ના રાખ ઉડતી હૈ, ન ધુઆં ઉઠતા હૈ કુછ રિશ્તેં યૂં ચુપચાપ જલા કરતે હૈં!

12 October, 2020 06:53 PM IST  |  Mumbai | Pravin Solanki

ના રાખ ઉડતી હૈ, ન ધુઆં ઉઠતા હૈ કુછ રિશ્તેં યૂં ચુપચાપ જલા કરતે હૈં!

સીબીઆઇના રિપોર્ટ પ્રમાણે સ્કૂલથી નીકળી આરુષી મમ્મી સાથે ઘરે આવી. લંચ લીધું. સાથે નાનીમા વંદના તલવાર પણ હતાં

કહેવાય છે કે જ્યાં માનવતાની હદ પૂરી થાય છે ત્યાંથી કાયદાની શરૂઆત થાય છે. આપણે ત્યાં રાજરમત શરૂ થાય છે ત્યાં કાયદો પૂરો થઈ જાય છે.
સુશાંતસિંહ રાજપૂતની વાર્તામાં નવા-નવા વળાંક આવતા રહે છે, નવાં પાત્રો આવે છે, નવો કલાઇમૅક્સ ઉમેરાતો જાય છે અને અંતનું કોઈ નામોનિશાન દેખાતું નથી. સૌથી વધુ અવદશા આમજનતાની છે. પહેલાં મુંબઈ પોલીસ પર ભરોસો નહોતો, હવે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની ભરોસાની ભેંસે પાડો જણ્યો હોય એવું લાગે છે.
ઊજળું એટલું દૂધ નહીં ને ચળકે એ બધું સોનું નહીં એવું સીબીઆઇ માટે પણ કહી શકાય. એ ન ભૂલવું જોઈએ કે આખરે એ લોકો પણ માણસ જ છે, પરંતુ આપણે એ ચર્ચા નથી કરવી. આ ચર્ચાના જવાબરૂપે એક ચકચારભરી, સનસનાટીભરી ‘આરુષી મર્ડર કેસ’ની વાત કરવી છે.
દેશના ગુનાઓના ઇતિહાસમાં આ મોટામાં મોટી રહસ્યકથા છે. એક આડવાત કરી લઉં? કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિપુલ વિઠલાણી સહિત અનેક વાચકોના ફોન આવ્યા કે તમારી પાસે ખૂબ રહસ્યકથાઓ છે, થોડો સમય ચાલુ રાખો. અમને ખૂબ જાણવાનું મળે છે, મજા આવે છે. ભલે ભાઈઓ.
વાચક-મિત્ર દેવો ભવઃ
૨૦૦૮ની સાલની વાત છે. ઘટનાસ્થળ દિલ્હી, નોએડા. જળ વાયુવિહાર સોસાયટી, સેક્ટર ૨૫, ફ્લૅટ નંબર એલ-32. ડૉક્ટર દંપતી નૂપુર અને રાજેશ તલવારનું નિવાસસ્થાન. ૨૦૦૮ની ૧૫ મેનો દિવસ! એ દિવસે આરુષી સહિત તમામ બાળકો ખુશ હતાં, કેમ કે ૧૬મી મેથી સ્કૂલમાં ઉનાળાનું વેકેશન પડવાનું હતું. બાળકો માટે વેકેશન એટલે આઝાદી અને ઉત્સવનું પર્વ. એમાં પણ આરુષી માટે ખાસ એટલા માટે કે ૨૪મી મેએ તેનો જન્મદિવસ હતો. જન્મદિવસ એટલે બાળકો માટે જલસાનો દિવસ, ‘એક દિન કે સુલતાન’ બનવાનો દિવસ.
૧૫ મેએ બપોરે દોઢ વાગ્યા સુધી આરુષી સ્કૂલમાં હતી. સામાન્ય રીતે સ્કૂલ છૂટ્યા પછી તે ઘરે જવા બસ પકડતી, પણ આજે મમ્મી નૂપુર તેને ગાડી લઈને લેવા આવી હતી. કોઈ દિવસ નહીંને આજે જ મમ્મી તેને લેવા શું કામ ગઈ એવો પ્રશ્ન પછીથી ઘણાને થયો. કારણ? કારણ કે ૧૫ મેએ રાતે આરુષી પોતાના બેડરૂમમાં ગઈ પછી સવારના પહોરમાં જ્યારે તેના બેડરૂમનું બારણું ખૂલ્યું ત્યારે આરુષીની લાશ લોહીલુહાણ હાલતમાં, સફેદ ચાદર ઓઢેલી પડી હતી! તો શું થયું હતું બપોરે દોઢ વાગ્યાથી ૧૬મી મેની સવાર સુધી?
તલવાર દંપતી સાધનસંપન્ન હતું. દરેકને પોતપોતાના બેડરૂમ હતા. દરેક માટે પોતાનું એકાંત ઊજવવાની-માણવાની સગવડ હતી, પરંતુ આરુષીની કહાની સાંભળ્યા પછી લાગ્યું કે એકાંત એ માત્ર ઊજવવા-માણવાની સગવડ નથી, ક્યારેક એ લજવવાનું કારણ પણ બને છે.
સીબીઆઇના રિપોર્ટ પ્રમાણે સ્કૂલથી નીકળી આરુષી મમ્મી સાથે ઘરે આવી. લંચ લીધું. સાથે નાનીમા વંદના તલવાર પણ હતાં. તેઓ પણ જલવાયુ વિહારના એલ-276માં જ રહેતાં હતાં. રાજેશ તલવાર સવારથી જ પોતાના કામે બહાર હતા અને તેઓ ડેન્ટિસ્ટ હતા. નૂપુર બપોરે સાડાચાર વાગ્યે પોતાની ડિસ્પેન્સરીમાં જવા રવાના થઈ. નાની પણ ગયાં.
એ સમયે ઘરમાં આરૂષી અને હેમરાજ બન્ને જ હતાં. આવું તો અવારનવાર બનતું. હેમરાજ ઘરકામ સાથે રસોઈ પણ કરતો હતો, વળી ઘરમાં તેને માટે સેપરેટ રૂમ પણ હતી. અહીં જ રહેવાનું ને ૨૪ કલાકની ડ્યુટી. ઘણાં રઈસ કુટુંબ માટે આ સામાન્ય બાબત છે.
રાતે સાડાસાત વાગ્યે નૂપુર ઘરે આવી. આરુષી પોતાની રૂમમાં હતી. હેમરાજ રસોઈ કરી રહ્યો હતો. ૯ વાગ્યે આરુષી અને નૂપુર ડિનર-ટેબલ પર બેઠાં-બેઠાં રાજેશની રાહ જોઈ રહ્યાં હતાં. સાડાનવ વાગ્યે રાજેશ ઘરે આવે છે અને તેની પાછળ ડ્રાઇવર ઉમેશ ચાવી અને ડૉક્ટરની બૅગ લઈને અંદર આવ્યો. ચાવી અને બૅગ તેની જગ્યાએ મૂક્યાં અને ગુડનાઇટ કહીને ચાલ્યો ગયો? શું એ ખરેખર ‘ગુડનાઇટ’ નીવડી? બહારની વ્યક્તિઓમાં આરુષીને જોનાર છેલ્લી વ્યક્તિ ડ્રાઇવર ઉમેશ હતો.
ડિનર લઈને બધાં સૌ પોતપોતાની રૂમમાં ગયાં. આરુષીને મોડી રાત સુધી જાગવાની ટેવ હતી. મોબાઇલ પર મોડી રાત સુધી ફોન કે મેસેજ આવ્યા જ કરતા, પણ ૧૫ મેની રાતે તેનો ફોન અચાનક બંધ થઈ ગયો. નવાઈની વાત એ હતી કે એ જ દિવસે બપોરે ૨.૩૦ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ૨૪ વખત ફોન-મેસેજ આવ્યા હતા, એક જ ફોન-નંબર પરથી!
કોણ હતી એ વ્યક્તિ?
બે દિવસ પહેલાં એટલે કે ૧૩ મેએ એ જ વ્યક્તિએ ૧૩ વખત આરુષીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યારે આરુષીએ તેને નજરઅંદાજ કર્યો હતો, તો ૧૫મીએ રાતે આવેલા ફોનકૉલમાં એક વાર સતત ૭ મિનિટ સુધી વાત કરી હોવાનું નોંધાયું હતું.
મિત્રો, દરેક વિગત ધ્યાનપૂર્વક વાંચજો. મુદ્દા યાદ રાખજો. પછી ચુકાદો તમે પણ તમારી રીતે વિચારજો.
૧૫ મેની રાતે ડિનર લીધા પછી નૂપુર રાજેશને ઇશારો કરીને એક ખૂણામાં લઈ જાય છે. રાજેશ આરુષી માટે જન્મદિવસની ભેટરૂપે એક કૅમેરો ખરીદીને લાવ્યો છે એ નૂપુર જાણે છે. નૂપુર રાજેશને એ ગિફ્ટ સરપ્રાઇઝ તરીકે અત્યારે જ આપી દેવા માટે સમજાવે છે. રાજેશ આરુષીને સરપ્રાઇઝ આપે છે. આરુષી ખુશીની મારી ઝૂમી ઊઠે છે. કેટલાક ફોટો પણ એ જ કૅમેરાથી પાડ્યા. વાતાવરણમાં ખુશીની એક લહેર ઊઠી અને ખુશી-ખુશી ત્રણેય પોતપોતાની રૂમમાં ચાલ્યાં ગયાં. એ વખતે ઘડિયાળ રાતે ૧૦.૧૦ વાગ્યાનો સમય બતાવતી હતી.
નૂપુર અને રાજેશ બેડરૂમમાં આવ્યાં. રાજેશને મોડી રાત સુધી ઇન્ટરનેટ પર કામ કરવાની આદત હતી. અચાનક રાજેશને ખબર પડે છે કે રાઉટર તો આરુષીની રૂમમાં છે. નૂપુર કહે છે, ‘ઊભા રહો, હું તેની રૂમમાંથી લઈ આવું છું.’ નૂપુર આરુષીની રૂમના દરવાજે ટેપ કરે છે, આરુષી દરવાજો ખોલે છે. તેના હાથમાં ચેતન ભગતની એક નૉવેલ હતી. નૂપુર રાઉટર લઈને આરુષીને સ્મિત આપીને નીકળી જાય છે.
પોલીસ-રેકૉર્ડ પર નોંધ હતી કે રાતે ૧૨.૧૦ વાગ્યા સુધી રાજેશ ઇન્ટરનેટ પર
હતો. તો...
અચાનક રાતે ૧૨ વાગ્યે લૅન્ડલાઇનની ઘંટડી વાગે છે. સતત ઘંટડી વાગે છે, પણ કોઈ ઉપાડતું નથી; ન રાજેશ, ન નૂપુર, ન હેમરાજ, ન આરુષી! શું બધાં જ ભરનિંદરમાં હશે? તો પછી પોલીસ-રેકૉર્ડમાં રાજેશ ૧૨.૧૦ વાગ્યા સુધી ઇન્ટરનેટ પર હતા એનું શું? બેલ નહીં સંભળાઈ હોય? સામે છેડે કોણ હશે? શક્યતા એવી દર્શાવવામાં આવી હતી કે આરુષીનો ફોન બંધ હતો એટલે કદાચ તેના કોઈક ફ્રેન્ડે ફોન કર્યો હશે.
૧૬મીની સવાર. સવારે ૬ વાગ્યા હતા. હેમરાજ ઉપરાંત બીજી એક નોકરાણી નામે ભારતી છૂટક કામ કરવા માટે રોજ સવારે આવતી. ૧૬મીએ પણ આવી. મેઇન ડોરની બેલ વારંવાર મારી, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. સામાન્ય રીતે હેમરાજ દરવાજો ખોલતો. ક્ષણભર પછી નૂપુર આવે છે. હેમરાજને બે-ત્રણ બૂમ પાડે છે. હેમરાજ તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી એટલે બડબડતાં તે દરવાજો ખોલે છે, પણ આ શું? દરવાજો ખૂલતો નથી. નોકરાણીએ કહ્યું કે દરવાજો બહારથી બંધ છે!!
હેમરાજ બહારથી દરવાજો બંધ કરીને ક્યાંક ગયો હશે એવું માનીને નૂપુર ડુપ્લિકેટ ચાવી નોકરાણીને આપવાનું મૅનેજ કરી લે છે. નોકરાણી ઘરમાં પ્રવેશે છે ત્યાં અચાનક તેને નૂપુરની જોરદાર ચીસ સંભળાય છે. નૂપુરે આરુષીનો રૂમનો દરવાજો ખુલ્લો જોતાં અંદર ડોકિયું કર્યું તો તેણે લોહીલુહાણ હાલતમાં આરુષીની લાશ જોઈ!
જોતજોતામાં આડોશી-પાડોશીઓ ભેગા થઈ ગયા. સોસાયટીમાં હાહાકાર મચી ગયો. પોલીસ-તપાસનો દોર શરૂ થયો. આ બધી ધમાલ ચાલી ત્યાં સુધી હેમરાજ ઘરે આવ્યો જ નહીં. તેને ફોન લગાડ્યો, પણ ફોન બંધ! શંકાની સોય નિશ્ચિત રીતે હેમરાજ તરફ વળી.
બે દિવસ સુધી પોલીસે હેમરાજને શોધવા માટે આકાશપાતાળ એક કરી નાખ્યાં. આખરે હેમરાજ તો ન મળ્યો, પણ તેની લાશ મળી. એ પણ ક્યાંથી? આવતા સપ્તાહે.

સમાપન
કમલેશ મોતા! રંગભૂમિનો રખેવાળ, રંગરસિયો, રંગકર્મી, રંગભૂમિનાં વિવિધ ક્ષેત્રોને ખેડનાર ગજબ ખેલ કરીને ગાયબ થઇ ગયો. અમારા સંબંધોનાં અનેક સંસ્મરણો છે, પણ લખવાની સ્વસ્થતા નથી.
ન આંખ સે છલકતે હૈં,
ન કાગઝ પર ઉતરતે હૈં
કુછ દર્દ ઐસે ભી હોતે હૈં,
જો ભીતર હી પલતે હૈં!

Pravin Solanki columnists