સાચો ગુરુ લોકોને અંધશ્રદ્ધાના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય

07 April, 2020 05:02 PM IST  |  Mumbai | Taru Kajaria

સાચો ગુરુ લોકોને અંધશ્રદ્ધાના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય

ફાઈલ ફોટો

આપણામાં એક કહેવત છે ‘હું મરું ને તને રાં... કરું.’ થોડા સમય પહેલાં ચીનના એક મૉલમાં એક કોરોનાગ્રસ્ત સ્ત્રીને ફળોની બાસ્કેટો પર થૂકતાં જોઈ ત્યારે પહેલાં તો માની જ ન શકાયું કે આટલી અધમ અને વિકૃત હરકત કોઈ કરી શકે! પછી વિચાર્યું કે આ કોઈ ફેક વિડિયો હશે, પરંતુ ગયે અઠવાડિયે ન્યુઝ ચૅનલોમાં આપણા જ દેશના સમાચારોમાં જે જોવા અને સાંભળવા મળ્યું એ જોઈને તો ચોંકી જવાયું! પેલી ચીની સ્ત્રી કરતાંય હજાર દરજ્જે ઘટિયાં હરકતો કરતા લોકોને જોયા. જે ડૉક્ટરો, નર્સો અને સફાઈ-કર્મચારીઓ આ મહામારીના કટોકટીભર્યા દિવસોમાં પોતાની હેલ્થ અને સલામતીને જોખમમાં મૂકીને ફરજ બજાવી રહ્યાં છે તેમના પર લોકો થૂકી રહ્યા છે! મુંઝવણભર્યા માહોલમાં જેમની પાસેથી દિશાસૂચન અને ગાઇડન્સની અપેક્ષા હોય તે ધર્મગુરુ પોતાના અનુયાયીઓના સ્વાસ્થ્ય અને હિતની વિરુદ્ધ વર્તન કરવાની સલાહ આપે, જે રાક્ષસી વાઇરસને મહાત આપી દેશની જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવા સમગ્ર તંત્ર અકથ્ય આર્થિક નુકસાન વહોરીને પણ મથી રહ્યું  છે એ વાઇરસ ફેલાવવા પોતાના અનુનાયીઓને ઉશ્કેરે, સોશ્યલ ડિસ્ટન્સિંગનો અનાદર કરવાનો આદેશ આપે અને ટોળાં ભેગાં કરે, તે વ્યક્તિને ધર્મ સાથે કશું લાગેવળગે નહીં અને ગુરુ શબ્દ સાથે તો તેનો દૂર-દૂરનો પણ કોઈ નાતો ન ગણાય. સાચો ગુરુ લોકોને અંધશ્રદ્ધાના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, પોતાના પર ભરોસો રાખનારને અજ્ઞાનના અંધકારમાં ન ધકેલે. આપણા કમનસીબે આવા કેટલાક દુષ્ટો પોતાનાં સંકુચિત અને સ્વાર્થી હિતો સાધવા જનસમૂહોને  ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. માત્ર તેમના જ નહીં, દેશવાસીઓના જાન પણ જોખમમાં નાખી રહ્યા છે. 

સવાલ એ પણ થાય છે કે મુઠ્ઠીભર લોકો આવી અવિચારી અને ગંદી હરકત કરે છે, પરંતુ એવા લોકોને ન અનુસરવા જેટલી અક્કલ કેમ પેલા અનુયાયીઓમાં નથી? શું તેમનામાં સામાન્ય બુદ્ધિનો પણ અભાવ છે? કે ધર્મના નામે કોઈ તેમના જાનમાલની હાનિ કરે કે તેમની જિંદગી સાથે રમત કરે તોય તેમને ખબર ન પડે?! અરે, આ તબક્કે તો એ વર્ગના બુદ્ધિશાળી કે વિચારવાન સેલિબ્રિટીઝે પણ આગળ આવીને તેમને સાચી શીખ આપવી જોઈએ. આ પરિસ્થિતિમાં શું જરૂરી છે અને શું નહીં એ માનવા-સમજાવવા જોઈએ, પરંતુ મને નથી લાગતું કે એવા કોઈ પ્રયાસ કોઈના દ્વારા થયા હોય.

એ જ રીતે દેશ-દુનિયા સામે આટલી ભયંકર આપત્તિ આવી છે ત્યારે પણ કેટલાક રાજકારણીઓ રાજકીય લાભ લૂંટવાની લાલચ કાબૂમાં રાખી શકતા નથી. આ બધું જોઈને મન પર વિષાદનાં વાદળો ઘેરાઈ જાય છે, પણ આ દેશનું સૌભાગ્ય છે કે આજે આવા એકાદ-બે ગેરમાર્ગે દોરનારા ધર્મગુરુની સામે એને બીજા અનેક ગુરુઓ એવા પણ મળ્યા છે જેઓ સંક્ટના આ સમયમાં પોતાના ભક્તો અને અનુયાયીઓનું સાચા અર્થમાં માર્ગદર્શન કરી તેમની અને આ રાષ્ટ્રની અનન્ય સેવા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર સર્ચ કરશો તો જોવા મળશે કે હિન્દુ, સીખ, ઈસાઈ, જૈન કે અન્ય અનેક ધર્મના અગ્રણીઓએ ડિજિટલ સંદેશ આપીને કે સત્સંગ પ્રસાર કરીને તેમના લાખો અનુયાયીઓમાં દેશહિતમાં જરૂરી શિસ્ત અને સંયમનો સંચાર કર્યો છે. આ ઘટના હૃદયને અજવાળી દે એવી છે.

કોઈ પણ નેતાની દક્ષતા કે નેતૃત્વની કસોટી પણ આવી કટોકટીના કાળમાં થતી હોય છે. આપણા વડા પ્રધાને આ દિવસો દરમિયાન જે નેતૃત્વ પૂરું પાડ્યું છે એ કાબિલે તારીફ છે. લૉકડાઉનના આ સમયમાં ભલભલાનાં હાજાં ગગડી જાય એવી નિરાશાજનક સ્થિતિ ભાવિના ઉંબરે દસ્તક દઈ રહી છે ત્યારે સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબોના તન-મન કેવા પીસાઈ રહ્યા હોય, ભીંસાઈ રહ્યા હોય એની તો કલ્પના જ કરી શકાય. એવે વખતે એ વિરાટ વર્ગની જીવનાવશ્યક જરૂરિયાતો ઉપરાંત તેમને માનસિક રીતે ભાંગી પડતા પણ બચાવી લેવાની જવાબદારી નેતૃત્વ પર હોય છે. એ દિશામાં આ દેશની એક અબજથી વધુ વસ્તીને ધીરજ અને હિંમતથી આ ક્પરો કાળ પાર કરવા માટેનો જુસ્સો બંધાવવાના તેમના પ્રયાસો ખરેખર પ્રસંશાને પાત્ર છે. તેમના શબ્દોનું સામર્થ્ય ભારતીયોને નૈતિક બળ પૂરું પાડે એવું છે.

ગયે અઠવાડિયે તેમણે જનતાને નામ જે સંદેશ આપ્યો એમાં એક વાત હૃદય અને મનને ખાસ સ્પર્શી ગઈ. એ હતી દેશના એક નાનકડા વર્ગના બેજવાબદારીભર્યા વર્તનની ઉપેક્ષા. દેશના કરોડો નાગરિકોના જવાબદારીભર્યા વર્તનની પ્રસંશા કરીને તેમણે સદ્ની નોંધ લેવાનો અને અસદ્ને અવગણવાનો અભિગમ દાખવ્યો. આવી સ્થિતિમાં કોઈ પણ કુશળ અને સમર્થ નેતાને છાજે એવું એ વક્તવ્ય હતું. આમ પણ અત્યાર સુધીમાં વડા પ્રધાને આ કટોકટીને જે ગંભીરતાથી લીધી અને પગલાં લીધાં, એમાં જે રીતે દેશની જનતાને સહભાગી બનાવી એની નોંધ આખી દુનિયામાં અહોભાવથી લેવાઈ છે. ઇન ફેક્ટ, તેમણે કરેલાં ત્રણેય જનસંબોધનો સાથે દુનિયાના અન્ય નેતાઓએ આ ક્રાઇસિસના સમયમાં પોતાના દેશવાસીઓને કરેલાં સંબોધનોની સરખામણી કરીએ તો પણ આસમાન-જમીનનું અંતર ચોખ્ખું જણાઈ આવે. નેતા, તંત્ર, તબીબી સેવા-કર્મચારીઓ, સુરક્ષા-કર્મચારીઓ અને જાહેર સ્વાસ્થ્યના કર્મચારીઓની આ તમામ સેવાઓ માટે આપણે સહુએ કૃતજ્ઞતા અનુભવવી જોઈએ. તેમના આભારી રહેવું જોઈએ એને બદલે દેશના કેટલાક ભાગોમાં કેટલાક લોકો તેમની સાથે જે અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે એ કોઈ હિસાબે સહી શકાય એવો નથી. ઇટ હેઝ  ટુ સ્ટૉપ, ઇટ હેઝ ટુ સ્ટૉપ ઇમિડિયટલી. નાગરિક તરીકે આપણા સૌની એ ફરજ છે.

taru kajaria columnists coronavirus