બેબી પ્લાનિંગમાં તકલીફ પડતી હોય તો આ કિટ કામ લાગશે

12 March, 2024 11:08 AM IST  |  Mumbai | Heena Patel

કરીઅરમાં સેટ થયા પછી જ્યારે ૨૮-૩૦ વર્ષની વય પછી બાળક માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કન્સીવ થવામાં તકલીફ પડે છે

પ્રતીકાત્મક તસવીર

જેમ પિરિયડ્સ મિસ થઈ જાય અને પ્રેગ્નન્સી રહી હશે કે નહીં એ જાણવા માટે હોમ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ આવે છે એવી જ રીતે મોસ્ટ ફર્ટાઇલ દિવસો નક્કી કરી આપતી ઓવ્યુલેશન કિટનું માર્કેટ આજકાલ ફૂલ્યુંફાલ્યું છે. આ કિટ તમને તમારી પિરિયડ સાઇકલની વચ્ચેના એવા દિવસો બતાવે છે જેમાં ગર્ભાધાન થવાના ચાન્સિસ સૌથી વધુ હોય છે. જાણીએ આ કિટ કોને ઉપયોગી થાય અને કોને નહીં

આજકાલ યુવતીઓ નાની ઉંમરે બાળક નથી ઇચ્છતી. કરીઅરમાં સેટ થયા પછી જ્યારે ૨૮-૩૦ વર્ષની વય પછી બાળક માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કન્સીવ થવામાં તકલીફ પડે છે. એમાં વળી અયોગ્ય જીવનશૈલી અને કેટલીક મેડિકલ કન્ડિશનને કારણે પણ ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધી રહ્યું છે. એમને ગર્ભ ધારણ કરવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. એક સામાન્ય સમજણ મુજબ સ્ત્રીની પિરિયડ સાઇકલમાં બરાબર મધ્યના દિવસો હોય એ મોસ્ટ ફર્ટાઇલ ગણાય છે. આ સમય એટલે ઓવ્યુલેશન. આ દરમ્યાન સંબંધ બાંધવામાં આવે તો બની શકે કે નૅચરલી જ ગર્ભધારણ થઈ જાય. તમારી બૉડીમાં ઓવ્યુલેશન ક્યારે થઈ રહ્યું છે એ જાણવાનું સાધન એટલે ઓવ્યુલેશન કિટ. ચાલો સમજીએ એ કઈ રીતે કામ કરે છે.

ઓવ્યુલેશન કિટ કઈ રીતે કામ કરે?
પિરિયડની સાઇકલ આઇડિયલી ૨૮થી ૩૦ દિવસની હોય છે. પહેલો દિવસ એટલે માસિક શરૂ થયું એ દિવસ. એ પછીથી દસમાથી લઈને ૧૫મા દિવસ દરમ્યાન ઓવરીમાંથી ઈંડું છૂટું પડે અને બીજી તરફ ગર્ભાશયમાં લોહીનો ભરાવો થઈને પ્રેગ્નન્સી રહે તો બાળકને રાખી શકાય એવું વાતાવરણ તૈયાર થાય. ઓવરીમાંથી ઈંડું છૂટું પડે અને એ દરમ્યાન જ જો એનું પુરુષના શુક્રાણુ સાથે મિલન થાય તો એનું ફલીકરણ થઈને ભ્રૂણ પેદા થાય. 

ઓવરીમાંથી સ્ત્રીબીજ (ઈંડું) છૂટું પડે એ પ્રક્રિયાને ઓવ્યુલેશન કહેવાય. એ ડિટેક્ટ કરવા માટે ઓવ્યુલેશન કિટ આવવા લાગી છે. આ કિટ શું છે એ વિશે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ અને ઑબ્સ્ટેટ્રિશ્યન ડૉ. આભા સંઘવી કહે છે, ‘સ્ત્રીબીજ છૂટે ત્યારે લ્યુટેનાઇઝિંગ હૉર્મોન (LH)નું લેવલ આપણા શરીરમાં વધે, જેને કારણે યુરિનમાં પણ LH હૉર્મોન આવે. યુરિન ટેસ્ટથી આ હૉર્મોનનું લેવલ તપાસવામાં આવે. જેમ પ્રેગ્નન્સી કિટમાં સાઇડના કાણામાં યુરિન નાખીને તપાસ કરાય છે એવું જ ઓવ્યુલેશન કિટમાં કરવાનું રહે. જો ઓવ્યુલેશન કિટમાં ઇન્ડિકેટરની જગ્યાએ બે લાઇન આવે તો એનો મતલબ કે ઓવ્યુલેશન થઈ ગયું છે. એટલે કે ઓવરીમાંથી ઈંડું છૂટું પડી ગયું છે. જે મહિલાને ગર્ભ ન રહેતો હોય તેને ગર્ભવતી થવાનો યોગ્ય સમય જણાવવામાં ઓવ્યુલેશન કિટ મદદ કરે છે. સ્ત્રીબીજ છૂટું પડે ત્યારે મહિલા યુરિન ટેસ્ટ કરે અને એ પૉઝિટિવ આવે તો તેમને ખબર પડે કે ક્યારે સંબંધ રાખવાના.’

ફર્ટિલિટી વિન્ડો 
સ્ત્રીબીજ છૂટું પડ્યું છે કે નહીં એ જાણવા માટે તમારે તમારા ફર્ટાઇલ વિન્ડોના સમયગાળામાં ઓવ્યુલેશન કિટથી ચેક કરતાં રહેવું પડે. જોકે આ વિન્ડો દરેક સ્ત્રીની જુદી-જુદી હોય. ફર્ટિલિટી વિન્ડો વિશે સરળ ભાષામાં સમજાવતાં ડૉ. આભા સંઘવી કહે છે, ‘સમજો કે તમને આજે પિરિયડ્સ આવ્યા તો એના પહેલા દિવસથી આગામી દસ દિવસ સુધી સ્ત્રીબીજ છૂટવાનું નથી. છેલ્લા દસ દિવસમાં પણ છૂટવાનું નથી. હવે જે વચ્ચેના દિવસો બાકી રહ્યા છે એમાં ગમે ત્યારે સ્ત્રીબીજ ફૂટી શકે. તો આ દિવસોમાં તમારે દરરોજ અથવા તો એક દિવસ છોડીને ચેક કરતાં રહેવું જોઈએ કે ઓવ્યુલેશન થયું છે કે નહીં. આ દિવસોમાંથી કોઈ પણ એક દિવસે જ ઓવ્યુલેશન થશે. જો તમે ઓવ્યુલેશન કિટથી ચેક કરતા રહો તો તમને ખયાલ આવે. એટલે એ મુજબ તમે કન્સીવ કરવાની ટ્રાય કરી શકો. ફર્ટિલિટી વિન્ડો સાત દિવસની હોય છે. તમે તમારી મેન્સ્ટ્રુઅલ સાઇકલના વચ્ચેના સાત દિવસ પકડીને આ સમયગાળામાં ઓવ્યુલેશન ટેસ્ટ કરી શકો છો.’ 
ઓવ્યુલેશનને લઈને મહિલાઓને થતી ગેરસમજ વિશે ડૉ. આભા સંઘવી કહે છે, ‘જનરલી મહિલાઓને એવું મિસકન્સેપ્શન હોય કે સપોઝ ૨૮ દિવસની સાઇકલ છે તો ૧૪મા દિવસે જ ઓવ્યુલેશન થાય, પણ એવું નથી. કોઈ વાર ૧૨મા દિવસેય થાય, ૧૬મા દિવસેય થાય એવું પણ બને. એટલે જે ફર્ટિલિટી વિન્ડો છે એ સમયગાળામાં ઓવ્યુલેશન થયું છે કે નહીં એ ચેક કરતા રહેવું જોઈએ.’

ટેસ્ટનો બેસ્ટ ટાઇમિંગ કયો?
ઓવ્યુલેશન કિટ તમારા માટે તો જ કામની છે જો તમારા પિરિયડ્સ રેગ્યુલર હોય. જો માસિકની સાઇકલ અનિયમિત હોય તો પહેલાં એનું કારણ સમજીને એની સારવાર કરાવવી જરૂરી છે. એ વિશે ડૉ. આભા સંઘવી કહે છે, ‘આ કિટ એવી મહિલાઓ યુઝ કરી શકે જે પ્રેગ્નન્સી પ્લાન કરતી હોય. જેમના પિરિયડ્સ રેગ્યુલર હોય તેમ છતાં તેમને જાણવું હોય કે કન્સીવ કરવા માટેનો બેસ્ટ ટાઇમ કયો છે. જનરલી દર ૨૮ દિવસે પિરિયડ્સ થાય છે. જોકે ઘણી મહિલાઓની નૅચરલી ૩૫ કે ૪૫ દિવસની મેન્સ્ટ્રુઅલ સાઇકલ પણ હોય છે. તો એમાં પણ વચ્ચેના દિવસો પકડીને આપણે ટેસ્ટ કરી શકીએ. ઓવ્યુલેશન ઈઝીલી ડિટેક્ટ કરવા માટે તમારી સાઇકલ રેગ્યુલર હોવી જરૂરી છે. પ્રૉબ્લેમ એવી મહિલાઓને આવે છે જેમના પિરિયડ્સ કોઈક વાર બે મહિને તો કોઈક વાર ત્રણ મહિને એમ ઇરેગ્યુલર આવતા હોય. આવા કેસમાં ઓવ્યુલેશન ડિટેક્ટ કરવું ડિફિકલ્ટ છે. બીજું, ઓવ્યુલેશન ટેસ્ટ કરવા માટે ‘સવારની યુરિન ટેસ્ટ બેસ્ટ હોય છે. એ સમયે લીધેલા યુરિનનું સૅમ્પલ કૉન્સન્ટ્રેટેડ હોય છે એટલે એમાં LH લેવલ સારું મળી આવે. એ પછી જો સૅમ્પલ લીધું હોય તો આપણે પછી પાણી પીધેલું હોય તો સૅમ્પલ ડાયલ્યુટેડ આવે એવું બને.’

ટેસ્ટ હંમેશાં સાચું જ રિઝલ્ટ આપે?
ઓવ્યુલેશન કિટ કેટલી ઍક્યુરેટ હોય છે એ વિશે ડૉ. આભા સંઘવી કહે છે, ‘જો ટેસ્ટ પૉઝિટિવ આવે તો ૧૦૦ ટકા ઓવ્યુલેશન થઈ ગયું છે. ઘણી વાર એવું પણ બને કે ઓવ્યુલેશન થઈ ગયું હોય પણ ટેસ્ટમાં ડિટેક્ટ ન થાય. ફર્ટાઇલ વિન્ડોના બધા જ દિવસોમાં ટેસ્ટ કરી હોય પણ તેમ છતાં રિઝલ્ટ નેગેટિવ આવે તો જરૂરી નથી કે સ્ત્રીબીજ છૂટ્યું જ નથી. એવું પણ બને કે કદાચ ટેસ્ટથી ડિટેક્ટ નથી થયું. શરીરમાં હૉર્મોન લેવલ ન વધવાનાં કેટલાંક કારણો હોઈ શકે, જેમ કે પીસીઓડી એટલે કે પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. જે મહિલાને શરીરમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોય, જેને કારણે સ્ત્રીબીજ ટાઇમ પર છૂટતું ન હોય. પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝમાં સ્ત્રીબીજ ફુલ્લી મૅચ્યોર થાય નહીં એટલે એ ફૂટે નહીં. એટલે લ્યુટેનાઇઝિંગ હૉર્મોનમાં ઉછાળો ન જોવા મળે.’

health tips columnists