ધાર્મિક અને સામાજિક સંસ્કારે આ પરિવારમાં રોપ્યાં છે એકતાનાં બીજ

07 October, 2020 01:50 PM IST  |  Mumbai | Bhakti Desai

ધાર્મિક અને સામાજિક સંસ્કારે આ પરિવારમાં રોપ્યાં છે એકતાનાં બીજ

ગાલા પરિવાર

વિલે પાર્લેમાં રહેતા ૬૫ વર્ષના માતૃપ્રેમી તથા પ્રેમાળ સ્વભાવના દિલીપભાઈ ગાલાના કુટુંબમાં તેમનાં પત્ની પ્રતિભા, પુત્ર પરાગ, પુત્રવધૂ નેહા, પૌત્રીઓ આનયા અને ઝોઈ છે, સાથે જ આ પરિવારનો હિસ્સો એટલે કે તેમનાથી
મોટા ભાઈ નેમચંદ અને ભાભી હર્ષાબહેનને ત્રણ દીકરાઓ છે; પુત્ર જિગર, વહુ દીપાલી, પૌત્ર પ્રીત, તેમનાથી નાનો પુત્ર કૌશિક, પુત્રવધૂ દીપાલી ઉર્ફે દીપુ, પૌત્ર વીર અને નાનો દીકરો ભાવિન, વહુ ચાર્મી અને પૌત્રી સિદ્ધિ સંયુક્ત કુટુંબમાં રહે છે.
દિલીપભાઈનો ચાર ભાઈઓ અને એક બહેનનો પરિવાર છે. તેઓના સૌથી મોટા ખુશાલભાઈનો સ્વર્ગવાસ થયો છે અને નેમચંદભાઈથી મોટા વસંતભાઈનો પરિવાર હાલમાં નવી મુંબઈમાં રહે છે, બહેન જયા નિસર તેમના સાસરે છે.
દિલીપભાઈ તેમના જન્મની અને ગામની યાદો વિશે વાત કરતાં કહે છે, ‘મારો જન્મ ચંદનવાડી, મરીનલાઇન્સમાં થયો, પણ જન્મ પછી બાળપણ તો અમારા રળિયામણા ગામમાં જ વીત્યું. પિતા વીરજીભાઈની મુંબઈમાં કરિયાણાની નાની દુકાન હતી, પણ વર્ષમાં બે મહિના તો તેઓ ગામમાં જ રહેવા આવે. અમારો પરિવાર મૂળ કચ્છના માંડવી તાલુકામાં આવેલા ભારાપર ગામનો વતની છે. નદી કનારે આવેલા આ નાનકડા ગામને દક્ષિણના કેરળની ઉપમા અપાય છે. અહીં રહ્યા પછી અન્ય કોઈ જગ્યાએ મન લાગવું મુશ્કેલ થઈ જાય એટલું સોહામણું આ ગામ છે.’
ચુસ્ત જૈન ધર્મનું પાલન
આ પરિવારમાં ધર્મના સંસ્કાર એટલા દૃઢ છે કે આશરે ચાર પેઢીથી અહીં કાંદા, લસણ અને બટાટા ક્યારેય ઘરમાં આવ્યાં નથી. ચુસ્ત જૈન ધર્મનું પાલન કરનાર આ કુટુંબનાં બાળકોએ પણ ક્યારેય આ નિયમ તોડ્યો નથી. સંયુક્ત અને મોટા પરિવારમાં જ્યાં આટલા બધા સભ્યો સાથે રહેતા હોય ત્યાં બધાના મન સાચવવા બે-ત્રણ શાક જમવામાં બને એ સ્વાભાવિક હોય, પણ અહીં તો નિયમ છે કે દરરોજ કોઈ પણ એક સભ્યને ભાવતું શાક જ બને અને એ એક શાક બધાએ જ ખાવાનું. બાળકોમાં આ સંસ્કાર આપનાર વહુ નેહા, જેઓ વ્યવસાયથી ડાયટિશ્યન છે તેઓ કહે છે, ‘અમારે ત્યાં દેશી અને મૉડર્ન બન્ને પ્રકારની રસોઈ બને. નાચોઝ, ટાકોઝ, પીત્ઝા, પાંઉભાજી એ બધું વડીલો હસતા મોઢે ખાય અને રોટલા-શાક, ખીચડી, છાશ જેવી દેશી વાનગીઓ બાળકો પેટ ભરીને જમે. આ ઘરમાં અમારી પેઢીની બધી જ વહુઓએ અને મેં પોતાનાં બાળકોને ખાવા-પીવાની કોઈ જીદ ક્યારેય ચલાવી નથી. જો ઘરમાં મમ્મીને ગમતું શાક બને તો અમે બધાં એ જ ખાઈએ, કારણ મોટો પરિવાર અને એમાં પણ વિવિધ વયજૂથ અને પેઢીના સભ્યોએ જો સાથે મળીને હસીખુશી રહેવું હોય તો સારા સંસ્કાર અને તાલીમ નાનપણથી બાળકોને આપવાં જ જોઈએ. મને ગર્વ છે કે અમારા કુટુંબમાં જમવાની બાબતમાં કોઈ જનરેશન ગૅપ છે જ નહીં.’
કામકાજની વહેંચણીમાં સમજણ
મોટા પરિવારમાં સ્ત્રીઓ પર ઘરના કામનો બોજ ખૂબ વધારે રહેતો હોય છે. ઘરની સ્ત્રીઓમાં કામને લઈને સંપ રહે એ માટે તેઓ શું કરે છે એ વિશે અહીં પ્રતિભાબહેન કહે છે, ‘અમે સાચે જ ભાગ્યશાળી છીએ કે બધી વહુઓએ અમારી પાસેથી બધાં કામ અને ઘરના રીતરિવાજોને બખૂબી અપનાવી લીધાં છે. અમારે ત્યાં એક જ રિવાજ છે કે સૌએ કામ કરવા માટે એકસાથે ઊઠવાનું અને કોઈ એક વહુ કે સાસુ કામ પતાવીને વહેલાં નવરાં થાય તો બહાર આવીને ન બેસીએ, બધાએ એકબીજાને મદદ કરીને સાથે જ રસોડામાંથી કામ પતાવીને બહાર આવવાનું હોય છે. કોઈ પણ કામ હોય, એની જવાબદારી સરખે ભાગે અમે બધાં વહેંચી લઈએ છીએ.’
વ્યવસાય વિશે
સતત પરિશ્રમ કરીને શૂન્યમાંથી સર્જન કરનાર દિલીપભાઈ અહીં પોતાના વ્યવસાય વિશે કહે છે, ‘મારા શરૂઆતના અને સંઘર્ષના સમયમાં મારા જયાબહેન અને બનેવી સ્વ. કાંતિભાઈએ મને ધંધા માટે ખૂબ આધાર આપ્યો એ પછી નેમચંદભાઈએ અને મેં ખૂબ મહેનત કરીને પાવડર કોટિંગનો વ્યવસાય શરૂ કર્યો. અમે જે. કે. ગ્રુપ નામની કંપની શરૂ કરી. કોઈ પણ ઇન્ટીરિયર કે ઍલ્યુમિનિયમ
વિન્ડો પર કલર કરવામાં અમારી નિપુણતા છે. હવે અમારાં બાળકો પણ વેપારમાં જોડાયેલાં છે. અમારા બન્ને ભાઈઓની કંપની એક છે, પણ કારખાનાં અલગ-અલગ છે.’
ધર્મ અને સમાજપ્રેમનો વારસો
માતાની ઓળખાણ આપતાં દિલીપભાઈ અહીં કહે છે, ‘અમારા ગામમાં આજેય મહારાજસાહેબ એક ધાર્મિક અને સંસ્કારી વ્યક્તિ તરીકે અમારાં માતુશ્રી પૂરબાઈનું દૃષ્ટાંત તેમના વ્યાખ્યાનમાં જરૂર આપે છે. સંસારની દરેક ફરજો બજાવીને પણ એક સંત મહાત્મા જેવું જીવન તેમણે વિતાવ્યું. ક્યારેય તેમણે જીવનમાં કાંદા, બટાટા, લસણ ચાખ્યાં નહોતાં. તેમના જીવનકાળમાં તેઓએ ક્યારેય ફિલ્મ નથી જોઈ. અમારા આખા પરિવારમાં પૂરબાઈ જેવો ધર્મનો વારસો અમારા વસંતભાઈને મળ્યો છે. તેઓ ૧૪ વર્ષથી વર્ષીતપ કરી રહ્યા છે.’
સમાજપ્રેમી વીરજીભાઈની છબી વિશે નેમચંદભાઈ કહે છે, ‘વીરજીબાપાનું ઘર કહીએ એટલે અમારા ગામથી દસ કિલોમીટર દૂરથી આવનાર વ્યક્તિને બીજા કોઈ સરનામાની જરૂર ન પડે એટલું પ્રખ્યાત. અમારે ત્યાં બાપુજીને મળવા મિત્રો અને સબંધીઓનો આવરો-જાવરો એટલો હતો કે દર દિવસે ૧૦ લિટર દૂધ પણ ખપી જાય અને સાથે જ અમારી બાની મહેમાનગતિ પણ કહેવી પડે. મારા પિતાની પાસે પોતાને માટે કંઈ હોય કે નહીં, તેઓ ક્યારેય ન વિચારતા, પણ સમાજના લોકો માટે અને સમાજ માટે જેકંઈ હોય એ ખર્ચી નાખે. તેમના આ સંસ્કારથી પ્રેરાઈને કચ્છમાં ધર્મમાં વધારો કરવા દિલીપભાઈએ અને મેં ગામમાં ઉપાશ્રય બનાવ્યું છે. પંદર પ્લૉટનાં બે બિલ્ડિંગ અન્ય દાતારોની સહાયથી બનાવી રહ્યા છીએ, જેમાં ભૂમિમાં અમે સહયોગી દાતા છીએ. આનો ઉદ્દેશ એ છે કે કચ્છના અન્ય ઠેકાણે વસેલા લોકો કચ્છમાં જઈ શકે અને એ માટે તેમને ૫૦ ટકા રાહતે દાતારોની સહાયથી ઘર આપ્યાં છે. અમે આજુબાજુનાં પાંચ ગામનો પાંચારો બનાવી રહ્યા છીએ, જેમાં અમારું ગામ અગ્રેસર છે અને દિલીપભાઈ અને હું આ કામમાં પણ આગળપડતી ભૂમિકા ભજવી રહ્યા છીએ.’
પરિવારના સંપ વિશે હર્ષાબહેન કહે છે, ‘ભાઈઓ અને દેરાણી-જેઠાણીમાં એટલો સંપ છે કે અમે જ્યારે સાઉથ આફ્રિકા ફરવા ગયાં હતાં ત્યારે બધાને એવું લાગ્યું જાણે અમારી બહેનોનો આ પરિવાર છે. આજેય અમારા બધા વહેવાર અને દરેક પ્રસંગોમાં બધાં સાથે જ હોઈએ છીએ અને વર્ષમાં ૬ ગેટ-ટુગેધર તો થાય જ છે. બાળકો પણ કચ્છમાં આવે છે અને રીતિરિવાજો શીખે છે. એક ઉદાહરણ આપું તો અમે અમારાં સાસુને સવારે ઊઠીને વાસીદું વાળતાં જોતાં એ પછી અમે શહેરમાં પણ એ કરીએ છીએ અને આજે વહુઓ પણ સવારે પહેલાં વાસીદું વાળે છે તથા જીવદયાના નિયમ પ્રમાણે ગૅસ સાફ કરીને દરેક સૂક્ષ્મ જીવની માફી માગીને જ ચૂલો ચાલુ કરીએ છીએ. આ બધું હવે બાળકો પણ કરતાં થઈ ગયાં છે.’
ધર્મ ફક્ત ભગવાનની સમીપ રહેવું એ નથી, પણ દરેક જીવનો વિચાર કરીને પોતાનું જીવન માણવું એ છે. જીવનમાં કોઈ પ્રલોભનોમાં મનને ફસાવા ન
દેવાની શક્તિ આ ધર્મથી બાળકોને મળતી હોય છે અને તેઓ એકલાં હોય ત્યારે પણ યોગ્ય નિર્ણય લઈ શકે છે. સંયુક્ત પરિવારમાં મળતા સંસ્કાર બાળકોનું માર્ગદશન કરે છે.

રામાયણ-મહાભારત માટે દિનચર્યા બદલી

બધા સાથે રહેતા હોય ત્યારે કેવી મજા આવે એનો ખરો અનુભવ તો લૉકડાઉન દરમ્યાન મળ્યો. સંયુક્ત કુટુંબમાં સાથે મળીને કેવી રીતે હસતાં-રમતાં પસાર થઈ ગયો અને સાથે ધાર્મિક સંસ્કારોનો ઉમેરો થતો ગયો એ વિશે દીપાલીબહેન કહે છે, ‘અમને સૌથી વધારે મજા લૉકડાઉન દરમ્યાન આવી. અમારાં બાળકોને અમારે રામાયણ અને મહાભારત બતાવવાં હતાં જેથી તેઓને પુરાણોનું જ્ઞાન મળી શકે. પહેલા એપિસોડથી લઈને આ બન્ને સિરિયલના છેલ્લા ભાગ સુધી અમે આખું ઘર એ જોવા બેસી જતું. સાચું કહીએ તો એટલા સમય માટે અમે અમારી આખી દિનચર્યા બદલી નાખી હતી અને દરેક સભ્યએ નિરાંતે આ પૌરાણિક કથાનો લાભ ઉઠાવ્યો હતો.’
સાથે રહેવા છતાં આવો અનુભવ પહેલાં કદી નહોતો મળ્યો એવું જણાવતાં નેહાબહેન કહે છે, ‘આજે વિચાર કરીએ તો લૉકડાઉન જેવો ગુણવત્તાવાળો સમય પરિવારને ક્યારેય મળ્યો નહોતો અને આગળ પણ કદાચ નહીં મળે. ખૂબ સરસ સંસ્મરણો આ સમયના અમારા જીવનનો હિસ્સો બની ગયાં છે.’

bhakti desai columnists