09 July, 2022 07:55 AM IST | Mumbai | Kiran Bhatt
કિરણ ભટ્ટ
રંગભૂમિ એ પ્રાથમિક શિક્ષણ છે. આજની નવી પેઢીને મન એનું બહુ મહત્ત્વ નથી, પણ તમે શિક્ષણના દૃષ્ટિકોણથી વિચારો તો તમને સમજાય કે પ્રાથમિક શિક્ષણ લીધું જ ન હોય તો તમે જીવનમાં ક્યારેય ડૉક્ટર કે આર્કિટેક્ટ ન બની શકો.
‘નટુકાકા.’
આ કૅરૅક્ટર માટે તો કોઈને કશું કહેવાની જરૂર નથી, પણ એ કૅરૅક્ટરને બે વ્યક્તિએ અમર કરી દીધું; એક તો એ નિભાવનારા ઘનશ્યામ નાયક અને બીજા એ કૅરૅક્ટરના જન્મદાતા એવા સિરિયલના પ્રોડ્યુસર આશિત મોદી. મજાની વાત જુઓ તમે, મારે એ બન્ને સાથે બહુ જૂની દોસ્તી. ઘનશ્યામભાઈની વાત કરું તો ઘનશ્યામ નાયક સાથે એકાદ નાટકમાં મેં ઍક્ટિંગ પણ કરી છે તો એ પહેલાંના સમયમાં તેઓ જ્યારે રંગલો બનતા ત્યારે બૅક-સ્ટેજમાંથી વૉઇસ-ઓવર આપવાનું કામ પણ કર્યું છે. પ્રોડ્યુસર-પ્રેઝન્ટર બન્યો એ પછી તેમણે મારાં અનેક નાટકોમાં પણ કામ કર્યું. ઘનશ્યામભાઈને ઘડિયાળનો બહુ શોખ અને ખબર નહીં કેમ, પણ અમારી વચ્ચે એક શિરસ્તો બની ગયો હતો.
મારે તેમને ઘડિયાળ આપવાની. બહુ જૂજ લોકોને ખબર હશે કે અમુક મહિના પછી તેઓ મને સામેથી ફોન કરીને કહે,
‘કેબી, તેં મને ઘણા વખતથી ઘડિયાળ નથી આપી હોં...’
હા, તેઓ મને બીજા મિત્રોની જેમ જ કિરણ ભટ્ટના શૉર્ટફૉર્મ ‘કેબી’ કહીને જ બોલાવતા. તેમનો ફોન આવે એટલે મારે તેમને ઘડિયાળ પહોંચાડી દેવાની અને એ હકપૂર્વક, રાજી થઈને ઘડિયાળ લે પણ ખરા. ઘડિયાળ હાથમાં લે, જુએ અને પછી બહુ રાજી થાય. હમણાં મેં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર બધાને કહ્યું કે હું ઘનશ્યામભાઈને ઘડિયાળ આપતો હતો ત્યારે મને ખબર નહોતી કે તેઓ આ રીતે મને મારો સારો સમય આપીને જશે. હા, મેં તેમને ઘડિયાળ આપી અને આટલું પૉપ્યુલર થયેલું કૅરૅક્ટર આપીને તેઓ મને સારો સમય આપતા ગયા.
નટુકાકા. કેટલું પૉપ્યુલર કૅરૅક્ટર. નૅચરલી, એ કરવાનું આવે તો મનમાં સહેજ ડર તો હોય જ. નાટકો સાથે જોડાયેલો છું એટલે રિપ્લેસમેન્ટ નવું નથી, પણ નટુકાકાના કૅરૅક્ટર માટે જ્યારે વાત આવી ત્યારે મનમાં સહેજ ફડક હતી, પણ હૅટ્સ ઑફ આશિત મોદી. આશિતભાઈએ મને સૌથી પહેલાં તો એ કહ્યું કે મને તો આ કૅરૅક્ટરમાં તું જ દેખાય છે એટલે જરા પણ સ્ટ્રેસ નહીં રાખતો. તેમના એ શબ્દોને કારણે મને કૉન્ફિડન્સ આવ્યો અને કૉન્ફિડન્સને કારણે બન્યું એવું કે માત્ર ૨૪ જ કલાકમાં નટુકાકાના રોલ માટે હું ફાઇનલ થયો. આશિત મોદીએ જો કૉન્ફિડન્સ ન આપ્યો હોત અને તેમણે જો પોતાનું વિઝન ન દેખાડ્યું હોત તો ખરેખર હું અત્યારે આ વાત કહેવા માટે ‘મિડ-ડે’ની આ કૉલમ લખતો ન હોત. સેટ પર પણ જે રીતે દિલીપ જોષી, તન્મય વેકરિયા અને બીજા મિત્રો અને ડિરેક્ટરે આવકાર્યો, કૉન્ફિડન્સ આપ્યો એ પણ ખરેખર અદ્ભુત છે. આમ જોઈએ તો મોટા ભાગના સાથે ગુજરાતી રંગભૂમિને કારણે ઘરોબો, પણ અહીં મારે ક્યાં એકાદ દિવસના પ્રસંગમાં જવાનું હતું. હવે તો આ જ દુનિયાને કાયમી બનાવવાની હતી એટલે તેમના સાથ-સહકાર વિના શક્ય જ નહોતું કે નટુકાકાના કૅરૅક્ટરમાં તમે એન્ટર થઈ શકો.
હું એક વાત વારંવાર કહીશ કે હું આપણા આગળના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને મિમિક કરવા નથી આવ્યો. ના, એ શક્ય પણ નથી. તમે ઘનશ્યામભાઈનાં પગરખાં ક્યારેય માપી જ ન શકો. અદ્ભુત કલાકાર. ભવાઈને આત્મસાત્ કરવાની સાથોસાથ તેમણે અભિનયને પણ લોહીમાં ભર્યો હતો. ઘનશ્યામભાઈ એક જ ડાયલૉગને ઓછામાં ઓછી પાંચ સ્ટાઇલમાં બોલીને તમને દેખાડી શકે. ઓછામાં ઓછી પાંચ વખત અને તમે એ જોઈને મૂંઝાઈ જાઓ કે આ પાંચ સ્ટાઇલમાંથી કઈ સ્ટાઇલ તમારે ફૉલો કરવની, કારણ કે તમને બધેબધી ગમી હોય અને એકદમ ઍપ્ટ લાગી હોય. સો, કહેવાનો ભાવાર્થ એ કે એ નટુકાકા ક્યારેય કોઈ બની જ ન શકે અને બનશે પણ નહીં, પણ ઘનશ્યામભાઈની મહેનત અને આશિતભાઈના વિઝન પછી જે નટુકાકાને લોકપ્રિયતા મળી છે એને ક્યાંય ઊની આંચ ન આવે એ માટે હું સજાગ રહીશ અને આમ પણ, વર્ષો પછી ફરીથી ઍક્ટિંગ કરવા મળી છે તો એ લહાવો તો ચોક્કસ હું લઈશ જ.
છેલ્લા દિવસોમાં તો પ્રોડ્યુસર-ડિરેક્ટર અને પ્રેઝન્ટરનાં કામોમાં જ એટલો ખૂંપેલો રહેતો કે ઍક્ટિંગ કરવાનું તો બિલકુલ છૂટી ગયું હતું. ક્યાંક કોઈ નાનો કેમિયો કરવા મળી જાય તો મનમાં પૂનમ જન્મી જાય અને ખુશી થઈ આવે, પણ એ સિવાય ઍક્ટિંગ સાથે દૂર-દૂર સુધી સીધો સંબંધ નહોતો રહ્યો, પણ એનો અર્થ એવો પણ નથી કે અગાઉ લખ્યા એ પૈકીના કોઈ પણ કામમાં મને કંટાળો આવતો હતો. ના રે, જરાય નહીં. કંટાળો તો મેં ક્યારેય સ્વીકાર્યો જ નથી. તમે માનશો નહીં, પણ સુપરહિટ થઈ ગયેલા મારા જ હોમ પ્રોડક્શનનું નાટક વેચવાનો પણ મને કંટાળો આવવા માંડે તો મેં એ નાટક વેચવાનું પણ છોડ્યું છે તો પછી હું લાઇફમાં તો કેવી રીતે કંટાળો સ્વીકારું.
મને ગમે. કામ કરવું, કામમાં ખૂંપેલા રહેવું અને સતત નવી ટૅલન્ટથી ઘેરાયેલા રહેવું મને ગમે. આજે પણ મને યાદ છે કે માત્ર બે જ જાણીતા કલાકાર અને બાકીના તમામ કલાકારો પહેલી વાર સ્ટેજ પર આવતા હોય એવા નાટક ‘ચલતી કા નામ ઝિંદગી’નું ડિરેક્શન શરૂ કર્યું ત્યારે મને રોકનારાઓનો ઢગલો થઈ ગયો હતો અને એ સમયે મને મારી કરીઅરના શરૂઆતના દિવસો યાદ આવી ગયા હતા, જ્યારે સંજય ગોરડિયા અને જેડી મજીઠિયાને અલગ-અલગ નાટકોમાં લીડ રોલ આપીને અમે નાટક બનાવતા હતા અને લોકો અમને ડરાવતા હતા. હું એક વાત સૌને કહીશ કે તમારાથી નાના સાથે મૅક્સિમમ રહેવાની કોશિશ કરજો. તમને નવું શીખવા પણ મળશે અને તેમની અપેક્ષાઓ કઈ છે એ પણ તમને સતત સમજાતી રહેશે, દેખાતી રહેશે.
આજે નવી પેઢી ગુજરાતી રંગભૂમિ તરફ બહુ નથી આવતી એવી સતત ફરિયાદ થતી રહે છે, પણ આ સવાલ કરનારા દરેકેદરેકને મારે પૂછવું છે કે એ આવે પણ શું કામ?
તમે જુઓ તો ખરા, આજે કેટકેટલા ઑપ્શન આવી ગયા છે. ટીવી, ફિલ્મ, ઓટીટી. અમારા સમયમાં તો એવું હતું કે થિયેટર સિવાય કંઈ હતું જ નહીં એટલે અમે રંગભૂમિને વરી ગયા, એને અમારી જીવનસાથી બનાવી લીધી, પણ નવી જનરેશન પાસે બીજા ઑપ્શન છે ત્યારે એ આ બાજુએ બહુ ન જુએ એ મારે મન તો સમજી શકવા જેવી વાત છે, પણ હા, એટલું ચોક્કસ કહીશ કે એક કલાકારનું સાચું ઘડતર રંગભૂમિ કરે છે. સમયસૂચકતાની સાથોસાથ રંગભૂમિ તમને ડિસિપ્લિન શીખવે છે. ઘટનાઓને સહજતાથી લેવાનું કૌવત તમને રંગભૂમિ જ શીખવી શકે. ઘરમાં કોઈ સુખદ પ્રસંગ હોય અને તમે સ્ટેજ પર હો તો તમે એ શો પૂરો કરો જ કરો. સારા પ્રસંગને મસ્તક પર નહીં ચડવા દેવાનો અને ખરાબ ઘટનાને હૈયે બેસાડવાની નહીં એ જે ભાવ છે એ ભાવ રંગભૂમિ સિવાય કોઈ શીખવી ન શકે. ટીવી પાસે ‘કટ’ છે, એ તમને ભૂલ સુધારવાની તક આપે, પણ થિયેટર પાસે ભૂલ સુધારવાની કોઈ તક નથી, જેને લીધે તમે ભૂલ કરી હોય તો એને હવે કેવી રીતે સાચવી લેવી એ સમયસૂચકતા થિયેટર સૂચવે છે. આજે પણ ઘણા ઍક્ટર સ્ટેજ પર ભૂલ કરી બેસતા હોય છે, માનવસહજ છે એ, પણ એ ભૂલ સચવાયા પછી તેને જે આનંદ આવે એ આનંદ એક દુર્ઘટનામાંથી સાંગોપાંગ ઊગરી ગયા હોય અને આવે એવો આનંદ હોય છે. એ પરીક્ષા, એ આનંદ અને એ જહેમત તમને બીજે ક્યાંય મળે નહીં, ક્યારેય મળે નહીં. એ ખુશી તો સ્ટેજ જ આપી શકે, લાઇવ આર્ટ જ આપી શકે.
હું ઘણી વાર કહેતો હોઉં છું કે રંગભૂમિ એ પ્રાથમિક શિક્ષણ છે. આજની નવી પેઢીને મન એનું બહુ મહત્ત્વ નથી, પણ તમે શિક્ષણના દૃષ્ટિકોણથી વિચારો તો તમને સમજાય કે પ્રાથમિક શિક્ષણ લીધું જ ન હોય તો તમે જીવનમાં ક્યારેય ડૉક્ટર કે આર્કિટેક્ટ ન બની શકો. આ જ કારણે હું કહીશ કે જો સિદ્ધાર્થ રાંદેરિયા બનવું હોય, જો દિલીપ જોષી બનવું હોય તો પ્રાથમિક શિક્ષણથી શરૂ કરશો તો આખી જર્ની સહજ અને સરળ થઈ જશે માટે શરૂઆતના સંઘર્ષને ભૂલીને પણ એ સ્ટેજ સાથે જોડાયેલા રહેવાની કોશિશ કરજો.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)
લેખક વિશે : પ્રોડ્યુસર, પ્રેઝન્ટર અને ડિરેક્ટર એવા કિરણ ભટ્ટે ૧૫૦થી વધુ નાટક પ્રેઝન્ટ કર્યાં છે તો ૨૦થી વધુ નાટક ડિરેક્ટ કર્યાં છે અને પચાસથી વધુ નાટકો પ્રોડ્યુસ કર્યાં છે. ભાગ્યશ્રી અને સ્મૃતિ ઈરાનીથી લઈને સિદ્ધાર્થ રાંદેરિયા સાથે કામ કરી ચૂકેલા અને ઇન્ડસ્ટ્રીમાં ‘કેબી’ના નામે ઓળખાતા કિરણ ભટ્ટનો ઍક્ટિંગ પહેલો શોખ છે.