કચ્છના ‘ક’ વર્ગના રાજ્યની વિદાય અને રાજકીય ભૂમિકા

31 March, 2020 06:24 PM IST  |  Kutch | Kishor Vyas

કચ્છના ‘ક’ વર્ગના રાજ્યની વિદાય અને રાજકીય ભૂમિકા

આજે સમગ્ર દેશમાં ૨૧ દિવસનો ‘લૉકઆઉટ’ સમય ચાલે છે એ સંજોગોમાં કચ્છમાં ૧૯૫૬માં ભુજમાં ૨૧ દિવસ ચાલેલા ખાદી ગ્રામોદ્યોગ પ્રદર્શનની યાદ આવી ગઈ! જેમ ૨૧ દિવસનો લૉકઆઉટ ઇતિહાસમાં સ્થાન પામશે એ જ રીતે એ પ્રદર્શન કચ્છની કળામય સજાવટ માટે આજે પણ ગૌરવભર્યું મીઠું સંભારણું બની રહ્યું છે. હા, એ સમય હતો કચ્છના ‘ક’ વર્ગના રાજવટનો! લોકોએ એમ માની જ લીધું હતું કે હવે આ સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે, કારણ કે કચ્છના વિકાસની સંખ્યાબદ્ધ શ્રેણીઓ ગતિશીલ બની ગઈ હતી. અનેકાનેક સુખદ પ્રસંગોનો આનંદ કચ્છની પ્રજાએ માણ્યો હતો. શિક્ષણ, સિંચાઈ, રેલવે અને વીજળી જેવી ઉત્થાનની અનેક દિશાઓ કચ્છ માટે એ સમયમાં જ ખૂલી હતી. રાજ્ય સરકાર જેમ પ્રવૃ‌ત્ત‌િથી પાંગરતી હતી એમ એમ સમાજ પણ એની સાથે તાલ મિલાવતો હતો. એક અભૂતપૂર્વ યુગલબંધીના તાલમાં કચ્છી પ્રજા ઝૂમી રહી હતી!

‘ક’ વર્ગના રાજ્ય વહીવટનાં આઠ વર્ષ અત્યંત આશીર્વાદજનક હતાં ત્યારે બહુ સ્વાભાવિક રીતે એ સવાલ ઊભો થાય કે તો એ દરજ્જો કેમ ઝૂંટવાઈ ગયો? એ રાજવટ સમાપ્ત કેમ થયો? આવા નિર્ણયો મોટા ભાગે રાજકીય રીતે જ લેવામાં આવતા હોય છે. એ જ રીતે કચ્છ માટે પણ નિર્ણય લેવાયો! ૧૯૪૭માં સ્વરાજ્ય આવ્યું અને ત્યાર બાદ જે રાજ્યો રચાયાં હતાં એના ત્રણ પ્રકાર હતા ‘અ’, ‘બ’ અને ‘ક’. જેમ કે મુંબઈ અને મદ્રાસ વગેરે ‘અ’ વર્ગનાં રાજ્યો બન્યાં હતાં, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદનો સમાવેશ ‘બ’ વર્ગના રાજ્યમાં થયો હતો, જ્યારે કચ્છને ‘ક’ વર્ગનું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. જોકે આવા ‘ક’ વર્ગનાં નવ રાજ્યો બનાવવામાં આવ્યાં હતાં જેમાં કુર્ગ, દિલ્હી, ભોપાલ, વિન્ધ્ય પ્રદેશ, અજમેર, હિમાચલ પ્રદેશ, મણિપુર અને  ત્રિપુરાનો પણ સમાવેશ થતો હતો.

હવે એ નવ રાજ્યોની રચના પણ અલગ-અલગ પ્રકારે કરવામાં આવી હતી. એ નવ રાજ્યોમાંથી છ રાજ્યોમાં ધારાસભા અને પ્રધાનમંડળો હતાં, જ્યારે કચ્છને માત્ર શરૂઆતમાં ઍડ્વાઇઝરી કાઉન્સિલ અને પછી ઍડ્વાઇઝરો મળ્યા હતા. બહુ સ્વાભાવિક રીતે આ ‘ક’ વર્ગનાં રાજ્યોને એ ખૂંચતું હતું કે તેમને ‘અ’ અને ‘બ’ વર્ગનાં રાજ્યો કરતાં ઊતરતો દરજ્જો કેમ આપવામાં આવ્યો હતો! સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ન હોવાથી આવક પણ માર્યાદિત બની રહેતી, પરિણામે વિકાસ માટે જોઈતાં નાણાં માટે કે વિકાસની રૂપરેખા ઘડવા માટે કેન્દ્ર સરકાર પર આધાર રાખવો પડતો હતો. તેમ છતાં પણ ‘ક’ વર્ગનાં મીઠાં ફળ સિવાય બીજાં ફળ વધારે મીઠાં હોય એની કલ્પના પણ કચ્છના લોકોને નહોતી! અંધાર યુગમાંથી મુક્તિ અપાવતો જે પ્રકાશ તેમને મળ્યો હતો એમાં પણ ખૂબ રાજી હતા કચ્છના લોકો!

પણ, બદલાવ આવ્યો અને આ રીતે આવ્યો! ભારતમાં ભાષાવાર પ્રાંતો રચવાની એક હિલચાલ ચાલુ થઈ હતી. કેન્દ્ર સરકારે રાજ્યોની પુનઃ રચના કરવા માટે એક કમિશન ૧૯૫૩ની ૨૯ ડિસેમ્બરે રચ્યું અને દેશનાં તમામ રાજ્યોનાં તમામ પાસાં વિશે વિચાર કરીને ભલામણ કરવા કમિશનને આદેશ આપ્યો. એ કમિશનના ચૅરમૅન તરીકે ફઝલઅલી હતા. પાનીકર અને કુંઝરું જેવી દેશની વિશિષ્ટ વ્યક્તિઓને તેના સભ્ય બનાવવામાં આવ્યા હતા. એ કમિશન ૧૯૫૫માં કચ્છ આવ્યું હતું. કચ્છના ભવિષ્યની દૃષ્ટિએ અનેક મંડળોએ ઘણા પ્રકારની રજૂઆતો કરી હતી. મોટા ભાગનાએ ‘ક’ વર્ગનું રાજ્ય ચાલુ રાખવાની જ માગણી કરી હતી. કચ્છને જરૂર હતી વિકાસભંડોળની એટલે શું કરવાથી એ સમસ્યા હલ થાય એની અવઢવ ચાલુ રહી હતી. એ જ કારણથી કેટલાકે કચ્છને મુંબઈ રાજ્ય સાથે જોડવાની રજૂઆત પણ કરી હતી. જો ગુજરાત રાજ્ય રચાતું હોય તો પણ કચ્છને વિકાસ માટે જરૂરી ભંડોળ મળવાનું હોય તો જ ગુજરાત રાજ્ય સાથે જોડવાની શરતો પણ મુકાઈ હતી.

૧૯૫૫ના વર્ષાન્તે કમિશને પોતાનો અહેવાલ જાહેર કર્યો એ મુજબ કચ્છને મુંબઈ રાજ્ય સાથે જોડવાની ભલામણ કરવામાં આવી હતી. એમાં કમિશને ભલામણ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘આર્થિક રીતે પછાત પ્રદેશો માટે ૧૦ વર્ષ સુધી કેન્દ્ર સરકારે સુપરવાઇઝરી પાવર પોતાની પાસે રાખવો અને એ અંગેની બંધારણમાં જોગવાઈ કરવી.’ ૧૯૫૬માં રાજ્યોની પુનઃ રચનાનો કાયદો પસાર કરવામાં આવ્યો. એક મહત્ત્વનો સુધારો પણ કરવામાં આવ્યો કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે બંધારણની કલમ-૩૭૧માં ‘ડેવલપમેન્ટ બોર્ડ’ રચવાની જોગવાઈ પણ કરવામાં આવી જે બન્ને પ્રદેશો માટે કોણીએ ગોળ ચોટાડવા સમાન બની રહી!

‘ક’ વર્ગના રાજ્ય તરીકે ચાલુ રાખવા અંગે કમિશને એવી દલીલ કરી હતી કે ‘એ ખરું છે કે જેમ રાજ્યો નાનાં હોય એમ વહીવટ વધુ લોકપ્રિય બની રહે અને વહીવટી તંત્ર તેમ જ પ્રજા વચ્ચે ગાઢ સંબંધ રહે, પરંતુ એ ગાઢ સંબંધ આખરે અંગત બની જઈને વિપરીત અસરો ઊભી કરી શકે છે! લોકશાહી માટે તો વ્યક્તિ નિરપેક્ષ રાજ વહીવટ જ જરૂરી હોય છે. આવાં બધાં કારણસર કમિશને કચ્છને મુંબઈ રાજ્યમાં સમાવવાની ભલામણ કરી અને ૧૯૫૬ની ૧ નવેમ્બરથી કચ્છ ‘ક’ વર્ગનું રાજ્ય ન રહેતાં મુંબઈ રાજ્યનો એક ભાગ બની ગયું. એ સાથે કચ્છ માટે નવો અધ્યાય શરૂ થયો!

જેમ દરેક સિક્કાને બે બાજુ હોય છે એમ ‘ક’ વર્ગના રાજ્યની પણ બે બાજુ જોવા મળી હતી. એકંદરે એ દરજ્જો કચ્છ માટે સારો સાબિત થયો હતો. ચીફ કમિશનરની સત્તા બધાં ખાતાંઓ પર હોવાથી લોકોની સમસ્યાઓનો તરત જ હલ નીકળતો હતો. અત્યારે જેને ‘વન વિન્ડો’ પદ્ધતિ કહીએ છીએ એવું જ! કોઈ પણ ખાતામાં તકલીફ હોય તો લોકો દોડીને ચીફ કમિશનર કે ઍડ્વાઇઝર પાસે જતા અને સ્થાનિકે એટલે કે ભુજમાં જ એનો નિકાલ થઈ જતો હતો. એ પણ એક વાસ્તવિકતા હતી કે એક જ જિલ્લો હોવાથી કર્મચારીઓને દૂર-દૂર બદલીના કારણે જવાની પણ ચિંતા નહોતી રહેતી. સૌથી મોટો ફાયદો એ હતો કે રાજ્ય કેન્દ્રની સત્તા હેઠળ હોવાથી કેન્દ્ર

સરકારની સહાયનો લાભ સારો મળતો હતો. નાના એકમ તરીકેના ફાયદા ‘ક’ વર્ગમાં મળી રહેતા.

પણ, સિક્કાની બીજી બાજુ હતી. ‘ક’ વર્ગનાં આઠ વર્ષ દરમિયાન પ્રજામાં સર્વત્ર રાજ વહીવટ પ્રત્યે સંતોષ કે આનંદ હતો જ એવું નહોતું, પરંતુ લોકોએ આ અગાઉ આવો વહીવટ જોયો નહોતો એટલે બીજી બાજુની તેમને પડી નહોતી. એ સમયમાં કચ્છમાંથી પ્રકાશિત થતાં વર્તમાનપત્રોમાં ‘ક’ વર્ગના રાજ્ય સામે ભારોભાર આક્ષેપો થતા રહેતા, ત્યારે પ્રજાને ખબર પડતી! એ સમયમાં પણ માધાપરની હૉસ્પિટલ પ્રશ્ને થયેલાં તોફાનો, વેચાણવેરા  વિરુદ્ધ થયેલાં વેપારી આંદોલન, એક મહિના સુધી કચ્છનાં ચાર શહેરમાં ચાલેલી સફાઈ-કામદારોની હડતાળ, કાળાબજાર, ભ્રષ્ટાચારના આક્ષેપો અને લાગવગશાહી વગેરે જોવા મળ્યાં હતાં.

કમિશને એના અહેવાલમાં જણાવ્યું હતું એ સાચું જ હતું કે ‘આવું રાજ્ય લોકોને ગમે પણ પછી ત્યાંનો વહીવટ વરિષ્ઠ અધિકારી કે નેતાઓનો અંગત વહીવટ બની જાય’. બસ એવાં લક્ષણો દેખાવાં શરૂ થઈ ગયાં હતાં. કમિશને જ્યારે કચ્છને મુંબઈ રાજ્યમાં મૂકવાની ભલામણ કરી હતી એ વખતે મહાગુજરાત જુદું રચવાની માગણી સાથેનું આંદોલન પણ શરૂ થઈ ગયું હતું, પરંતુ કમિશને કરેલી ભલામણ મુજબ મુંબઈ રાજ્યમાં વિદર્ભને પણ જોડવામાં આવ્યા પછી ‘બૃહદ દ્વિભાષી મુંબઈ રાજ્ય’ રચાયું હતું. આમ કચ્છ વિશાળ રાજ્યનો એક ભાગ બની ગયું. વિકાસ માટે વિલંબ થવાની ભારોભાર શક્યતાઓ વર્તાઈ રહી હતી. હવે કચ્છ માટે એ બાબતે જરૂર હતી સંગઠિત રાજકીય પક્ષની, પરસ્પર સુમેળ સાધવાની અને રાજકીય પ્રતિભા ઉપસાવવાની! આટલું થાત તો મોટા રાજ્યમાં પણ ફાયદા મેળવી શકાત.

પરંતુ ‘ક’ વર્ગના રાજ્ય તરીકે મળેલો આનંદ લોકો માટે અનેરો હતો! આજે પણ પ્રજાને એ યુગ વધારે યાદ છે, પણ એ ધીરે-ધીરે સરકતું જતું સ્વપ્ન જ બની રહ્યું! સમયના બદલાતા જતા પ્રવાહમાં કચ્છની સ્થિતિ ઘર બદલતી બિલાડી જેવી થતી રહી! સરી ગયેલો આનંદ ફરી પાછો ક્યારેય માણવા ન મળ્યો! મુંબઈ રાજ્યમાં હજી કચ્છ ગોઠવાય ત્યાં સુધીમાં એટલે કે સાડાત્રણ વર્ષના કચ્છ જેવા નાનકડા બાળકને આંગળી પકડીને ગુજરાત રાજ્યમાં છોડી દેવાયું!

kutch kishor vyas columnists