અતિરેકના વિલાસ બાદ હવે કદાચ આપણને સમજાશે ઓછામાં રહેલું સુખ

25 May, 2020 02:48 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

અતિરેકના વિલાસ બાદ હવે કદાચ આપણને સમજાશે ઓછામાં રહેલું સુખ

જેમની પાસે કશું જ નથી તેમને બધું જ હોવાનું દુઃખ સમજાતું નથી અને જેમની પાસે બધું જ છે તેમને ઓછામાં રહેલા સુખનો અનુભવ થતાં વર્ષો લાગી જાય છે.

પહેલાંના સમયમાં કુકર બનાવનારી કંપનીની એક જાહેરાત આવતી હતી. એ જાહેરાતમાં રસોડામાં કામ કરી-કરીને થાકી ગયેલી એક મહિલાને પોતાની સમસ્યા દૂર કરવા માટે કુકર અપનાવવાની સલાહ આપવા માટે કહેવામાં આવતું હતું કે ફેંક દો યે કઢાઈ, યે ફ્રાઇંગ પૅન, ઇનસે નાતા તોડો... આજકાલ કોરોના વાઇરસને પગલે જ્યારે કામવાળીઓ આવી નથી રહી ત્યારે વાસણ ધોઈ-ધોઈને કંટાળેલી મહિલાઓને પણ કંઈક આવી જ લાગણી થઈ રહી છે. જેને પૂછો તેમની એક જ ફરિયાદ છે કે ઝાડુ-પોતાં હોય કે કપડાં ધોવાનાં હોય, ઘરનાં બીજાં બધાં કામ એક વારમાં પતી જાય છે પણ આ વાસણ ઘસવાનું કામ તો જાણે પૂરું જ થતું નથી. સવારે ચા-પાણી કરો એટલે વાસણ ધૂઓ. પછી નાસ્તા-પાણી કરો એટલે પાછા વાસણ ધૂઓ. ત્યાર બાદ જમવાનું પૂરું થાય એટલે પાછાં વાસણ ધોવાનાં. સાંજે ફરી પાછાં ચા-પાણી બાદ વાસણ ધોવાનાં ને છેલ્લે રાતના ભોજન બાદ ફરી એક વાર વાસણ ધોવાનાં. એક જણે તો બહુ સરસ કહ્યું કે આ વાસણ ધોવાનું કામ તો એવું લાગે છે કે જાણે આરતીની દર બે લાઇન પછી જયદેવ...જયદેવ... ગાવાનું હોય.
કોઈ મહિલા જ્યારે પોતાનાં ઘરનાં વાસણ માટે આવું કહે ત્યારે માની લેવાનું કે ચોક્કસ હવે તે આ કામથી કંટાળી છે. અન્યથા ઘરનાં વાસણ અને ક્રૉકરી માટે મોટા ભાગની મહિલાઓ એટલી પઝેસિવ હોય છે કે જેટલા જતનથી તે આ બધી વસ્તુઓ વસાવે એના બેવડા જતનથી એની માવજત પણ કરે. અત્યંત ધ્યાનપૂર્વક એને વાપરે, ધૂએ, લૂછે અને ફરી પાછું એના સ્થાને યથાવત્ મૂકી પણ દે. પણ આ કોરોના વાઇરસને પગલે પહેલી વાર જીવનમાં મહિલાઓને પોતે વસાવેલી આ બધી વસ્તુઓની નિર્થકતા સમજાઈ રહી છે.
બલકે એક રીતે જોવા જતાં મહિલાઓને માત્ર વાસણો જ નહીં, આપણને બધાને આપણી મોટા ભાગની વસ્તુઓની નિર્થકતાનો અહેસાસ થઈ રહ્યો છે. આપણને સમજાઈ રહ્યું છે કે વાસ્તવમાં એક સારું અને સ્વસ્થ જીવન જીવવા માટે કેટલી ઓછી સામગ્રીની જરૂર છે. જીવનની મૂળભૂત જરૂરિયાત આજે પણ માત્ર રોટી, કપડાં ઔર મકાન જ છે અને એ પણ પાછું અત્યંત મર્યાદિત માત્રામાં. આટલાં વર્ષોથી આપણે જેને આવશ્યક સમજતા હતા એ વસ્તુઓનો ખડકલો તો માત્ર સમય અને નાણાંનો વેડફાટ જ છે.
પરંતુ શું થાય, આટઆટલાં વર્ષોથી આપણે બધા અતિશયોક્તિના સમયમાં જીવતા હતા જ્યાં જેટલું ભેગું કરો એટલું ઓછું ગણાતું હતું. કબાટ આખું કપડાંથી ઠાંસોઠાંસ ભરાઈ ગયેલું હોવા છતાં કોઈ પ્રસંગે બહાર જવાનું હોય ત્યારે પહેરવા માટે કંઈ યોગ્ય મળે નહીં અને આપણને કપડાં ઓછાં લાગે. એની સાથે મૅચ થાય એવાં જૂતાં, ચંપલ, દાગીના, પર્સ, ઘડિયાળ, મેકઅપ ઓછાં લાગે. ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે વાસણો અને ક્રૉકરી ઓછાં લાગે. કશે ફરવા જવાનું હોય ત્યારે બેગ-બિસ્તરા ઓછા લાગે અને ફરીને પાછા આવીએ ત્યારે એ બધું ફરી પાછું ગોઠવવા માટે ફર્નિચર ઓછું લાગે. ગ્લોબલાઇઝેશને આપણે ખરા અર્થમાં બાયર્સ તો બનાવી દીધા હતા, પરંતુ અંદરખાને આપણે બધા જ જાણતા હતા કે ખરીદેલી એ બધી વસ્તુઓને આપણે સાચા અર્થમાં કન્ઝ્યુમ કરી રહ્યા નહોતા. તેમ છતાં આપણને ક્યારેય ધરવ થતો નહીં, કારણ કે ક્યાંકને ક્યાંક માર્કેટિંગના અતિરેકે આપણા મનમાં એ પણ ઠસાવી દીધું હતું કે ખરીદી કરવી એ પણ એક પ્રકારની થેરપી જ છે.
એવામાં બાકી રહી ગયું તો સોશ્યલ મીડિયાનો સમય આવ્યો જેમાં વૉટ્સઍપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવાં માધ્યમોને પગલે ચારે બાજુથી આપણા પર સમાચારો અને માહિતીઓનો મારો થવા માંડ્યો ત્યાં જ મિત્રોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થવા માંડ્યો. અન્યોની દેખાદેખીમાં આપણે પણ ક્યાંક માનવા માંડ્યા કે જ્યાં સુધી આપણા મિત્રો અને ફૉલોઅર્સની સંખ્યા બે-પાંચ હજાર ન થાય ત્યાં સુધી તો આપણે જીવનમાં કશું પામ્યું જ નથી. પરિણામે ઘરમાં સામાનના તથા જીવનમાં સંબંધોના અતિરેકે આપણને એટલા મૂંઝવી દીધા હતા કે બધું જ હોવા છતાં હકીકતમાં આપણે ક્યાંય પહોંચી શકતા નહોતા અને અંદરની અધૂરપ તો ત્યાંની ત્યાં જ રહેતી.
આજે જ્યારે સાવ ઘરે બેઠા છીએ ત્યારે અહેસાસ થાય છે કે વાસ્તવમાં એ બધું જ સાવ નકામું હતું. ખરી મજા તો ઓછામાં છે. ઓછાં પણ ચોખ્ખાં વાસણોમાં બનાવેલું બે ટંકનું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ભોજન મળી જાય તો તંદુરસ્તી આપોઆપ જળવાઈ જાય છે. સતત સમાચારો અને માહિતીઓનો ભંડાર તો વાસ્તવમાં આપણને ડરાવવાનું જ કામ કરે છે. એને સ્થાને દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ખરેખર તો દિવસમાં એક વાર ટીવી પર આખા દિવસના સમાચાર જોઈ લેવા એ પૂરતું છે. ઢગલાબંધ મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે મથવા કરતાં કોઈ પરમ મિત્ર સાથે બે-પાંચ મિનિટ હૂંફાળી વાત કરવામાં વધુ આનંદ છે. થોકબંધ ફૉલોઅર્સની લાઇક્સ કે ડિસલાઇક્સ મેળવવા કરતાં બે-ચાર સાચા હિતેચ્છુઓ પાસેથી મળેલી પ્રશંસા કે ઠપકા વધુ અસરકારક હોય છે.
અલબત્ત સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આજે આપણને આ સત્યનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે આપણે અતિશયોક્તિની ઉલઝનો અને મૂંઝવણોને જોઈ-અનુભવી છે. જેની પાસે કશું જ ન હોય તેને આ સત્યનો અનુભવ ક્યારેય થતો નથી. સાચો વૈરાગ્ય અતિરેકના વિલાસમાંથી જ જન્મ લે છે. બુદ્ધ પણ સુખ-સમૃદ્ધિના અતિરેકનો ત્યાગ કર્યા બાદ જ પરમજ્ઞાન પામ્યા હતા. એટલે જ કદાચ આપણાં સૂર્યમંદિરોની બહાર કામુક મૂર્તિઓ કંડારેલી હોય છે જે કહે છે કે મન અને શરીરના બધા ભોગો ભોગવી લીધા બાદ જ સાચો ત્યાગ ઉદ્ભવે છે. એવી જ રીતે જેમણે જરૂર કરતાં વધારેનો અતિરેક અનુભવ્યો હોય તેઓ જ ઓછામાં રહેલા સુખને સમજી અને માણી શકે, પરંતુ માનવજીવનની દુવિધા એ છે કે જેમની પાસે કશું જ નથી તેમને બધું જ હોવાનું દુઃખ સમજાતું નથી અને જેમની પાસે બધું જ છે તેમને ઓછામાં રહેલા સુખનો અનુભવ થતાં વર્ષો લાગી જાય છે.

falguni jadia bhatt coronavirus columnists