું આટલું બહુ કહેવાય એવો વિચાર આવતો હોય તો જાણી લો કે ભાડું ફક્ત ગાડીનું જ નહીં, એની સાથે ગાડી ચલાવવા માટે આવતા સ્પેશ્યલી ટ્રેઇન્ડ ડ્રાઇવરનું પણ છે. આ ગાડીઓ સેલ્ફ ડ્રાઇવ માટે નથી આપવામાં આવતી. જો ગાડી જોઈતી હોય તો સાથે ટ્રેઇન્ડ ડ્રાઇવર પણ આવશે અને જો એને લાગશે કે કોઈ રોડ કે ગલી ગાડી લઈ જવાને લાયક નથી તો તે નહીં લઈ જાય. વધુમાં ગાડીનો દરવાજો ખોલ-બંધ કરવાની પણ પરવાનગી નથી હોતી. ડ્રાઇવર જ એ કરે છે, જેથી ગાડીનો કોઈ પણ ભાગ કોઈ પણ નાની ભૂલને લીધે ડૅમેજ ન થાય. આ વિશે વધુ જણાવતાં ધ્રીતી કહે છે, ‘વિન્ટેજ ગાડીઓના ઓનર મોટા ભાગે પારસી છે. તેઓ પોતાની ગાડીને જીવની જેમ સાચવે છે. એટલી હદે કે જ્યારે કોઈ ક્લાયન્ટને લગ્નમાં વિન્ટેજ ગાડી જોઈતી હોય ત્યારે અમારે તેમનો પૂરો પ્રોફાઇલ તૈયાર કરીને ગાડીના માલિક પાસે લઈ જવાનો, જેમાં ક્લાયન્ટનું બૅકગ્રાઉન્ડ, તેમની પાસે ઑલરેડી કેવી ગાડીઓ છે, લગ્નમાં કેવું ક્રાઉડ આવશે અને ગાડી કયા રસ્તા પરથી નીકળશે એવી બધી જ ડિટેલ પૂરી પાડવાની હોય છે. બધી જ વાતે જો ક્લાયન્ટ યોગ્ય લાગે તો જ માલિક વિન્ટેજ ગાડી આપવા માટે તૈયાર થાય. મુંબઈના સબર્બ્સના બિઝી રોડ કરતાં જો લગ્નસ્થળ સાઉથ બૉમ્બે હોય તો તેમને પહેલો પ્રેફરન્સ કારણ કે પીક-અવર્સ દરમ્યાન જો ટ્રાફિક હોય તો ગાડી ડૅમેજ થવાના ચાન્સ વધી જાય.’

આ સિવાય લક્ઝરી અને વિન્ટેજ ગાડી પર કરવામાં આવતા ડેકોરેશન માટે પણ નિયમ હોય છે. ગાડી પર રેગ્યુલર ડેકોરેશનમાં વાપરવામાં આવતી ટેપ વાપરવાની ખાસ મનાઈ હોય છે જેથી કારના કલરને નુકસાન ન થાય.

ડિમાન્ડ વધુ, સપ્લાય ઓછી

વિન્ટેજ કારની ડિમાન્ડ લગ્ન માટે તેમ જ સ્પેશ્યલ ઓકેઝન પર જૉય રાઇડ માટે છેલ્લા કેટલાક સમયથી વધી ગઈ છે. જોકે ડિમાન્ડ સામે સપ્લાય લિમિટેડ છે એવું જણાવતાં ધ્રીતી ઉમેરે છે, ‘વિન્ટેજ ઍન્ડ ક્લાસિક કાર ક્લબ ઑફ બૉમ્બે લગ્નપ્રસંગો માટે ગાડી ભાડે આપવાની ચોખ્ખી ના પાડે છે. બાકીના જે માલિકો પાસે પોતાની પર્સનલ ગાડી છે તેઓ પોતાના પ્રાઇડ પઝેશન સમી કાર આપવા માટે જલદી તૈયાર નથી થતા. વળી મુંબઈમાં જેટલા વેડિંગ-પ્લાનર કે કાર હાયર બિઝનેસ પાર્ટનર્સ છે તેમના સોર્સ તો કૉમન જ છે એટલે લગ્ન સીઝન વખતે ડિમાન્ડ ચારે બાજુથી હોય છે પણ સપ્લાય ખૂબ લિમિટેડ.’

પશુપ્રેમીઓની પહેલી પસંદ

એક લક્ઝરી કે રૉયલ ફીલિંગ લેવા સિવાય ગુજરાતીઓમાં પોતાના ટ્રેડિશન કરતાં પણ કોઈ જીવને તકલીફ ન પહોંચે એ વાતનું પહેલું ધ્યાન આપવામાં આવે છે. ઘોડા પર બેસવાથી, એને ભરતડકામાં રસ્તા પર નચાવવાથી અને ઘોંઘાટને લીધે મૂંગાં પ્રાણીને થતી તકલીફને લીધે આજના યંગસ્ટર્સ ઘોડીને બદલે ગાડીને પહેલું પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ગાડીમાં બેસી જ ન રહેવું પડે અને પોતાની જાન પણ એન્જૉય કરી શકાય એટલે યુવાનો ખાસ ઓપન રૂફવાળી કન્વર્ટિબલ ગાડીઓ પસંદ કરે છે. આવી ગાડીઓનો સૌથી મોટો ફાયદો એ કે એમાં ફોટોશૂટ અને વેડિંગ ફિલ્મ ખૂબ સારી રીતે શૂટ કરી શકાય છે. જે લાઇફટાઇમ મેમરી બનાવવામાં મદદ કરે છે.

શું છે ડિમાન્ડમાં?

જીવનમાં લગ્ન એક જ વાર થાય એટલે એને યાદગાર બનાવવા અનિવાર્ય છે. નૉર્મલી સામાન્ય ગાડીઓમાં ફરતાં કપલ્સ પોતાનાં લગ્નમાં લક્ઝરી કારમાં સ્કોડા, આઉડી, મર્સિડીઝ ઈ-ક્લાસ, જૅગ્વાર, લિમોઝીન, બેન્ટલી, પૉર્શે, બીએમડબલ્યુ કન્વર્ટિબલ જેવી ગાડીઓ જ્યારે રૉયલ ટચ આપવા માગતો વર્ગ ઇમ્પાલા, બેન્ટલી, ૧૯૩૨ શેવરોલે, ફૉર્ડ ૧૯૬૨, બ્યુએક, સ્ટુડ્બેકર જેવી વિન્ટેજ કાર પસંદ કરે છે.

weekend guide columnists