માઇન્ડ ડિસ્ટન્સિંગ: નકારાત્મકતા ફેલાવતા લોકોથી અંતર રાખવાનો સમય આવી ગયો

02 June, 2020 04:25 PM IST  |  Mumbai | Manoj Joshi

માઇન્ડ ડિસ્ટન્સિંગ: નકારાત્મકતા ફેલાવતા લોકોથી અંતર રાખવાનો સમય આવી ગયો

પ્રતિકાત્મક તસવીર

સોશ્યલ ડિસ્ટન્સિંગ તો જાળવવાનું જ છે, પણ એની સાથોસાથ હવેથી તમારે માઇન્ડ ડિસ્ટન્સિંગ પણ જાળવવાનું શરૂ કરવાનું છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ તમને કોરોનાથી સુરક્ષિત રાખશે અને માઇન્ડ ડિસ્ટન્સિંગ તમને નકારાત્મક માનસિકતા ધરાવતા લોકોની નિરાશાવાદી માનસિકતાથી બચાવવાનું કામ કરશે. અત્યારે દેશ બે પ્રકારની માનસિકતા વચ્ચે ડિવાઇડ થઈ ગયો છે.

એક વર્ગ એવો છે જે હજી પણ ઉત્સાહના ઘૂઘવાતા સમુદ્ર જેવો છે, જેનામાં હકારાત્મકતા ભારોભાર છે અને આશાવાદીપણું પણ એનું અકબંધ છે. તેને ખાતરી છે કે પોતાને કશું થવાનું નથી અને દેશ પણ ભાંગીને ભુક્કો નથી થઈ જવાનો, પણ બીજો વર્ગ સાવ વિપરીત માનસિકતા ધરાવે છે. તેનામાં નિરાશાવાદી વલણ એ સ્તરે પહોંચી ગયું છે કે એને દરેક વાતમાં ખરાબ જ દેખાય છે. શૂટિંગ હવે ચાલુ નહીં થાય. ધંધા તો પડી ભાંગ્યા ભાઈ. ન્યુઝપેપર ઇન્ડસ્ટ્રીની કબર ખોદાઈ ગઈ. રેસ્ટોરાં અને મલ્ટિપ્લેક્સ આજની આ પરિસ્થિતિ વચ્ચે જ ખતમ થઈ ગયાં, બસ બેસણું ગોઠવવાનું બાકી છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીથી માંડીને કુરિયર, કપડાં, મૉલ બધું ખતમ થઈ ગયું છે અને તે એવું પણ માને છે કે અડધી દુનિયા પણ કોરોનાને લીધે ખતમ થઈ જવાની છે.

નિરાશા ક્યારેય જીવનને આકાર ન આપી શકે. ભવિષ્ય એનું જ હોય જેનામાં આશાનો સંચાર અકબંધ હોય. જો જીવનને અકબંધ રાખવું હોય, મનમાં રહેલી આશાને પ્રજ્વલિત રાખવી હોય અને શ્રેષ્ઠતાની તરફ આગળ વધવું હોય તો એક કામ કરો, માત્ર એક કામ, માઇન્ડ ડિસ્ટન્સિંગ. દૂર થઈ જાઓ એવા લોકોથી જેને બધું ખોટું, ખરાબ અને વાહિયાત લાગવા માંડ્યું છે. જાળવો અંતર આવા નિરાશાવાદીઓથી. તે પોતે તો કશું કરવાના નથી, પણ તે તમને પણ કશું કરવા નહીં દે. તે પોતે તો કાચો પાપડ ભાંગવાને અસમર્થ છે, પણ સાથોસાથ તે તમારી પાપડની ફૅક્ટરી પણ વેચાવી દેશે.

ધંધાઓ પડી ભાંગ્યાની વાતો કરનારાઓ કેમ એ વાત ભૂલી જાય છે કે આ લૉકડાઉનમાં પહેલી વખત એવું બન્યું છે કે મારુતિ સુઝુકીએ એક પણ કાર વેચી નથી. પૅન્ટાલૂન અને માર્ક ઍન્ડ સ્પેન્સરમાંથી એક પણ ટી-શર્ટ વેચાયું નથી. કેમ ભૂલી જાય છે આ નિરાશાવાદી કે આ દિવસોમાં લાર્સન ઍન્ડ ટૂબ્રોના એક પણ મશીનની ખપત થઈ નથી અને ટ્રાવેલ પૉર્ટલ પર હોટેલ કે ફ્લાઇટનું રજિસ્ટ્રેશન થયું નથી. જો તેમની ખાતાવાહીમાં ટર્નઓવર ઝીરો પૈસાનું હોય તો સ્વાભાવિક રીતે તમારા મમરા અને તમારી બૉલપેન ન વેચાઈ હોય એવું બની શકે અને એમાં કોઈ મોટું પાપ નથી થઈ ગયું. દેશઆખો જ્યારે ઝઝૂમી રહ્યો હોય ત્યારે તમારા એકલાનો ઝંઝાવાત એ તમારા નબળા દિવસોની નિશાની નથી. કરણ જોહર અને સ્ટીવન સ્પીલબર્ગ સુધ્ધાં જો ઘરમાં બેસીને લૉકડાઉન ખૂલે, બધું નૉર્મલ થાય એની રાહ જોવાનું પસંદ કરતા હોય તો તમારા આ નિરાશાવાદી સ્વભાવને ગોળી મારી દેવી જોઈએ. એક ગુજરાતી કહેવત અત્યારે, આ સમયે યાદ આવી રહી છે...

જે જગતનું થશે એ તમારું થવાનું છે અને આ નક્કી છે તો પછી વગરકારણે ડિપ્રેશનના ઇન્જેક્શન આપતા પેલા નિરાશાવાદી લોકોને જાકારો આપી દેવો જરા પણ ખોટું નથી. આ જ સમય યોગ્ય છે અને આ જ સમયે એવું પગલું ભરવાનું હોય. માઇન્ડ ડિસ્ટન્સિંગ. ધકેલી દો એ બધાને હાંસિયાની બહાર. એવી કંપની કરતાં તો કંપની વગર રહેવું હિતાવહ છે. નક્કી તમારે કરવાનું છે. હિતાવહ વાસ્તવિકતા ભોગવવી છે કે પછી તમારે નિરાશાવાદીનાં ઇન્જેક્શન લઈને ફરતા સૌકોઈની હાથે પૂંઠે ઇન્જેક્શનની નિડલ ખાવી છે?

coronavirus covid19 lockdown columnists manoj joshi