યથા પ્રજા તથા રાજા

05 October, 2020 03:02 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

યથા પ્રજા તથા રાજા

પ્રતીકાત્મક તસવીર

ના, આ લેખનું શીર્ષક લખવામાં કોઈ ભૂલ થઈ નથી. યથા રાજા તથા પ્રજા એ કહેવત તો બધા જ જાણે છે, પરંતુ જરા બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવે કે એનું ઊંધું પણ એટલું જ સાચું છે. એ કેવી રીતે? ચાલો હાલ મીડિયામાં ચાલી રહેલા બૉલીવુડ ડ્રગ કાંડના સંદર્ભમાં એને સમજવાનો પ્રયત્ન કરી જોઈએ...

આપણે ત્યાં ‘યથા રાજા તથા પ્રજા’ એ કહેવત અત્યંત પ્રસિદ્ધ છે. આ કહેવતનો અર્થ થાય છે જેવો રાજા એવી પ્રજા. જોકે આપણી આસપાસ કેટલીક ઘટનાઓ એવી ઘટે છે, જે જોતાં એવું લાગે કે આ વાક્યને ઊલટાવીને જોઈએ એટલે કે ‘યથા પ્રજા તથા રાજા’ તો એ પણ એટલું જ સાચું છે. બલકે એનાથી પણ મોટું સત્ય એ છે કે આ કહેવત માત્ર રાજા કે પ્રજા નહીં, પરંતુ આજના સમયમાં અનેક ક્ષેત્રને લાગુ પડે છે. આ વિચારનું મૂળ રહેલું છે સોશ્યલ મીડિયામાં.
આજકાલ સોશ્યલ મીડિયામાં બધા બહુ બળાપો કાઢી રહ્યા છે કે બૉલીવુડમાં ડ્રગ્સનો કાંડ શું થયો જાણે દેશમાં બીજું કંઈ થઈ જ ન રહ્યું હોય એ રીતે મીડિયાવાળા બૉલીવુડ, સુશાંત સિંહ કેસ તથા ડ્રગ્સની પાછળ પડી ગયા છે. એક તરફ ચાઇનીઝ ડ્રૅગન તથા ભારતીય હાથી જેવાં બન્ને સૈન્યો સીમા પર ખડે પગે લડાઈ કરવા તત્પર ઊભાં છે. કોરોના દેશમાં કાળો કેર વર્તાવી રહ્યો છે. ઇકૉનૉમીની પથારી ફરી ગઈ છે છતાં મીડિયામાં માત્ર બૉલીવુડના જ પડઘા પડી રહ્યા છે.
એક પ્રસિદ્ધ પેજ-થ્રી કૉલમિસ્ટે તો એવો આરોપ પણ લગાવી દીધો કે આ બધું મોદી સરકાર બૉલીવુડ પર પોતાની પકડ જમાવવા કરી રહી છે જેથી ભવિષ્યમાં પોતાના પ્રૉપેગેન્ડા વ્યવસ્થિત રીતે ચલાવી શકાય. આ જ કારણ છે કે દેશભક્તિની ફિલ્મો કરવાવાળા લોકોનાં નામ આ કૌભાંડમાં આવ્યાં નથી. બિચારી દીપિકાને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવા જવાની સજા મળી રહી છે તો બિચારી શ્રદ્ધા કપૂરને અમથી જ ભેરવી દેવામાં આવી છે વગેરે-વગેરે. તો બીજી બાજુ એક પ્રસિદ્ધ કથાકાર તથા ગીતકાર તેમ જ સંવાદલેખકે તો એવો બળાપો કાઢ્યો કે કરણ જોહરે પોતાની પાર્ટીમાં બૉલીવુડ સ્ટાર્સના સ્થાને કિસાનોને બોલાવવા જોઈતા હતા.
ખેર, આપણે અહીં એ ચર્ચામાં નથી પડવું કે આમાં સાચું કોણ અને ખોટું કોણ, આપણી ચર્ચાનો વિષય છે આ બધાની જવાબદારીનો. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી જાતને એ પ્રશ્ન પૂછીએ કે શું એક સમાજ તરીકે આપણે આપણા આદર્શો યોગ્ય રાખ્યા છે? મીડિયાવાળા બૉલીવુડમાં ડ્રગ્સના મુદ્દાને આટલો ચગાવી રહ્યા છે, કારણ કે દર્શકો કે લોકો એને જોરશોરથી આવકારી રહ્યા છે. જે ચૅનલ્સ બૉલીવુડ છોડી દેશના અર્થતંત્ર કે કોરોના પર ફોકસ કરવા ગઈ છે તેમના ટીઆરપી બૉલીવુડના ઘોડાપૂરમાં ધોવાઈ ગયા છે. તેમણે ફરજિયાતપણે પાછી બૉલીવુડની ડિબેટ કરવી પડી રહી છે. પ્રાઇમ ટાઇમમાં સબૂતો વગર માત્ર ચીસાચીસ કરતા ઍન્કરો તથા તેમના શો હૉટ કેકની જેમ ચાલી રહ્યા છે અને આ બધા શો ચલાવવાવાળા કોણ છે? ચૅનલના સંપાદકો. તેઓ આ મુદ્દાને ચગાવી રહ્યા છે, કારણ કે બદલામાં દર્શકો તેમના ટીઆરપીને ઊંચે ચગાવે છે. ઘણા લોકો એવી દલીલ કરશે કે દર્શકો તો જે બતાવો એ જુએ, પણ એવું હોતું નથી. જો કોઈ ચૅનલ સેન્સિબલ ડિબેટ કરી કોરોના કે અર્થતંત્રના મુદ્દા પર ચાલે તો એના ટીઆરપી તરત જ ધરાશાયી થઈ જાય છે. એ શા માટે? કારણ કે દર્શકો સભાનપણે એવી ચૅનલથી દૂર જાય છે.
દર્શકોની આવી વર્તણૂક શા માટે? કારણ કે દર્શકોમાં કે આપણા સમાજ માત્રમાં આદર્શોના નામે બૉલીવુડ કે ક્રિકેટ છોડી દો તો ભાગ્યે જ કોઈનાં નામ સાંભળવા મળે છે. વધુમાં વધુ કેટલાક ગણ્યાગાંઠ્યા રાજકારણીઓ, વૈજ્ઞાનિકો કે ઉદ્યોગપતિઓનાં નામ સાંભળવા મળશે. કેટલાં બાળકોને તમે સ્કૂલમાં કે કૉલેજમાં એવું કહેતા સાંભળ્યાં હશે કે તેમને મોટા થઈને હરીશ સાલ્વે જેવા મોટા વકીલ બનવું છે કે પછી ડૉક્ટર દેવી શેટ્ટી જેવા ઉચ્ચ દરજ્જાના ડૉક્ટર બનવું છે? કદાચ તમારામાંથી પણ કેટલાક લોકો વિચારશે કે દેવી શેટ્ટીએ વળી એવું તે શું કર્યું છે?
આ જ કદાચ આપણા સમાજની કમનસીબી છે. આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ આપણે ત્યાંના રોલ મૉડલ્સ કાં તો બૉલીવુડ સાથે સંકળાયેલા છે અને કાં તો ક્રિકેટ સાથે. વળી ખરું પૂછો તો એમાં દોષ માત્ર બાળકોનો નથી, આપણે પોતે પણ સભાનપણે પોતાનાં બાળકો સાથે આ પ્રકારની ચર્ચાઓ કરી તેમનામાં યોગ્ય ઉત્કંઠા અને મહત્ત્વાકાંક્ષા જગાવવાની જરૂર છે. કેટલાં બાળકો તથા તેમના વાલીઓને ખબર હશે કે ભારતની પ્રથમ ફાઇવ સ્ટાર મુંબઈની તાજમહાલ હોટેલ બનાવનાર જમશેદજી તાતાએ એ હોટેલ એટલા માટે બનાવેલી હતી કે તેમને લંડનની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ભારતીય હોવાને પગલે પ્રવેશ આપવાની ના પાડી દેવામાં આવી હતી?
અહીં આશય કોઈને ઉતારી પાડવાનો કે કોઈના પર કટાક્ષ કરવાનો નથી, પરંતુ આ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે કે આપણે સમાજમાં પૂરતા રોલ મૉડલ્સને યોગ્ય સ્થાને બેસાડીએ અને તેમને જોઈતું મહત્ત્વ આપીએ. એકસો ત્રીસ કરોડની આબાદી ધરાવતો અને સરેરાશ 28 વર્ષનું આયુષ્ય ધરાવતો દેશ આવી અછત સાથે સુપરપાવર ન બની શકે. એ બાબતમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી કે દીપિકા પાદુકોણ કે શ્રદ્ધા કપૂરને એનસીબી બોલાવે એની ચર્ચા મીડિયામાં થવી જ જોઈએ, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું કારણ બહાર આવવું જ જોઈએ; પરંતુ જો મીડિયાને માત્ર આવું જ બધું કવર કરવાથી અટકાવવા હોય તો એની જવાબદારી ક્યાંક માત્ર મીડિયાની નહીં, આપણા બધાની પણ છે. એટલે જ શરૂઆતમાં કહ્યું કે યથા પ્રજા તથા રાજા એ ઉક્તિ પણ એટલી જ સાચી છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

falguni jadia bhatt columnists