વિશાળ હૃદય ધરાવતા રાયચડા પરિવારમાં છે અવર્ણનીય સંપ

08 April, 2020 06:03 PM IST  |  Mumbai | Bhakti D Desai

વિશાળ હૃદય ધરાવતા રાયચડા પરિવારમાં છે અવર્ણનીય સંપ

રાયચડા પરિવાર

કાલબાદેવીના ચીરાબજાર પાસે રહેતાં ૭૫ વર્ષનાં નિર્મલાબહેન જયંતી રાયચડાના પરિવારમાં તેમના પતિ જયંતીભાઈ કાંતિલાલ રાયચડા, પુત્ર નીતેશ, પુત્રવધૂ મીતા, પૌત્રીઓ જાનવી અને સ્તુતિ હળીમળીને રહે છે. તેમના મોટા પુત્ર શ્યામ, વહુ ભારતી, પૌત્ર ધવલ અને પુત્રવધૂ કૃષ્ણા વસઈમાં રહે છે ત્યારે સૌથી નાના પુત્ર રાજેશ, પુત્રવધૂ વૈશાલી, પૌત્રી ધૃતિ અને પૌત્ર આયુષ મીરા રોડમાં સ્થાયી છે.  

નિર્મલાબહેનના ત્રણે દીકરાઓનો પરિવાર જગ્યાના અભાવે આજે અલગ રહે છે, પણ તેમના કહેવા મુજબ તેમની ત્રીજી પેઢીનાં બધાં બાળકોમાં પણ સગાં ભાઈ-બહેનો જેવો જ પ્રેમ અને સંપ છે. નિર્મલાબહેન પોતાના નાનપણની વાત કરતાં કહે છે, ‘હું મારાં માતા-પિતાની એકની એક પુત્રી છું. મારું બાળપણ મુંબઈના ચેમ્બુરમાં વીત્યું. એ સમય એવો હતો કે છોકરીઓ સ્કૂલમાં જવા સિવાય ખાસ મિત્રવર્તુળમાં ફરતી નહીં અને રમવા પણ ન જતી.  મને યાદ નથી કે હું ખાસ બહાર રમવા ગઈ હોઉં. હું માતા-પિતા સાથે રમતી. એ સમય અલગ હતો અને ત્યારે છોકરીઓને બહુ છૂટ ન મળતી. હું સાતમા ધોરણ સુધી ભણી અને મારાં લગ્ન માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં થઈ ગયાં હતાં.’

લગ્ન વિશે એ વખતે કેટલું રૂઢિચુસ્ત વાતાવરણ હતું એની વાત કરતાં તેઓ  કહે છે, ‘મેં તો કોની સાથે પરણવાની છું તેમનો ચહેરો પણ જોયો નહોતો. મારા ફોઈ દ્વારા માગું આવ્યું અને મને કહેવામાં આવ્યું કે આ છોકરો સારો છે તથા

માતા-પિતાનો એકનો એક જ દીકરો છે. હા, એક દીકરી હતી, જે અમારાં લગ્ન પછી ઉંમરમાં નાની હોવાથી અમારી સાથે જ રહેતી હતી. આમ લગ્ન થઈ ગયાં.’

ઘર નાનું ને પરિવાર મોટો

પરિવારમાં સંપ હોય તો ઘરની સંકડાશ કદી નડતી નથી એ પુત્રવધૂ મીતાબહેનની વાત પરથી સમજાય. તેઓ કહે છે, ‘અમે ગયા વર્ષ સુધી એ જ ઘરમાં રહ્યા જ્યાં મારાં મમ્મી (સાસુ) લગ્ન કરીને આવ્યાં હતાં અને એ સમયે એક નાની રૂમ અને રસોડામાં પાંચ જણ રહેતા હતા અને મારાં લગ્ન પછી અમે ઘણા સમય સુધી ત્રણે ભાઈઓ-દેરાણી-જેઠાણી અને તેમનાં બાળકો આમ ચાર પરિવાર આટલા નાના ઘરમાં સાથે રહ્યા. મને ખબર પણ નથી પડી કે મારી બન્ને દીકરીઓ ક્યાં મોટી થઈ ગઈ. જાનવી ૨૧ વર્ષની છે અને સ્તુતિ ૧૬ વર્ષની, પણ અમને ક્યારેય જગ્યાનો અભાવ નથી લાગ્યો. હાલમાં અમે મારા પપ્પા (સસરા)નું એક ઑપરેશન થયું અને તેમને

આરામ લેવાનો છે અને એમાં જગ્યાની કમી ન થાય એ માટે શંકરબારી લેનની બાજુની ગલીના એક મકાનમાં રહેવા આવ્યાં છીએ. ’

તેમની વાતમાં નીતેશભાઈએ સાદ પુરાવતાં કહે છે, ‘અમારાં બાળકો એકબીજાને એટલો પ્રેમ કરે છે કે જો મારી દીકરીને કોઈ મુસીબત આવે તો તેની સગી બહેન પહેલાં મારા ભાઈની દીકરી તેના બચાવ માટે પહોંચી જાય. સંયુક્ત પરિવારના ઘણા લાભ છે જે આમ જોઈએ તો અમારી પેઢીઓથી ચાલતું આવ્યું છે. મારાં માતા-પિતા મારાં દાદા-દાદી સાથે રહ્યાં અને અમે અને મારાં બાળકો તેમનાં દાદા-દાદી સાથે રહીએ છીએ.’

ત્રીજી પેઢીની સ્તુતિ પોતાના વેકેશનના દિવસો યાદ કરતાં કહે છે, ‘બધાં અલગ રહેવા લાગ્યા પછી અમારે ત્યાં વેકેશન શરૂ થતાં પહેલાંથી જ કોણ ક્યારે આવશે એ નક્કી થઈ જતું અને આખું વેકેશન અમે બધાં ભાઈ-બહેનો મળીને મજા કરીએ છીએ. હવે અમને બધાને વર્ષમાં એકસાથે મળવાનો મોકો બહુ ઓછી વાર મળે છે.’

લાજ કાઢવાની પરંપરા બદલાઈ

પહેલાંના જમાનાની જૂની પરંપરા વિષે જણાવતાં નિર્મલાબહેન કહે છે, ‘જ્યારે હું મારા ઘરે નવી વહુ તરીકે આવી ત્યારે મારે સાસુ-સસરા સામે ઘૂંઘટ કાઢી લાજ ફરજિયાત કાઢવી પડતી. મેં આશરે છ-સાત વર્ષ સુધી લાજ કાઢી, પછી એક વાર મારા સસરા ફરવા માટે તેમના મિત્રના ઘરે આફ્રિકા ગયા અને જ્યારે પાછા ફર્યા ત્યારે જાણે તેઓ આ બધી રૂઢિચુસ્ત વિચારધારાઓને ત્યાં જ મૂકીને આવ્યા હોય એવું લાગ્યું, કારણ કે તેમણે મને લાજ ન કાઢવાનું સૂચન કર્યું અને પછી અમારે ત્યાં આ રિવાજ બંધ થઈ ગયો.’

ભલે સાસુએ લાજ કાઢવી પડી હતી, પણ તેમણે વહુઓને પહેલેથી જ છૂટ આપી હતી. એની વાત કરતાં મીતાબહેન અહીં પોતાનાં સાસુ-સસરાનાં વખાણ કરતાં બોલી ઊઠ્યાં, ‘મારાં લગ્ન થયાં ત્યારે મને ક્યારેય એવું લાગ્યું નહીં કે હું મારા સાસરે છું. અમારે ત્યાં કોઈ જ રોકટોક નથી. અમે ડ્રેસ પહેરવો કે જીન્સ પહેરવું એની નક્કી કરવાની છૂટ અને અધિકાર મારા સાસરામાં મળ્યો છે. હું બ્રાઇડલ મેકઅપના ઑર્ડર લઉં છું અને મારે કામ પર બહાર જવું પડે તો પણ અમારે ક્યારેય કોઈ મતભેદ નથી થયો. અમારા પપ્પાને પહેલી એપ્રિલે ૮૦ વર્ષ પૂરાં થયાં. સ્તુતિ ૧૬ વર્ષની જ છે. આ ૧૬થી ૮૦ વર્ષમાં આંકડાનો ફરક જરૂર છે, પણ ત્રણ પેઢીઓ વચ્ચે ક્યારેય કોઈ જનરેશન ગૅપ દેખાયો નથી.

ત્રીજી પેઢીની જાનવી કહે છે, ‘મારાં દાદા-દાદીને મળવા મારા ફ્રેન્ડ્સ પણ આવે છે અને તેમને પણ તેમની સાથે ખૂબ મજા આવે છે. દાદા તો આજે પણ અમારી પાસે નવી ટેક્નૉલૉજી શીખે છે. દાદીના હાથનું જમવાનું બહુ મસ્ત હોય છે. મને દાદીના હાથની ગોળપાપડી ખૂબ ભાવે છે અને તેમની પાંઉભાજી પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે, મમ્મી કરતાં પણ વધારે સારી.’

સ્તુતિ કહે છે, ‘મારાં દાદા-દાદી પાસે અમને નવું શીખવા મળે છે અને તેમની સાથે અમને ક્યારેય ઉંમરને કારણે કોઈ મતભેદ નથી થયા.’ 

રક્તદાતા જયંતીભાઈ

અહીં નીતેશભાઈ પોતાના પિતાની એક વિશિષ્ટતા જણાવતાં કહે છે, ‘પહેલાં અમારી ડ્રાયફ્રૂટની દુકાન હતી. એક વાર મારા પપ્પા બેઠા હતા અને ત્યાંના એક લોકલ કૉર્પોરેટરે મારા પપ્પાને બૂમ મારીને એમ કહ્યું કે ‘ફક્ત વેપાર  પર જ ધ્યાન આપશો કે કોઈ સામાજિક કાર્યો પણ કરશો?’ અને પછી તેમણે તેમને રક્તદાન કરવા કહ્યું. મારા પિતાએ એ એટલું ગંભીર રીતે મન પર લીધું કે પપ્પાએ માત્ર તેમણે કીધું એટલે એક વાર જ નહીં, પણ આટલાં વર્ષોમાં ૧૧૭ વાર રક્તદાન કર્યું છે. હવે તેઓ ઘણા નબળા થઈ ગયા છે.’

જયંતીભાઈ હસતાં-હસતાં કહે છે, ‘કોઈ મને પૂછે કે તમે આ કેમ કરો છો તો જવાબમાં હું બધાને કહું કે મારી ઘરવાળી લોહી નથી પીતી એટલે હું રક્તદાન કરું છું. સાચું કહું તો આજે પણ લોહી  આપવાનું મન તો છે, પણ મારી ગોઠણની સર્જરી થઈ અને બીજું એક ઓપરેશન પણ થયું તેથી નબળાઈ આવી ગઈ છે અને હીમોગ્લોબિન પણ ઓછું થઈ ગયું છે તેથી મારે રક્તદાન કરાય નહીં અન્યથા એ કામ મને સંતોષ આપે છે. બીજી વાત એવી છે કે હું સામાજિક કામ કરવામાં વિશ્વાસ રાખું છું, જે નીતેશને પણ વારસામાં મળ્યું છે અને અમારા વિસ્તારમાં તે ઘણાં કામ કરે છે.’

આ પરિવારની વિશેષ વાનગી છે દાળ-કચોરી

નિર્મલાબહેન રસોડામાં ગયાં અને છમ કરીને વઘાર કરવાનો અવાજ આવ્યો સાથે જ સુંદર દાળમાં રાઈ અને હિંગના વઘારની એવી સુગંધ આવી કે મોઢામાં પાણી આવી ગયું. પૂછ્યા વગર રહેવાય તેમ નહોતું, પણ એની જરૂર ન પડી અને તેઓ બહાર આવીને બોલ્યાં, ‘આજે અમે છોકરાઓની મનપસંદ વાનગી એટલે કે દાળ-કચોરી બનાવી છે.’

તેમને ઘરે બનતી દાળ-કચોરીની રીત મીતાબહેને વર્ણવી અને કહ્યું, ‘દાળ-ઢોકળીની જેમ દાળ બનાવી લેવી અને મસાલો નાખી ઢોકળીનો લોટ બાંધી લેવો. દાળમાં મસાલો કરી એક તરફ વટાણા અધકચરા વાટી એમાં થોડું તાજું ખમણેલું કોપરું, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, સરખા પ્રમાણમાં કોથમીર ભેળવવાં. એક પૅનમાં વઘાર માટે તેલ-ઘી મૂકવું, લીલું લસણ વઘારમાં જ નાખી સાંતળી એમાં વટાણાનું મિશ્રણ નાખી એને આશરે દસેક મિનિટ શેકી આ પૂરણ ઠંડું થવા દેવું. પછી ઢોકળી જેવી વણી એમાં આ પૂરણ નાખી એને કચોરીની જેમ વાળી લેવું અને બનાવેલી દાળમાં એક-એક કરીને નાખવી. એ થોડી ફૂલી જાય દાળમાં એટલે ખ્યાલ આવી જાય કે એ ચડી ગઈ છે. પછી ઉપરથી પાછો વઘાર કરી કોથમીરથી ગાર્નિશ કરીને પીરસવી. ગરમાગરમ દાળ-કચોરી તૈયાર.  આ વાનગી આમ તો અમે શિયાળામાં બનાવીએ જ્યારે લીલું લસણ પણ મળી રહે અને વટાણા પણ ભરપૂર હોય. આ અમારા ઘરની ખાસિયત છે તેથી છોકરાઓની ઇચ્છા થાય ત્યારે પણ બને.’

bhakti desai columnists