મોટા માણસની નાની વાત

16 August, 2020 09:49 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

મોટા માણસની નાની વાત

પ્રતીકાત્મક તસવીર

માણસે ઉઘાડા આકાશ નીચે રહેવા માટે ઘર બનાવ્યું. આ ઘર એટલે ચાર દીવાલો અને એક છત એમ અકબંધ ઓરડો બનાવ્યો. આ ઓરડાને વધારે સુરક્ષિત કરવા માટે ઓરડામાં બારીઓ મુકાવી. આ બારી મુકાવ્યા પછી આ બારીમાં જાળી અને જાળી ઉપર બારણાં ગોઠવ્યાં. ઓરડામાં દરવાજા ફ‌િટ કર્યા. આમ ખુલ્લા આકાશ નીચેના રહેઠાણને માણસે ચારેય બાજુથી બંધ તો કર્યું, પણ એ સાથે જ આ બંધિયારને જરૂર વખતે ખુલ્લું રાખી શકાય એવું આયોજન પણ કર્યું. માણસને પોતાની સગવડ પ્રમાણે બંધિયાર જોઈએ છે અને આ બંધિયારને સુરક્ષાનું નામ અપાય છે.
આજે સુરક્ષા હેઠળના આ બંધિયારની ત્રણ વાર્તા કહેવી છે. આ વાતો આમ તો નાનકડી છે. તમે કદાચ કેટલીક વાત જાણતા પણ હશો, પણ મૂળ વાત આ વાર્તાની નથી પણ વાર્તા પાછળની વિભાવનાની છે. આ વિભાવના તમે કેટલી જાણો છો, કેટલી સમજો છો અને કેટલી આત્મસાત કરો છો એ વધારે મહત્ત્વનું છે. ત્યારે સાંભળો એટલે કે ધ્યાનપૂર્વક વાંચો આ વાર્તા પહેલી. ભાષા છે અંગ્રેજી, લેખકનું નામ છે - George Barr McCutcheon, વાર્તાનું શીર્ષક છે- ‘Brewster’s Millions’. ઈ. સ. ૧૯૦૨ આસપાસ આ વાર્તા લખાઈ અને પછી અનેક ભાષાઓમાં ભાષાંતરિત થઈ. ચલચિત્રો બન્યાં. હિન્દી ભાષામાં બૉલીવુડે એક ફિલ્મ બનાવી જે ખૂબ લોકપ્રિય પણ થઈ. ફિલ્મનું નામ ‘માલામાલ’. (આ નામની બીજી ફિલ્મ પણ છે.)
એક હતા દાદાજી. દાદાજી પાસે અપાર વૈભવ. બધાને આવે છે એમ દાદાજીને જવાનો સમય થયો. દાદાજીએ પોતાનું વસિયતનામું ઘડી કાઢ્યું. દાદાજીને પોતાનો પૌત્ર બહુ વહાલો હતો. પૌત્ર ભારે ખર્ચાળ હતો. દાદાજી પોતાની સંપત્તિના પ્રમાણમાં ખર્ચ કરતા નથી – ધન વાપરતા નથી એવી પૌત્રની કાયમી ફરિયાદ. દાદાજીએ પૌત્રની આ ફરિયાદ દૂર કરતાં વસિયતનામામાં લખ્યું – ‘મારી ત્રણસો અબજ ડૉલરની સંપત્તિ હું મારા પૌત્રને આપું છું. આ સંપત્તિની માલિકી તેને મળે એ માટે એક શરત પણ મૂકું છું. ત્રણ અબજ ડૉલર તેણે ત્રીસ દિવસમાં વાપરવા. આ રકમ તેણે મોજશોખ, ખાણીપીણી અને હરવાફરવામાં વાપરવાના. ક્યાંય સ્થાવર મિલકત કે દાનધર્મ કરવા નહીં. કોઈને ભેટ આપવાના નહીં.’ પૌત્રે આ શરત સ્વીકારી. એક આખું અઠવાડિયું તેણે મોજશોખમાં પુષ્કળ ધન ખર્ચ્યું. મિત્રો સાથે ખાધું, પીધું અને લહેર કરી; પણ ત્રીસ અબજ ડૉલર પૂરા થયા નહીં. તેના ખિસ્સામાં આ શરત કરતાં ખાસ્સું ધન વધ્યું. પછી તેણે શું કર્યું એ હવે આગળની વાર્તા મારે તમને કહેવાની જરૂર નથી. તમે પોતે જ વાંચી શકો તો વાંચો. વાંચી ન શકો તો વિચારી કાઢો. વિચારી ન શકો તો છેલ્લે-છેલ્લે આપણે સાથે વિચારીશું.
હવે આ બીજી વાર્તા વાંચો. આ બીજી વાર્તાના લેખક છે કાઉન્ટ લિયો ટોલ્સટૉય. ઈ. સ. ૧૮૨૮થી ૧૯૧૦ ‌તેમનો સમયગાળો. રશિયા તેમનો દેશ. પુષ્કળ સાહિત્ય લખ્યું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિચારક તરીકે ભારે પ્રતિષ્ઠિત થયા. તેમની એક વાર્તા પર અહીં થોડીક નજર ફેરવીએ.
એક હતો જમીનદાર. એક દિવસ તેણે જાહેર કર્યું, જે કોઈ માણસ દાન લેવા તેની પાસે આવશે તેને તે એ દિવસ પૂરતું તે જે માગશે એ દાન આપશે. સાંજ સુધી તેણે દાન આપ્યું. હીરા, માણેક, મોતી, સોનું, રૂપું બધું જ દાન આપ્યું. સૂરજ આથમ્યો અને દિવસ પૂરો થયો ત્યારે એક માણસ હાંફતો-હાંફતો દોડતો-દોડતો તેની પાસે આવ્યો. દિવસ પૂરો થઈ ગયો હતો એટલે પેલી જાહેરાત પ્રમાણે તેને કંઈ આપી શકાય નહીં પણ પેલા મોડા આવનાર માણસે રડતાં-રડતાં પોતાને થોડીક જમીન આપવાની માગણી કરી. જમીનદારને મજાક સૂઝી. તેણે કહ્યું –‘જા, તને જમીન આપું છું. અહીંથી તું દોડતો-દોડતો આગળ જા. જેટલી જમીન ઉપર તું દોડી જઈશ એટલી જમીન તને મળશે.’ પેલો માણસ રાજી-રાજી થઈ ગયો. પેલો માણસ મોડો પડ્યો હતો એટલે દોડતો-દોડતો આવ્યો હતો. તેને હાંફ ચડી ગઈ હતી અને છતાં તે વધુ ને વધુ જમીન મેળવી લેવા માટે દોડવા માંડ્યો. તે દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો. તેનો શ્વાસ ચડી ગયો અને આખરે ભોંય ઉપર નિષ્પ્રાણ થઈને પડી ગયો.
આ બીજી વાર્તા પણ પૂરી થઈ. બનવાજોગ છે એ બીજી વાર્તા ક્યાંક બીજી રીતે તમે સાંભળી હોય, વાંચી હોય કે પછી નાટક, સિનેમામાં જોઈ પણ હોય. મોટા માણસોની નાની વાર્તાઓ પણ વખત જતાં મોટી થઈ જાય છે. એમાં આગળ-પાછળ, વધતું-ઓછું, નવું-નોખું થતું જ રહે છે. રામ જન્મભૂમિનો ઉત્સવ આપણે હમણાં જ ઊજવ્યો. તમને ખબર છે, રામચંદ્ર નામ વાલ્મીકિ રામાયણમાં ક્યાંય નથી! સર્વત્ર રામ જ છે અને આમ છતાં રામચંદ્ર નામ તુલસીદાસે હજારો વરસ પછી પાડી દીધું છે. બસ, આમ જ મોટા માણસોની નાની વાતો મોટી થઈ જાય છે.
આવો, હવે છેલ્લી અને ત્રીજી વાર્તા ધ્યાન પર લઈએ. આના લેખક છે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર. નામથી વિશેષ પરિચય તેમના માટે કંઈ આપવાનો હોય નહીં. વાર્તા, કવિતા, નાટક, નવલકથા તેમણે શું નથી લખ્યું? ચિત્રકલા, સંગીતકલા, અભિનયકલા, નૃત્યકલા એમ તેમણે કળાના ક્ષેત્રે પૂરેપૂરું યોગદાન આપ્યું છે. તેમણે એક સરસ વાર્તા લખી છે. સાવ ટૂંકી અને ટચ. અને એક વાર વાંચ્યા પછી ભુલાય નહીં એવી.
એક હતો રાજા. તેની બે રાણી. રાજાઓને એક રાણી હોય તો ખાલીપો લાગતો હશે. આ રાજાની બે રાણી પૈકી એક માનીતી અને એક અણમાનીતી. એક વાર માનીતી રાણી રાજાથી રિસાઈ ગઈ. રાજા મહેલમાં આવ્યા. માનીતી રાણી કોપગૃહમાં ચાલી ગઈ. રાજાએ કોપગૃહમાં જઈને રાણીને કારણ પૂછ્યું. રાણીજી બોલ્યાં –‘મહારાજ, આ મહેલમાં અણમાનીતી મારી સાથે જ રહે એમાં મારી શોભા કઈ? આ મહેલની બધી જાહોજલાલી અણમાનીતી પણ મારી જેમ જ વાપરે એ તો મારું અપમાન છે.’
હવે માનીતીની વાત માન્યા વિના તો રાજાને ચાલે જ નહીં. રાજાએ અણમાનીતી માટે શહેરની બહાર નદી કિનારે એક ટેકરી ઉપર જુદો મહેલ બનાવ્યો. અણમાનીતી આ જુદા મહેલમાં રહેવા ગઈ. તેની સાથે તેનો સત્તર-અઢાર વરસનો કુમાર પણ ગયો. માતા-પુત્ર આ મહેલમાં સુખેથી રહેવા લાગ્યાં. કેટલાક સમય પછી માનીતી રાણી નદી કિનારે સ્નાન અને સહેલગાહ માટે ગઈ. પેલી અણમાનીતીનો મહેલ આ નદી કિનારે જ હતો. તેનો કુંવર નદીમાં સ્નાન કરીને ટેકરીનાં પગથિયાં ચડતો ઉપર જતો હતો. તેનું શરીર ઉઘાડું હતું. હાથમાં પૂજાની સામગ્રી હતી. કમરે પિતાંબરી વીંટાળી હતી. માનીતી રાણીએ નીચેથી આ તેજસ્વી કુંવરને જતા જોયો. તે જોઈ જ રહી. કુંવર તેની માતા પાસે ઉપર પહોંચ્યો. માતાના ચરણસ્પર્શ કર્યા. માતાએ આશીર્વાદ આપ્યા અને પછી પૂજાની સામગ્રીમાંથી એક ટુકડો પ્રસાદ લઈને પુત્રના મોઢામાં મૂક્યો.
માનીતી રાણી નીચે ઊભાં-ઊભાં આ સુખી માતાપુત્રને આંખ ફાડીને જોઈ રહી. ફરી વાર તેના દુઃખનો પાર ન રહ્યો. સ્નાન અને સહેલ અધવચ્ચે પડતાં મૂકીને ફરી વાર પોતાના મહેલના કોપગૃહમાં જતી રહી. રાજાને જાણ થઈ કે રાણી ફરી વાર રિસાયાં છે એટલે તે રાણી પાસે આવ્યા.
રાણીને મનાવતા હોય એમ બોલ્યાં – ‘હે પ્રિયે, હવે ફરી વાર તમારે શું જોઈએ છે? અણમાનીતી રાણીને તો તમારા કહેવા પ્રમાણે જુદા મહેલમાં રહેવા મોકલી આપ્યાં છે. હવે વિશેષ તમારે શું જોઈએ?’ રાજાના સવાલના જવાબમાં માનીતી રાણી બોલ્યાં – ‘અહીં બીજું બધું મારી પાસે છે. મારે તો અણમાનીતીનું દુઃખ જોઈએ છે. તે તો ત્યાં પણ સુખી જ છે.’
આ ત્રણ વાર્તા તમે વાંચી. હવે કહો જોઉં, એ ત્રણમાંથી તમને શું મળ્યું?
આ ત્રણેય વાર્તાઓ આમ તો સાવ સીધીસાદી લાગે છે. મોટા માણસની વિશેષતા એ શું કહે છે અને કેવી રીતે કહે છે એના આધારે મૂલવી શકાય છે. આ મુલવણી કેમ કરવી એ આપણા હાથની વાત છે. રાજારાણીની વાર્તા ટાગોરે લખી કે પછી જમીનદારની આવી સાવ સામાન્ય વાર્તા ટોલ્સટૉયે લખી છે? એમ કહીને આ વાર્તાઓને બાજુ પર મૂકી દેવી સહેલી નથી. મને અણમાનીતીનું દુઃખ જોઈએ એમ જ્યારે માનીતી કહે છે ત્યારે વાર્તા વિરાટ થઈ જાય છે. માનીતીને હવે કોઈ સુખી કરી શકે નહીં.(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

તમને ખબર છે, રામચંદ્ર નામ વાલ્મીકિ રામાયણમાં ક્યાંય નથી! સર્વત્ર રામ જ છે અને આમ છતાં રામચંદ્ર નામ તુલસીદાસે હજારો વરસ પછી પાડી દીધું છે. બસ, આમ જ મોટા માણસોની નાની વાતો મોટી થઈ જાય છે

weekend guide columnists dinkar joshi