સિમ્બા,અવેન્જર્સ-એન્ડગેમ, વૉર, ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઇક અને ચાલ જીવી લઈએ

04 February, 2020 01:50 PM IST  |  Mumbai | Sanjay Goradia

સિમ્બા,અવેન્જર્સ-એન્ડગેમ, વૉર, ઉરી-ધી સર્જિકલ સ્ટ્રાઇક અને ચાલ જીવી લઈએ

ચાલ ફરી લઈએઃ ઉત્તરાખંડમાં આવેલા ચોપતા ગામને ટૂરિસ્ટ-સ્પૉટમાં સમાવવામાં આવ્યું, હૅટ્સ ઑફ ટુ ‘ચાલ જીવી લઈએ’.

મિત્રો, ઘણા મારી આ સિરીઝ વાંચીને એવું કહે છે કે આ આત્મકથા છે, પણ હું મારી નાટકોની આ જર્નીને ‘કારકિર્દી કથા’ નામ આપું છે. એક કારકિર્દીને તૈયાર થવામાં કેવા સંઘર્ષોમાંથી પાર થવું પડે છે અને એ દરમ્યાન કેવું-કેવું, જોવું-જીવવું પડે એની એમાં વાતો છે અને એટલે જ આ સિરીઝને નામ આપ્યું છે ‘જે જીવ્યું એ લખ્યું.’ આ સિરીઝમાં આ એક વીક આપણે નાનકડો બ્રેક લઈને બીજી વાત કરવાની છે. સામાન્ય રીતે બીજી વાતો કરવાનો અવસર આવતો નથી, પણ આજે એ અવસર આવ્યો છે. આજે આપણે વાત કરવી છે એક ગુજરાતી ફિલ્મની, નામ છે એનું ‘ચાલ જીવી લઈએ.’

આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જ એના વિશે લખવું હતું, પણ કોઈક કારણસર રહી ગયું. ફિલ્મ ઑલરેડી એકાવનમા વીકમાં પ્રવેશી ચૂકી છે અને ગયા શુક્રવારે એને નવેસરથી રિલીઝ કરવામાં આવી છે. આમ તો મોડું થઈ ગયું કહેવાય, પણ કહે છેને, દેર આયે દુરુસ્ત આયે. ફિલ્મ ગુજરાતી અને એ પણ સુપરડુપર હિટ થઈ એ વાતનો આનંદ તો ખરો જ, પણ સાથોસાથ ફિલ્મના લેખક-દિગ્દર્શક વિપુલ મહેતા માટે પણ એટલી જ ખુશી. વિપુલે મારાં ૬૫થી વધુ નાટકોનું દિગ્દર્શન કર્યું છે અને અમારો ઘરોબો બહુ સારો છે. જ્યારે તમારા મિત્રનું કાર્ય આટલું સફળ થાય ત્યારે તમને આનંદ થાય જ થાય.

ખુશીની બીજી વાત, ફિલ્મના લીડ ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા પણ મારા ખૂબ સારા મિત્ર, કહો કે ૮૦ના દસકાથી અમે ભાઈબંધ. મારા પ્રોડક્શન સિવાયનાં બહારનાં નાટકોમાં મેં કામ કર્યું હોય એમાં સિદ્ધાર્થે દિગ્દર્શન કર્યું હોય એવાં નાટકોની સંખ્યા ઘણી છે. સિદ્ધાર્થનો આખો ગ્રાફ મેં મારી આંખે જોયો છે અને એટલે જ સિદ્ધાર્થની તમામ સફળતા માટે પણ મને આનંદ હોય એ સહજ છે. ખાસ વાત, સિદ્ધાર્થે ઍક્ટિંગ પણ બહુ સરસ કરી છે. આ ફિલ્મ પહેલાં વિપુલ મહેતાની બે ફિલ્મો આવી હતી; એક, ‘કૅરી ઑન કેસર’ અને બીજી ‘બેસ્ટ ઑફ લક લાલુ.’ ‘બેસ્ટ ઓફ લક લાલુ’ તો મારા દીકરા અમાત્યએ વિપુલ સાથે કો-રાઇટર તરીકે લખી પણ છે. વિપુલની આ બન્ને ફિલ્મો સારી હતી, પણ એમાં ‘એક્સ-ફૅક્ટર’ની કમી હતી. આ એક્સ-ફૅક્ટર એટલે કે ગુજરાતી ફિલ્મ સારી નહીં પણ ખૂબ-ખૂબ સારી બનાવો અને જો એ એક્સ-ફૅક્ટર હોય તો જ ગુજરાતી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર હિટ થાય. ગુજરાત ત્રણ બાજુએથી હિન્દી રાજ્યો સાથે જોડાયેલું છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર ઉપરાંત આંશિક રીતે મધ્ય પ્રદેશ પણ ગુજરાતને સ્પર્શે છે. આ ત્રણ હિન્દી રાજ્યોને કારણે ગુજરાતમાં હિન્દી બોલવાનો અને સમજવાનો મહાવરો સૌને છે. તામિલ, કન્નડ કે તેલુગુ ફિલ્મ માટે આ વાત લાગુ નથી પડતી, કારણ કે ત્યાં હિન્દી બોલાતું તો નથી જ, પણ સમજાય પણ બહુ ઓછું. આ જ કારણસર ત્યાં રીજનલ ફિલ્મો વધુ ચાલે છે. ત્યાંની પ્રજાને મહદંશે એ લોકલ ભાષા જ સમજાય છે, પણ ગુજરાતીઓ માટે આ વાત લાગુ પડતી નથી. હિન્દીની જાણકારી હોવી એ ગુજરાતી ફિલ્મો માટે મોટી ચૅલેન્જ છે. હિન્દી જાણતા હોવાને કારણે હિન્દી ફિલ્મો સાથે સીધી સરખામણી થાય છે તો બીજી બાજુએ ટિકિટના રેટ પણ નડતર બને છે. આજના સમયમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ટિકિટના ભાવ લગભગ સરખા છે.

ગુજરાતી ફિલ્મો બનાવનારા મિત્રોને હું કહેતો હોઉં છું કે જો તમે એક્સ્ટ્રા-ઑર્ડિનરી ફિલ્મો બનાવો તો જ એ હિન્દી ફિલ્મો સામે બૉક્સ-ઑફિસ પર ટકે. વિપુલની અગાઉની બન્ને ફિલ્મોમાં આ એક્સ્ટ્રા-ઑર્ડિનરીપણું ખૂટતું હતું અને એની અસર પણ તેણે સહન કરી. સારી હોવા છતાં એ ફિલ્મ જોવા લોકો ગયા નહીં અને કાં તો ઓછા ગયા.

વિપુલે ત્રીજી ફિલ્મ બનાવી, ‘ચાલ જીવી લઈએ.’ આ ફિલ્મ મેં કેવી રીતે જોઈ એની વાત કહું તમને. ફિલ્મ તૈયાર થઈ ગઈ. ફિલ્મ તૈયાર થાય એટલે વિપુલનો આગ્રહ હોય કે હું એ જોઉં. લાંબા સમયના વ્યાવસાયિક સંબંધો અને મિત્રતાને લીધે વિપુલ મારા અભિપ્રાયને મહત્ત્વ આપે. પછી એ નાટક હોય કે ફિલ્મ. એ સમયે મારા નાટકના સતત શો ચાલતા હતા એટલે હું પ્રિવ્યુ કે પ્રીમિયરમાં જઈ શકું એમ નહોતો. વિપુલે ખાસ પ્લાનિંગ કર્યું અને અંધેરીના એક સ્ટુડિયોમાં ફિલ્મ રિલીઝ થાય એના અઠવાડિયા પહેલાં ખાસ મારા માટે સવારે ૧૦ વાગ્યાનો પ્રિવ્યુ રાખ્યો.

‘યસ, આ જ... આ જ એ ફિલ્મ છે જેમાં એક્સ ફૅક્ટર ઉમેરાયું છે.’

ફિલ્મ જોઈને મેં વિપુલને કહ્યું હતું અને સાથે એ પણ કહ્યું હતું કે તારી આ ફિલ્મ બહુ ચાલશે. ફિલ્મ એક ફિનોમિના થઈ જશે એવું તો મેં ત્યારે નહોતું ધાર્યું, પણ ફિલ્મ બહુ ચાલશે, એને ઘણા અવૉર્ડ મળશે એવું મેં એ સમયે કહ્યું હતું. ફિલ્મ જોયા પછી મેં સિદ્ધાર્થને પણ ફોન કરીને કહ્યું હતું કે ફિલ્મ બહુ સરસ છે, ચાલવાના બહુ બ્રાઇટ ચાન્સિસ છે.

આવું મને શું કામ લાગ્યું એની વાત કહું તમને.

એક તો એની વાત. ફિલ્મમાં બાપ-દીકરાના સંબંધોની વાત છે એટલે યંગસ્ટરથી લઈને સિનિયર સિટિઝન સુધી બધાને સીધી કનેક્ટ કરશે એની મને ખાતરી હતી તો બીજી વાત એનું મેકિંગ. ફિલ્મમાં કેદારનાથનાં જે દૃશ્યો લેવાયાં છે એવાં દૃશ્યો તો હિન્દી ફિલ્મ ‘કેદારનાથ’માં પણ ઝીલવામાં આવ્યાં નથી. ‘ચાલ જીવી લઈએ’માં પહેલી વાર કેદારનાથ મંદિરનો શૉટ આવ્યો ત્યારે મારી આંખમાં પાણી આવી ગયાં હતાં. આ કનેક્ટ એ ફિલ્મ પ્રત્યેનો આદર કહેવાય.

ફિલ્મ હિટ થઈ અને જેવીતેવી નહીં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આગલા બધા રેકૉર્ડ એણે તોડી નાખ્યા. ‘છેલ્લો દિવસ’ ફિલ્મનું કલેક્શન ૪૦ કરોડ હતું, તો ‘ચાલ જીવી લઈએ’નું અત્યાર સુધીનું કલેક્શન ૫૦ કરોડથી વધારે છે અને હજી થિયેટરમાં ચાલી રહી છે. ન્યુએજ ગુજરાતી સિનેમાની પહેલી ફિલ્મ છે જે એકાવનમા વીકમાં પ્રવેશી છે. આ એકાવન વીકમાં એટલે કે એક વર્ષના ગાળામાં કેટલીય હિન્દી અને અંગ્રેજી મોટી ફિલ્મો આવી, પણ એની સામે આ ફિલ્મ ટકી રહી. એક ખાસ વાત કહું તમને. ઉત્તરાખંડ જનારા ગુજરાતી પ્રવાસીઓમાં આ ફિલ્મને કારણે સંખ્યા ખૂબ વધી ગઈ છે. દેશની ઇકૉનૉમી અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી માટે આ વાત ખૂબ સારી કહેવાય. ચોપતા નામના ગામમાં ફિલ્મનું શૂટિંગ થયું છે. ફિલ્મ પછી ચોપતાનું આકર્ષણ એટલું વધ્યું છે કે ટૂર-ઑપરેટર તેમના પ્લાનમાં ચોપતાની મુલાકાત ગોઠવે છે અને ચોપતાને ટૂરિસ્ટ-પ્લેસમાં સમાવ્યું છે. હું ઇચ્છું કે આ પ્રકારની ફિલ્મો બનતી રહે, બહુ જરૂરી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. ગુજરાતી ફિલ્મ હિટ થાય તો એક ગુજરાતી તરીકે એનો સૌથી વધારે આનંદ થાય જ, પણ નાટક સાથે સંકળાયેલા લોકો એમાં હોય તો એ ખુશી મને વધારે થાય જે સ્વાભાવિક છે. ‘ચાલ જીવી લઈએ’ માટે કોકોનટ ફિલ્મ્સના રશ્મિન મજેઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા અને વિપુલ મહેતા ઉપરાંત ફિલ્મ સાથે સંકળાયેલા સૌકોઈને અઢળક અભિનંદન.

સફાઈ, સ્વચ્છતાનું બેમિસાલ ઉદાહરણઃ બારડોલીમાં તમને કંઈ ખાસ ખાવા મળે એવું તમે માનતા ન હો તો તમારી આ માન્યતા રાધે નાસ્તા હાઉસમાં આવીને પડી ભાંગે.

ફૂડ ટિપ્સ

ભાવનગરમાં મગનું સેવ-ઉસળ ખાઈને અમે ફરી અમદાવાદ આવ્યા, જ્યાં મારા નાટક ‘સુંદર બે બાયડીવાળો’ના શો હતા, જે પતાવીને ચારેક દિવસ પછી અમે બારડોલી શો માટે ગયા. આ અગાઉ બારડોલીના ફેમસ પાત્રાનો ફૂડ-ટિપ્સનો રસાસ્વાદ તમને કરાવ્યો હતો. આ વખતે મને હતું કે બારડોલી જેવા નાનકડા ટાઉનમાં હવે બીજું કંઈ તમારા માટે નીકળશે નહીં, પણ થયું એવું કે સાંજે ટાઉનહૉલ પર જઈને કંઈક નાસ્તો કરવાનું વિચારીને હું થિયેટરની બહાર નીકળીને જમણી બાજુ વળ્યો કે ત્યાં જ એક લારીવાળો હતો, નામ હતું રાધે નાસ્તા હાઉસ. મને થયું કે આપણે પેટ ભરવું છે તો શું આગળ જવું. મેં એ ભાઈને પૂછ્યું કે શું મળશે એટલે તેણે મને કહ્યું મેથીના ગોટા. મેં એક પ્લેટ આપવાનું કહ્યું એટલે તેમણે જવાબ આપ્યો કે ૧૦ મિનિટ લાગશે. મેથીના ગોટા બનાવવામાં ૧૦ મિનિટ શાની?

પૂછ્યું તો મને કહે કે અમે બધી વસ્તુ ગરમ બનાવીને ગ્રાહકોને પીરસીએ છીએ અને મિત્રો, એ ભાઈએ આંખ સામે ગરમાગરમ મેથીના ગોટા બનાવ્યા. લારીની બીજી બાજુ એક નાનકડું ટેબલ હતું. હું ટેબલ પર જઈને બેઠો. બેઠો એટલે લારી બીજી બાજુએથી જોઈને હું તો દંગ રહી ગયો. એકદમ ચોખ્ખીચણક લારી. એક જગ્યાએ કચરો નહીં અને સફાઈ પણ એટલી જ ઉમદા. મેથીના ગોટા આવ્યા અને મેં ખાવાના ચાલુ કર્યા તો એ પણ લાજવાબ. હું તો આંગળાં ચાટતો રહી ગયો. ગોટા પછી તો મારી ભૂખ ઊઘડી અને એ પછી તો મેં કાંદા ભજિયાં, બટાટાપૂરી, સેવપૂરી અને છેલ્લે દહીંવડાં પણ ખાધાં. બધી આઇટમ એટલી જ ટેસ્ટી. સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરીને રાતે ૮ વાગ્યા સુધી એ લારી ખુલ્લી રહે છે. આ લારીનો એક નિયમ છે કે ઘરાકને સારામાં સારું ખાવાનું આપવું અને ચોખ્ખું આપવું. જે તેલ છે એનો ઉપયોગ પણ એ વારંવાર નથી કરતા. એક વખત આ લારી પર જઈને ટેસ્ટ કરશો તો તમને પણ સમજાશે કે સફાઈ અને ચોખ્ખાઈ પણ સ્વાદમાં ઉમેરો કરે છે.

જોકસમ્રાટ

પતિ-પત્ની એક દુકાનમાંથી બહાર નીકળ્યાં કે તરત જ સામે એક ફકીર મળ્યો. ફકીરે હાથ લંબાવીને કહ્યું, ‘એ હુસ્ન-એ-મલ્લિકા, ‍ઇસ અંધે ફકીર કો પાંચ રૂપૈયા દે દે...’

પતિએ વાઇફની સામે જોઈને કહ્યુંઃ ‘આપી દે, સાચે જ આંધળો છે.’

Sanjay Goradia columnists