વો રિશ્તે સચ મેં ગહરે હોતે હૈં જો અપનેપન કા શોર નહીં મચાતે હૈં!

09 December, 2019 03:06 PM IST  |  Mumbai | Pravin Solanki

વો રિશ્તે સચ મેં ગહરે હોતે હૈં જો અપનેપન કા શોર નહીં મચાતે હૈં!

પ્રતીકાત્મક તસવીર

આ પંક્તિઓ દીકરી અને બાપના સંબંધ માટે ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે-જ્યારે સંબંધો વિશે લખાયું છે કે લખાશે ત્યારે-ત્યારે એમાં અતિશયોક્તિના અંશ રહેવાના જ. જ્યાં પ્રેમની વાત હોય ત્યાં અતિશયોક્તિ રહેવાની જ. દા.ત. લખાયું છે કે સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો વખત આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય.

પંડિત જવાહરલાલ નેહરુએ દીકરી ઇન્દિરા ગાંધીને જેલમાંથી લખેલા પત્રો અદ્ભુત છે, ઐતિહાસિક છે. એ જ રીતે મુગ્ધાવસ્થાના ‘ઉંબર’ શીર્ષક હેઠળ ‘પ્રેમળ જ્યોતિ’ ઉપનામે દીકરીને લખેલો પત્ર પણ અનન્ય છે. ૮૦ના દાયકામાં લખાયેલો આ પત્ર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. કહો કે વધારે પ્રસ્તુત છે...

ચિ. વત્સલા,

હાર્દિક અભિનંદન અને આશીર્વાદ. આજે તારી સત્તરમી વર્ષગાંઠના પ્રસંગે રમકડાં, વાજિંત્રો, બુટ્ટી, બંગડી, માળા કે ફ્રૉક જેવી ગત વર્ષોમાં આપેલી ભેટના પ્રકારની ભેટ આપવાને બદલે આટલો એક પત્ર જ ભેટરૂપે તને આપું છે એથી તને આશ્ચર્ય તો જરૂર થશે, પરંતુ મને શ્રદ્ધા છે કે તને આ પત્રની ભેટ મૂલ્યવાન લાગ્યા વગર નહીં રહે. તારું જીવન નિરંતર સુખી, સંતોષી અને સમતોલ રહે એવી શુભકામનાથી પ્રેરાઈને મમ્મીએ તથા મેં બન્નેએ મળીને આ પત્ર ઘણા વિચારો બાદ લખ્યો છે.

મેં તથા મમ્મીએ ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે છતાંય શાળા-કૉલેજનું આ શિક્ષણ અમને લગ્નજીવનમાં કશું જ માર્ગદર્શન કરાવી શક્યું નહોતું. એથી અમે પ્રેમલગ્ન કર્યાં  હોવા છતાં પ્રેમનો સત્યપ્રકાશ પ્રાપ્ત કરવા માટે તો અમારે પણ પ્રેમની અંધારી ગલીઓમાંથી ગોથાં ખાતાં‍-ખાતાં જ પસાર થવું પડ્યું હતું. આવો પ્રકાશ જાતમહેનત અને જાતઅનુભવથી જ મેળવી લેવો પડ્યો હતો. પરિણામે પ્રેમ અને લગ્નસુખની સમતુલા મેળવવા માટે અમારે અમુક વર્ષો તો અનેક મંથનમાં જ વિતાવવાં પડ્યાં હતાં. આને કારણે જો અમે તને પહેલેથી જ અમારા અનુભવોનો લાભ આપી દઈએ તો તારું જીવન નિવાર્ય મનોમંથનોમાંથી મુક્ત રહે અને પ્રકાશ મેળવવા અમારી જેમ તારે થોડાં વર્ષો બરબાદ ન કરવાં પડે.

તું હવે તારા જીવનની એવી કક્ષાએ આવી પહોંચી છે કે તને હવે પ્રેમ, લગ્ન, સંતતિ જેવા વિષયો પરત્વેના માર્ગદર્શનની અત્યંત આવશ્યકતા છે, કારણ કે સત્તરથી પચ્ચીસ વર્ષની વય એ ઉજ્જ્વળ જીવન ઘડવા માટેની ખરેખરી કટોકટીની ઉંમર છે. વય વધી ગયા પછી એ ઉંમર, ખરેખરી ગુલાબી ઉંમર પાછી લાવી શકાતી નથી. આ ઉંમર જો ભૂલો અને પ્રયોગોમાં વેડફાઈ જાય તો જીવનનો પ્રવાહ અવળી દિશામાં જ ચડી જાય. એથી તું આજથી જ આ ગંભીર વિષયને સમજવા માંડે એમ ઇચ્છું છું. થોડાં વર્ષો બાદ તું ડૉક્ટર બનીશ ત્યારે તો તું પોતે જ બીજી બહેનોને આ વિષયની સલાહ આપતી થઈ જઈશ, પરંતુ એ સમયગાળામાં તારી પોતાની ધ્યેયસિદ્ધિમાં અંતરાય ન આવે એની કાળજી રાખવી જરૂરી છે.

હમણાં-હમણાં તારા શરીરમાં થતા ફેરફારોથી તું એક પ્રકારનો સંકોચ, મૂંઝવણ અને શરમ અનુભવે છે. તારા વર્તનમાં પણ આપોઆપ ફેરફાર થઈ રહ્યા છે. અમારી સાથે મુક્તપણે લાડ કરનારી તું હવે અમારાથી પણ શરમાઈને દૂર થતી જાય છે. તને હવે તારી ઉંમરના મિત્રમંડળમાં જ હરવુંફરવું ગમે છે, નવલકથા વાંચવી ગમે છે અને નાટક-સિનેમા, રાસ-ગરબા, પર્યટનો વગેરે પ્રોગ્રામોમાં તને વધારે રસ પડે છે (૮૦ના દાયકાનું લખાણ છે). આ બધું દર્શાવે છે કે તું હવે મુગ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકી છે અને તારા મનમાં અવ્યક્ત ઝંખનાઓ જાગી છે. આમાં ખોટું કશું જ નથી. જેમ અમુક વયે બાળકને દાંત આવે, તે ઘૂંટણિયાં તાણતું થાય છે, પછી ચાલતાં, બોલતાં, રમતાં, કૂદતાં શીખે છે એ બધું કુદરતના ક્રમ મુજબ જ ચાલે છે. એ જ પ્રમાણે તારી મુગ્ધાવસ્થા પણ સાવ કુદરતી જ છે. તારી ઉંમરે તારા ભાઈને મૂછો ફૂટી નીકળી એ જ પ્રમાણે તારા શરીરનો પણ વિકાસ થવા લાગ્યો છે અને કુદરતી રીતે જ તને દર મહિને રજોદર્શન આવે છે એટલે આ બધા  ફેરફારોથી મૂંઝાવાની કશી જરૂર નથી. જરૂર છે હવે પેલી અવ્યક્ત ઝંખનાઓને વાસ્તવિક માર્ગે વાળવાની અને સ્પષ્ટ આકાર આપવાની.

ફિલ્મો જોઈને, નવલકથાઓ વાંચીને અને આસપાસનું વાતાવરણ જોઈને તારા મનમાં પણ એક પ્રકારની સ્વપ્નસૃષ્ટિ રચાતી હશે, જેમાં તું એ સૃષ્ટિની નાયિકા બનવાનો આનંદ પણ કદાચ મનમાં ને મનમાં અનુભવતી હશે; પરંતુ આ સ્વપ્નસૃષ્ટિ અને વાસ્તવિક સજીવસૃષ્ટિ વચ્ચેનું અંતર જોઈને તારા મનમાં મથામણ પણ ચાલતી હશે. શરીર અને મનમાં ફૂટેલા પ્રેમના અંકુરો તંદુરસ્ત પોષણ માગે છે અને એ જો નથી મળતું તો શરીર અને મન બન્ને બીમાર પડી જાય છે, સ્ફૂર્તિ અને ઉત્સાહ ચાલ્યા જાય છે. જેવી રીતે નાનું બાળક માતાના મુખ સામે જોઈને હસે છે અને ધાવણ માટે તરસે છે અને એ જો નથી મળતું તો તે પણ બીમાર પડી જાય છે. બાળકને માતાનું ધાવણ અને માતાના લાડ જેટલાં જરૂરી છે એટલો જ યુવક-યુવતીઓ માટે પ્રેમ જરૂરી છે. પ્રેમ એ તો એક વ્યાપક શબ્દ છે. હું અને મમ્મી પણ તને પ્રેમ કરીએ છીએ, પરંતુ એનું સ્વરૂપ જુદું છે. આ પ્રેમને વાત્સલ્ય, વહાલ કે સ્નેહ તરીકે ઓળખાવી શકાય. તું પણ તારાં ભાઈ-બહેન, બહેનપણીઓ અને મુરબ્બીઓ પ્રત્યે પ્રેમ રાખે છે એનું સ્વરૂપ પણ જુદું છે. બધા પ્રત્યે તને મમતા અને આદર છે. મિત્રો પ્રત્યે તને મૈત્રી કે બિરાદરીની લાગણી છે. દેશના નેતાઓ કે પરમાત્મા પ્રત્યે તને જે પ્રેમ છે એને ભક્તિ કહી શકાય, પરંતુ વીસેક વર્ષની વયે યુવકો અને યુવતીઓને આ બધા પ્રકારનો પ્રેમ મળતો હોય છતાં કંઈક ખાલી-ખાલી લાગે છે. આ વયે તેઓ એક વિશિષ્ટ પ્રકારના પ્રેમની ખોજમાં પડી જાય છે. જે પ્રેમ પેલા બધા પ્રકારના પ્રેમનું મિશ્રણ હોવા છતાં એક અદમ્ય મોહિનીયુક્ત હોય છે. આ મોહિનીનું  પ્રાબલ્ય એટલુંબધું હોય છે કે એ મેળવવા માટે કેટલીક વાર તો માનવી બીજા બધા પ્રેમને તરછોડવા પણ તૈયાર થઈ જાય છે. રાજાઓ રાજપાટ છોડવા તૈયાર થઈ જાય છે, કવિઓ ઘેલાતુર થઈ જઈને મહાકાવ્યો રચી નાખે છે અને સાહસિકો અનેક પ્રકારનાં સાહસો ખેડવા તૈયાર થઈ જાય છે.

આ પ્રબળ મોહિની પ્રત્યે આંખમીંચામણાં કર્યે ન ચાલે. એને પૂરેપૂરી પિછાણવી જ જોઈએ. આ મોહિની ભલે આકાર લેતી હોય મનમાં, પણ એનું ઉદ્ભવસ્થાન તો છે તનમાં જ. યુવક-યુવતીઓ ભલે આ મોહિનીને થોડા સમય માટે આત્માનું ઐક્ય, દિવ્ય પ્રેમ, નિર્દોષ મૈત્રી વગેરે ભવ્ય ભાવનાઓની શબ્દજાળથી ઓળખાવવા મથે, પરંતુ હકીકતમાં તો આ બધા ધમપછાડા શરીરમાં જાગેલી એક નવી ભૂખને સંતોષવાના જ હોય છે. એથી મારી તો તને સલાહ છે કે આવી મોહિનીને સંતાડવા નુસખાઓ અજમાવવાની જરૂર નથી, પરંતુ એનો વાસ્તવિક ઉકેલ લાવવા શું કરવું જોઈએ એ વિશે તારું હિત ચાહનારા વડીલોની સલાહ વહેલી તકે લઈ લેવી જોઈએ.

પુત્રી માટે વર અથવા પુત્ર માટે કન્યા શોધવાની ચિંતા માતા-પિતાને સતત રહ્યા જ કરે છે; કારણ કે કમનસીબે કુદરત મા, બાપ, ભાઈ અને બહેનની જેમ વર કે વધૂને પણ તૈયાર ઘડીને સામે જ હાજર કરી દેતી નથી - એ તો શોધવાનાં જ રહે છે અને આ શોધમાં ભલભલા લોકો ગોથાં ખાઈ જાય છે. બીજી કમનસીબી એ છે કે યુવકો અને યુવતીઓમાં આ પ્રેમમોહિનીનો ઉદય જરા કાચી ઉંમરે થાય છે એથી જો તેઓ કોઈની પણ સલાહ લીધા વગર એનો ઉકેલ કાઢવા પ્રયત્ન કરે છે તો મોટે ભાગે તો આવો ઉકેલ બુદ્ધિ કરતાં ઊર્મિ કે આવેશને વશ થઈને જ કરે છે. મોહથી અંધ બનેલાં યુવક-યુવતીઓને એ અવસ્થામાં તો એમ જ લાગે છે કે આ મોહરૂપી પ્રેમ જીવનભર ટકશે અને તેઓ પ્રેમલગ્ન કરશે એટલે લગ્નજીવન સુખના સાગર જેવું સદાકાળ રહેશે. આવી ભ્રમણાને લીધે કોઈ સાચી સલાહ આપતું હોય તો એ પણ એ સમયે તો દુશ્મન જેવું લાગે છે.

મોહાંધોને પ્રેમતૃષ્ણાની તૃપ્તિ માટે તાલાવેલી લાગે છે. અધીરાઈ આવી જાય  છે. તેમનામાં આવેશ અને ઉન્માદ ભભૂકી ઊઠે છે અને તેઓ કોઈના વાર્યા વરતાં નથી. સારા-સારા માણસો પણ આવી મોહાંધતાની અસર નીચે આવી જાય છે ત્યારે ભયંકર ભૂલ કરી બેસે છે.

તને વાજબી રીતે જ લાગશે કે પપ્પા આવી અતિશયોક્તિભરી વાત કેમ લખતા હશે? કારણ કે તારા અલ્પ અનુભવ મુજબ તને આ મોહિની એવી ખાસ પ્રબળ નહીં જ લાગતી હોય, પરંતુ અહીં એક ચોખવટ કરી લેવી જરૂરી છે. પુરુષોની કામવૃત્તિ સ્ત્રીઓ કરતાં વિશેષ હોય છે. હા, એટલું હું જરૂર કહીશ કે સ્ત્રીઓ એકંદરે કામવૃત્તિમાં ઠંડી હોવા છતાં આજકાલ મોહક વેશપરિધાન અને આકર્ષક વાણી, ચાલ ને છટાથી પુરુષોની વાસનાને નકામી ઉત્તેજિત કરી મૂકે છે અને સમાજમાં વિકારનું વાતાવરણ ફેલાવે છે. અને છેલ્લે...

વધુ આવતા સપ્તાહે. એટલા માટે કે પત્ર બહુ લાંબો છે અને અંતિમ ફકરામાં લેખકે કરેલા વિધાનની ચર્ચા કરવી છે. ‘સ્ત્રી કરતાં પુરુષોમાં કામવૃત્તિ વધારે હોય છે’ એવો લેખકનો દાવો સેક્સોલૉજિસ્ટો સ્વીકારતા નથી. હકીકતમાં મનોવૈજ્ઞાનિકો કહે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કામવૃત્તિ વધારે હોય છે, પરંતુ તે પોતાની વૃત્તિ છુપાવવામાં માહેર હોય છે. પ્રકૃતિથી શરમાળ હોવાથી અવ્યક્ત હોય છે. જ્યારે પુરુષની કામવૃત્તિ વ્યક્ત હોય છે. છડેચોક વ્યક્ત કરવાની તાસીર ધરાવે છે એટલે થોડો બદનામ છે. ખેર, અહીં તો એક પિતા પુત્રીને પત્ર દ્વારા સંસ્કારનું સિંચન કરવા માગે છે એટલે આવાં અનેક વિધાનોમાં અતિશયોક્તિ કે અવાસ્તવિકતા હોવી સ્વાભાવિક છે. પત્રનો હવે પછીનો હિસ્સો વાંચતાં આટલું સૂચન ધ્યાનમાં રાખવું.

તું હવે તારા જીવનની એવી કક્ષાએ આવી પહોંચી છે કે તને હવે પ્રેમ, લગ્ન, સંતતિ જેવા વિષયો પરત્વેના માર્ગદર્શનની અત્યંત આવશ્યકતા છે, કારણ કે સત્તરથી પચ્ચીસ વર્ષની વય એ ઉજ્જ્વળ જીવન ઘડવા માટેની ખરેખરી કટોકટીની ઉંમર છે. વય વધી ગયા પછી એ ઉંમર, ખરેખરી ગુલાબી ઉંમર પાછી લાવી શકાતી નથી. આ ઉંમર જો ભૂલો અને પ્રયોગોમાં વેડફાઈ જાય તો જીવનનો પ્રવાહ અવળી દિશામાં જ ચડી જાય.

સમાપન

સમાજમાં દીકરા-દીકરીનું સમીકરણ :

દીકરો વારસ છે, દીકરી પારસ છે

દીકરો વંશ છે, દીકરી લક્ષ્મીનો અંશ છે

દીકરો આન છે, દીકરી શાન છે

દીકરો માન છે, દીકરી ગુમાન છે

દીકરો સંસ્કાર છે, દીકરી સંસ્કૃતિ છે

દીકરો આગ છે, દીકરી બાગ છે

દીકરો દુઆ છે, દીકરી દવા છે

દીકરો ભાગ્ય છે, દીકરી વિધાતા છે

દીકરા અને દીકરીને મૂલવવાં વ્યર્થ છે. દીકરીમાં દીકરો બનવાની ક્ષમતા હોય છે, દીકરામાં દીકરી બનવાની ક્ષમતા નથી હોતી.

Pravin Solanki columnists