ગુજરાતી પરંપરા અને હસ્તકલાના પ્રતીકસમી ચારપાઈ ઇઝ બૅક

23 February, 2021 01:20 PM IST  |  Mumbai | Bhakti D. Desai

ગુજરાતી પરંપરા અને હસ્તકલાના પ્રતીકસમી ચારપાઈ ઇઝ બૅક

ગુજરાતી પરંપરા અને હસ્તકલાના પ્રતીકસમી ચારપાઈ ઇઝ બૅક

મુંબઈમાં નાનાં ઘરોને કારણે કાથી, પાટી કે રેશમની દોરીથી ભરેલા ખાટલા બહુ ઓછા જોવા મળે છે. જોકે પશ્ચિમના દેશોએ એની કરેલી કદરને કારણે ફરીથી જાણે ઢોલિયામાં નવો પ્રાણ ફુંકાવાનું શરૂ થયું છે. દેશી ખાટલાની ઍસ્થેટિકલી મસ્ત મજાની ડિઝાઇનોના અઢળક ઑપ્શન્સ તમને ઑનલાઇન ફર્નિચર સ્ટોર્સમાં જોવા મળી જશે. આજે જાણીએ ભુલાઈ ગયેલા ખાટલાની પરંપરાગત બનાવટ અને એના સ્વાસ્થ્યની દૃષ્ટિએ થતા ફાયદાઓ વિશે

ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ હંમેશાં બહુ વિચારપૂર્વક તૈયાર થયેલી હતી. વળી એમાં સાચવણી ખર્ચ પણ ઓછો હોય. અલબત્ત, મુંબઈ જેવાં મોટાં શહેરોમાં આપણી પરંપરાનું પ્રતીક ગણાતી આવી ઘણી વસ્તુઓ હવે વીસરાતી જાય છે, પણ નવાઈની વાત એ છે કે આ જ વીસરાયેલી ચીજો પશ્ચિમી સંસ્કૃતિઓ અપનાવે ત્યારે ફરીથી આપણે પણ એને ફૅશન તરીકે અપનાવવા લાગીએ છીએ. આવી જ એક ચીજ છે ચારપાઈ એટલે કે ખાટલા-ખાટલી. જે ખાટલા પહેલાં ઘરે-ઘરે રહેતા હતા એ હવે કાઠિયાવાડી ઢાબાઓમાં જ જોવા મળે છે. ઢાબાઓમાં આ ખાટલા જમવા માટે બેસવાના ઉપયોગમાં લેવાય છે, પરંતુ આજેય ગુજરાતનાં ગામડાંઓમાં આનો ઉપયોગ સૂવા માટે થાય છે. ઘરોમાં હવે આવા ખાટલા માટે કોઈ જગ્યા નથી રહી અને જ્યાં જગ્યા છે ત્યાં પણ જૂના જમાનાના ફર્નિચર તરીકે ગણાતા આ ખાટલા આપણા વેલ ડેકોરેટેડ ઘર સાથે કોઈ મેળ નથી ખાતા એમ કહી કાઢી નાખવામાં આવે છે. જોકે બીજી તરફ આ દેશી ફર્નિચરને નવા રૂપરંગ આપીને ઘરને દેશી ટચ આપવાનો ટ્રેન્ડ પણ હવે વધ્યો છે. વિદેશીઓ આ પ્રકારના ટ્રેડિશનલ ફર્નિચરને ભારતથી તેમના દેશમાં પહોંચાડવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. ઑસ્ટ્રેલિયામાં ડૅનિયલ બ્લોર નામના ભાઈએ ભારતીય ઢોલિયા જેવા ખાટલા જાતે બનાવતાં શીખીને ત્યાં જ એનો મજાનો ધંધો શરૂ કરી દીધો છે. કોઈ જ વરણાગી ડિઝાઇન વિનાના સિંગલ કલરની રેશમી દોરીથી ગૂંથેલી ચારપાઈ ડૅનિયલભાઈ ૯૯૯ ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ ૫૬,૦૦૦ રૂપિયામાં વેચે છે.
વિદેશમાં ખાટલાની વધુ માગ
રજવાડી ખાટલાના વેપારી અને ખાટલા બનાવવામાં નિષ્ણાત કારીગર સબીરભાઈ આજે ખાટલાની માગ કેટલી છે એનો જવાબ આપતાં કહે છે, ‘મૂળ ખાટલા એ ગુજરાતની જ દેણ છે. એવું કહેવાય છે કે ખાટલા પર ક્યારેય કોઈ ઝેરી જનાવર ન ચડે એવા ભગવાનના આશીર્વાદ છે. ખાટલાની માગ આજે પણ ગામડાંઓમાં, ઢાબાઓમાં, હોટેલ્સમાં કે રજવાડી મહેલોમાં છે અને આ હવે ગુજરાતીઓ સુધી જ સીમિત નથી પણ ચેન્નઈ, તામિલનાડુ, મહારાષ્ટ્ર આમ વિવિધ રાજ્યોમાં પહોંચી ગયા છે. આજે આની સૌથી વધારે માગ વિદેશમાં છે. મારી પાસે પણ વિદેશીઓ આવીને ખાટલાનાં વખાણ કરે છે અને એના એવા પ્રેમમાં પડી જાય છે કે પછી એને પોતાના ઘરે લઈને જ જાય છે. ભારતનાં મોટાં શહેરોમાં આની માગ ઓછી છે, કારણ કે જગ્યા અને ખાટલાના ફાયદાઓની સમજ; આ બન્નેનો અહીં અભાવ છે.’
બનાવટમાં વિશેષતા
પહેલાંના જમાનામાં ખાટલા કાથીથી ભરેલા આવતા. આને ભરવાની પણ એક વિશેષ કારીગરી રહેતી અને પછી અમુક સમયે એ ઢીલા પડે ત્યારે કાથીને ખેંચવી પડતી. ઘણાં વર્ષો સુધી એક ખેડૂત તરીકે કામ કરનાર સબીર લોટા તેમની પાસે રહેલી આ કળાનો લાભ પોતાના ગામના લોકોને સેવા તરીકે આપતા. સમય જતાં ખેતી છોડી તેઓ પોતાના વતનથી રાજકોટમાં આવ્યા અને જીવનનિર્વાહ માટે તેમણે પોતાના આ કૌશલ્યને વેપારમાં પરિવર્તિત કર્યું. ખાટલાની બનાવટની વિશેષતા જણાવતાં સબીર કહે છે, ‘ખાટલાની બનાવટમાં એક વિજ્ઞાન છે. એમાં માથાનો ભાગ અને પગનો ભાગ થોડો ઊંચો હોય અને વ્યક્તિ સૂવે ત્યારે ખાટલાનો વચલો ભાગ વચ્ચેથી થોડો નીચે જાય અને શરીરના એ ભાગમાં લોહી પહોંચે, જ્યાં ન પહોંચતું હોય. પહેલાં લોકો ખૂબ મહેનત કરતા અને રાત્રે આના પર સૂવે તો એટલી સરસ ઊંઘ આવી જાય કે બીજા દિવસે તો બધા દુખાવા મટી ગયા હોય. મૂળ તો આ ખાટલા માત્ર સાગ, બાવળ, નીલગીરી આમ મજબૂત લાકડામાંથી જ બનાવાતા. આને પહેલાં કાથીથી ભરવામાં આવતા. આ કામમાં અમારા હાથમાંથી લોહી નીકળે જ, કારણ કે કાથીથી ગૂંથવું એ સહેલું કામ નથી. કાથીની સૂતળી પછી હવે સૂતરાઉ એટલે રેશમની દોરીથી આ ભરાય છે. આજે કાથી ભલે બહુ ન વપરાય, પણ આને ભરવાની દેશી પદ્ધતિનો ઉપયોગ હજીયે થાય છે. આમાં મગજ અને શરીરને વ્યાયામ મળે છે. દેશી પદ્ધતિથી ખાટલો ભરવામાં સો દોરી વપરાય છે એટલે કે પાંચ દોરીના જથ્થાવાળી વીસ દોરીઓ. આ સો દોરીને બાંધવા સો વાર ઊઠબેસ કરવી પડે. આખા ખાટલાની ફરતે સો પ્રદક્ષિણા ફરી બે કારીગર આશરે ત્રણ કલાક કામ કરે ત્યારે આનું ગૂંથણ પાર પડે. હવે અમે આને લાકડા પર રજવાડી કડાં લગાડીને સરસ આકર્ષક એક કલાનો કટકો બની રહે એવી રીતે રેશમની દોરીથી દેશી ભરત અથવા ગાલીચા ભરત કરીને બનાવીએ છીએ. હું આમાં જેમ આગળ વધું છું તેમ મારી રીતે જ આ કળાને વિકસાવું છું. આ એક હસ્તકલા છે અને તેથી એને શીખવા જવાની જરૂર નથી, કારણ કે હસ્તકલા હાથથી બને અને મનથી જ વિકસતી જાય. જેમ આગળ વધીએ એમ પ્રેરણા મળે છે. હવે પાઉડર કોટિંગવાળા લોખંડના અને સ્ટેનલેસ સ્ટીલના ખાટલા પણ અમે બનાવીએ છીએ. હાલમાં રેશમની દોરીથી બનાવાતા ગાલીચા ભરતની માગ વધુ છે, આને પૅક ભરત પણ કહેવાય છે. આમાં દેશી ભરતની જેમ કોઈ પાઇપ ન દેખાય અને આખું રંગબેરંગી દોરીથી ઢંકાઈ જાય. કારીગર ખાટલા પર બેસીને જ આને ગૂંથે છે. બે દિવસે એક ખાટલો પૂરો થાય છે. વિવિધ રંગ અને આકૃતિમાં આ ભરત બનાવાય છે. આ ખાટલા પંદરેક વર્ષ સુધી ઢીલા નથી પડતા અને દરેક ઋતુને અનુરૂપ છે. ખાટલામાં ખાંચો હોવાથી હવા-ઉજાસ સારા લાગે છે.’
સુવાવડી સ્ત્રીઓ માટે શેક
હવેની જનરેશન કાથીના ખાટલા સહન કરી શકે એમ નથી એટલે આશરે પંદરેક વર્ષ પહેલાં રેશમની દોરી વાપરવાનું સબીરભાઈએ શરૂ કર્યું. કાથી મોટા ભાગે સુવાડીઓ માટે જ વપરાય છે એમ જણાવતાં સબીરભાઈ કહે છે, ‘આજની પેઢીના લોકો સામે કાથીથી ભરેલા ખાટલા મૂકી તેમને સૂવાનું કહેશોને તો કોઈ દી ખાટલા પર બેસશે પણ નહીં. આની પર સૂવાનું તો દૂર પણ એક મિનિટ બેસવાનું પણ અઘરું છે, કારણ કે કાથી નારિયેળનાં છોતરાંમાંથી બને છે અને એ ખૂંચે એવી હોય છે. જોકે મને આજેય કોઈ વાર કાથીના ખાટલા માટે ઑર્ડર આવે છે, પણ એનું કારણ જુદું છે. પહેલાં સ્ત્રીઓને સુવાવડ પછી ખાટલા પર બેસાડી અંગાર રાખી તાપણું આપતા હતા. કાથી આને માટે ઉત્તમ રહેતી, કારણ કે સૂર્યના તાપમાં અથવા અંગારના તાપથી કાથી બ્લૅક પણ ન પડે અને ઢીલી પણ ન પડે અને જો રેશમ કે સૂતરને તાપ લાગે તો એ પીગળવા લાગે. તેથી કાથીના ખાટલા તાપણા માટે ઉત્તમ હતા. ગુજરાતનાં દૂરનાં ગામડાંઓમાં આજેય આ પ્રથા ચાલે છે અને તેથી કાથીના ખાટલાનો હજીયે ઑર્ડર આવતો રહે છે.’
ખાટલાના લાભ અઢળક છે
મલાડમાં રહેતા નેચરોપૅથ ડૉ. રાજ મર્ચન્ટના ઘરે આજેય ખાટલો છે અને તેથી જ તેઓ જાતઅનુભવ પરથી ખાટલાના ફાયદાઓ વિશે સમજ આપતાં કહે છે, ‘મને આછું યાદ હતું કે આમાં સૂવાથી ઊંઘ ખૂબ સારી આવે છે, પણ જોકે હું છેલ્લા અમુક સમયથી ખાટલા પર સૂતો નહોતો પણ આ વિષય તાજો થયો તેથી મેં એક દિવસનો સમય માગ્યો કે આમાં આજેય મને સારી ઊંઘ આવે છે કે નહીં એ જોઈ લઉં અને સાચે જ આમાં સૂઈને એવી મજા આવે છે કે જાણે હું માના ખોળામાં સૂતો હોઉં. હવે આના લાભ વિશે વાત કરીએ તો આમાં જ્યારે સૂઈએ છીએ ત્યારે માતાના ગર્ભમાં બાળક જેટલી હૂંફ અનુભવે છે એ રીતનો આરામ અને હૂંફ ખાટલામાં મળે છે એ સચ્ચાઈ છે. દોરીથી બાંધેલા ખાટલા જ્યારે શરીરના સંપર્કમાં આવે છે ત્યારે શરીરના દરેક પૉઇન્ટ થોડા-ઘણા અંશે દબાય છે અને સૂનારને હલકા મસાજ જેવી નિરાંત અનુભવાય છે અને દરેક દુખાવામાં રાહત મળે છે. આની જે રચના છે એ પ્રમાણે આમાં સૂવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થઈ શકે છે. આનો મોટો ફાયદો એ પણ છે કે ખાટલામાં સૂવાથી કમરના દુખાવામાં પણ જરૂર લાભ મળે છે સાથે જ દોરીવાળા ખાટલામાં પણ ખાંચા તો હોય જ છે. ખાટલાની વિશેષતા એ છે કે ગાદીમાં સૂઈએ એમ શરીર નીચેથી ઢંકાયેલું નથી રહેતું તેથી મોકળાશથી હવા-ઉજાસ મળે છે અને પરસેવો થતો નથી. તેથી પરસેવાથી થતા ત્વચાના રોગની શક્યતા પણ ઘટી જાય છે.’

દોરીથી બાંધેલા ખાટલાથી શરીરના દરેક પૉઇન્ટ્સ થોડાઘણા અંશે દબાય છે જેનાથી કમર અને ઓવરઑલ દુખાવામાં રાહત મળે છે. એમાં ખાંચા હોવાથી શરીર નીચેથી ઢંકાયેલું નથી રહેતું. એને કારણે પરસેવાથી થતા ત્વચાના રોગની શક્યતા પણ ઘટી જાય છે
- ડૉ. રાજ મર્ચન્ટ, નેચરોપૅથ

કહેવાય છે કે ખાટલા પર ક્યારેય કોઈ ઝેરી જનાવર ન ચડે એવા ભગવાનના આશીર્વાદ છે. ખાટલાની માગ આજે ચેન્નઈ, તામિલનાડુ, મહારાષ્ટ્ર એમ વિવિધ રાજ્યોમાં તો છે, પણ આજે આની સૌથી વધારે માગ વિદેશમાં છે.
- સબીર લોટા, ખાટલાની ગૂંથણીના આર્ટિસ્ટ

bhakti desai columnists