આ મહિલાઓએ કરેલા ડિજિટલ-જલસાનું તો શું કહેવું?

04 August, 2020 02:30 PM IST  |  Mumbai | Alpa Nirmal & Varsha Chitaliya

આ મહિલાઓએ કરેલા ડિજિટલ-જલસાનું તો શું કહેવું?

સ્ત્રીઓને તો સોશ્યલાઇઝિંગ વિના ન ચાલે. કોરોનાએ આ સોશ્યલાઇઝિંગ પર તાળાં મારી દીધાં ત્યારે મહિલાઓની કેટલીક ક્રીએટિવ મંડળીઓએ પોતાના ગ્રુપને ઑનલાઇન માધ્યમો દ્વારા એકતાંતણે બાંધીને એકબીજાની સાથે રહેવાના રસ્તાઓ શોધી નાખ્યા. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ પ્રવૃત્તિઓથી તેમણે પોતાની અંદરની મૉડલ, ઍક્ટર અને કલાકારને જગાડી દીધા

દૂરદર્શન કાળ એટલે કે એઇટીઝ અને નાઇન્ટીઝની જાહેરખબરોને તરોતાજા કરી: પરેશા પટેલ

‘ઠળક બાત્મ્યા’, ‘ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન’, ‘રામાયણ’, ‘ઇધર-ઉધર’ ને ‘યે જો હે ઝિંદગી’ જેવા પ્રોગ્રામોની વચ્ચે આવતી જાહેરખબરો યાદ છે તમને? આર્યા વેલ્ફેર અસોસિયેશન નામક લેડીઝ ગ્રુપે તેમના મેમ્બર માટે આ ૮૦થી ૯૦ના દાયકામાં ટેલિવિઝન પર આવતી જાહેરખબરની મૉડલની જેમ પર્ફોર્મ કરવાની સ્પર્ધા ગોઠવીને એને નવેસરથી તાજી કરી હતી. અસોસિએશનનાં પ્રેસિડન્ટ પરેશા પટેલ કહે છે, ‘અને તમે માનશો નહીં અમારા સભ્યોએ એવી જાહેરખબરો પર પર્ફોર્મ કર્યુ જે ઍડ્વર્ટાઇઝમેન્ટ મોટા ભાગના લોકો ભૂલી ગયા હતા. અમે ડ્રેસ અપ સાથે પંચ લાઇન કે જિંગલ બોલીને ઓરિજિનલ જાહેરખબરનું ઍઝ ઇટ ઇઝ ફિલ્માંકન કરવાનું કહ્યું હતું.  આ કાર્યક્રમમાં 20થી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓએ હોંશે-હોંશે પાર્ટિસિપેટ કરી અમને વિડિયો બનાવી મોકલ્યા.’ 

પાંચ વર્ષ પહેલાં સ્થપાયેલા આ ગ્રુપમાં ૪૫૦થી વધુ મહિલા મેમ્બરો છે. વિલે પાર્લેથી કાંદિવલી સુધીની ૨૦થી ૬૫ વર્ષની મહિલાઓ એની સભ્યો છે. પરેશાબહેન કહે છે, ‘આમ વર્ષમાં ફક્ત ચાર પ્રોગ્રામ હોય, પરંતુ લૉકડાઉનના ગાળામાં અમે ૮ કાર્યક્રમો કર્યા. ‍બૉલીવુડ થીમ, ઍડ્વર્ટાઇઝમેન્ટ થીમ, અંતાક્ષરી, હાઉઝી અને બીજા વિવિધ કાર્યક્રમો ઑનલાઇન પ્લૅટફૉર્મ પર કરાવ્યા. એ સાથે જ અમે દરેક કાર્યક્રમમાં ઇનામો પણ આપ્યા એટલે મેમ્બરોને પણ મજા આવી.  ઍડ્વર્ટાઇઝિંગની વાત કરું તો અમારી એક મેમ્બરે નીમા રોઝ સાબુની જાહેરખબર પર પર્ફોર્મ કર્યું એ એટલું રિયલ અને નૅચરલ હતું કે જોનારા બધાને મોજ આવી ગઈ. એવી જ રીતે બૉલીવુડ ફિલ્મમાં સ્ત્રીઓએ જે પોતાની ક્રીએટિવિટી બતાવી છે એ લાજવાબ છે. જે મેમ્બરો આમાં નહોતા  જોડાયા તેમને પણ જોવાની મજા આવી.’

વિવિધ ડે મનાવીને સ્કૂલની સખીઓ બની ગઈ ડિજિટલસૅવી: ફાલ્ગુની મહેતા

જુહુ સ્કીમ-પાર્લેમાં રહેતી ફૅશન-ડિઝાઇનર ફાલ્ગુની મહેતા તેના વૉટ્સઍપ ગ્રુપમાં અનાઉન્સ કરે કે આજે જોક ડે એટલે ગ્રુપમાં ૯૫ મેમ્બર અવનવા જોક પોસ્ટ કરે ને પછી ઊડે હાસ્યની   છોળો... બે દિવસ-ત્રણ દિવસ આખું ગ્રુપ આનંદમાં ને આનંદમાં. ત્યાં તો ગ્રુપમાં બીજી થીમ તૈયાર જ હોય. શાયરી, સાડી, ડાન્સ, ઈવન સનસેટ ફોટોગ્રાફીની થીમ પણ.

વેલ, ફાલ્ગુનીનું આ ગ્રુપ છે સ્કૂલની સખીઓનું. ગોરેગામ (વેસ્ટ)માં આવેલી સર બી. જે. ગર્લ્સ સ્કૂલમાંથી ૧૯૮૫માં એસએસસી પાસ કરેલો બૅચ ૩ વરસ પહેલાં સ્કૂલ છોડ્યા પછી ૩ દાયકા બાદ મળ્યો. ફાલ્ગુની મહેતા કહે છે, ‘પહેલી વાર મળ્યા પછી અમે વૉટ્સઍપ માધ્યમે એકબીજાના ટચમાં હતા. અમારું ગ્રુપ બન્યા પછી ગોરેગામની આઇ. બી. પટેલ સ્કૂલના છોકરાઓ, જેમની સાથે અમે પ્રાઇમરી એજ્યુકેશન લીધું હતું તેમની સાથે સંપર્ક થયો. ઍક્ચ્યુઅલી આ બેઉ સ્કૂલો એક જ ઑર્ગેનાઇઝેશનની છે. પ્રાઇમરીમાં કો-એડ છે અને ફિફ્થ સ્ટાન્ડર્ડથી બૉય્ઝ અને ગર્લ્સ સ્કૂલ સેપરેટ થાય છે. અમારા ઘણા કૉમન પ્રોગ્રામ પણ થયા અને લાગણી નામનું ગ્રુપ ફૉર્મ થયું. 

ગ્રુપમાં એક દિવસ ડિક્લેર થયું કે આજે બધા સાડી પહેરી ચોક્કસ ઍક્શન કરતાં-કરતાં વિડિયો બનાવે. એમાં ૩૫-3૭ સખીઓએ પોતાનો વિડિયો મોકલ્યો અને ‍રૂપલબહેને એ મસ્ત રીતે એડિટ કર્યો. એ જ રીતે ઍક્ટર ગોવિંદાનાં ગીતો પર તેના જેવો જ ડાન્સ, કોરોના વૉરિર્યસને બિરદાવતો વિડિયો, લગ્નના ફોટો, હમણાંના ફોટો કમ્બાઇન કરતો વિડિયો,  સ્કૂલ ગર્લ જેમ તૈયાર થવાનું એવા અનેક કાર્યક્રમો થયા. આ ગ્રુપમાં યુએસએ, કૅનેડા, મસ્કત તેમ જ ગુજરાતનાં વિવિધ શહેરોમાં રહેતા અને મુંબઈના ભિન્ન-ભિન્ન એરિયાઓમાં રહેતા સહાધ્યાયીઓ છે. કોઈ થીમ આપીએ એટલે બે-ત્રણ દિવસ એની તૈયારીમાં જાય. પછી તૈયાર થઈને વિડિયો બનાવવાનો અને એના પછી બધાનો જૉઇન્ટ કરેલો વિડિયો જોવાનો. આ દરેકમાં એવી મજા પડી કે આ  કપરો કાળ પણ બહુ આરામથી વીતી ગયો.’   

હસતાં-હસતાં રૂપલ કહે છે, ‘‍આ બહાને ઘણા લોકો ટેક્નોસૅવી પણ થઈ ગયા. મોબાઇલનાં નવાં- નવાં ફીચર્સ શીખ્યાં અને એ દ્વારા સિનેમૅટોગ્રાફર, વિડિયો એડિટર, સાઉન્ડ એન્જિનિયર પણ બની ગયા.’

ડાન્સ, ડ્રામા લેખન અને વિડિયો દ્વારા કચ્છી મહિલાઓની ક્રીએટિવિટીને લાગ્યા ચાર ચાંદ: જ્યોતિ સાવલા

૩૦ વર્ષ પહેલાં ૮ માર્ચ, વિશ્વ મહિલા દિવસે સ્થપાયેલી અઢારસોથી વધારે સભ્યો ધરાવતી સંસ્થા ‘કચ્છી મહિલા ફેડરેશન’એ લૉકડાઉનના કાળને રચનાત્મક કાળમાં પરિવર્તિત કર્યો. વિકટ સમયમાં સભ્યો ઉપરાંત કોઈ પણ વ્યક્તિઓ આનંદ માણી શકે એ માટે પોતાની યુટ્યુબ ચૅનલ તથા ફેસબુક અકાઉન્ટ શરૂ કર્યું. અને આ પ્લૅટફૉર્મના શ્રીગણેશ કર્યા કાર્યક્રમ રેટ્રો ઈવથી. સંસ્થાના ઉપપ્રમુખ જ્યોતિ સાવલા કહે છે, ‘હિન્દી ફિલ્મો મોટા ભાગના લોકો માટે સ્ટ્રેસબસ્ટર છે. એટલે જ અમે પહેલો કાર્યક્રમ ‍હિન્દી ફિલ્મોની ૬૦, ૭૦, ૮૦ના દાયકાઓની અભિનેત્રીઓના વેશ પરિધાન ધારણ કરી તેમનાં ગીતો પર નૃત્ય રજૂ કરવાનો રંગારંગ થીમ રાખી હતી જેમાં સેંકડો મેમ્બરોએ ભાગ લીધો. પાર્ટિસિપન્ટને જૂનાં ગીત અને સંગીત પર નાચવા અને ઝૂમવાની તો મજા આવી સાથે જોનારાઓ પણ જલસામાં આવી ગયા. અમે ભાગ લેનાર વ્યક્તિઓ પાસેથી બેથી ત્રણ મિનિટના વિડિયો મંગાવ્યા. ત્યાર બાદ અમારા પ્લૅટફૉર્મ પરથી એ ટેલિકાસ્ટ કર્યા. વચ્ચે-વચ્ચે સંસ્થાની 30 વર્ષની સફરને ફોટોગ્રાફ્સ વડે જીવંત કરી.’

‘કોરોના ઇફેક્ટ ઇન ફૅમિલી-પૉઝિટિવ ઓર નેગેટિવ’ના મુદ્દા ઉપર સંસ્થાએ દરેક સભ્યને વિડિયો અથવા લેખન કરવાનું કહ્યું. અગેઇન, એમાં પણ અનેક એન્ટ્રી આવી. કેટલાકે ફન વિડિયો મોકલ્યા તો ઘણાએ કુટુંબમાં થતી નાની-મોટી નોંકઝોકનું ફિલ્માંકન કર્યું. જ્યોતિબહેન કહે છે, ‘રાઇટિંગમાં પણ ઘણી એન્ટ્રી આવી, જેમાં ઘણી કથા-વ્યથા હલબલાવી મૂકે એવી હતી. એ દરેક વાતો અમે ડિજિટલી રજૂ કરી અને એ દ્વારા નોંધનીય વાત એ થઈ કે પ્રેક્ષકોને બોધ મળ્યા. જાણેજાણે ઘરના વડીલો કે જુવાનિયાઓ દ્વારા થતી ભૂલો ઑટોમૅટિકલી સુધરી ગઈ તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરવાનો મેસેજ પણ મળ્યો. એ સાથે જ આ કટોકટીભર્યા કાળમાં કઈ રીતે રહેવું, શું કરવું, શું ન કરવું એની પણ શીખ મળી.’

કચ્છી મહિલા ફેડરેશને સભ્યોની કળા, કાબેલિયત અને કલ્પનાશીલતાને પ્લૅટફૉર્મ મળે એ સારુ હિન્દી ફિલ્મોનાં પોસ્ટરની સ્પર્ધા ગોઠવી. સભ્યોએ પોસ્ટર પ્રમાણે વેશભૂષા કરી એ જ સ્ટાઇલમાં ફોટો પડાવવાના હતા. એમાં મેમ્બર્સની ફૅમિલી પણ ઇન્વૉલ્વ થઈ. સભ્યોએ જે મહેનત કરી,  મિનિમમ વસ્તુઓમાં જાતે તૈયાર થઈ જે પ્રમાણે ફોટો મોકલ્યા એ કાબિલે દાદ હતા.

ઘેરબેઠાં રાસ-ગરબા લીધા અને લગ્નગીતો ગાયાં: મીતા કાણકિયા

 ‘લીલી દ્રાક્ષની છાંયમાં

મારા કાનાનો માંડવો....’

લૉકડાઉનમાં તમે બધા હાઉઝી રમ્યા જ હશો અને ઇનામો પણ જીત્યા હશો. શું હાઉઝી રમતાં-રમતાં આવાં લગ્નગીતો ગાયાં છે? ચણિયાચોળી પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવી છે કે ઠાકોરજીને પારણે ઝુલાવ્યા છે? છેલ્લા ચાર મહિનાથી મુંબઈના જુદા-જુદા વિસ્તારમાં રહેતી કપોળ ઇનર વ્હીલ ગ્રુપની સોથી વધુ મહિલાઓએ ઘેરબેઠાં આ બધો આનંદ કર્યો છે. ટ્રેડિશન અને ટૅલન્ટનું કૉમ્બિનેશન ધરાવતી યુનિક હાઉઝી વિશે વાત કરતાં ગ્રુપ મેમ્બર મીતા કાણકિયા કહે છે, ‘અમારા ગ્રુપની મહિલાઓ બહુ હોંશીલી છે. શરૂઆતમાં ત્રણેક સાદી હાઉઝી રમ્યા પછી એમાં કંઈક નવું ઉમેરવાનો વિચાર આવ્યો. હાઉઝીની સાથે આપણી પરંપરા અને તહેવારોની મજા લઈએ એનાથી રૂડું શું હોય? બસ પછી તો દરેક હાઉઝીમાં જબરદસ્ત જલસો કર્યો છે. હાઉઝી હોસ્ટ કરનાર મેમ્બર ક્રીએટિવ ટિકિટ બનાવે અને ઇનામો પણ યુનિક રાખે જેથી અટ્રૅક્શન જળવાઈ રહે. એ માટે તેઓ આગલા દિવસથી મહેનત કરે છે. પહેલી લાઇનને સોના-ચાંદીનો હિંડોળો નામ આપ્યું હોય તો જેને ઇનામ લાગે તે ભજન ગાય પછી આગળના નંબર નીકળે. દરેક ઇનામ બાદ થીમ મુજબ ઉત્સવનો માહોલ જોવા મળે. રુક્ષ્મણી વિવાહની થીમ વખતે પ્રફુલ્લા મોદીએ વરપક્ષ તરફથી સૌને આવકાર્યા હતા તો કિરણબહેને કન્યાપક્ષની જવાબદારી ઉપાડી હતી. વૉટ્સઍપ પર કંકોત્રી મોકલવામાં આવી હતી એટલું જ નહીં, બન્ને પક્ષે પોતાના ઘરમાં રહીને ઑનલાઇન ફેરા ફર્યા હતા. નવરાત્રિ હાઉઝીમાં ચણિયાચોળી પહેરી ગરબા લીધા હતા અને માતાજીની આરતી ઉતારી હતી. પરંપરાગત હાઉઝીની સાથે મહિલાઓ પોતાની ટૅલન્ટ બતાવી શકે એવી હાઉઝી પણ ઑર્ગેનાઇઝ કરી છે. બ્યુટી પાર્લર થીમમાં મહિલાઓને ઘણું નવું જાણવા મળ્યું હતું. ફોર કૉર્નર અને ત્રણેય લાઇનને આઇબ્રો, હેરસ્ટાઇલ, મેંદી અને ફુલ હાઉસને બ્રાઇડલ મેકઅપ જેવાં યુનિક નામ આપ્યાં હતાં. ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ અઠવાડિયે અમારી સિત્તેરમી હાઉઝી છે. મેમ્બરોનો જોશ અને ઉત્સાહ જોતાં સો હાઉઝી રમવાનો ટાર્ગેટ જોતજોતામાં પૂરો થઈ જશે.’

lockdown columnists Varsha Chitaliya alpa nirmal