હવેનું એક વર્ષ અમેરિકા અને ઇન્ડિયા બન્ને માટે મહત્ત્વનું સાબિત થશે

22 January, 2021 08:39 AM IST  |  Mumbai | Manoj Joshi

હવેનું એક વર્ષ અમેરિકા અને ઇન્ડિયા બન્ને માટે મહત્ત્વનું સાબિત થશે

તસવીર સૌજન્ય જાગરણ

જો બાઇડને ફાઇનલી શપથ લઈ લીધા અને ફાઇનલી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની મહાસત્તા પરથી દૂર પણ થયા. ટ્રમ્પનું દૂર થવું એ ભારત માટે કેટલું લાભદાયી છે એ વાત હવે ધીમે-ધીમે પુરવાર થવાની છે તો સાથોસાથ અમેરિકા પણ હવે કઈ દિશામાં આગળ વધશે અને એની વૈશ્વિક રાજનીતિ કેવી રહેશે એ વાત પણ હવે પુરવાર થવાની છે. એક વર્ષ, આવતું એક વર્ષ અમેરિકા માટે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ ભારત માટે પણ આવનારું એક વર્ષ મહત્ત્વનું પુરવાર થવાનું છે અને એનું કારણ પણ છે.
બાઇડનની રાજનીતિને નજીકથી જોનારા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સૌકોઈનું માનવું છે કે બાઇડન પાકિસ્તાન પ્રત્યે સૉફ્ટ કૉર્નર ધરાવે છે. ટ્રમ્પની રાજનીતિ સ્પષ્ટ હતી. તેમની રાજનીતિમાં અનેક પ્રકારના ભવાડા પણ થયા છે, હાસ્યાસ્પદ કહેવાય એવા લોચાઓ પણ ટ્રમ્પે માર્યા છે અને એ પછી પણ કહેવું તો પડે જ કે ટ્રમ્પની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક વાણિયાગત પણ દેખાતી હતી તો ક્યાંક ને ક્યાંક વેપારી શાણપણ ઝળકતું હતું. ભારતનું માર્કેટ જે પ્રકારે વૈશ્વિક કાઠું કાઢતું હતું એ ટ્રમ્પ જોતા હતા અને એટલે જ અમેરિકા ભારત સાથે સારા સંબંધ જાળવી રાખે એવી નીતિ પણ તેણે અકબંધ રાખી હતી. દેખીતી રીતે તેણે પાકિસ્તાનથી અંતર પણ કરી નાખ્યું હતું અને પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોમાં આ અંતર સ્પષ્ટ રીતે જોઈ શકાય એવું વર્તન પણ કર્યું હતું. ભારત સાથે સારાસારી રાખવાની આ જે નીતિ હતી એ નીતિમાં ક્યાંય લાગણીના સંબંધો ન હોય એવું બની શકે, પણ એમ છતાં આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા જેવી મહાસત્તા તમારા પડખે આવીને ઊભી રહે એ વાત પણ અવગણી તો નથી જ શકાતી.
જો બાઇડન એવું કરે એવી સંભાવના ઓછી જોવામાં આવે છે. ખાસ કરીને એ લોકો આ સંભાવના ઓછી જુએ છે જેઓ જો બાઇડનને વર્ષોથી ઓળખે છે અને બાઇડન સાથે યેનકેન પ્રકારે રાજનૈતિક સંબંધો ધરાવે છે. જો બાઇડન પાકિસ્તાનતરફી વલણ દાખવી શકે એવી સંભાવના પણ છે અને જો એવું બન્યું તો ફરી એક વખત પાકિસ્તાન દાબડામાંથી બહાર નીકળવાની ભૂલ કરશે. અફકોર્સ આ ભૂલ એને જ ભારે પડવાની છે પણ એમ છતાં યુદ્ધ કે સરહદી તંગદિલી ક્યારેય સુખમય રહી નથી એ સૌકોઈ જાણે છે. ઇઝરાયલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારોભાર વિકાસની ક્ષમતા ધરાવતા ઇઝરાયલની ચોતરફ દુશ્મન પથરાયેલા છે જેને લીધે ઇઝરાયલ જઈને કામ કરવા કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન તૈયાર નથી થતાં કે નથી કોઈને એ દેશમાં જઈને ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાં. રાષ્ટ્રીય શાંતિ વિકાસના રસ્તે બહુ અગત્યનું ઈંધણ છે એવું કહેવું જરાય અતિશયોક્તિભર્યું નહીં કહેવાય. પાકિસ્તાન આજે કાબૂમાં છે એ એટલું જ કાબૂમાં રહે એ અનિવાર્ય છે અને એ આવતા સમયમાં ખબર પણ પડશે. બાઇડન કઈ નીતિ રાખે છે અને બાઇડન કઈ દિશામાં આગળ વધે છે એના પર ઘણો આધાર રહેવાનો છે. અફકોર્સ આપણે પેલી પૉપ્યુલર ગુજરાતી કહેવત પણ ભૂલવી નહીં, ‘જોર તો જણનારીમાં જ હોવું જોઈએ.’
બાઇડન ધારો કે પાકિસ્તાન તરફ ઢળે તો પણ જણવાનું કામ તો પાકિસ્તાને જ કરવાનું છે અને અત્યારે નૉર્મલ ડિલિવરીની ક્ષમતા પણ પાકિસ્તાનમાં રહી નથી.

mumbai manoj joshi columnists