કચ્છની ‘બાજર જી માની’ હાંસિયામાં ધકેલાતી જાય છે

07 April, 2020 05:02 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છની ‘બાજર જી માની’ હાંસિયામાં ધકેલાતી જાય છે

બાજરાનું ખેતર

કચ્છના ખમતીધર કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણીએ એક લોકગીતમાં માના હાથના રોટલાના ગુણગાન કરતાં ગાયું છે કે ‘મિણિયા મુંકે મીઠી લગેતી માડી તૉજી માની’ કચ્છીમાં રોટલાને માની કહેવાય છે. બાજરાનો રોટલો એ કચ્છની ઓળખ છે એવું કહેવાય છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. કચ્છના હવામાન અને ચોમાસાની ક્ષમતાને અનુકૂળ એવું આ ધાન્ય પ્રજાનો મૂળ ખોરાક હતો, પરંતુ હવે કચ્છમાં બાજરો વાવવાનું ચલણ સાવ ઘટી ગયું છે. કેટલાક લોકો બાજરો ગરમ હોવાની માન્યતાને લીધે ખાતા નથી, પરંતુ એ અર્ધ સત્ય છે. વાસ્તવમાં બાજરો પોષક તત્ત્વોની દૃષ્ટિએ ઘઉં કરતાં ચડિયાતો છે અને પચવામાં ઝડપી છે.

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

ઉપરોક્ત દૂહો કચ્છની ભૂમિ સાથે જોડાયેલા ધાન્ય બાજરાનું મહત્ત્વ દર્શાવે છે. કોઈ સમયે કચ્છમાં બાજરો મુખ્ય ધાન હતું. બાજરાના રોટલા આ પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક હતો. ભારતની આઝાદી પછી અનાજની અછત દૂર કરવા અને વધુ ઉત્પાદન મેળવવા ઘઉંની વિવિધ જાતો વિકસાવવામાં આવી. સરકારી રૅશનની દુકાને પર ઘઉં આપવામાં આવ્યા. પરિણામે થયું એવું કે જે પ્રજાના મુખ્ય ખોરાકમાં બાજરાનું સ્થાન હતું એ ઘઉંએ લઈ લીધું. એટલું જ નહીં, બાજરો વાવતા ખેડૂતો પણ ઘઉં વાવવા લાગ્યા. ધીરે-ધીરે બાજરો હાંસિયામાં ધકેલાતો-ધકેલાતો બિચારો થઈ ગયો. ગુજરાતમાં ઘઉં ખાવાની શરૂઆત કરનાર ભણેલો અને સુંવાળો વર્ગ હતો જે મોટા ભાગે બેઠાડુ વ્યવસાયો સાથે જોડાયેલો હતો. સામાજિક દૃષ્ટિએ પણ એવી માન્યતા ફેલાતી ગઈ કે બાજરો ગરીબ માણસોનો ખોરાક છે. વીસમી સદીના અંતિમ બે દાયકામાં કચ્છમાં મગફળી જેવા રોકડિયા પાકોને  કારણે ચોમાસું ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ પણ બાજરો વાવવાનું ઓછું કરી નાખ્યું. વર્તમાન ચિત્ર એવું છે કે કચ્છની પ્રજામાં બાજરો અમુક સમયે જ ખાવાનું ચલણ રહ્યું છે. એક તરફ મોટા ભાગના વ્યવસાયો Indoor થતા જાય છે. Out door વ્યવસાયોનું પ્રમાણ ઘટતું જાય છે. ચાલવાનું અને શ્રમ કરવાનું સ્થાન મશીનોએ લઈ લીધું છે ત્યારે હવે ફરી જે-તે પ્રદેશના હવામાન પ્રમાણે ખોરાક લેવાનું જાણકારો કહી રહ્યા છે. એ અર્થમાં કચ્છમાં રહેતી પ્રજાને ઘઉં અનુકૂળ છે કે બાજરો એ આવનારો સમય સ્પષ્ટ કહી દેશે.

મૂળે ઉષ્ણ કટિબંધીય ખંડો અને વિસ્તારો, ખાસ કરીને આફ્રિકા અને ભારતીય મહાદ્વીપ બાજરાના પાકને વધુ અનુકૂળ આવ્યા છે. બાજરાનું ઉત્પ‌ત્તિ સ્થાન પશ્ચિમ આફ્રિકાનો સાહેલ વિસ્તાર હોવાનું માનવામાં આવે છે. ભારતમાં એ આફ્રિકાથી જ આવ્યો છે. ભારત અને આફ્રિકામાં બાજરો પ્રાગ ઐતિહાસિક કાળથી ઉગાડવામાં આવતો હોવાના પ્રમાણ છે. સામાન્યપણે એ સ્વીકારવામાં આવેલું છે કે બાજરાની જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઈસવી સન પૂર્વે ૨૦૦૦માં બાજરાની જાત ભારતમાં આવી હશે એ પહેલાં એણે આફ્રિકામાં અનુકુલન સાધેલું હશે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં અને દક્ષિણ એશિયામાં પણ એની ખેતી થવા લાગી. યુ.એસ.માં ૧૮૫૦માં બાજરાની ખેતી શરૂ થયાના અને બ્રાઝિલને આ પાકનો પરિચય ૧૯૬૦માં થયાના દસ્તાવેજો મળે છે. બાજરો કે બાજરીને અંગ્રેજીમાં Pearl millet કહે છે અને એનું વૈજ્ઞાનિક નામ Pennisetum glaucum છે. આફ્રિકામાં બાજરાને મહાંગુ, સાનિયો, ગેરો, બાબલા, ન્યોલોટી, ડુક્કિન, સૌના, પેટિટ મિલ, મેક્ષોઇરા, મશેલા, મહુન્ગા,, શોના જેવા નામે  ઓળખવામાં આવે છે. ભારતમાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને પંજાબીમાં બાજરો કે બાજરી, કન્નડમાં સાજ્જે, તામિલમાં કામ્બુ, તેલુગુમાં સજ્જાલુતે કહેવાય છે. ઑસ્ટ્રેલિયામાં તેને બુલરશ મિલેટ, બ્રાઝિલમાં મિલ્હેટો, અમેરિકામાં કેકટલ મિલેટ, યુરોપમાં પર્લ મિલેટ, કેન્ડલ મિલેટ અને ડાર્ક મિલેટ કહે છે.

બાજરો સૂકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકૂળ છે. એ વધુ ક્ષારવાળી કે ઓછી પી.એચ. ધરાવતી જમીનમાં પણ સારું ઉત્પાદન કરે છે. પોતાની પ્રતિકૂળ સ્થિતિને અનુકુલન સાધવાની પ્રકૃતિને કારણે, એ જ્યાં અન્ય ધાન્ય પાકો જેવા કે મકાઈ અને ઘઉં, ન ઊગી શકે ત્યાં પણ ઊગે છે. બાજરો પારંપારિક રીતે ઉગાડવામાં આવે છે ત્યાં એમાંથી રોટલા, પાંઉ, કાંજી, બાફીને ખાવા કે મદિરા બનાવવા માટે એ ઉપયોગી છે. પશ્ચિમ આફ્રિકાના સાહેલ ભાગમાં એમાંથી ‘કુસ્કસ’ નામની વાનગી બનાવવામાં આવે છે. એના ઠૂંઠાનો ઉપયોગ બાંધકામની સામગ્રી તરીકે, બળતણ તરીકે કે ચારા તરીકે થાય છે. જ્યાં બાજરો અપરંપરાગત છે એવા વિસ્તારો કે યુએસએ, કૅનેડા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા અને યુરોપમાં બાજરાને સાથી પાક (લીલું ખાતર બનાવવા) તરીકે અથવા ચારા કે કડબ તરીકે થાય છે. બ્રાઝિલના ‘સૅર્રાડો’ ક્ષેત્રમાં સોયાબીન પકવતાં ક્ષેત્રોમાં સોયાબીન સાથે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા બાજરો ઉગાડવો અત્યંત આવશ્યક છે. એ નિંદામણનો વિકાસ પણ અટકાવે છે. પહેલાંના સમયમાં ભલે એ સાથી પાક તરીકે ઉગાડવામાં આવતો, પણ હવે એ મોટે ભાગે ચારા તરીકે કે અન્ન માટે વપરાય છે. કૅનેડામાં બાજરો બટાટાની ખેતીમાં ફેર પાક તરીકે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે ઉગાડવામાં આવે છે. યુએસએમાં એનો ઉપયોગ હંગામી ઉનાળુ ચારા તરીકે થાય છે, કેમ કે એમાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે એ પાચક છે અને એ ‘પ્રુસ્સિક ઍસિડ’ (prussic acid) રહીત છે. એનો ઉપયોગ ઘોડા, બકરી, ડુક્કર વગેરે જાનવરોના ચારા માટે થાય છે. આજકાલ મોટા ભાગના બાજરાનો ઉપયોગ પક્ષીઓને ખવડાવવા, ખાસ કરીને મરઘાં ઉછેર કેન્દ્ર, બટેર (લેલાં), ટર્કી, તેતર અને જંગલી કબૂતર જેવાં લડાકુ પક્ષીઓને ખવડાવવા થાય છે. બાજરી ખવડાવવાથી મરઘીનાં ઇંડામાં ‘ઓમેગા ૩’ નામના ફેટી ઍસિડની વધુ માત્રા મળે છે. ઢોર, ડુક્કર અને અમુક કૂતરાઓના ખાદ્ય પદાર્થ તરીકે પણ બાજરી વપરાય છે. એમાં રહેલી પ્રોટીનની વધુ માત્રા અને ઝડપથી આથો આવવાના લક્ષણને કારણે એનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે. મકાઈ અને ચારો વાપરતાં કારખાનાંમાં બાજરી પણ એટલી જ સરળતાથી વાપરી શકાય છે. યુએસએમાં બાજરી ભારતીય પદાર્થ વેચતી દુકાનોમાં મળે છે. અમેરિકામાં વસતા આફ્રિકનો અને ભારતીય ઉપખંડના લોકોમાં બાજરો પ્રખ્યાત અને પારંપારિક ખાદ્યાન્નનું સ્થાન ધરાવે છે. આ ‘ગ્લુટેન’ મુક્ત અનાજનો અમેરિકામાં ભિન્ન ખોરાક તરીકે પ્રસાર મર્યાદિત રહ્યો છે.

કવિ હૃદયના રાજવી લાખો ફુલાણી કચ્છમાં બાજરો લાવ્યાનું કહેવાય છે. એવું પણ મનાય છે કે કચ્છમાં બાજરો સૌપ્રથમ ખડીર વિસ્તારમાં આવ્યો હતો. જોકે એ માન્યતાને કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ આઝાદી પહેલાં કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં બાજરો વવાતો જેમાં વાગડ, ખડીર, અબડાસા અને લખપત વિસ્તારનો બાજરો અત્યંત પૌષ્ટિક ગણાતો. ૧૯૭૫થી પહેલાં કચ્છમાં માત્ર દેશી બાજરો વવાતો. એનો છોડ ઊંચો અને ડૂંડૂં ભરાવદાર થતું. બાજરાની રાબ શિયાળામાં દેશી વસાણાંનું કામ કરે છે. ઉપરાંત ગાય કે ભેંસ વિયાય એ પછી એની અશક્તિ ઝડપથી દૂર કરવા બાજરો બાફીને અપાય છે. બાજરીના ડૂંડામાંથી દાણા કાઢી લીધા પછી જે ફોતરાં વધે જેને કચ્છીમાં ‘બૂરી’ કહે છે. આ ફોતરાં ઉષ્માના અવાહક હોવાથી અને એને ઊધઈ લાગતી ન હોવાથી મકાનોની ભીંતોના લીંપણમાં ભેળવવામાં આવતા. ઉપરાંત કડબ જમીન નીચે ફોતરાંનો થર કરવામાં આવતો. કેટલાક લોકો માને છે કે બાજરો શિયાળામાં જ ખવાય. એ ગરમ હોય છે. વાસ્તવમાં બાજરો કોઈ પણ ઋતુમાં ખાઈ શકાય છે. આધુનિક ખોરાક નિષ્ણાતો શરીરની સ્થૂળતા ઘટાડવાના ઉપાય તરીકે બાજરો ખાવાની સલાહ આપે છે.

mavji maheshwari columnists kutch