તાલીમ સંગીતનો લય શોધવાથી લઈને જિંદગીનો લય પારખવા સુધીની

01 December, 2020 04:12 PM IST  |  Mumbai | Taru Kajaria

તાલીમ સંગીતનો લય શોધવાથી લઈને જિંદગીનો લય પારખવા સુધીની

બધું યોગ્ય પ્રમાણસરનું રાખીએ તો સંબંધની ગરિમા અને ગરવાઈ સચવાઈ રહે.

સંગીતની સમજ માત્ર કલા માટે જ નહીં, જીવનને સમજવામાં અને એના પડકારોમાંથી પાર ઊતરવા માટેની પણ તાલીમ છે અને ગમે એવી વિપરીત સ્થિતિ-સંજોગમાં પણ સ્થિરતા ખોવી પાલવે નહીં એ વાતનું જ્ઞાન શાસ્ત્રીય સંગીત પર આધારિત બંદિશ બૅન્ડિટ્સ વેબસિરીઝમાં બખૂબી અપાયું છે...

કામ કરવાના લાભ અને ગેરલાભ બન્ને છે એનો અનુભવ હવે તો સૌને કોઠે પડી ગયો છે. મુંબઈ જેવા મહાનગરમાં ઘરથી કામના સ્થળે પહોંચવા માટે કરવી પડતી જદ્દોજહદથી મુક્તિ મળે એ સૌથી મોટો લાભ છે. એ બચી ગયેલો સમય અને શક્તિ બન્ને બોનસરૂપે મળે. આવા જ બોનસના સમયમાં કેટલીક વેબ-સિરીઝ જોવાનું બન્યું. એમાં એક અફલાતૂન સિરિઝ જોઈ-‘બંદિશ બૅન્ડિટ્સ’. શાસ્ત્રીય સંગીતનાં ઘરાનાઓની શૈલી, તાલીમ, શાહી દરબારોમાં એમનો દમામ, પોતાના સંગીતની શાન માટેનો તેમનો ગર્વ ઇત્યાદિ સાથે જ એ પરિવારોમાં પ્રવર્તતી પુરુષપ્રધાન માનસિકતા આ શ્રેણીમાં હૂબહૂ ઝિલાયેલી જોવા મળે છે.
જોધપુરના રાજવી ભવનો અને રાજસ્થાની કલાત્મક પરિવેશ અને સંગીતનો વિષય લઈને આવેલી આ સિરીઝમાં એક પ્રતિષ્ઠિત સંગીત ઘરાણાની પુત્રવધૂ એક બહુ મજાની વાત કહે છે. તે કહે છે, સંગીત શીખવું હોય તો પ્રત્યેક ધ્વનિનો લય પકડવો પડે. અને એક ગૃહિણી આ લય ક્યાં-ક્યાંથી સાંભળે છે? કચરો વાળતી સાવરણીના લસરકામાં, શાક સમારતી છરીની મૂવમેન્ટમાં, વાસણ માંજતાં કે કપડાં ધોતાં થતા અવાજોમાં, નળમાંથી ટપકતા પાણીનાં ટીપાંમાં કે ધારમાં.
હકીકતમાં તો એ સ્ત્રી પોતે પણ સંગીતમાં માહેર છે, પરંતુ પ્રકાંડ સંગીતજ્ઞ સસરાની આણને લીધે પરણીને આવી ત્યારથી સંગીતને અલવિદા કરી દેવી પડી છે. આમ છતાં પોતાના ઘરાનાના સંગીતની જ્યોતનું જતન કરવાની નોબત આવે છે ત્યારે તે સસરાની આજ્ઞાનો અનાદર કરીને પણ પરિવારની પ્રતિષ્ઠાને અકબંધ રાખવા યુવાન પુત્રને સંગીતની તાલીમ ચાલુ રાખીને પડકાર ઝીલી લે છે. અલબત્ત, પ્રચંડ પ્રભાવશાળી સંગીત ગુરુ અને પોતાની ગાયકી વિશે અતિ ગર્વિષ્ઠ એવા સસરાને તે મક્કમતાથી પોતાનો નિર્ણય જણાવી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા બદલ માફી માગી લે છે.
પુત્રને સંગીતની તાલીમ આપવા ગુરુપદ ગ્રહણ કરે છે ત્યારે તે તેને તાલની સમજ આપવા નૃત્યના વર્ગમાં તાલીમ લેવા મોકલે છે. સાથે જ ઘરનાં નાનાં-મોટાં કાર્યોમાંથી લય પારખવાની શ્રવણશક્તિ કેળવે છે. વાવના ટાઢાબોળ પાણીમાં માત્ર ચહેરો જ બહાર રહે એ રીતે ઊભો રાખીને તેની પાસે આલાપની પ્રૅક્ટિસ કરાવે છે ત્યારે દીકરાના અવાજમાં આવેલી ધ્રુજારીને પારખીને તે ટકોર કરે છે કે ગમે એવી વિપરીત સ્થિતિ-સંજોગમાં પણ સ્થિરતા ખોવી પાલવે નહીં. આમ સંગીતની સમજ માત્ર કલા માટે જ નહીં, જીવનને સમજવામાં અને એના પડકારોમાંથી પાર ઊતરવા માટેની પણ તાલીમ છે એ સત્ય પણ તે યુવાન પ્રતિભાવંત પુત્રને આપે છે. એ સ્ત્રીની સંગીતની ઊંડાણભરી સમજણ અને પરિવાર માટેની શતપ્રતિશત નિષ્ઠા ઘરના અન્ય સભ્યોને પણ વ્યક્તિગત વાંધા-વચકા છોડીને આ મુકાબલામાં સામેલ થવા પ્રેરે છે. વર્ષોથી વણછેડયા સાઝ પરની ધૂળ ઊડે છે, એકમેકના સૂર, લય અને તાલમાં સામંજસ્ય સધાય છે. અંતે ધુરંધર કલાકાર સામે એ યુવાન કલાકાર વિજયી થાય છે. માત્ર સંગીત જ નહીં, જિંદગીના લયની ઊંડી પરખ અને મહારત ધરાવતી એ સ્ત્રી આ શ્રેણીનું એક સૌથી સશક્ત પાત્ર મને લાગ્યું.
તે પોતાના પુત્રને આવી નિરાળી ઢબે તાલીમ આપે છે ત્યારે પુત્રને પણ નવાઈ લાગે છે કે સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સંગીત સ્પર્ધાની તૈયારીઓ કરાવવાને બદલે મારી પાસે મા આ શું કરાવી રહી છે! પણ એ જોતાં મને આપણાં દાદી-નાની અને કદાચ મા, માસી, કાકી, ફોઈ કે મામીએ પણ કર્યાં હશે એવાં અનેક ઘરકામ અને એના લયની જુગલબંધી મારી નજર સામે આવી રહી હતી. સવારે વહેલા ઊઠીને દળણું દળવા ઘંટીએ બેસતી બહેનો, નદીએ કે કૂવે પાણી ભરવા જતી પનિહારીઓની ચાલ જ નહીં, તેમનું બેડલું કૂવાની દીવાલ સાથે મીઠા અડપલા જેવો ખણકાટ કરતાં-કરતાં કૂવાના તળમાં પહોંચતું એ, કપડાં ધોતી વખતે ધોકાનો ધબ-ધબ લય કે રસોડામાં લોટ બાંધતાં કે રોટલી વણતાં થતો બંગડીઓનો રણકાર, શીલ-પથ્થર પર ચટણી પીસતાં થતા લયબદ્ધ ઘર્ષણનો લય… આવા કેટકેટલા લય આપણા જીવનમાં વણાયેલા છે. અને એ લયમાં જિંદગીનો લય પણ છુપાયેલો નથી? થોડા સમય પહેલાં રોટલી કરતી વખતે ફૂલીને દડા જેવી થતી રોટલીને જોઈને આ વિચાર આવેલો કે સારી ગુણવત્તા ધરાવતો લોટ હોય, પ્રમાણસર મોણ અને પાણીથી એની કણક બંધાઈ હોય, એને ખૂબ કૂણવી હોય, લૂઆને આટામોણમાં રગદોળી હળવે હાથે ફરતે વેલણે રોટલી વણાઈ હોય, મધ્યમ તાપે તવી પર યોગ્ય પદ્ધતિસર શેકાઈ હોય તો એ રોટલી ફૂલીને દડો થાય. ખાવામાં કૂણી અને મીઠી લાગે. વણવામાં ક્યાંક વધુ ભાર અપાઈ ગયો કે શેકવામાં ક્યાંક તાપ ઓછો કે વધારે રખાઈ ગયો તો રોટલી ફૂલે નહીં. કાં ચવડ થઈ જાય કાં કડક થઈ જાય. શું આપણા સંબંધોમાં પણ આ જ લાગુ નથી પડતું? ક્યાંક વધુપડતી અપેક્ષા કે વધુપડતો ભાર મુકાઈ જાય તો સંબંધની શીળપમાં ઉઝરડો પડી જાય. બધું યોગ્ય પ્રમાણસરનું રાખીએ તો સંબંધની ગરિમા અને ગરવાઈ સચવાઈ રહે.

કમૉન, બી મૅચ્યોર્ડ

કન્ટેન્ટ, અભિનય, પ્રસ્તુતિ અને ટેક્નિક બધી જ કસોટીઓ પર અવ્વલ લાગેલી આ વેબ-સિરીઝ જોતી વખતે એક વાત માર્ક કરી કે એમાં સહજ આદત પ્રમાણે બબ્બે કટકે ગાળો બોલતાં પાત્રો બેરોકટોક એવાં શ્વસ્તિવચનો ઉચ્ચારે છે. એટલે ઘરના સભ્યો સાથે બેસીને જોતાં અનકમ્ફર્ટેબલ ફીલ થાય. અલબત્ત, આ એક શક્યતા બહુ નાના વર્ગની લાગણી હશે. બાકી વેબ-સિરીઝ જોવા ટેવાયેલા કાન આવા અપશબ્દો સાંભળીને રીઢા બની ગયા હોય છે.
કેટલીક બહુ વખણાયેલી હિન્દી ફિલ્મો માત્ર આવી પ્રચુર ગાળાગાળીને કારણે જોવાનું ટાળ્યું હોય તેવા લોકોને આ ખૂંચે એવું છે. પરંતુ આવી લાગણી ક્યાંય વ્યક્ત કરો તો સાંભળવા મળે કે કમૉન, ઑડિયન્સ ઇઝ ક્વાઇટ મૅચ્યોર્ડ નાઓ. હં…. તો કાન પણ ટેવાઈ જશે, તમે પણ મૅચ્યોર્ડ થઈ જશો?

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

taru kajaria columnists