કર્મને ખપાવવા, નષ્ટ કરવા એનું નામ નિર્જરા

26 January, 2020 05:38 PM IST  |  Mumbai Desk | chimanlal kaladhar

કર્મને ખપાવવા, નષ્ટ કરવા એનું નામ નિર્જરા

આપણા આત્મા સાથે જે કર્મ લાગેલા છે, વળગેલા હોય છે એને ખપાવવા અને એને નષ્ટ કરવા એનું નામ છે ‘નિર્જરા’. ‘નિર્જરા’ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. આત્માને લાગેલા કર્મોનો ક્ષય કરવાનો જે ઉપાય જૈન શાસ્ત્રકારોએ બતાવ્યો છે એનું સંક્ષિપ્ત વિવેચન આ લેખમાં પ્રસ્તુત છે.

આત્માને લાગેલા કર્મને દૂર કરવા માટે જૈન મહર્ષિઓએ તપશ્ચર્યાનું મહાન શસ્ત્ર બતાવ્યું છે. જૈન ધર્મમાં બાર પ્રકારના તપની વાત કરવામાં આવી છે. તેમાં છ બાહ્ય તપ અને છ આભ્યંતર તપ છે. સર્વ પ્રથમ અહીં બાહ્યતપની વાત કરીએ. (૧) છ પ્રકારના બાહ્યતપમાં પહેલો પ્રકાર છે અનશન. અનશન એટલે ભોજનનો ત્યાગ અર્થાત્ ઉપવાસ કરવો તેને અનશન કહે છે. ઉણોદરી : ઉણોદરી એટલે જેટલી ભૂખ હોય તેનાથી થોડું ઓછું ખાવું. પેટને થોડું ખાલી રાખવું, તેને ઉણોદરી તપ કહે છે. (૩) વૃત્તિ સંક્ષેપ તપ: આ તપની ચિત્તની વૃત્તિઓ, ઇચ્છાઓ રોકવા માટેનું તપ છે. તે માટે ભિન્ન -ભિન્ન પ્રકારના અભિગ્રહ ધારણ કરવાના હોય છે. દા. ત. આજે હું અમુક વસ્તુનો ત્યાગ કરું છું. આજે અમુક વિસ્તારમાંથી અથવા અમુક ઘરમાંથી ભીક્ષા મળશે તો જ હું આહાર લઇશ. આજે હું અમુક સમયે જ ભોજન કરીશ, ઇત્યાદી વિવિધ નિયમો વડે કરાતું આ તપ તે વૃત્તિ સંક્ષેપ તપ છે. (૪) રસત્યાગ: આ તપમાં દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ અને તળેલી ચીજવસ્તુઓ - આ છ વિગતો બતાવવામાં આવી છે. આ ઉપરાંત માંસ, મદિરા, માખણ અને મધ એ ચાર મહાવિગયો બતાવવામાં આવી છે. આ ચાર વિગયોનો તો સૌને ત્યાગ જ છે, પરંતુ ઉપરોક્ત બતાવેલ છ વિગયોમાંથી પણ એક, બે, ત્રણ, ચાર વિગયોનો ત્યાગ કરવો એ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. તેને રસત્યાગની તપશ્ચર્યા કહે છે.
(૫) કાયકલેશ : આ તપમાં વીરાસન, શીર્ષાસન, મયૂરાસન, ઇત્યાદિ અનેક પ્રકારના આસનો કરવા, ઊભા રહીને એકાગ્રતાથી પરમાત્માનું ધ્યાન કરવું, કેશલૂંચન કરવું આ પણ તપશ્ચર્યા જ છે. તેને કાયકલેશ તપ કહે છે. (૬) સંલીનતા : આ તપમાં સંકોચ કરવો, સંવરણ કરવું અર્થાત્ અશુભ માર્ગે જતી ઇન્દ્રિયોને રોકવી એ ઇન્દ્રિયો સંલીનતા છે. ચાર કષાયોને રોકવા એ કષાય સંલીનતા છે. અશુભ પ્રવૃતિથી નિવૃત્ત થવું એ યોગ સંલીનતા છે. સ્ત્રી, પશુ, નપુસંકતા સંસર્ગથી રહિત સ્થાનમાં રહેવું તે વિવિક્ત ચર્યા સંલીનતા છે. જૈન ધર્મમાં ઉપરોક્ત છ પ્રકારને બાહ્યતપ કહેવામાં આવ્યા છે.
હવે આભ્યંતર તપ વિશે જોઈએ. આભ્યંતર તપ છ પ્રકારના છે. (૧) પ્રાયશ્ચિત : આ સંસારમાં જીવની જે કંઈ ભૂલ થઈ હોય, પાપ થઈ ગયું હોય તેનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું, ગુરુની આગળ પોતાના આ અપરાધની સાચી વાત કરી દેવી, ભવિષ્યમાં હવે આવું કોઈ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેવી તે પ્રાયશ્ચિત તપ છે. (૨) વિનય : પોતાનાથી જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, વયોવૃદ્ધ અને પોતાનાથી હર કોઈ પ્રકારે મોટા હોય તેનું માન-આદર જાળવવું, તેનું કયારેય અપમાન ન થાય તેવી કાળજી રાખવી તે વિનય તપ છે. (૩) વૈયાવૃત્ય : વૈયાવૃત્ય એટલે સેવા, ભક્તિ. આપણાથી મોટા એવા આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, જ્ઞાની, મુનિ એવા ગુણવાહનોની આહાર, વસ્ત્ર આદિ તેમને ખપતી વસ્તુઓથી સેવા-ભક્તિ કરવી તે વૈયાવૃત્ય તપ છે. (૪) સ્વાધ્યાય: (૧) ભણવું-ભણાવવું, (૨) જે શંકા ઉદ્ભવે તે ગુરુને પૂછીને તેનું સમાધાન મેળવવું, (૩) જે કંઈ યાદ હોય તેને ફરી ફરી સ્મરણમાં લાવવું. (૪) વાંચેલી વાતને એકાગ્ર ચિત્તે વિચારવી, (૫) ધર્મોપદેશ આપવો, ધર્મકથા કરવી - આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં નિત્ય રમારમણ રહેવું તે સ્વાધ્યાય તપ છે. (૫) ધ્યાન : ધ્યાનનો અર્થ છે મનન-વિચાર. ચિત્તના યોગથી, એકાગ્રતાથી વિચાર કરવો. ચિત્તને ખોટા વિચારોથી રોકવું. જૈન શાસ્ત્રકારોએ ચાર પ્રકારના ધ્યાનનો નિર્દેશ કર્યો છે તે છે ઃ (૧) આર્તધ્યાન, (૨) રૌદ્ર ધ્યાન, (૩) ધર્મધ્યાન અને શુક્લધ્યાન. સંસાર સંબંધી, શરીર, માલ-મિલકત, વ્યાપાર, રોજગાર, પુત્રાદિ પરિવાર વગેરે વાતોનું ધ્યાન થાય તે આર્ત અને રૌદ્ર ધ્યાન છે. આ બે પ્રકારના ધ્યાનોને તપ તરીકે નથી ગણવાના. કારણકે તેનાથી જીવના કર્મ છૂટી શકતા નથી, બલ્કે વધી શકે છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન એ આત્મશુદ્ધિના કારણ છે. એટલા માટે જ આ બે ધ્યાનને તપ કહેવામાં આવે છે. દાન, શીલ, તપ, ભાવ, પરોપકાર, દયા વગેરે સંબંધી વિચાર કરવો તે ધર્મધ્યાન છે. શુક્લ ધ્યાન તો ખૂબ ઉચ્ચકોટિનું છે. જે આત્મા અત્યંત શુદ્ધ હોય, પવિત્ર હોય તેને જ આ શુક્લ ધ્યાન થાય છે.
(૬) ઉત્સર્ગ : ઉત્સર્ગનો અર્થ છે ત્યાગ. ઉપવાસ વગેરે તપ વખતે કોઈ વાર એકાંતમાં બેસીને થોડીવાર માટે કાયોત્સર્ગ કરવો, અર્થાત્ કલાક-બે-કલાક માટે ધ્યાનમાં બેસીને એ નિશ્ચય કરવો કે શરીરની સાથે મારો કોઈ સંબંધ નથી, ભલે કોઈ મારે કે જાનવર આવીને મને ખાઈ જાય. કોઈ વાર વસ્ત્રોની ઉપાધિ કમ કરી દેવી. થોડામાં થોડી, ઓછામાં ઓછી વસ્તુઓથી નિર્વાહ ચલાવવો. આ બધો ઉત્સર્ગ છે. સ્મરણમાં એ જ રાખવાનું છે કે વસ્તુ મળતા જે ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે. તે જ ઉત્સર્ગ તપ છે.
આમ આ કેષમાં ઉપર પ્રમાણે છ પ્રકારના બાહ્યતપ અને છ પ્રકારના આભ્યાંતર તપની સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. તપસ્યાનો અર્થ છે ઇચ્છાનો નિરોધ કરવો, ઇચ્છાઓને રોકવી. તેનું નામ જ જૈન શાસ્ત્રોમાં તપ કહેવામાં આવ્યું છે.

chimanlal kaladhar columnists weekend guide