કમ્ફર્ટ ઝોનમાંથી સેફ ઝોન વાસ્તવમાં ડેન્જર ઝોન છે

02 February, 2020 02:15 PM IST  |  Mumbai | Kana Bantwa

કમ્ફર્ટ ઝોનમાંથી સેફ ઝોન વાસ્તવમાં ડેન્જર ઝોન છે

એક રાજા હતો. શિકારનો ખૂબ શોખીન. શિકાર માટે વિવિધ પ્રકારનાં જાનવરો, પંખીઓ પાળે. એક વખત તેણે બાજનાં બચ્ચાંઓની એક જોડી ખૂબ ઊંચી કિંમતે ખરીદી. અરબસ્તાનના આ બાજનાં બચ્ચાં જરા મોટાં થયાં એટલે રાજાએ પોતાના શાહી ટ્રેઇનરને આ બન્ને શકરા બાજને તાલીમ આપવાનું કામ સોંપ્યું. ટ્રેઇનર કામે લાગી ગયો. બે બચ્ચાંમાંનું એક બચ્ચું ઝડપથી શીખવા માડ્યું, બીજું બચ્ચું શીખે જ નહીં. પોતે જે ડાળ પર બેઠું હોય ત્યાંથી ઊડે પણ નહીં. ટ્રેઇનર ગમે એટલી મહેનત કરે, આ બચ્ચું શીખવા માટે તૈયાર જ નહીં. પહેલું બચ્ચું ઊડતા, તરાપ મારતા, હવામાં સ્થિર થતા, ટાંપતા, શિકારને ઓળખતા શીખી ગયું, બીજું બચ્ચું કશું જ ન શીખે. ટ્રેઇનરે રાજાને વાત કરી. રાજાને પણ ચિંતા થઈ કે આટલા મોંઘા દામનું આ બચ્ચું શીખે નહીં તો કેમ ચાલે? એટલે રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ માણસ આ બચ્ચાને ઊડતા, શિકાર કરતા શીખવી દેશે એને ૧૦૦ સોનામહોર ઇનામ અપાશે. ઘણા નિષ્ણાતોએ પ્રયાસ કરી જોયા, નિષ્ફળ ગયા. કોઈ આ બચ્ચાને ઊડતા શીખવી શક્યું નહીં. બચ્ચું બસ બેસી જ રહે. અંતે એક સામાન્ય માણસ આવ્યો અને પોતાને પ્રયાસ કરવા દેવા રાજાને વિનંતી કરી. રાજાએ તે માણસે કહ્યું કે કેટલાયે નિષ્ણાતો આવીને આ બચ્ચાને ઊડતું કરવા અથાક મહેનત કરી ગયા, પરંતુ નિષ્ફળ ગયા છે. તારી પાસે એવી કોઈ કળા છે? કૌશલ્ય છે? તું પંખીઓને તાલીમ આપનાર નિષ્ણાત છે? પેલા માણસે કહ્યું કે હું તાલીમમાં નિષ્ણાત નથી, હું તો સામાન્ય ખેડૂત છું, પણ મને આશા છે કે હું આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢીશ.

રાજાએ અનુમતી આપી એટલે પેલો ખેડૂત કામે વળગ્યો. તેણે થોડા દિવસ બચ્ચાનો અભ્યાસ કર્યો અને પછી બચ્ચું ઊડવા માંડ્યું, શીખવા માંડ્યું. ટ્રેઇનર તો આભો બની ગયો અને રાજા પાસે જઈને કહ્યું કે પેલા મુફલિસ જેવા માણસે તો ગજબ કર્યો, બચ્ચું ઊડવા માંડ્યું છે, શીખવા માંડ્યું છે. રાજાએ જઈને જોયું તો બાજનું બચ્ચું આકાશમાં ઊંચે ઊડી રહ્યું હતું. તેણે પેલા ખેડૂતને પૂછ્યું કે ભલભલા નિષ્ણાતો જે કામ ન કરી શક્યા એ કામ તેં કઈ રીતે પાર પાડ્યું? ખેડૂતે જવાબ આપ્યો, ‘મેં એ જાણવાની કોશિશ કરી કે બચ્ચું ઊડતું શા માટે નથી. થોડા દિવસના નિરીક્ષણથી મને સમજાયું કે આ બચ્ચું ઝાડની જે ડાળી પર બેસતું હતું એ ડાળી સાથે એને લગાવ થઈ ગયો હતો. એ ડાળી એને ફાવી ગઈ હતી. એ ડાળીને બચ્ચું છોડવા માગતું નહોતું. ત્યાં એને કમ્ફર્ટ ફીલ થતું હતું, સરળતા રહેતી હતી. એટલે એ ડાળી છોડીને ઊડવા તૈયાર જ નહોતું. મેં એ ડાળી કાપી નાખી. ડાળી કપાઈ જતાં બચ્ચાનો એની સાથેનો લગાવ, ફાવટ ખતમ થયાં અને એ ઊડવા માંડ્યું.

ડાળી બાજના બચ્ચાનો કમ્ફર્ટ ઝોન હતો. આપણે બધા પોતપોતાના કમ્ફર્ટ ઝોન બનાવીને એને પકડી રાખીએ છીએ, એમાં પુરાઈ રહીએ છીએ. એમાંથી બહાર નીકળતા જ નથી. બચ્ચાને ડાળી ફાવી ગઈ હતી. એ એના માટે સુરક્ષિત જગ્યા હતી. ઊડવામાં તો પડી જવાનું જોખમ હતું, ડાળી પર બેસી રહેવામાં કોઈ જોખમ નહોતું. ત્યાં કોઈ સમસ્યા પણ નહોતી. શાંતિ હતી એટલે એ બચ્ચું ડાળી છોડીને જોખમ લેવા તૈયાર નહોતું, પણ ડાળી પર એ બચ્ચા માટે રોમાંચક કશું હતું? મજેદાર કશું હતું? નવું કશું હતું? ના. રોમાંચક, મજેદાર, નવું તો ખુલ્લા આકાશમાં હોય. રોમાંચ ત્યાં જ હોય યા જોખમ હોય. જોખમની ચરમસીમા પર, પર્વતના શિખરની છેલ્લી ધાર પર ચાલવામાં જ રોમાંચ છે. બન્જી જમ્પિંગમાં કેટલાય ફુટ ઉપરથી નીચે ગયા પછી ધરતીને અડતાં પહેલાં જ પાછા ફરી જવામાં રોમાન્ચ છે. એવરેસ્ટ સર કરવામાં રોમાંચ છે. દરિયો ખેડવામાં રોમાંચ છે. જંગલને પસાર કરવામાં રોમાન્ચ છે. દરેક ઍડ્વેન્ચરમાં રોમાન્ચ છે. તમારા કમ્ફર્ટ ઝોનની બહાર ઘણું મજેદાર છે, અંદર જે મજા છે એ બહું મર્યાદિત છે. ત્યાં કશું નવું નથી. હોઈ શકે પણ નહીં. સંભવ જ નથી આનાથી વધુ કશું મેળવી લેવાનું.

એક અદૃશ્ય કુંડાળામાં આપણે રહીએ છીએ. આમ તો અદૃશ્ય પાંજરું જ કહી શકાય. એ પાંજરામાં બહારથી હુમલો થવાનો ભય ઘટી જાય છે. જોખમ ઓછું થઈ જાય છે, પણ સામે તક સાવ ઓછી થઈ જાય છે, લગભગ નહીંવત્. આપણા જીવનમાં આપણે ગોઠવાઈ ગયા હોઈએ છીએ, ફિક્સ ચોકઠાની જેમ. નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં, ઘરમાં યા નોકરી કરતા હોઈએ ત્યાં જે કામ ફાવી ગયું હોય એના સિવાયનું બીજું અજમાવતા નથી. એ મને નહીં આવડે, નહીં ફાવે, હું નિષ્ફળ જઈશ, મને અઘરું પડશે એવા અનેક ડર મનમાં ઊપસી આવે એટલે નવું કશું કરતા નથી અને નવું ન કરીએ તો વિકાસ થવો સંભવ નથી. ધંધામાં જે મળતું હોય, જે રીતે ધંધો વર્ષોથી કરતા હોઈએ એમાં એવા જકડાઈ ગયા હોઈએ કે જોખમ લેવાની હિંમત જ ન થાય. આપણા પૂરતું નીકળી રહે છે એ? ખોટું જોખમ શા માટે લેવું? ન કરે નારાયણ અને ઊંધું વેતરાઈ જાય તો નુકસાન થઈ જાયને? એવો ભય જોખમ લેતાં રોકે છે. ધંધાનો નિયમ છે, જેટલું જોખમ વધુ એટલું વળતર વધુ. જેટલું નાવિન્ય વધુ એટલી સફળતા વધુ. જેટલી મોટી ચૅલેન્જ એટલો વધુ વિકાસ. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ પર નોકરી કરવાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળ્યા હોત તો? વિમલ કાપડ મિલની સફળતા પછી વિમલના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળ્યા હોત તો? પેટ્રો કેમિકલ્સમાં વિશ્વને આંજી દેનાર સફળતા પછી રિલાયન્સ એ કમ્ફર્ટ ઝોન છોડીને કમ્યુનિકેશન વગેરે વધુ ચૅલેન્જિંગ વ્યવસાયમાં ન આવ્યા હોત તો? દરેક વખતે કમ્ફર્ટ ઝોન છોડ્યા છે, નવા જે કમ્ફર્ટ ઝોન બન્યા એને પણ છોડ્યા છે, દરેક વખતે.

આપણને આપણા એલિમેન્ટ્સમાં મજા આવે છે, એમાં સરળતા રહે છે. એમાં આયાસની બહું જરૂર પડતી નથી. ઘણું બધું અનાયાસ થતું રહે છે. તમે તમારા કોથળામાંથી બહાર નીકળો તો ખબર પડે કે તમે કોણ છો. તો ખબર પડે કે તમે કેટલા કમ્પેટિટીવ છો. તમે કેટલા સક્ષમ છો. તમે કેટલી હરીફાઈ કરી શકો એમ છો. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. તમારા કમ્ફર્ટ ઝોનમાં તમારી સામે હરિફાઈ, ચૅલેન્જ મર્યાદિત છે. તમે પોતાના સલામત કિલ્લામાં, પાંજરામાં, કોચલામાં, કવચમાં પુરાઈ રહો છો એટલે આ મર્યાદા આવે છે. અમર્યાદ મેળવવા માટે મર્યાદા ઓળંગવી પડે. બંધનો તોડવાં પડે. પાંજરું ખોલીને બહાર નીકળવું પડે. અજાણ્યા પ્રદેશ તરફ જવું પડે. અજાણ્યાં ક્ષેત્રોમાં જવું પડે. અજાણી દિશામાં ડગ માંડવા પડે અને ત્યાંથી જ પરિવર્તન શરૂ થાય છે. ચેન્જ શરૂ થાય છે. નાવીન્ય શરૂ થાય છે. મજા શરૂ થાય છે. પરિવર્તન શરૂઆતમાં પીડાદાયક હોય છે અને અંતમાં આનંદદાયક. શરૂઆતમાં મુશ્કેલ હોય છે, અંતમાં મજેદાર. શરૂઆતમાં ડર લાગે છે, કઠિન છે એ અસામાન્ય છે. સરળ છે એ ક્ષુદ્ર છે, કઠિન છે એ વિરાટ છે. કશુંક અદ્ભુત તમારા કમ્ફર્ટ ઝોનમાં આવીને પડશે એવી આશા રાખવી એ શેખચલ્લીનાં સપનાં જેવું છે. અદ્ભુતને મેળવવું હશે તો અસંભવને ચૅલેન્જ કરવી પડશે.

સપનાંઓ જોવાંનું આપણને એટલા માટે ગમે છે કે એ અસંભવને સંભવ બતાવે છે. તમે રાતે સપનામાં વડા પ્રધાન બની શકો, ધનવાન બની શકો, અપ્સરાઓને પામી શકો, અભિનેત્રી સાથે ડાન્સ કરી શકો. જે તમારા જીવનમાં અશક્ય છે એ બધું જ તમે સપનામાં માણી શકો એટલે સપનાં જોવાં ગમે છે. જોકે ઘણા તો એવા માનસિક ગરીબ હોય છે કે તેમને તો સપનાં પણ અદ્ભુત નથી આવતાં. તેમને તો સપનાં પણ નિકૃષ્ઠ, ક્ષુદ્ર આવે છે. તેમની આંતરિક ગરીબાઈ છે આ. પણ સામાન્ય માણસો સપનામાં અસંભવની સીમા પાર કરી જાય છે, અદ્ભુતનાં દર્શન કરી લે છે, અશક્યને શક્ય બનતા જોઈ લે છે. તમારાં સૌથી સુંદર સપનાંઓ સાકાર થવાની સંભાવના કમ્ફર્ટ ઝોનની બહાર જ રહે છે. બહાર તમે જે કરો છો એ તમે અગાઉ કર્યું નથી હોતું. બાય ધ વે, તમે છેલ્લે ક્યારે કશુંક નવું કર્યું હતું? ક્યારે કશુંક તુફાની કર્યું હતું? ક્યારે ઘરેડની બહાર નીકળીને વિચાર્યું હતું? જો તમે એક અઠવાડિયા પહેલાં જ કંઈક નવું, કંઈક અલગ, કંઈક મજેદાર, કંઈક ગમતીલું, કંઈક સાહસપૂર્ણ, કંઈક ચૅલેન્જિંગ, કંઈક રોમાંચક, કંઈક આઉટ ઑફ બૉક્સ કર્યું હોય તો બ્રેવો, તુસ્સી ગ્રેટ હો. જો એક મહિના પહેલાં કર્યું હોય તો પણ પ્રશંસનીય છે. જો છ મહિનાથી કઈ આવું થયું જ ન હોય તો જરા ચેતી જજો, તમારું જીવન ચોકઠામાં કેદ થઈ રહ્યું છે, તમારો ધંધો, તમારી નોકરી, તમારી માનસિકતા બધું જ બંધિયાર બની રહ્યું છે, તમે કેદ થઈ રહ્યા છો તમારા કમ્ફર્ટ ઝોનમાં. અને જો એક વર્ષ કે એથી વધુ સમયથી તમે આવું કશું જ ન કર્યું હોય તો તમારે સફાળા જાગી જવાની જરૂર છે. તમે ફસાઈ ચૂક્યા છો તમારા જ બનાવેલા પાંજરામાં.

તમે તમારી જાતને પૂછો કે તમે ખુદ છો કમ્ફર્ટેબલ? કમ્ફર્ટેબલ હોય તે ખુશ ન હોય એવું નથી, પણ એ મર્યાદિત આનંદ હોય છે, બનાવટી આનંદ હોય છે, પરાણે પકડી રાખેલો આનંદ હોય છે. માણસ ત્યારે જ આનંદિત હોય છે જ્યારે મુક્ત હોય છે. તમે ભલે કમ્ફર્ટ ઝોનને સેફ માનતા હો, હકીકતમાં એ ડેન્જર ઝોન છે.

 

weekend guide kana bantwa columnists