એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ ઉજડા હુઆ ગુલશન હૈ રોતા હુઆ માલી હ

28 October, 2019 01:43 PM IST  |  મુંબઈ

એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ ઉજડા હુઆ ગુલશન હૈ રોતા હુઆ માલી હ

પ્રતિકાત્મક તસવીર


‘નઝરાના’ ફિલ્મના ગીતની આ પંક્તિઓ આજે પણ પ્રસ્તુત લાગે છેને? ભલે લાગે, પણ નવા વર્ષની શરૂઆત તો હૃદયપૂર્વકની અભ્યર્થનાથી જ કરવી છે. આપ સૌ વાચકો અને ‘મિડ-ડે’ પરિવારના સૌ સાથી અને સદ્ભાગીઓને દિવાળી મુબારક - નૂતન વર્ષાભિનંદન. આવનારા દિવસો રંગ-ઉમંગથી મહેકી ઊઠે અને તન-મન-ધનની તંદુરસ્તીથી છલકી ઊઠે એવી શુભકામના. અંધારાં ઉલેચાય અને અજવાળાં પથરાય એવી અંતરની આરાધના. સુખ સહન કરવાની અને દુ:ખ ભોગવવાની હૈયે હામ મળી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના સહ શુભેચ્છાઓ!
જ્યારે-જ્યારે કોઈ તહેવાર કે અવસર આવે છે ત્યારે-ત્યારે એક ‘તકિયાકલામ’ સમું વાક્ય અચૂક સાંભળવા મળે છે કે ‘હવે પહેલાં જેવું નથી રહ્યું.’ હોળી તો કે પહેલાં જેવી નથી પ્રગટાવાતી. દિવાળી તો કે પહેલાં જેવી નથી ઊજવાતી. લગ્નોત્સવ તો કે પહેલાં જેવી મજા નથી રહી. ભણતર તો કે પહેલાં જેવું નથી રહ્યું. સંસ્કાર, વિનય, નમ્રતા કે વડીલોની આમન્યા તો કે પહેલાં જેવાં નથી રહ્યાં. કંઈ પહેલાં જેવું નથી રહ્યું, અરે ઋતુ અને હવામાન પણ, પરંતુ કોઈ એમ કેમ
વિચારતું નથી કે આપણે પોતે પહેલાં જેવા રહ્યા છીએ ખરા?
આપણે માનવીય સંબંધો ભૂલી ગયા છીએ. લોહી અને લાગણીઓના સંબંધો જાળવવા કરતાં નામવાળા અને કામવાળા માણસો સાથે સંબંધ જાળવતા થઈ ગયા છીએ. સુખ-સગવડના ભોગી બની ગયા છીએ. ધીરજ ખૂટી ગઈ છે, બધું ઝટપટ પતાવવું છે. આપણું કેન્દ્ર આપણે જ હોઈએ છીએ. આપણી દૃષ્ટિ આપણા પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે. ઇચ્છાઓ પર લગામ નથી રહી. એક વખત એવો હતો કે બધા પાસે ઘડિયાળ નહોતી, પણ સમય હતો. આજે બધા પાસે ઘડિયાળ છે, પણ સમય કોઈ પાસે નથી. આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વિચારો કે દિવાળી પહેલાં જેવી કેમ નથી રહી?
પહેલાંના જમાનામાં દિ‍વાળીના ૧૫-૨૦ દિવસ પહેલાં ઘરમાં દરજી બેસતો, દરેકનાં નવાં કપડાં સિવાતાં. ૧૦-૧૫ દિવસ પહેલાં ઘરમાં સાફસૂફી થતી. ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો થતો. રંગરોગાન થતાં. અઠવાડિયા પહેલાં મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ જતી. મઠિયાં, સતપડી, ઘૂઘરા, મગદળિયા લાડુ, મેસૂર, મોહનથાળ, ચોળાફળી વગેરેની સુગંધ અને સ્વાદ છેક દેવદિવાળી સુધી માણવા મળતાં. સગાંસંબંધીઓનો ‘સાલ મુબારક’નો સિલસિલો ઘરમાં એક મહિના સુધી ચાલતો. ‍વળી આપણે ત્યાં જેટલા આવ્યા હોય એ બધાને ત્યાં આપણે પણ જવું પડતું અને એ પણ સહકુટુંબ.
ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીનો માહોલ તો કંઈક અલગ જ રહેતો. સવારે ૪ વાગ્યાથી ગલીમાં-શેરીમાં ‘શુકન શુકન’, ‘તોરણ તોરણ’ના નાદ શરૂ થઈ જતા. મંદિરની ઝાલરો વાગવા માંડે અને રસ્તા પર ફટાકડાની લૂમો ગુંજવા માંડે. નવાંનક્કોર કપડાંમાં સજ્જ અબાલ-વૃદ્ધો એકબીજાને ભેટતાં, હાથ મિલાવતાં જોવા મળતાં. કાળીચૌદશે ઘરમાં વડાં બનતાં. સાંજે દહીંવડાં અચૂક ખાવા મળે. મહિલાઓ રસ્તા પર ‘કકળાટ’ કાઢવા નીકળી પડે. મને લાગે છે કે દુનિયામાં ક્યાંય પણ આ કકળાટ કાઢવા જેવી કોઈ રસમ હશે જ નહીં. કક‍ળાટ કાઢવો એટલે ઘરની અશાંતિ દૂર કરવી, ગૃહશાંતિ સ્થાપવી.
જૂના જમાનામાં મોટો લહાવો હતો ચોપડાપૂજનનો. દુકાન, ફૅક્ટરી, પેઢી, કામ-નોકરી કરવાના સ્થળે માલિકો ચોપડાપૂજન કરતા ત્યારે લોકો કુટુંબ સહિત અવશ્ય પહોંચે. બધાને નાનીમોટી બોણી મળે (રૂપિયાનું કવર ભેટરૂપે). ચા-નાસ્તા અને ઠંડાં પીણાંની રમઝટ બોલાય. મોડી રાતે સૂતળી બૉમ્બના ધડાકા થાય, આતશબાજી થાય. દાડમ, ભંભૂટિયા ફૂટે, ફૂલઝડી ઝગમગે. બાળકોને તો ગમ્મત પડી જતી. વર્કરો, કામદારો કે નોકરોને બોનસની લહાણી થતી. કોઈ એક મહિનાના પૂરા પગારનું બોનસ આપે, કોઈ બે તો કોઈ ત્રણ. મેં આવા પણ કિસ્સા જાતે જોયા છે જ્યાં માલિકો ૧૨-૧૨ મહિનાના પગારનું બોનસ આપતા. ચોપડાપૂજન કરાવનાર
ગોર-બ્રાહ્મણને મહિના અગાઉ ઍડ્વાન્સ બુક કરવા પડતા.
આજે ડિજિટાઇઝેશનના યુગમાં એ બધું ભૂતકાળ બની ગયું છે. પૂજનની રસમ જાળવવા, મુહૂર્ત સાચવવા પ્રતીકરૂપે ચોપડાપૂજન કરી સંતોષ માની લેવાય છે. ગોરમહારાજ ન આવે તો કૅસેટ-ટેપરેકૉર્ડર પર મંત્રોચ્ચાર સાંભળીને પૂજન કરાયાનો અનુભવ પણ મને છે.
દોસ્તો, પરિવર્તન એ કુદરતનો નિયમ છે. દરેક વસ્તુ, દરેક ક્રિયાકર્મમાં બદલાવ આવ્યો છે. વાત બદલાવની નથી, વાત ભાવનાની છે. એક દાખલો આપું. વર્ષો પહેલાં અમારા એક સંબંધીને ત્યાં દિવાળીના દિવસો આસપાસ મોટો ઝઘડો થયો. દિવાળીની રજા દરમ્યાન પતિના બૉસે સ્ટાફ માટે ફૅમિલી સહિત આબુનું પર્યટન ગોઠવ્યું હતું. ખુશીની આ વાત ઝઘડાનું કારણ બની. પત્નીના ગુસ્સાનું કારણ એ હતું કે દિવાળીના દિવસોમાં ઘરને તાળું મરાય જ નહીં. દિવાળીના દિવસોમાં ઘરને તાળું મારવું એટલે આપણા નસીબને તાળું મારવું. પત્ની પર્યટન જતું કરવા તૈયાર હતી, પણ ઘર બંધ કરવા તૈયાર નહોતી.
સામા પક્ષે પતિની દલીલ એ હતી કે આપણી આર્થિક સ્થિતિ એવી નથી કે કુટુંબ સહિત આબુ ફરવા જઈ શકીએ. બાળકોને મફતમાં જો આ લાભ મળતો હોય તો તક શું કામ જતી કરવી? આખરે મારા ફાધરે વચલો રસ્તો કાઢ્યો. પતિ અને બાળકો આબુ જાય અને પત્ની ઘરમાં રહે. પત્ની ખુશ-ખુશ થઈ ગઈ. બોલો કેવી ભાવના! દિવાળીના દિવસોમાં કોઈ શુભકામના માટે ઘરે આવે અને પાછું જાય એ પત્નીને હરગિજ મંજૂર નહોતું. આજે? આજે મોટા ભાગના
લોકો દિવાળીની રજાના દિવસોમાં
બહારગામ જવાનો પ્લાન બે મહિના પહેલાં ગોઠવી નાખે છે.
પહેલાંની અને આજની દિવાળીના માહાત્મ્ય વચ્ચેનો એક ખૂબ અગત્યનો અને મોટો ફરક નજરઅંદાજ કરી શકાય એમ જ નથી. એ ફેર છે જૂનાં વેરઝેર ભૂલી જવાનો. વર્ષ દરમ્યાન કોઈની સાથે મનદુ:ખ થયું હોય, અબોલા રહ્યા હોય, વિવાદ થયો હોય ત્યારે દિવાળી-નવા વર્ષનો દિવસ સુલેહ કરાવવાનું સાધન બની જતો. લોકો બધું ભૂલી જઈને હાથ મિલાવી લેતા, ગળે વળગીને ભૂતકાળ ભુલાવી દેતા.
દિવાળી એ પહેલાં પણ તહેવારોમાં રાજાધિરાજ હતી અને આજે પણ તહેવારોમાં શિરમોર છે. વર્ષમાં એક વાર આવે છે, પણ આખા વર્ષની આશા જગાડે છે, જિવાડે છે. એને માણવાનાં, આનંદ લેવાનાં સાધનો, સગવડ, રીતરસમ બદલાયાં છે, પણ એણે એનું પ્રભુત્વ ખોયું નથી એ આશ્વાસનરૂપ છે.
આ લખાય છે ત્યાં સુધીમાં સૌના મોબાઇલ શુભકામનાના સંદેશાથી છલોછલ થઈ ગયા હશે. ગ્રીટિંગ્સ કાર્ડ ભુલાયાં છે, પણ સંદેશા વીસરાયા નથી. કુદરતી રંગોની રંગાળીનો ઉમળકો ભલે ઓછો થયો, પણ રંગોળીનાં સ્ટિકર આજે પણ આંગણે શોભે છે. ઘરમાં મીઠાઈ ભલે બનતી અટકી ગઈ છે, પણ બજારમાંથી તૈયાર બૉક્સની ડિમાન્ડ તો છે જ. ઘરમાં દરજી ભલે નથી બેસતો, પણ મૉલમાંથી પોતાની મરજી મુજબના ડ્રેસ ખરીદવાનું ભુલાયું નથી. ભાવનામાં ભલે ઘટાડો થયો છે, પણ સામે દેખાડામાં એટલો જ વધારો થયો છે.
બધું જ ચાલુ છે, પણ યંત્રવત્. હું કોઈને સંદેશો મોકલું અને સામે મને તરત જ સંદેશો આવે, ‘થૅન્ક યુ, સેમ ટુ યુ’. ધારો કે મેં તેને સંદેશો ન મોકલ્યો હોત તો? એ જ રીતે કોઈનો સંદેશો આપણા પર આવે ત્યારે આપણે પણ તરત જ હિસાબ ચૂકતે
કરીએ છીએ. હૈયાનો નહીં, હિસાબનો ઉત્સવ. પહેલાં દિવાળીમાં લોકો નફા-નુકસાનનું સરવૈયું કાઢતા. આજે લોકો સંદેશા સરભર કરી રહ્યા છે.

છેલ્લે :
એક સરસ રચના ક્યાંક વાંચવા મળી હતી...
‘દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ, સામે કબર દેખાય છે
ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર
સચવાય છે
દિવાળી હોય કે હોળી, બધું ઑફિસમાં જ ઊજવાય છે.
આ તો બધું ઠીક, પણ હદ તો ત્યાં થાય છે
લગ્નની મળી કંકોતરી ત્યાં સીમંતમાં માંડ જવાય છે
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના
માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે
પત્નીનો ફોન બે મિનિટમાં કાપીએ,
પણ ક્લાયન્ટનો કૉલ ક્યાં કપાય છે?
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ
કોઈનાય ઘેર ક્યાં જવાય છે.
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ ડેમાં ઊજવાય છે
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
થાકેલા છે બધા છતાં લોકો ચાલતા જ જાય છે
તમે જ કહો મિત્રો, આને જ જિંદગી કહેવાય છે?
બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મૂંઝાય છે
ચાલો જલદી નિર્ણય લઈએ, હજીય સમય બાકી દેખાય છે
દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

સમાપન
વર્ષો પહેલાં સ્વ. વેણીભાઈ પુરોહિતે લખેલી ‘ગોફણ ગીતા’ની પંક્તિઓ...

‘દીવા છે, પણ ક્યાં દિવાળી?
હાથ મળે પણ હૈયાં આઘાં, નિર્મળ વાઘા, ભીતર ડાઘા
બની રહ્યા છે પોતે બાઘા, નજીક આવે, પણ રહે આઘા
રહી છે પ્રજા પ્રાણ પ્રજાળી
દીવા છે, પણ ક્યાં દિવાળી?

Pravin Solanki columnists diwali