10 July, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભક્તિ વીંછી સ્વતંત્ર લેખિકા છે. તેઓ મનોવિજ્ઞાન, સંબંધો, સામાજિક પ્રશ્નો અને ક્રાઇમ સાઇકોલૉજી વિષયો પર અભ્યાસપૂર્ણ લેખન કરે છે
જ્યારે કોઈ ગંભીર ગુનાના ન્યુઝ વાંચીએ ત્યારે મનમાં પ્રશ્ન થાય છે કે આ માણસ આટલો નિર્દયી કેવી રીતે બની ગયો? જોકે સત્ય એ છે કે કોઈ માણસ એક દિવસમાં ગુનેગાર બનતો નથી. ગુનો માત્ર એક ક્ષણનો નિર્ણય નથી. એ વર્ષો સુધી ઘડાતી વિચારસરણી, અનુભવો અને પરિસ્થિતિઓનું પરિણામ હોઈ શકે છે.
બાળપણ વ્યક્તિના વ્યક્તિત્વનો પાયો છે. ઘરના સંસ્કારો, પ્રેમ કે અવગણના, ઝઘડાઓ, અપમાન, હિંસા, ભય અને લાગણીશીલ સહારો આ બધું બાળકના મન પર અસર કરે છે. બાળક જ્યારે ઘરમાં સતત નકારાત્મકતા અને અસલામતી જુએ છે ત્યારે તેના મનમાં આક્રોશ અને અવિશ્વાસનાં બી રોપાય છે. પછી સ્કૂલ, મિત્રવર્તુળ અને સમાજ તેના સ્વભાવને વધુ આકાર આપે છે. સમાજ દ્વારા મળતો ન્યાય કે અન્યાય તેના વિચારોની દિશા નક્કી કરે છે.
મુશ્કેલ બાળપણ ધરાવતી દરેક વ્યક્તિ ગુનેગાર બને છે એવું નથી. ઘણા લોકો કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર આવીને સારું જીવન જીવે છે, પરંતુ કેટલાક માટે આવા અનુભવો ગુનાહિત વર્તનની શક્યતા વધારી શકે છે - ખાસ કરીને જ્યારે યોગ્ય માર્ગદર્શન અને ભાવનાત્મક આધાર ન મળે.
ક્રાઇમ સાઇકોલૉજી મુજબ સતત અપમાન, અસ્વીકાર, અસુરક્ષા અને ભાવનાત્મક ઘા વ્યક્તિના વિચારોને અસર કરે છે. આ માનસિક ઘા સમય જતાં રુઝાવાને બદલે અંદર જ સડવા લાગે છે. સમયસર સંભાળ ન લેવાય તો આવેગ, હિંસા અથવા ગુનાહિત નિર્ણયની શક્યતા વધી શકે છે.
એથી ગુનો થયા પછી માત્ર સજા પૂરતી નથી. ગુનાખોરી ઘટાડવી હોય તો એનાં મૂળ કારણો સમજવાં પડશે. બાળકોને સ્વસ્થ વાતાવરણ, સારા સંસ્કારો, ખુલ્લો સંવાદ અને ભાવનાત્મક સુરક્ષા આપવી એટલી જ જરૂરી છે જેટલી કડક કાનૂની વ્યવસ્થા. કાયદો માત્ર ગુનાખોરી પર અંકુશ લાવી શકે છે, પરંતુ ગુનાની માનસિકતાને તો માત્ર સંવેદનશીલ ઉછેર જ બદલી શકે છે.
ઘણી વખત આપણે ગુનેગારને જોઈએ છીએ; પરંતુ એની પાછળનું તૂટેલું બાળપણ, એકલતા અને અવગણના નથી જોતા. ગુનાને યોગ્ય ઠેરવવો નહીં, એને રોકવાનો સાચો રસ્તો એનાં મૂળ કારણોને ઓળખવામાં છે.
સમાજ, પરિવાર અને શિક્ષણ આ ત્રણેય મળીને બાળકનું ભવિષ્ય ઘડે છે. બાળપણમાં જ સંસ્કાર, સંવાદ અને સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવે તો ઘણા લોકો ગુનાની દિશામાં આગળ વધતા પહેલાં જ સાચા માર્ગ પર આવી શકે. એક જાગૃત નાગરિક તરીકે આપણી આસપાસ રહેતાં વંચિત અથવા અશાંત માનસિકતા ધરાવતાં બાળકો પ્રત્યે સહાનુભૂતિ રાખવી એ પણ આપણી ફરજ છે.
ગુનેગાર જન્મતા નથી. ઘણી વખત પરિસ્થિતિ, અનુભવો અને ખોટા સંસ્કારો તેમને ધીમે-ધીમે એ દિશામાં લઈ જાય છે. તેથી ગુનો બન્યા પહેલાં માણસને સમજવાનો પ્રયત્ન કરવો એ જ સાચી સમાજસેવા છે.