‘મની હાઇસ્ટ’ કાર જીતવા મળશે ફ્રી ફાયર ગેમમાં

10 December, 2021 02:47 PM IST  |  Mumbai | Harsh Desai

અલબત્ત, એ માટે બહુ લિમિટેડ સમય બચ્યો છે. ગેમ અને શો દ્વારા કરવામાં આવેલી ક્રૉસઓવર ઇવેન્ટમાં એ ઉપરાંત ગનની સ્કિન, કાર અને અન્ય રિવૉર્ડ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

‘મની હાઇસ્ટ’ કાર જીતવા મળશે ફ્રી ફાયર ગેમમાં

PUBGની કૉમ્પિટિટર ગરેના ફ્રી ફાયરમાં હવે ‘મની હાઇસ્ટ’ના રિવૉર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિવૉર્ડ્સ મેળવવા માટે યુઝર્સ પાસે હાલમાં એક અઠવાડિયાનો જ સમય બચ્યો છે. ચાઇનીઝ ગેમ હોવાથી PUBGને બૅન કરવામાં આવી ત્યારે આ ગેમને મોટા ઉપાડે લૉન્ચ કરવામાં આવી હતી. એ ગેમને એને કારણે ખાસ્સીએવી પૉપ્યુલરિટી મળી પણ હતી. જોકે એ PUBG એટલે કે આપણે ત્યાં બૅટલગ્રાઉન્ડ ઇન્ડિયાની જગ્યા હજી સુધી નથી લઈ શકી. આ ગેમ પણ પૉપ્યુલરિટી જાળવી રાખવા માટે નવી-નવી ઇવેન્ટ અને કોલૅબરેશન કરતી રહી છે. એણે હાલમાં જ પૉપ્યુલર વેબ-શો ‘મની હાઇસ્ટ’ સાથે કોલૅબરેશન કર્યું છે. તેમણે કરેલી ક્રૉસઓવર ઇવેન્ટમાં શોના મુખ્ય પાત્રનો ગેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એને લગતા કેટલાક રિવૉર્ડ્સ પણ આપવામાં આવ્યા છે.
ક્રૉસઓવર ઇવેન્ટ
‘મની હાઇસ્ટ’ની છેલ્લી સીઝનનો બીજો પાર્ટ ત્રીજી ડિસેમ્બરે સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. આ સીઝનનો ધી એન્ડ થતાં એક ક્રૉસઓવર ઇવેન્ટ રાખવામાં આવી છે. ‘મની હાઇસ્ટ’ના મેઇન પાત્ર પ્રોફેસર આ ગેમમાં બર્મ્યુડા રિટર્ન થાય છે. તેમણે ગેમમાં ગોલ્ડ શોધવાનું હોય છે. આ હાઇસ્ટ દરમ્યાન તેમની સ્ક્વૉડને બચાવવા માટે તેમણે અન્ય ફ્રી ફાયર પ્લેયરની મદદ લેવી પડે છે. એ તમામ પ્લેયરો સાથે મળીને એ સ્ક્વૉડને બચાવી શકે છે. આ ક્રૉસઓવર ઇવેન્ટનો ૧૪ ડિસેમ્બરે અંત થશે. 
 
શું છે રિવૉર્ડ્સ?

આ ક્રૉસઓવર ઇવેન્ટમાં ઘણા રિવૉર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘મની હાઇસ્ટ’ની પહેલી સીઝનમાં પૈસા ચોરવામાં આવે છે. આ જ પૈસા જેને બૅન્કનોટ્સ કહેવામાં આવે છે એ રિવૉર્ડ્સ તરીકે ગેમમાં મળશે. આ સાથે જ ગોલ્ડ વૉલ્ટ ગ્લુ વૉલ સ્કિન, રેડ રૉબ્સ્ટર વેક્ટર અને મની હાઇસ્ટ સ્પોર્ટ્સકારને રિવૉર્ડ્સ તરીકે રાખવામાં આવી છે. આ તમામ રિવૉર્ડ્સ ક્રૉસઓવર ઇવેન્ટ પૂરતા જ સીમિત છે. આ રિવૉર્ડ્સનો સમાવેશ ઇન-ગેમ સ્ટોરમાં અને સ્પિન વ્હીલ સેક્શનમાં કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટ હજી ચાલતી હોવાથી નવા રિવૉર્ડ્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એવી અટકળો પણ છે. 

કેવી રીતે મેળવશો રિવૉર્ડ્સ?
તમામ રિવૉર્ડ્સને ગરેના ફ્રી ફાયરની ડેઇલી ચૅલેન્જિસને પૂરી કરીને મેળવી શકાય છે. આ ગેમમાં રિવૉર્ડ્સ માટે સ્પેસિફિક ટાસ્ક અને મિશન આપવામાં આવ્યાં છે જેના દ્વારા તેમને ગેમમાં જે કરન્સી હોય એ મળે છે. આ કરન્સીનો ઉપયોગ સ્કિન અને મની હાઇસ્ટ સ્પોર્ટ્સ કાર માટે એક્સચેન્જ કરી શકાય છે. આ ગેમ રમનાર માટે આ ડેઇલી ચૅલેન્જ પૂરી કરવી કોઈ મોટી વાત નથી.

columnists harsh desai