કે. સી. કૉલેજના ડૉનથી બચવા મને બાબુભાઈ મેઘજી શાહ યાદ આવ્યા

25 June, 2020 05:03 PM IST  |  Mumbai | Latesh Shah

કે. સી. કૉલેજના ડૉનથી બચવા મને બાબુભાઈ મેઘજી શાહ યાદ આવ્યા

બાબુભાઈ મેઘજી શાહ

ગયા ગુરુવારે ગનીખાન વિશેની વાત કરતા હતા યાદ છેને આપને? એ રસિક, રહસ્યસભર, ઉત્તેજના અને ઉત્કટતાથી છલકાતી વાત હું આપની સાથે નિર્ભય થઈ શૅર કરી રહ્યો છું. કે. સી. કૉલેજ જીવનનું એવું સંભારણું છે કે વાત વરસો સુધી વાગોળતા રહીએ તોય ખૂટે નહીં. ૧૯૭૦થી ૧૯૮૫નો કે. સી. કૉલેજનો મારો સુવર્ણકાળ રહ્યો. વચમાં ચાંદીકાળ, તાંબાકાળ, પિત્તળકાળ, લોખંડકાળ પણ આવ્યો.

 જીવનમાં બહુ બધું શીખ્યો, માબાપથી,  ઘરથી,  સ્કૂલથી, કૉલેજથી, શિક્ષકોથી, ગુરુઓથી, મિત્રોથી, માફિયાઓથી, કરેલી નાની-મોટી ભૂલોમાંથી, નાટકોમાંથી, ફિલ્મોમાંથી, મોટિવેશનલ સેમિનારોમાંથી, કરેલા ૪૫થી વધુ બિઝનેસોમાંથી, મારી કચ્છી સાહસિક કમ્યુનિટીમાંથી, ભારતભરમાં ‍ખેડેલા પ્રવાસમાંથી, દુનિયાના વિવિધ દેશોની વિવિધ પ્રજામાંથી, વિવિધ વૃત્તિ અને પ્રવૃત્તિ ધરાવતી સરકારમાંથી, જનમાનસના નિરીક્ષણમાંથી, રાજકારણીઓનાં ચિત્રવિચિત્ર વર્તનમાંથી, દુનિયાભરમાં રહેતી ગુજરાતી પ્રજામાંથી,  દુનિયાભરના પર્વતો પર ભટકવાથી, અલગારી, ઓલિયાઓ, સાધુસંતો, સ્પિરિચ્યુઅલ એન્ટિટીઓ, આધ્યાત્મિક અસ્તિત્વોનાં દર્શનોમાંથી, લેખકો, કવિઓ, ફિલોસૉફરો સાથેની બેઠકોમાંથી, જેના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયો એ સુજાતામાંથી, લગ્નમાંથી, છૂટાછેડામાંથી, નવી પેઢી સાથેની સમજણ-અસમજ્ણમાંથી બહુ જ બધું શીખ્યો છું. શીખતો જ રહું છું અને શીખતો જ રહીશ. એક વાત સંપૂર્ણપણે સમજાઈ એ કે આ દુનિયામાં વધુપડતા લોકો મીડિયોકર છે અને બહુ ઓછા સર્જનશીલ, ક્રીએટિવ અને મૌલિક છે જેમના દ્વારા આ દુનિયામાં ક્યારેક કોઈ બદલાવ આવે છે. તેમના થકી વિશ્વનું વસિયતનામું લખાય છે અને ભવિષ્યનું ભાથું બંધાય છે. આ જીવનને જોયું, જાણ્યું અને માણ્યું. પુષ્કળ અનુભવો પ્રાપ્ત કર્યા, બધાં જ કલ્પી ન શકાય એવાં જોખમો ખેડ્યાં. આ બધા અનુભવોમાંથી થઈ શકે એટલું મૌલિક લખાણ આલેખ્યું. સફળતા કરતાં નિષ્ફ્ળતાના પ્રેમમાં વધુ રહ્યો. ૩૦ ટકા સુપર સક્સેસ, ૪૦ ટકા સુપર ફેલ્યર, ૨૦ ટકા વચ્ચોવચ, ૧૦ ટકા આવેલી તકો જાણીજોઈને છોડી. આધિ, ઉપાધિ, વ્યાધિ જ સમાધિ તરફ જવાનો ઉતમ પથ છે, લબ્ધિઓ પ્રાપ્ત કરવાનો સુમાર્ગ છે એમ સમજીને હિંમતભેર પીડાઓ ભોગવી.
 આમાંની જ એક પીડા એટલે ગનીખાન સાથે થયેલો અનુભવ. તેણે અમને ચેતવણી આપી કે મૈં એક બાર બોલતા હૂં, દૂસરી બાર બજાતા હૂં. દસ હજાર રૂપિયા કલ મુઝે મિલના ચાહિએ. તે તો આમ કહીને જતો રહ્યો. એ વખતના દસ હજાર એટલે આજના દસ લાખ માની શકાય. અમે તો ઊલમાંથી ચૂલમાં પડ્યા. બકરું કાઢતાં ઊંટ પેઠું.
  ચોવીસ કલાકમાં ક્યાંથી ભેગા કરવા દ ... દ ..... દ ....  સ... સ..... સ હજાર.  
અલી તો સૂનમૂન થઈ ગયો હતો. હું તો વિચારવાને લાયક જ નહોતો રહ્યો.  
આ કૉલેજે એકથી એક એવા ચડિયાતા અનુભવો પીરસ્યા હતા કે અનુભવનારને જે બનવું હોય એ બનાવીને જ છોડે. મને લેખક બનાવવાનું સંપૂર્ણ શ્રેય હું કે. સી.ને જ આપીશ. 
થોડી વાર બ્લૅન્ક રહ્યા. બે ચા પીધા બાદ કળ વળી. દસ હજાર લાવીશું ક્યાંથી? 
મારા પપ્પા કરોડપતિ હતા, તે ધારે તો દસ આપી દે; પણ તેને કારણ ખબર પડે કે આ બધો બખેડો નાટક કરવા માટેનો છે તો મને કૉલેજમાંથી જ કઢાવી નાખે. ભૂલથી પણ પપ્પાને પુછાય જ નહીં. માને તો ક્યારેય પૈસા સંઘરવાનો શોખ નહીં. તેને જોઈએ ત્યારે પપ્પા પાસેથી માગી લે. હું અઢાર વર્ષનો હતો. મારી બહેન સાવિત્રી મારાથી ત્રણ વર્ષ નાની હતી. તેની પિગી બૅન્કમાં ૪૦૦ રૂપિયા જમા થયેલા એ તેણે મને ઑફર કર્યા. તે મને હંમેશાં સપોર્ટ કરતી. મારી નાટકની સ્ક્રિપ્ટ  લખી આપે. રાત્રે હું ઘરે મોડો આવું તો પપ્પા-મમ્મી જાગી ન જાય એ રીતે ચૂપચાપ દરવાજો ખોલી આપે. તે હંમેશાં મારા માટે મહાન જ રહી છે. આજે પણ કોઈ પણ લેવલ પર સપોર્ટ કરવા તૈયાર જ હોય. બીજાં ભાઈબહેનો ઊર્મિલા, હસમુખ, રમતારામ અને ભારતી હજી નાનાં હતાં.
હું અને અલી ફોન પર ટોટલ કેટલા રૂપિયા ભેગા થયા એનો કલાકે-કલાકે હિસાબ કરતા હતા. મારી પાસે ૬૪૦ રૂપિયા ભેગા થયા હતા અને તેની પાસે ૧૮૦૦ રૂપિયા ભેગા થયા હતા. દસ હજાર ભેગા થવાની કોઈ શક્યતા નહોતી જણાતી. ગનીખાનનો અવાજ પડઘાતો હતો, ‘એક બાર બોલતા હૂં, દૂસરી બાર બજાતા હૂં.’ હું તો રાતના ઊંઘમાંથી ઝબકીને જાગી જતો હતો. અરે સવારે શું થશેના ટેન્શનમાં અડધુંપડધું, પડખું ફેરવતો સૂતો ન સૂતો અને જેમ-તેમ કરીને સવાર પડી. પહેલી વાર પોતાની રીતે અલાર્મ વગર, પપ્પાની કિક વગર ઊઠી ગયો. ઘરમાંથી ફોન કરું તો પપ્પાને ખબર પડી જાય અને ગનીખાન પહેલાં તો પપ્પા જ બજાવી દે. નીચે જઈ પાડોશી વિઠ્ઠલના ઘરેથી અલીને ફોન કર્યો. તે તો પાડાની જેમ ઘોરતો પડ્યો હતો.
  શું થશે? આજે કૉલેજ જવું જ નથી. કૉલેજ નહીં જાઉં તો સોશ્યલની ટિકિટો નું શું થશે? ગની  ભાઈએ કહ્યું છે કે સોશ્યલ તો હોના હી ચાહિએ... પહેલી વાર જિંદગીમાં ભાઈ બનવાનો વિચાર આવ્યો. આ પ્રસંગ મેં મારા એક લિખિત-દિગ્દર્શિત એકાંકીમાં મેં હૂબહૂ મૂક્યો હતો. એ એકાંકી ૧૯૭૭માં મેં બુરહાની કૉલેજ માટે ભજવ્યું હતું. તેણે સેકન્ડ બેસ્ટ એકાંકીનો અવૉર્ડ લીધો હતો અને ગનીભાઈનું નામ મેં બદલી નાખ્યું હતું અને એ પાત્ર ભજવતા ઍક્ટરને બેસ્ટ ઍક્ટરનું પ્રાઇઝ મળ્યું હતું. નાટકમાં પાત્રો જ્યારે વાસ્તવિક વાતમાંથી વણાય ત્યારે અસરકારક બને છે.
 મૂળ વાત પર આવીએ. આઠ વાગ્યે અલીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તેનાથી વધારે ભેગા નહીં થાય. તેના પપ્પા લખનઉથી ત્રણ દિવસ પછી આવવાના હતા. ત્રણ દિવસ કૉલેજમાં જવાનું ટાળીએ. સોશ્યલનું શું થાય પચાસ ટિકિટ વેંચાઈ ગયી હતી અને ત્રણસો વેચવાની શક્યતા હતી. હું અસમંજસમાં ઘરે ભૂખ વગર નાસ્તો કરતો હતો અને મેં પપ્પાને કોઈ બાબુભાઈ સાથે વાત કરતા સાંભળ્યા અને મારા મગજની બત્તી ઝબકી. આમ દરેક ત્રીજું નામ એ જમાનામાં બાબુભાઈ સંભળાતું. નાનપણમાં બાબો ક્યારે બાબુમાં ફરી જાય એ ખબર જ ન પડે. મને પપ્પા બાબુભાઈ બોલ્યા અને મને બાબુભાઈ યાદ આવ્યા. બાબુભાઈ મેઘજી શાહ. ત્યારે બાબુભાઈ પણ પેપરના વેપારી હતા. તેમણે મારું કોઈ સમાજમાં કે ક્યાંક નાટક જોયું હશે તો એક-બે વાર મળ્યા ત્યારે મને ખૂબ માનથી બોલાવ્યો હતો. બાબુભાઈનું સમાજમાં ત્યારે ખૂબ માન હતું. 
પપ્પાના ગયા પછી ઘરની ટેલિફોન ડાયરી ખોલી બાબુભાઈના ઘરનો નંબર શોધી કાઢ્યો. બાબુભાઈને ફોન લગાડ્યો. પ્રભુને પ્રાર્થના કરી કે ફોન ઉપાડે. તેમણે ફોન ઉપાડ્યો. એ સમયમાં ટ્રૂ કૉલ ફૅસિલિટી નહોતી. તેમણે પૂછવું પડ્યું, ‘કોણ બોલો છો ભાઈ?’ મેં કહ્યું, ‘લતેશ બોલું છું.’ તેમણે તરત કહ્યું, ‘વાગડનો એકમાત્ર નાટ્યકાર લતેશ શાહને? બોલો લતેશભાઈ.’ એ જમાનામાં વાગડ આખામાં એક જ નામ લતેશ હતું. અને હું એકલો જ વાગડના વેપારી વાણિયા સમાજમાં નાટકિયો કહેવાતો. એટલે નામ કહું એટલે તરત સમાજનો કોઈ પણ માણસ ઓળખી જાય. 
તેમણે મને ફોર્ટમાં આવેલી તેમની દુકાન પર બપોરે બાર વાગ્યે બોલાવ્યો. હું કેવી રીતે બાબુભાઈ સામે રજૂઆત કરું એની ગડમથલમાં પડ્યો હતો. તેમની પાસે પૈસા માગું કેવી રીતે? 
કૉલેજ જવાનું બંધ કરું અને લાગવગ લગાવીને ભવન્સ કે વિલ્સન કૉલેજમાં ભરતી થઈ જાઉં. એ કૉલેજમાં ડૉન નહીં હોય એની શું ખાતરી? કે. સી. કૉલેજનો ત્યારે સાઉથ મુંબઈમાં વટ હતો. મારું નામ કૉલેજમાં પ્રખ્યાત થયું હતું. 
કાલબાદેવી ઘરેથી ચાલતો, વિચારતો, વાત ગોઠવતો, ફોર્ટમાં બાબુભાઈની મેઘજી ખીમજી કંપનીમાં ક્યારે પહોંચી ગયો એની ખબર જ ન પડી. હું અડધો કલાક મોડો હતો. મોઢું મચકોડ્યા વગર  બાબુભાઈએ ઉષ્માભેર મને આવકાર્યો. હું તેમની સામે બેઠો. ચૂપચાપ. તેમણે વાગડ કલા કેન્દ્ર અને મેં ત્યાં ભજવેલા નાટકનાં વખાણ કર્યાં. બાબુભાઈ ડાયરાના કલાકારોને આર્થિક અને માનસિક રીતે ખૂબ સપોર્ટ કરતા. તેઓ અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના ખાસ મિત્ર એટલે ભવિષ્યમાં મને નાટકોમાં તેમના થ્રૂ એન્ટ્રી મળવાની પૂરી શક્યતા હતી. બાબુભાઈ એટલે વાગડનો પહેલો ભડવીર જેણે રાજકારણમાં ઝંપલાવ્યું. આજે પણ ૭૭ વર્ષની ઉંમરે કચ્છ, ગુજરાત અને મુંબઈ વગર આળસે ટ્રેન, પ્લેનમાં અઠવાડિયામાં બે વાર તો આવતા-જતા દેખાય જ. ખરા અર્થમાં માણસ કહી શકાય એવો દિલદાર માણસ. પહેલો ઓસવાળ ગુજરાતનો ફાઇનૅન્સ મિનિસ્ટર બન્યો. નખશિખ ચોખ્ખો માણસ. કચ્છ વાગડનાં ગામેગામમાં દરેક વ્યક્તિને નામ-ચહેરા સાથે ઓળખે એવો મેધાવી માણસ. તેમના વિશે ઘણું લખી શકાય, પછી ક્યારેક. ૧૯૭૨-૭૩માં મારે તેમની પાસે મારી વાતની રજૂઆત કેમ કરવી એની મથામણ હતી. તેમણે વાત આગળ વધારી. તેઓ મારા પપ્પા, પાંચા લધા કારિયાના સારા મિત્ર હતા. મને ડર લાગ્યો કે મારા પપ્પાને કહી દીધું તો!
બહુ બધી આડીઅવળી વાતોમાં છેક છેલ્લે સુધી હું બોલી ન શક્યો. છેવટે બપોરના દોઢ વાગી ગયો. કૉલેજમાં ગનીખાન મારા માથે ગન મૂકવા રાહ જોઈને જ બેઠો હશે. તે ઊભા થયા, હું ઊભો થયો અને.... અને.... અને....
 પછી શું થયું? ગની માટે હું મની ભેગા કરી શક્યો કે તેણે મને દીવાલમાં ચણી નાખ્યો? આવતા ગુરુવારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ને આપની સમક્ષ આવી જશે. 
(ઘણા વાચકો મારા લેખોને ઈ-મેઇલ દ્વારા દાદ, પ્રતિસાદ, પ્રોત્સાહન આપે છે એ બદલ તેમનો આભાર. હું લગભગ બધાને જવાબ આપું છું, પણ જો કોઈને ભૂલેચૂકે જવાબ આપવાનું ચૂકી ગયો હોઉં તો દરગુજર કરશો. હું જરૂર જવાબ આપીશ જ.)

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
ક્યારે શું થશે એ કંઈ કહેવાય નહીં, ભીતર રહેલા ડરને હવે સહેવાય નહીં. મહિનાઓ સુધી ઘરની ભીતર રહેવાય નહીં. જવાની તાલાવેલી હોવા છતાં કામ વગર ક્યાંય જવાય નહીં. મુખે બુકાની બાંધી ફરતા લોકોને ડાકુ તરીકે સંબોધાય નહીં. વાત-વાતમાં હાથપગ, માથું, મોઢું ધોવાય. જે થવાનું હોય એ થાય, ચિંતા ન કરાય. જેને રહેવું હોય તે રહે અને જવું હોય તે જાય. બધા પડી રહ્યા ઉઘાડા, કોણ કોની ગાથા ગાય? જીવો ત્યાં સુધી ખુશ રહો. સુખી રહો.

latesh shah columnists