દેશમાં પરદેશી હોઈ શકે, કોઈ પરપ્રાંતીય હોઈ શકે ખરું?

03 May, 2020 07:47 PM IST  |  Mumbai Desk | Dinkar Joshi

દેશમાં પરદેશી હોઈ શકે, કોઈ પરપ્રાંતીય હોઈ શકે ખરું?

મિડડે લોગો

દૈનિક અખબારોમાં આજકાલ સૌથી વધુ પ્રયોજાતો શબ્દ કયો છે એવું કોઈ પૂછે તો એનો જવાબ સૌને માટે એક જ હોઠવગો હશે. આ શબ્દ એટલે કોરોના! જોકે કોરોના સાથે જ એના આનુષંગિક થોડા શબ્દો પણ ધ્યાનમાં લઈ શકાય ખરા. જેવા આ કોરોના અને કોરોનાના કુટુંબી શબ્દો પૂરા થાય કે તરત જ એક શબ્દ આંખે ચડે છે. આ શબ્દ એટકે કે પરપ્રાંતીય!

આ પરપ્રાંતીય શબ્દ આપણે થોડાં વર્ષો પહેલાં ખાસ વાપરતા નહોતા. આ શબ્દનો વપરાશ ભારે છેતરામણો છે. જેને આપણે આજકાલ પ્રાંત કહીએ છીએ એ શબ્દ બંધારણીય મર્યાદામાં રાજ્ય તરીકે ઓળખાય છે. પ્રાંત શબ્દ અંગ્રેજી શાસને આપણને આપ્યો છે. અંગ્રેજી શાસન જેમ-જેમ હાથ પહોળા કરતું ગયું એમ-એમ જીતેલા પ્રદેશોને આસપાસના વિસ્તારોમાં ભેળવતું ગયું અને આ ભેળવણીથી જે આડેધડ એકમો ઊભા થયા એના મુખ્ય શહેરને તેમણે પ્રાંતનું નામ આપ્યું. આ રીતે મુંબઈ પ્રાંત, મદ્રાસ પ્રાંત અને બંગાળ પ્રાંતનું નિર્માણ થયું. એક એવો સમય પણ આવ્યો જ્યારે મુંબઈ પ્રાંતમાં મહારાષ્ટ્ર, કોંકણ, કર્ણાટક, ગુજરાત અને સિંધ સુધીના પ્રદેશો સામેલ થયા. એ જ રીતે બંગાળ પ્રાંતમાં આખું બંગાળ વત્તા આસામ, ઓરડિશા અને બિહારના વિસ્તારો પણ ઉમેરાયા હતા. વખત જતાં આ પ્રાંતોની પુનર્રચના થઈ. આઝાદી પછી ૧૯૫૬માં આ પ્રાંતો નવેસરથી રચાયા. હવે કુલ ૧૪ નવા પ્રાંતો બન્યા અને આ ૧૪ પ્રાંતોને રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યા (અંગ્રેજી શાસનમાં આ પ્રાંતોને ક્યારેક ઇલાકા તરીકે પણ ઓળખવામાં આવતા).
આજકાલ કોરોનાને કારણે દેશભરમાં લૉકડાઉન એટલે કે લગભગ સંચારબંધી જેવી જ સ્થિતિ પ્રર્વતે છે ત્યારે એક રાજ્યમાં વસતા બીજા રાજ્યના રહેવાસીઓને આપણે પરપ્રાંતીય કહેવા માંડ્યું છે. વર્તમાન ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટા શહેરમાં અભ્યાસ કરતા હોય તો રાજસ્થાન માટે એ પરપ્રાંતીય કહેવાય. સવાલ એ પેદા થાય છે કે આ પરપ્રાંતીય શબ્દનો અર્થ શું છે? ગઈ કાલે દેશમાં રાજ્યોની પુનર્રચના થઈ ત્યારે ૧૪ રાજ્યો બન્યાં હતાં. આજે આ ૧૪ ભાંગી તોડીને આપણે ૨૮ રાજ્યો બનાવ્યાં છે. આ લક્ષમાં લઈએ તો પરપ્રાંતીય શબ્દનો અર્થ જ બદલાઈ જાય છે. અમેરિકામાં જુદાં-જુદાં રાજ્યોએ એકઠાં થઈને એકમની રચના કરી છે. આપણે ત્યાં કેન્દ્રીય સરકારે રાજ્યોની રચના કરી છે. આ સંજોગોમાં અમેરિકાનાં રાજ્યો પોતાને જુદાં માને તો એ તાર્કિક છે, પણ આપણા દેશના આ પ્રાંતો અર્થાત્ રાજ્યો પોતાને સ્વ કે પર શી રીતે કહી શકે? એમનું કહેવાતું પોતાપણું કે પરાયાપણું તેમના પોતા પર તો અવલંબતું જ નથી.
ઉત્તર પ્રદેશે બીજાં રાજ્યોમાં વસતા પોતાના રહેવાસીઓને પાછા પોતાના પ્રદેશમાં બોલાવી લેવા માટે સેંકડો સરકારી બસોને ઉપયોગમાં લીધી. એ જ રીતે આસામ સરકારે સેંકડો આસામિયોને ૨૦૦૦ માઇલનો પ્રવાસ કરાવીને આસામભેગા કર્યા. પ્રવાસની વચ્ચે રાજ્યોની બદલાતી સરહદો પર આ સેંકડો માણસોની કોરોના-તપાસ થઈ, તેમને ખાસ ઉતારા અપાયા, તેમની સાથે વિશેષ તબીબી સગવડ પણ જોડવામાં આવી અને આમ આખા દેશમાં જે લૉકડાઉન છે, જે સંચારબંધી છે એનો ઉઘાડેછોગ સરકારી ઝંડા હેઠળ ભંગ કરવામાં આવ્યો છે.
અહીં સવાલ એ પેદા થાય છે કે આ વિદ્યાર્થીઓ સગીર અવસ્થાના તો નહોતા જ. બંગાળ, બિહાર, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ જેવા બધા વિસ્તારોના સંખ્યાબંધ રહેવાસીઓ મુંબઈ, અમદાવાદ, સુરત કે કલકત્તા જેવાં શહેરોમાં પેટવડિયું રળવા મોટી સંખ્યામાં વસે છે. લૉકડાઉનને કારણે આ ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. રોજનું રળીને રોજ રોટલો ખાનારો આ વર્ગ લગભગ ભૂખમરા જેવી સ્થિતિમાં મુકાયો છે. તેમને ભૂખમરો વેઠવો ન પડે એવી ગોઠવણ કરવાની જવાબદારી લાગતી-વળગતી રાજ્ય સરકારની છે. જો વિદ્યાર્થીઓને આટલી મોટી વ્યવસ્થા ગોઠવીને ફેરવી શકાતા હોય તો આ મજૂરોને પણ આવી માગણી કરવાનો બેશક અધિકાર છે જ. કોઈ રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં વસતા કોઈ પણ નાગરિકોને પરપ્રાંતીય કહી શકે નહીં. મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રના વર્તમાન સીમાડામાં વસતા મરાઠીભાષી નાગરિકો માટે જેટલી જવાબદાર છે એટલી જ જવાબદારી આ પરપ્રાંતીયો માટે પણ છે જ.
દેશની જુદી-જુદી જે વર્તમાન ‘પ્રાંતીય’ સરકારોએ પોતાના રહેવાસીઓને અન્ય પ્રાંતમાંથી પાછા પોતાને ત્યાં લાવવા માટે જે માગણી કે ગોઠવણો કરી છે એને સહેજ બારીકાઈથી તપાસવાની જરૂર છે. આવી માગણી ઉત્તર પ્રદેશે કરી, બિહારે કરી, બંગાળે કરી, ઓડિશા, તામિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશે કરી. આનો સીધોસાધો અર્થ એવો થાય છે કે આ પ્રદેશના રહેવાસીઓ રોજીરોટી રળવા માટે મોટી સંખ્યામાં અન્ય રાજ્યમાં ગયા છે. આ ઉપરાંત એનો બીજો એક અર્થ એવો પણ થાય છે કે આ રહેવાસીઓ બીજા રાજ્યમાં ગયા પછી જે-તે રાજ્યમાં પોતીકા બન્યા નથી અને એ રાજ્યમાંથી રોજીરોટી રળ્યા પછી પણ પરપ્રાંતીય જ રહ્યા છે. ગુજરાતીઓ, મારવાડીઓ અને પંજાબીઓ દેશભરમાં પ્રસરેલા છે અને તેઓ જે પ્રાંતમાં પગ સ્થિર કરીને વસ્યા છે ત્યાં સંભવ છે પરભાષી રહ્યા હોય, પણ વહેવારમાં કોઈ પરપ્રાંતીય નથી રહ્યું.
આનો એક બીજો વ્યાવહારિક અર્થ એવો પણ થાય છે કે જે-તે પ્રદેશમાં સ્થાનિક સરકાર એમના રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં રોજીરોટી પૂરી પાડી શકતી નથી. સ્થાનિક પ્રજાને જો ઘરઆંગણે પૂરતા પ્રમાણમાં કામગીરી મળી રહે તો તેઓ બીજાં રાજ્યોમાં શા માટે જાય?
આ લૉકડાઉન કેટલો સમય લંબાશે એ વિશે કોઈ પણ આગાહી કરવી મુશ્કેલ છે. લૉકડાઉનના આરંભ કાળે એનો પ્રતિકાર કરવા માટે જે ઉત્સાહ સમાજના કાર્યકરોમાં હોય એ ઉત્સાહ એવો ને એવો લાંબો સમય ટકાવી રાખવો અઘરો છે. નીચલા મધ્યમ વર્ગના જે પરિવારો તેમની રોજી પર નભતા હોય તેમને માટે ટકી રહેવું અઘરું છે, એટલું જ નહીં, ઉપલા મધ્યમ વર્ગના તથા નાના ઉદ્યોગપતિઓ પાસેથી તેમના પગારદારોને લાંબા સમય સુધી પગાર ચૂકવતા રહેવાનું કહેવું એ પણ મુશ્કેલ કામ છે.
જે રીતે નીચલા ગરીબ વર્ગ પાસે સગવડ નથી હોતી એ જ રીતે આ ઉપલા મધ્યમ વર્ગ પાસે પણ મર્યાદિત સગવડ હોય છે. આ સંજોગોમાં ટૂંકા ગાળા માટે કદાચ તેઓ પગારની ચુકવણી ચાલુ રાખે ખરા, પણ આ ગાળો લંબાય એટલે આ ચુકવણી મુશ્કેલ બની જાય. પરિણામે કેટલીક નવી સમસ્યાઓ પણ પેદા થાય. કહેવાતા ઉપલા મધ્યમ વર્ગ પાસે પણ મર્યાદિત સાધનોને કારણે આવી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે નહીં.
પરપ્રાંતીય એટલે પરદેશી એવો મુદ્દલ અર્થ થતો નથી. પરપ્રાંતીયને પણ દેશના ગમે તે રાજ્યમાં એ રાજ્યના રહેવાસી જેટલો જ અધિકાર છે. અત્યારે અવરજવર પર જે પ્રતિબંધ છે એ રોગચાળાને અનુલક્ષીને છે. રાજ્યો પરસ્પરની સરહદો પર અવરજવર રોકવા કાયમી ધોરણે દીવાલો બાંધવા માંડે એ તો ભારે ચિંતાજનક લક્ષણ કહેવાય. એનો અર્થ એવો થાય કે આપણા ચિત્તમાં ઊંડે-ઊંડે ક્યાંક વિભાજનની ભૂમિકા કામ કરી રહી છે. આ ભૂમિકા અત્યારે રાજ્યના સ્તરે દેખાય છે એ આગળ જતાં જિલ્લા કક્ષાએ પણ નજરે પડે એ અસંભવિત નથી.
ખરી વાત એ છે કે જિલ્લાઓ રાજ્ય સરકાર દ્વારા નિર્માણ થાય છે અને રાજ્યો કેન્દ્ર સરકાર દ્વારા રચાતા હોય છે એટલે દેશના બંધારણમાં ભારતનો જે નકશો છે એ નકશામાં વસનારા તમામને એકસરખા જ અધિકાર હોવા જોઈએ. આજે મહારાષ્ટ્રના બીજા પાટનગર તરીકે ઓળખાતું નાગપુર ગઈ કાલે મહારાષ્ટ્રમાં નહોતું. આજનું મધ્ય પ્રદેશ ત્યારે મધ્ય ભારત હતું અને નાગપુર મધ્ય ભારતનું એવું શહેર હતું એ જ રીતે ઔરંગાબાદ એના આજના સ્થાને નહોતું. તેલંગણ, છત્તીસગઢ, હરિયાણા જેવાં કેટલાંય રાજ્યનું ગઈ કાલે અસ્તિત્વ પણ નહોતું. આમ રાજ્યોનાં સ્થાન બદલાતાં રહે છે.
કોરોના સામે લડવા માટે દેશનાં ૨૮ રાજ્યો એકત્રિત થાય એ સ્વાભાવિક છે, પણ આ લક્ષણ સાથે જ ક્યાંક ધરબાયેલા વિકેન્દ્રીકરણનાં લક્ષણો પણ પ્રગટ થાય ત્યારે વિચારવા જેવું ખરું, ચેતવા જેવું ખરું! કામચલાઉ ભયનું વાદળ આવતી કાલે વિખેરાઈ જશે અને ત્યારે રાજ્યોએ બાંધવા માંડેલી દીવાલો અને પરપ્રાંતીયોની વિભાવના ક્યાંક મજબૂત ન થઈ જાય એ જોવું રહ્યું.

dinkar joshi columnists weekend guide