કચ્છમાં આવતાં ફ્લેમિંગો એ ખરેખર સુરખાબ છે ?

03 November, 2020 03:59 PM IST  |  Mumbai | Mavji Maheshwari

કચ્છમાં આવતાં ફ્લેમિંગો એ ખરેખર સુરખાબ છે ?

આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં ફ્લેમિંગો કચ્છમાં આવશે એવું આ ક્ષેત્રના અભ્યાસુઓ અને જાણકારો માની રહ્યા છે.

કચ્છની ઓળખ બની ગયેલા પ્રવાસી પક્ષી ફ્લેમિંગોથી હવે ગુજરાતવાસીઓ અજાણ નથી. ફ્લેમિંગો માટે આખાય દક્ષિણ એશિયામાં એકમાત્ર અભયારણ્ય કચ્છમાં છે. કચ્છના દંતકથા જેવા રાજવી રા’લાખાના જાનૈયા કહેવાતા આ રૂપકડા પક્ષીનું નામ સુરખાબ કેવી રીતે પડ્યું તે વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ગુજરાતી લેખક પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈએ એવું નોંધ્યું છે કે સુરખાબ એક સંદીગ્ધ શબ્દ છે. ગુજરાતીમાં જેને હંજ અથવા બળું કહેવાય છે તે પક્ષીને ભૂલથી સુરખાબ કહેવાય છે. અંગ્રેજીમાં ફ્લેમિંગો તરીકે ઓળખાતા આ પક્ષીને કચ્છ
શા માટે પસંદ આવી ગયું છે તે માટે કચ્છના રણની રચના અને ભૂગોળ જવાબદાર છે. આ વર્ષે સારા વરસાદને કારણે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવશે એવી આશા સેવાઈ રહી છે.

રણ અને મહેરામણ
માવજી મહેશ્વરી

કચ્છ દેશ-વિદેશના અભ્યાસુઓ માટે એક પ્રયોગશાળા છે. તેમ છતાં કચ્છની જૈવ સંપત્તિ વિશે હજુ કેટલાંય સંશોધનો થવાનાં બાકી છે. સુરખાબ તરીકે ઓળખાતાં ફ્લેમિંગો પક્ષી હવે કચ્છની ઓળખ બની ચૂક્યાં છે. આ પક્ષી વિશે જાતજાતના અહેવાલો પ્રગટ થાય છે, પરંતુ એ અહેવાલો પૂરતાં નથી. આ પક્ષી મોટાભાગે માનવવસ્તીથી દૂર રહેવાનું પસંદ કરે છે. કચ્છમાં તેમના માટે વિસ્તાર રક્ષિત છે, જ્યાં કોઈ જઈ શકતું નથી. તેથી આ પક્ષીના વર્તનો અને ટોળામાં રહેવાના સ્વભાવ વિશેની હજુ ઘણી વિગતો સત્તાવાર રીતે શોધવાની બાકી છે. જોકે કચ્છમાં દિવાળી બાદ લાખોની સંખ્યામાં ફ્લેમિંગો શા માટે આવી ચડે છે તેનું કારણ કચ્છના રણમાં ભરાઈ રહેતું છીછરું પાણી અને તેનો ખોરાક છે. ખાસ તો કચ્છમાં તે પ્રજનન માટે આવે છે અને બચ્ચાં મોટાં થયાં બાદ તે ફરી વતનમાં ચાલ્યું જાય છે. કચ્છનું રણ અનેક જાતના યાયાવાર પક્ષીઓનું યજમાન છે. જેમાં લાખોની સંખ્યામાં આવતાં ફ્લેમિંગો મુખ્ય છે. અહીં એક જુદી વાતની ચર્ચા કરવી જરૂરી લાગે છે. મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, છતાં કયો ખોરાક અને જમીન તેના શરીરને સંપૂર્ણ અનુકૂળ છે એ વિશે થાપ ખાઈ જાય છે, પરંતુ અન્ય જીવો એ બાબતમાં ચોક્કસ હોય છે. કચ્છમાં આવતાં ફ્લેમિંગોનું કચ્છના રણને પસંદ કરવાનું કારણ એકદમ રસપ્રદ છે. કચ્છના મોટા રણની જમીન સમથળ નહીં, પણ રકાબી જેવી છે. કચ્છની ક્રિકસ દ્વારા રણમાં દરિયાનું પાણી આવ્યા પછી તે પાછું જઈ શકતું નથી. ચોમાસામાં વરસાદનું મીઠું અને દરિયાનું ખારું પાણી ભળવાથી જુદી જાતના સ્વાદવાળું પાણી બને છે. આ પાણીને કારણે એક ખાસ પ્રકારના બેક્ટેરિયા એક ચોક્કસ જાતની શેવાળ પેદા કરે છે. એ શેવાળ અને તેમાંની જીવાત ફ્લેમિંગોનો ખોરાક છે. વિશ્વમાં બહુ ઓછી જગ્યાએ આવી કુદરતી ક્રિયા થાય છે. એટલે ચોમાસા પછી રણનું પાણી છીછરું બની જાય, મોટા ભાગની જમીન કાદવવાળી બની જાય ત્યારે ફ્લેમિંગો માટે પ્રજનન અને ખોરાક માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે. ઉપરાંત કચ્છનું મોટું રણ અપવાદને બાદ કરતાં નિર્જન છે. માનવીય પ્રવૃત્તિઓ નહીંવત છે. તેથી આ પક્ષીને કોઈ ખલેલ પડતી નથી. આ બધાં કારણોસર ફ્લેમિંગો કચ્છમાં આવે છે, પરંતુ કોઈને પ્રશ્ન થાય કે જ્યારે જ્યારે કચ્છમાં દુષ્કાળ પડ્યો છે ત્યારે ફ્લેમિંગો કચ્છમાં નથી આવ્યાં એનું કારણ શું છે? પક્ષીઓની કુદરતને સમજવાની પોતાની આગવી વ્યવસ્થા હોય છે. આ પક્ષીઓ જુલાઈ કે ઑગસ્ટ માસમાં થોડી સંખ્યામાં કચ્છના રણમાં આવે છે. વાસ્તવમાં એ ટોળું આ વિસ્તારનું જાત-નિરીક્ષણ કરવા આવતું હોય છે. એ ટોળું જ નક્કી કરે છે કે આવતા શિયાળામાં અહીં ખોરાક અને પ્રજનન માટે યોગ્ય સ્થિતિ હશે કે નહીં. જો કચ્છમાં સારો વરસાદ પડ્યો હોય તો એ ટોળી સ્થળનું નિરીક્ષણ કરીને અન્ય ફ્લેમિંગો સમૂહને શિયાળામાં બોલાવી લાવે છે. પછી અહીં સફેદ રણમાં ગુલાબી રંગોનો મેળો જામે છે. કચ્છના મહેમાન બનતાં આ પક્ષીઓ રણના કાદવની દાણાંદાર માટીમાંથી દોઢેક ફૂટ ઊંચો, ઊંધા ગ્લાસ આકારનો માળો બનાવે છે જેમાં તે એક કે બે ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે અને ઊડવા લાયક બને ત્યારે સમૂહ પાછાં પોતાના વતન ચાલ્યો જાય છે. આ પક્ષી કચ્છ ઉપરાંત બનાસકાંઠાના પાણી ભરાઈ રહેતા વિસ્તારમાં જોવા મળે છે.
આ આકર્ષક પક્ષીનું નામ સુરખાબ હોવા વિશે મતમતાંતર છે. કચ્છમાં આ પક્ષીને હંજ કહે છે. ખરેખર તો સુરખાબ નામનું કોઈ પક્ષી છે કે નહીં તે વિશે સાચી માહિતી મળી શકતી નથી. કોઈ સુરખાબને અલભ્ય પક્ષી કહે છે. કેટલાક વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફ્ર્સનો દાવો છે કે તેમણે સુરખાબ પક્ષી જોયું અને તેનો વિડિયો મૂક્યો છે. સોશ્યલ જગતમાં સુરખાબના નામે મુકાયેલા વિડિયોને નકારતા પક્ષી જગતના નિષ્ણાતો કહે કે સુરખાબના નામે મુકાયેલો વિડિયો ખરેખર તો મેડરીન ડકનો છે. આમ ભારતમાં પણ જુદા જુદા વિસ્તારોમાં સુરખાબ નામનાં વિવિધ પક્ષી છે. કચ્છમાં આવતાં ફ્લેમિંગોને સુરખાબ નામ કોણે આપ્યું તે આજની તારીખે પણ રહસ્ય છે. કચ્છનાં ફ્લેમિંગો વિશેની માહિતી ૧૮૯૩થી મળે છે. જ્યારે જ્યારે કચ્છ અને સિંધ પ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે, તે પછીના શિયાળામાં અહીં મોટી સંખ્યામાં ફ્લેમિંગો આવ્યાં છે. ગુજરાત સરકારે ફ્લેમિંગોને રાજ્યપક્ષી જાહેર પણ કર્યાં છે. કચ્છના ગ્રેટર રણનો ૭૫૦૬ વર્ગ કિલોમીટર વિસ્તાર ૧૯૮૬થી ગુજરાત સરકારે રક્ષિત જાહેર કરેલ છે. આ વિસ્તારને ફ્લેમિંગો સિટી કહે છે, જે કચ્છમાં સુરખાબ નગરી તરીકે જાણીતી છે. કાળા ડુંગર અને ભાંજડા ડુંગરની આસપાસનો વિસ્તાર આમ તો નિર્જન અને માનવીય પ્રવૃત્તિઓ વિનાનું છે. તેમ છતાં છેલ્લા કેટલાક લોકો ત્યાં પહોંચી જાય છે. ફ્લેમિંગો માણસ સાથે રહેવા ન ટેવાયેલું પક્ષી છે. તેને અમુક જાતના અવાજ અને પ્રવૃત્તિઓ ખલેલ પહોંચાડે છે. છેલ્લા બે દાયકાથી કચ્છના રણમાં માનવીય પ્રવૃત્તિઓ વધી છે. રણની ભૂગોળથી પણ લોકો પરિચિત થવા માંડ્યા છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવવા લાગ્યા છે. ક્યારેક કોઈ પ્રવાસીઓ ફ્લેમિંગોની વસાહત જોવાનો લોભ રોકી શકતા નથી. રક્ષિત વિસ્તાર હોવા છતાં કેટલાક ફોટોગ્રાફ્સ પણ એકાદ ક્લીક મેળવવા માટે એ વસાહત નજીક જાય છે. આને કારણે એ પક્ષીઓનું ઝૂંડ સચેત બની જાય છે. તેમની શાંતિમાં અને કુદરતી ક્રિયામાં વિક્ષેપ પડે છે. ઉપરાંત કેટલાક લોકો ખાદ્યપદાર્થો સાથે લઈ જાય છે અને એ ત્યાં મૂકી આવે છે. આને કારણે ઊંદર જેવાં જીવો આકર્ષાય છે અને ફ્લેમિંગોના નવજાત બચ્ચાં અને ઈંડાંઓને નુકસાન પહોંચાડે છે. ફ્લેમિંગો કોઈ સમયે પરદેશી પંખી કહેવાતાં હતાં. હવે તે ભારતીય અને ખાસ તો ગુજરાતી બની ચૂક્યાં છે. ગુજરાત ઉપરાંત મુંબઈના દરિયાકાંઠે પણ જોવા મળે છે. સામાન્ય રીતે શરમાળ આ પક્ષી હવે ધમધમતાં શહેરોમાં પણ વિહરે છે. જોકે મુંબઈ, સુરત કે અન્ય શહેરોમાં આ પક્ષીની વસાહતો દેખાય છે, પણ એ જગ્યાએ પ્રજનન કરી શકતાં નથી. એ માટે કચ્છ જ એમને અનુકૂળ આવે છે. ફ્લેમિંગોના બે પ્રકાર હોય, એક નાનું અને એક મોટું. નાના ફ્લેમિંગોને લેસર ફ્લેમિંગો કહેવાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી લેસર ફ્લેમિંગોની વસાહત કચ્છના રણમાં ઊભી થઈ રહી છે. આ ફ્લેમિંગો પોરબંદર અને જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ જોવા મળ્યાં છે. ફ્લેમિંગો એક એવું પક્ષી છે જેને ઓળખવું સહેલું છે. સેંકડો માઇલ્સની મુસાફરી કરતાં આ પક્ષીની ઊડવાની ક્ષમતા પણ નોંધનીય છે. આ વર્ષે કચ્છમાં પુષ્કળ વરસાદ થયેલો છે. કચ્છનું રણ વિશાળ સરોવર સમું ભાસી રહ્યું છે. રા’લાખાના જાનૈયાઓને ખબર પડી જ ગઈ હશે કે કચ્છમાં એમની આવનારી પેઢીઓ માટે કુદરતે માર્ગ મોકળો કરી દીધો છે. આ વર્ષે નોંધપાત્ર સંખ્યામાં ફ્લેમિંગો કચ્છમાં આવશે એવું આ ક્ષેત્રના અભ્યાસુઓ અને જાણકારો માની રહ્યા છે.

mavji maheshwari columnists