શું કહું ને શું લખું તમને મારા હાલ, હૃદયમાં રાજસ્થાન છે,આંખોમાં નૈનીતાલ

13 July, 2020 04:47 PM IST  |  Mumbai | Pravin Solanki

શું કહું ને શું લખું તમને મારા હાલ, હૃદયમાં રાજસ્થાન છે,આંખોમાં નૈનીતાલ

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરના માણસોની આવી જ એકસરખી હાલત છે. ભૂતકાળમાં મંગળ પર જીવન છે કે નહીં એનો વિચાર કરતા હતા. આજે જીવન ક્યારે મંગલમય બનશે એના જ વિચાર આવે છે. આ અને આવી એકની એક વાતને જુદી-જુદી રીતે વ્યક્ત કર્યા છતાં હવે કંટાળો આવે છે.
કોઈ કહે છે કે તમારા હૃદયમાં લીલું વૃક્ષ રાખો તો પાંખો ફફડાવતું-ફફડાવતું, ગાતું-ગાતું કોઈ ને કોઈ પંખી ક્યારેક તો તમારી પાસે આવશે જ. અરે મારા ભલા-ભોળાભાઈ, લીલા વૃક્ષની ક્યાં વાત કરો છો? અહીં તો હૃદય જ રાજસ્થાન બની ગયું છે. લીલું વૃક્ષ તો જવા દો, ઘાસ પણ ઊગવાના વાંધા છે. જ્યાં જળ જ નથી ત્યાં તળ સુધી જવાના વિચાર કરવાનો શું અર્થ? જળની ઝંખના છે, પણ જળને બદલે મૃગજળ દેખાય છે. દેખાય છે, પણ પી શકાતું નથી. તૃષ્ણા મરતી નથી ને તૃપ્તિ થતી નથી.
મને પોતાને પણ લાગે છે કે નકારાત્મક વિચારો મારા પર હાવી થઈ ગયા છે. પ્રેમથી કરેલાં કામોનો થાક નથી લાગતો અને વેઠથી કરેલાં કામમાં આનંદ નથી મળતો. આજે તો દરેક કામ વેઠ લાગે છે. દરેક કામમાં થાક લાગે છે અને પ્રેમ કે આનંદનું ક્યાંય નામોનિશાન નથી. શું લાચારી આટલી માણસને હીન-દીન બનાવી શકે?
થોડા વખત પહેલાં હું જ બધાને કહેતો ફરતો હતો કે કોઈ પણ મુશ્કેલીનો નીડર બનીને સામનો કરે તેનું નામ મર્દ. દુઃખમાં જે ડગી ન જાય ને સુખમાં જે છકી ન જાય તેનું નામ માણસ. દરેક કાળા વાદળને એક રૂપેરી કોર હોય છે; કોઈ સુખ કે દુઃખ કાયમનું નથી, કોઈ દુશ્મન ત્યારે જ શક્તિશાળી લાગે છે જ્યારે આપણી હિંમત ખૂટી ગઈ હોય. કાયરતા જેવો કોઈ રોગ નથી અને આત્મવિશ્વાસ જેવો કોઈ ઇલાજ નથી.
આમ એકાએક હું આવો નિર્બળ કેમ બની ગયો? એકધારા એકના એક વિચારો! એ હકીકત હું ભૂલી ગયો કે દૈનિક જીવનમાં પણ પ્રવૃત્ત‌િઓમાં થોડું પરિવર્તન જરૂરી છે. એક જ રસ્તે એકધારું ચાલવાથી કંટાળો-થાક લાગે. કેડી બદલતા રહીએ તો મન પ્રફુલ્લિત રહે.
આજે હું કેડી બદલું છું. કોરોનાનો કોઈ કકળાટ નહીં, સમસ્યાનો કોઈ ઉકળાટ નહીં. સૂચનો કે જ્ઞાનની ગોળીઓનો કોઈ ડોઝ નહીં.
ફક્ત પ્રેમની વાત ઃ
પ્રેમની વાત બધાને ગમે! લખવી ગમે, જોવી ગમે, સાંભળવી ગમે. પ્રેમનું સામ્રાજ્ય અત્ર, તત્ર સર્વત્ર છે. પ્રેમમાં કોઈ ગરીબ નથી કે પ્રેમમાં કોઈ અમીર નથી, પ્રેમમાં બધા અધીર હોય છે, અસ્થિર હોય છે. પ્રેમ પીવાથી અતિમધુર લાગે છે, પણ એનો કેફ જીરવવો બહુ આકરો હોય છે, પ્રેમ રાઈનો દાણો છે, પણ એની અસર પહાડ જેવી હોય છે. પ્રેમ એ ઉચ્ચ પ્રકારનું ગાંડપણ છે. પ્રેમ શક્તિ છે, પ્રેમ ગતિ છે, પ્રગતિ છે, પ્રેમ સર્વ દુખોનું કારણ છે અને નિવારણ પણ છે.
એક વર્ષે ગાંધી જયંતી નિમિત્તે ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં ‘બાપુનું જીવન’ શીર્ષક હેઠળ કાર્યક્રમ હતો, મારું સંચાલન. એક યુવાને પ્રશ્ન કર્યો, ‘સર, ગાંધીજી સરલાદેવી નામની સ્ત્રીના પ્રેમમાં હતા એ વાત સાચી છે? શું મહાન ગણાતી વ્યક્તિ આવી ક્ષુલ્લક બાબતમાં નિર્બળ હોઈ શકે?’
યુવાનનો પ્રશ્ન અટપટો કે અઘરો નહોતો, પણ એક સંકુચિત વિચારધારાનો હતો. ‘મહાન’ માણસ એટલે શું? વ્યક્તિનું નામ મોટું હોય, કામ મોટું હોય, વ્યાપ મોટો હોય, વ્યક્તિત્વ અનોખું હોય, તે સારો કલાકાર હોય, સંત હોય, મહંત હોય, શિલ્પી હોય, કવિ-લેખક, નેતા હોય તે? પણ એથી શું? આપણે એ ભૂલી જઈએ છીએ કે આખરે તે પણ એક માણસ જ છે.
ગાંધીજીએ કબૂલ કર્યું હતું કે ‘હું તેને આધ્યાત્મિક રીતે પ્રેમ કરું છું.’ આધ્યાત્મિક પ્રેમ ક્યાં જોવા મળે? બાળકના હાસ્યમાં, માતાના રુદનમાં, પિતાની આંખોમાં, બહેનના હેતમાં, ભાઈની ભાવનામાં, મિત્રોની ખેલદિલીમાં.
રશિયન લેખક, મહાન લેખક ચેખોવ. પૂરું નામ ઍન્ટોન પાવલોવિચ ચેખોવ. ટૂંકી વાર્તાલેખનનો માસ્ટર, નાટ્યલેખનનો માહેર. તેની પ્રેમકહાણી અલગારી છે. સામાન્ય માણસ માટે પ્રેમકહાણી એટલે લૈલા-મજનૂ, હીર-રાંઝા, શિરીન-ફરહાદ, રોમિયો-જુલિયટ, હોથલ-પદમણી, શેણી-વીજાણંદ. એકબીજા પ્રત્યે આકર્ષણ થવાથી પ્રેમની શરૂઆત થાય અને એકબીજા માટે ખુવાર થઈને એનો અંત આવે. આવી પ્રેમકહાણીઓમાં કાં તો ત્યાગ હોય, કાં બલિદાન હોય.
ચેખોવ અને લીડિયાની પ્રેમકહાણી આ બધાથી જરા જુદી, અનોખી છે. એ પ્રેમકહાણીની વાત પછી કરીશ હું. આ પ્રેમકહાણી સમજવા માટે પહેલાં ચેખોવે લખેલી એક પ્રેમકહાણી જાણવી જરૂરી છે. વાર્તાનું શીર્ષક છે ‘ભિખારી.’ મૂળ વાર્તાનું હાર્દ જાળવીને હું અહીં ગુજરાતી રૂપાંતર રજૂ કરું છું.
એક ગરીબ ભિખારી રસ્તા પર જઈ રહ્યો હતો (ભિખારી ગરીબ જ હોય એવું આજે રહ્યું નથી અને ગરીબ ભિખારી જ હોય આવી માન્યતા મૂર્ખાઈ છે એટલે ‘ગરીબ ભિખારી’ શબ્દપ્રયોગ કર્યો છે). નામ હતું ભિખુ. બધી વાતે પૂરો હતો. દારૂડિયો હતો, જૂઠાડો હતો, હરામખોર હતો, અવારનવાર જુગાર પણ રમી લેતો હતો. રસ્તે ચાલતાં તેની નજર સૂટબૂટ પહેરેલા બૂટ-પૉલિશ કરાવી રહેલા એક સજ્જન પર પડી. તે પહોંચી ગયો ત્યાં. દયામણું મોઢું કરીને બોલ્યો, ‘સાહેબ, ત્રણ દિવસથી ભૂખ્યો છું, કાંઈ ખાધું નથી, રહેવા માટે છાપરું નથી. ઘરબાર-કુટુંબ કાંઈ નથી. કાંઈક મદદ કરો. નહીં સાહેબ, એમ મોઢું ન ફેરવી લો. હું જન્મજાત ભિખારી નથી. સ્કૂલમાં ટીચર હતો, પણ ટ્રસ્ટીના છોકરાને ફેલ કર્યો એટલે મને કાઢી મૂક્યો. હવે કોઈ નોકરી નથી આપતું. હા, બાજુના શહેરની એક સ્કૂલમાં નોકરી મળે એમ છે, પણ ત્યાં જવાના પૈસા નથી. મારા પર દયા કરો.’ છટાપૂર્વક તેણે વાર્તા ઘડી કાઢી.
ભિખુ જાણતો નહોતો કે તેણે જેની સાથે પનારો પાડ્યો છે એ તેનોય બાપ હતો મનોજ ભટ્ટ. વકીલ હતો. જૂઠું કેમ બોલવું ને બોલાવડાવવું એ તો તેનો ધંધો હતો. મનોજે ભિખુ સામે ધારદાર રીતે જોયું. કંઈક ગરબડ લાગી. લાગ્યું કે આ માણસને મેં પહેલાં ક્યાંક જોયો છે. તેણે કરડાકીથી ભિખુને પૂછ્યું, ‘બે-ચાર દિવસ પહેલાં તું હાઈ કોર્ટ પાસે આંટા મારતો હતો?’ ‘ના સાહેબ, મારો અલૉટ થયેલો એરિયા તો આ જ છે. અમે બીજા એરિયામાં ભીખ ન માગી શકીએ.’ મનોજે બરાડીને કહ્યું, ‘તું જાણે છે હું કોણ છું? વકીલ છું, નામાંકિત વકીલ. એક વાર એક ચહેરો જોઉં છું એને ક્યારેય નથી ભૂલતો. એ વખતે તેં મને કહ્યું હતું કે હું સ્ટુડન્ટ છું. ફીના પૈસા નથી, મને મદદ કરો.’
‘ના સાહેબ ના, એ હું નહોતો.’
‘તો શું તારો જોડિયો ભાઈ હતો?’
‘હા સાહેબ, કમાલ છે. તમને કેમ ખબર પડી કે મારે જોડિયો ભાઈ છે?’
‘યુ સ્કાઉન્ડ્રેલ, હમણાં તો તેં કહ્યું કે કુટુંબમાં મારું કોઈ નથી.’
વકીલનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. ભિખુ ભોંઠો તો પડી ગયો, પણ તેણે તેનું રટણ તો ચાલુ જ રાખ્યું, ‘સાહેબ, સાચું કહું છું, હું જૂઠું નથી બોલતો. મારે કયા એરિયામાં ભીખ માગવી એનું કાર્ડ છે. હું બતાવું તમને.’ એમ કહીને તે ખિસ્સામાંથી કાર્ડ શોધવા લાગ્યો ત્યાં પોલીસની વૅન એ તરફ આવતી દેખાઈ એટલે વકીલે બૂમ પાડી, ‘ઇન્સ્પેક્ટર.’
અને ભિખુ ભાંગી પડ્યો. પગમાં પડી ગયો. હવે જે બોલ્યો એ સાચું જ બોલ્યો. કહ્યું, ‘સાહેબ, અસલમાં હું ગાયક હતો. દિવસે નોકરી કરતો અને રાતે નાના-મોટા કાર્યક્રમમાં ગીત ગાઈને ગુજરાન ચલાવતો, પણ ખરાબ સંગતને કારણે દારૂને રવાડે ચડી ગયો અને એમાં ને એમાં મેં નોકરી ગુમાવી.’
‘તો બીજી નોકરી શોધ.’
‘ખૂબ શોધી, પણ કોઈ નોકરી આપતું નથી. એક તો લાચાર અને વળી પાછું નામ બદનામ.’
‘જૂઠ, ફરી પાછું જૂઠ. કામ કરવાની તારી દાનત જ નથી. હરામનું ખાવાની તને આદત પડી ગઈ છે. તું હલકટ, નીચ માણસ છે ઇડિયટ, હટ્ટોકટ્ટો માણસ છે તું, નોકરી ન મળે તો મજૂરી કેમ નથી કરતો? ઘરકામ કર. આજે ઘરકામ કરનારાઓની તો ડિમાન્ડ છે.’
‘એ પણ પ્રયત્ન કર્યા, પરંતુ સાહેબ, પેલું કહે છેને કે નસીબ ખરાબ હોય તો ઊંટ પર બેઠા હોઈએ તો પણ કૂતરું કરડી જાય.’
‘સાલા! બોલવામાં તો ઉસ્તાદ છે, કામચોર. જેને કામ કરવું જ હોય તેને ક્યાંય પણ કામ મળી રહે છે.’
‘મા કસમ, મને કોઈ કામ નથી આપતું.’
‘હું આપીશ! બોલ કરીશ?’
‘હાં, હાં, બોલો, ક્યાં કરવાનું છે કામ?’
‘મારે ત્યાં.’
‘તમારે ત્યાં? ક્યારથી?’
‘હમણાંથી જ.’
અને ભિખુ પાસે કોઈ ઉપાય ન રહ્યો. પછી શું થયું એ આવતા સપ્તાહે.

સમાપન
‘બધા પથ્થર કાંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થર એવા હોય છે જે રસ્તા બતાવે છે.’
‘યું મેરે ગુનાહોં કા હિસાબ ન માંગ મેરે ખુદા,
મેરી તકદીર મેં કલમ તો તેરી હી ચલી થી.’

થોડા વખત પહેલાં હું જ બધાને કહેતો ફરતો હતો કે કોઈ પણ મુશ્કેલીનો નીડર બનીને સામનો કરે તેનું નામ મર્દ. દુઃખમાં જે ડગી ન જાય ને સુખમાં જે છકી ન જાય તેનું નામ માણસ. કોઈ સુખ કે દુઃખ કાયમનું નથી, કોઈ દુશ્મન ત્યારે જ શક્તિશાળી લાગે છે જ્યારે આપણી હિંમત ખૂટી ગઈ હોય. કાયરતા જેવો કોઈ રોગ નથી અને આત્મવિશ્વાસ જેવો કોઈ ઇલાજ નથી

Pravin Solanki columnists