આજ નહીં તો કલ, બિખરેંગે યે બાદલ

14 July, 2020 08:01 PM IST  |  Mumbai | Taru Kajaria

આજ નહીં તો કલ, બિખરેંગે યે બાદલ

ચાર-ચાર મહિનાઓથી ઘરમાં બંધ, ક્યાંય બહાર જવાનું નહીં, મિત્રો કે સાથીઓને મળવાનું નહીં, ઘરમાં પરિવારની સાથે રહેવાનું ખરું, પણ એ અતિનિકટતાને પરિણામે જન્મતી કડવાશ પણ ઝેલવાની અને આ બધાથી વધુ કષ્ટદાયી તો જૉબ ચાલી જવાનો ડર, બચત પર જીવવાનું ક્યાં સુધી ચાલશે એની અસલામતી, દિવસે-દિવસે વધુ ને વધુ બિહામણો બની રહેલો માહોલ અને આ તો હજી વધશે, હજી વધુ વકરશે કે એક-બે વર્ષ સુધી ચાલશે એવા બધા અહેવાલોએ લોકોના માનસ પર ઊંડી અસર કરી છે

ગયા અઠવાડિયે ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં બીજું લૉકડાઉન શરૂ થયું. છેલ્લા  થોડા દિવસથી ઑસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19એ ફરી માથું ઊંચક્યું છે. એમાં દક્ષિણ-પૂર્વી રાજ્ય વિક્ટોરિયા મોખરે છે. ગયા બુધવારે વિક્ટોરિયામાં કોવિડના ૧૬૫ નવા કેસ નોંધાયા. એના બીજા જ દિવસથી ૬ અઠવાડિયાંના લૉકડાઉનનો બીજો દોર શરૂ થઈ ગયો. આ બધા દેશોમાં કડક લૉકડાઉનનો અમલ કેટલી ચોકસાઈ અને કાયદાકીય શિસ્તથી થાય છે એનો અંદાજ એક ઘટના પરથી બાંધી શકાશે. વિક્ટોરિયાની રાજધાની મેલબર્નમાં એક વિખ્યાત ફાસ્ટ ફૂડ ચેઇનના સ્ટોરમાં ૯ જુલાઈએ ગુરુવારની મધરાતે બે વ્યક્તિઓએ એક-દોઢ વાગ્યે ૨૦ ભાણાં પૅક કરવાનો ઑર્ડર આપ્યો. સ્ટોરના એક સ્ટાફને શંકા ગઈ કે આટલાંબધાં ભાણાં કેટલા લોકોના હશે? તેણે પોલીસને જાણ કરી. પોલીસ આવી અને પેલા બન્નેની ગાડીનો પીછો કર્યો. પેલાઓનો શક સાચો પડ્યો. એક ફાર્મહાઉસમાં જન્મદિનની પાર્ટીની ઉજવણી કરવા કેટલાક મિત્રો ભેગા મળ્યા હતા. કમ્પ્લીટ લૉકડાઉનના નિયમોનો ભંગ કરીને બર્થ-ડે પાર્ટી ઊજવાતી હતી. પોલીસને જોઈને એ બધા આઘા-પાછા થઈ ગયા. કોઈ ગૅરેજમાં છુપાયું, કોઈક પલંગ નીચે સંતાયું તો કોઈ વળી બૅકયાર્ડમાં છૂ થઈ ગયું! પણ પોલીસે એ બધાને શોધી કાઢ્યા અને દંડ ફટકાર્યો. કેટલો? અધધધ ૧૪,૩૬૦ પાઉન્ડનો! અર્થાત્ એ બર્થ-ડે પાર્ટી તેમને ૧૩,૬૨,૫૭૫.૬૦ રૂપિયામાં પડી! પરદેશમાં કાનૂનભંગ માટે મોટા ભાગે આવા તગડા દંડ વસૂલાય અને સજા થાય એ વધારામાં.

વિક્ટોરિયા રાજ્યમાં કોવિડના ઉપદ્રવને કારણે ફરી લૉકડાઉન કરવું પડ્યું છે ત્યારે ત્યાંના રહેવાસીઓની જિંદગીમાં ઘણાંબધાં નિયંત્રણો મુકાયાં છે અને એ નિયંત્રણોનું દરેક જણ પાલન કરે છે કે નહીં એ જોવા માટે તેમનાં ઘરોમાં જઈને ચકાસણી થાય છે. આમ છતાં ત્યાં કોઈ ‘અમારા અધિકારો પર તરાપ’ કે ‘અમારી પ્રાઇવસી પર આક્રમણ’ એવા આક્ષેપો સરકાર પર કરતું નથી. આનાથી વિરુદ્ધ આપણે ત્યાં દેશના વડા પ્રધાન કે રાજ્યના મુખ્ય પ્રધાન અત્યંત વિનમ્રતાથી જનતાને આ મહામારીને અનુલક્ષીને બનાવવામાં આવેલા કાયદા કે નિયમોનું પાલન કરવા રિક્વેસ્ટ કરે, એ માત્ર ને માત્ર જનતાના જ હિતમાં છે એ વાત વારંવાર દોહરાવે અને શક્ય એટલી સૌમ્યતાથી સલામતી જાળવવા અનુરોધ કરે તો પણ આપણે ત્યાં ઘણા લોકો માસ્ક પહેરવા કે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા જેવી સરળ બાબતોનો પણ અમલ કરતા નથી!

આપણે ત્યાં અમુક વિસ્તારો અને અમુક ઉદ્યોગોમાં અનલૉકનો તબક્કો શરૂ થયો છે, પરંતુ સરકાર અને તંત્ર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે અનલૉકના તબક્કાનો અર્થ બેકાળજી કે બેદરકાર રહેવું એવો બિલકુલ નથી. મહામારીના સંદર્ભે બનાવેલા તમામ નિયમોનું પાલન કરતાં–કરતાં કામ કરવાનું છે. આમ છતાં કેટલાક ઉદ્યોગો અને ઑફિસોમાં અમુક લોકો માસ્ક નથી પહેરતા. તેમને એ વિશે કહેવામાં આવે તો તેઓ સામી મજાક કરે છે! માસ્ક ન પહેરવું એ કોઈ બહાદુરી કે સ્માર્ટનેસ નથી એ સાદી વાત એ કહેવાતા ‘સ્માર્ટ’ લોકોને સમજાતી નથી, પરંતુ તેમની આ અનસ્માર્ટ હરકત તેમની જ નહીં, અન્યોની જિંદગી માટેય જોખમી બને છે અને એટલે જ એ સંદર્ભે સૌને સમસ્યા છે.

ભણેલા અને વ્યાવસાયિક લોકો પણ આ રીતે કેમ વર્તતા હશે એવો સવાલ આપણને થઈ શકે. એનો એક જવાબ એ છે કે આ લૉકડાઉને લોકોનાં મન અને માનસિક અવસ્થા પર ઘણી અસર કરી છે. દિશાદોર વિનાનો લાગતો આ સમય અને જિંદગીની કોઈ પણ બાબત પોતાના હાથમાં નહીં હોવાની સ્થિતિએ લોકોમાં ઍન્ગ્ઝાઇટીનું પ્રમાણ વધારી દીધું છે. ચાર-ચાર મહિનાઓથી ઘરમાં બંધ, ક્યાંય બહાર જવાનું નહીં, મિત્રો કે સાથીઓને મળવાનું નહીં, ઘરમાં પરિવારની સાથે રહેવાનું ખરું, પણ એ અતિનિકટતાને પરિણામે જન્મતી કડવાશ પણ ઝેલવાની અને આ બધાથી વધુ કષ્ટદાયી તો જૉબ ચાલી જવાનો ડર, બચત પર જીવવાનું ક્યાં સુધી ચાલશે એની અસલામતી, દિવસે-દિવસે વધુ ને વધુ બિહામણો બની રહેલો માહોલ અને ‘આ તો હજી વધશે’, ‘હજી વધુ વકરશે’ કે ‘એક-બે વર્ષ સુધી ચાલશે’ એવા બધા અહેવાલોએ લોકોના માનસ પર ઊંડી અસર કરી છે.

અનેક સંશોધકો અને માનસશાસ્ત્રીઓએ આ વિશે કરેલા અભ્યાસ અનુસાર આ ત્રણ મહિના દરમ્યાન ચિંતા અને માનસિક તાણના શિકાર બનેલા દરદીઓના આંકડાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પરિસ્થિતિમાં સામાજિક સહકાર અને ટેકો અગત્યની ભૂમિકા ભજવે છે. આ મહામારીને કારણે જેમની જિંદગીમાં વધુ તકલીફો આવી છે તેમને તેમનાથી ઓછી તકલીફોવાળી વ્યક્તિ તરફથી મદદ કે મોરલ સપોર્ટ પણ મળે તો તેમનામાં બળ સીંચાય. આજે સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટની મદદથી લોકો સ્થળકાળની મર્યાદા ઓળંગીને એકબીજા સાથે વાતો કરી શકે છે કે એકબીજાને જોઈ પણ શકે છે એ ખરેખર એક આશીર્વાદ છે. મોબાઇલ આજે સ્ટ્રેસરિલિવર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સિસ્ટર શિવાનીથી લઈને અનેક તબીબો, આધ્યાત્મિક ગુરુઓ, સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થાઓ, કલાકારો અને ઈવન સામાન્ય માનવીઓ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ થકી લોકોને વ્યસ્ત રાખે છે.

પરંતુ જે લોકોને આ બધી સવલતોનો આધાર મળી રહ્યો છે તેમણે એ વિશાળ વર્ગને પણ યાદ રાખવાનો છે જે આ સગવડથી વંચિત છે. હકીકતમાં આ કપરા સમયને કાપવામાં બે માનસિક કવાયતો કાફી મદદરૂપ થઈ શકે એમ છે; એક તો કાઉન્ટ ધ બ્લેસિંગ્સ એટલે કે આપણને તો કેટલુંબધું મળ્યું છે એનો વિચાર અને બીજી જેમની પાસે ઓછું છે તેમના પ્રત્યે સહાનુભૂતિ અને તેમનો આધાર બનવાની શક્ય એટલી કોશિશ. જરૂરી નથી કે એ આધાર આર્થિક કે ભૌતિક જ હોય. ઘણી વાર આપણા શબ્દો અને લાગણી થકી પણ આપણે માનસિક રીતે ભાંગી પડેલી વ્યક્તિને હિમ્મત બંધાવી શકીએ છીએ. એટલું જ નહીં, એમ કરવા જતાં આપણે પોતાની જાતને પણ ધરપત આપતા હોઈએ છીએ.

છેલ્લે, મારા બાપુજી તેમની દુકાનમાં એક વાક્ય હંમેશાં રાખતા :

‘યહ ભી કબ તક?’

બસ, એ દિવસની પ્રતીક્ષા કરીએ. હમણાં જ મહામારીના અંતનું  એક સિમ્બૉલિક ચિત્ર

વૉટ્સઍપ પર વાઇરલ થયેલું. આકાશમાં ઘણા બધા માસ્ક ઊડી રહ્યા છે અને નીચે ખુશખુશાલ લોકો ચાલી રહ્યા છે. આશા રાખીએ કે એ શુભ દિન જલદી આવે.

‘આજ નહીં તો કલ, બિખરેંગે યે બાદલ.’

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝ પેપરના નહીં.)

coronavirus covid19 lockdown columnists taru kajaria