પહેરાયેલી શૉર્ટ્સનો કોઈ ગુનો નથી, વાંક તો આંખોમાં રહેલા વિકારનો છે

08 December, 2019 03:03 PM IST  |  Mumbai | Bhavya Gandhi

પહેરાયેલી શૉર્ટ્સનો કોઈ ગુનો નથી, વાંક તો આંખોમાં રહેલા વિકારનો છે

હૈદરાબાદ રૅપકેસ

હૈદરાબાદમાં લાસ્ટ વીક એક ઘટના ઘટી. વેટરિનરી ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર થયો અને એ પછી તેની હત્યા કરવામાં આવી અને એ પછી તેની ડેડબૉડીને જલાવી પણ દેવામાં આવી. આ ઘટનાને વખોડવી પડે તો આપણે શરમાવું જોઈએ, કારણ કે જો આ ઘટનાને ગાળો ભાંડીએ તો જ આપણને સમજાવાનું હોય કે આવું ન બનવું જોઈએ, તો મને લાગે છે કે આપણે ખરેખર ડૂબી મરવું જોઈએ. આવી ઘટનાને વખોડવા કરતાં આવી ઘટનાઓ ઘટે એ પછી આપણે જાગવાની જરૂર છે અને એના મૂળ સુધી પહોંચવાની જરૂર છે. શું કામ ઘટે છે આવી ઘટના, શું કામ આવું બને છે? કેમ તમે કોઈ છોકરી સાથે આવું ખરાબ વર્તન કરી શકો અને કેવી રીતે તમને તેની એક ચીસ પર જાગ્રત ન કરે? કેવી રીતે એવું બને કે તે રાડો પાડતી રહે અને એ પછી પણ તમે વિકૃત આનંદ લેતા રહો. જો જરાઅમસ્તું લોહી પણ દેખાઈ જાય તો મારા-તમારા જેવાને બે દિવસ જમવાનું નથી ભાવતું. જો કોઈની ડેડબૉડી જોઈ લીધી હોય તો આપણને અઠવાડિયા પછી પણ રાતે ડર લાગે છે અને આ બધું એક જ સમયે, એક જ સ્થળે બને છે અને એ પછી પણ એ લોકો સ્વસ્થતા જાળવી શકે છે. ભાગવાની હિંમત દાખવી શકે છે અને ભાગી પણ જાય છે. મૂળ ક્યાં છે આ આખી વાતનું? ઘટના ઘટવાનું કારણ શું?

સમાન અને સન્માન.

આમ જોઈએ તો આ બહુ સિમિલર વર્ડ્‍સ લાગે, પણ રિયલિટી એ છે કે આ બન્ને વર્ડ્‍સ વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે અને એ અત્યારે આપણી જ સોસાયટીઓની મહિલાઓ જોઈ રહી છે. ફીમેલ ઇક્વલિટીની જે વાત છે એ વાત માટે હું કહીશ કે સમાનતા તો બહુ દૂરની વાત છે, પહેલાં તમે તેને સન્માન આપો. જો સન્માન આપવાનું શરૂ કરશો તો સમય જતાં તેમને સમાનતાનો દરજ્જો મળી જશે, પણ જો તમે તેને સન્માનનીય જ નહીં ગણતા હો તો જે વાત કહેવાઈ રહી છે એ સમાનતાની વાત અને એ વિચાર તમારા સુધી પહોંચશે જ નહીં. ફ્રેન્ડ્સ, તમને અત્યારે આ વાત વાંચતી વખતે બે વિચાર આવી શકે છે; પહેલો તો એ કે આપણા મુંબઈ શહેરમાં તો આવી કોઈ વાત હોતી જ નથી. વી આર મૉડર્ન, આપણે નવા વિચાર ધરાવીએ છીએ અને આપણે તો મહિલાઓને ઈક્વિવૅલન્ટૅ જ ગણીએ છીએ પણ ના, એવું નથી. આપણે સૌએ શરમાવું જોઈએ કે મુંબઈ જેવા મેટ્રોમાં રહ્યા પછી પણ આજે આપણે ત્યાં જ આવું નથી થઈ રહ્યું. કેવી રીતે અને શું કામ અને એવા જેકોઈ પ્રશ્નો તમને મનમાં થાય એની ચર્ચા આપણે પછી કરીશું. પહેલાં તમને બીજું કારણ જણાવી દઉં. આ વાંચતી વખતે તમને બીજો વિચાર એ આવી શકે છે કે મારા જેવા યંગસ્ટરને શું કામ આ મુદ્દા પર બોલવાનું કે લખવાનું સૂઝ્‍યું? મને શું કામ આ ટૉપિક પર વાત કરવાનું મન થયું? જવાબ છે, આ પ્ર‍ૉબ્લેમ અમારા જેવા યંગસ્ટર્સમાં પણ દેખાય છે અને એનું કારણ છે એનું અપબ્રિગિંગ. તે જે જુએ છે એ જ વાતને તે પોતાની લાઇફમાં મૂકી રહ્યો છે.

ઘરમાં મમ્મી સાથે થતી રફ લૅન્ગ્વેજની વાત તે જુએ છે અને એટલે તે એનું પુનરાર્વતન અજાણતાં કરી બેસે છે. દાદીશીખે આજે પણ ઘરના મેલ-મેમ્બર્સ જમે એ પછી જ જમી શકે છે એ પણ તે જુએ છે અને એટલે જ તે પણ એ જ રીતે દુનિયાને જુએ છે, મહિલાઓને જુએ છે. આજે પણ આપણી સોસાયટીમાં એવી ફૅમિલી છે જ્યાં ખરેખર આવું બને છે. ઘરના તમામ લેડી-મેમ્બર્સ પુરુષો જમી લે એ પછી જ જમવા બેસી શકે છે. આપણે ત્યાં જ કહેવાયું છે કે જેનાં અન્ન ભેગાં તેનાં મન ભેગાં. એક ભાઈ બીજા ભાઈને આ વાત ટાંકીને તેને જમવા બેસાડે છે, પણ આ વાત તેને પોતાની વાઇફ, આન્ટી, દાદી, ભાભી કે દીકરી માટે યાદ નથી આવતી. સેમ ઑન ધેમ, આવા વાતાવરણમાં રહ્યા પછી પણ એ જ અંકલ પાનના ગલ્લા પર માવો ઘસતાં-ઘસતાં બોલે પણ ખરા કે ના, મહિલાઓને સમાનતા મળવી જોઈએ, દીકરીઓને બધી છૂટ મળવી જોઈએ.

નહીં કરો આવો ઢોંગ, કાં તો તમે આ વાતને સાચી અને સારી રીતે સ્વીકારો અને કાં તો તમે એનો અસ્વીકાર કરી દો અને જાહેરમાં જ કહી દો કે આવું ન થવું જોઈએ, પણ વગરકારણનો દંભ તમે શું કામ કરો છો. મને લાગે છે કે સૌથી ખરાબ જો કોઈ વાત હોય તો એ આ દંભ જ છે. શો-ઑફ કરવાની આ જે મેન્ટાલિટી છે એમાં આપણને કોઈને સોસાયટીના સાચા પિક્ચરની ખબર નથી પડી રહી અને એટલે જ આપણે ઉપરથી દેખાતા સીનને જોઈને જ એવું અનુમાન લગાવી લઈએ છીએ કે સોસાયટીમાં બધું સારું જ છે, પણ એ ખોટું છે. રાતે ૧૦ વાગ્યા પછી બહેન ઘરે આવે તો ટેન્થ સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતો ભાઈ પણ નથી સ્વીકારી શકતો અને એ બધાની હાજરીમાં જ આ કહી દે છે. શરમની વાત છે કે આ આજના યુથની વાત છે અને મેં આ મારી આંખે જોયું છે. હું કહીશ કે જો તે પોતાની સિક્યૉરિટીનું ધ્યાન રાખી શકે કે પછી એ સેફ જગ્યાએ હોય તો પછી શું કામ આવા પક્ષપાત થવા જોઈએ. ૧૦ વાગ્યા પછી છોકરાઓ પણ ઘરમાં આવે તો તેને પણ નહીં ચલાવો. સાચું જ છે એ કે ૧૦ વાગ્યા પછી કામ વિના બહાર રહેવાનો કોઈ અર્થ નથી અને જરૂર પણ નથી. જો એ જરૂરી ન હોય તો પછી બધા માટે એક જ નિયમ હોવો જોઈએ પણ ના, એવું નથી. છોકરાઓ ૭ કે ૮ વાગ્યે ઘરમાં પહોંચી જાય, જમી લે અને પછી કોઈ કારણ વિના એમ જ બહાર નીકળે અને રાતે ૧૨ વાગ્યા સુધી ઘરની બહાર રહે. પેરન્ટ્સે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે ખરી કે બહાર રહીને એ લોકો શું કરે છે? બાઇક પર બેસીને કે સોસાયટીની પાળી પર બેસીને એ લોકો કેવી રીતે ટાઇમપાસ કરે છે. આ જોવું જોઈશે. જો જોવાની તસ્દી નહીં લો તો આ જ નવી જનરેશન ખોટી દિશામાં જઈ શકે છે.

તમે એક વખત આપણા રેલવે-સ્ટેશન પર જઈને જોશો તો તમને દેખાશે કે છોકરાઓનું બિહેવિયર કેવું હોય છે. શરમ આવે કહેતાં પણ એ લોકો એવી રીતે છોકરીઓની મજાક-મસ્તી કરે જે સાંભળીને પાંચ સેકન્ડ માટે તો આપણને પણ આપણી બહેનને બહાર મોકલવામાં ડર લાગવા માંડે. સમાન નહીં ગણો તમે આ લેડીઓને પણ તેને સન્માન તો આપો. સન્માન તો આજે સૌકોઈનો હક છે અને એ હક તમે છીનવી પણ ન શકો. તમે ગંદી નજર સાથે કોઈ છોકરીને જુઓ ત્યારે તમે કેવી રીતે ભૂલી શકો કે તમારી ફૅમિલીમાં પણ ફીમેલ મેમ્બર છે અને તેને પણ આ જ રીતે કોઈ જોતું હોઈ શકે છે. તમને એ નથી ગમતુંને, તો પછી આ કેવી રીતે એ છોકરીને ગમી શકે. તમે કોઈ અજાણી છોકરી સાથે જાણીજોઈને ટક્કર મારીને નીકળી જાઓ ત્યારે એ છોકરીને ખબર પડે છે કે તમારી આ ટક્કર અજાણતાં હતી કે પછી ઇરાદાપૂર્વકની. પ્લીઝ, ડોન્ટ ડુ ધિસ. આ આપણી આખી સોસાયટીની ઇમેજ બગાડે છે. આપણી આખી સોસાયટી બદનામ થાય છે અને સૌથી ખરાબ વાત આ જ છે કે કેટલાક ગંદા લોકોને લીધે આ છોકરીઓ આખી સોસાયટીને ખરાબ નજરે જોતી થઈ ગઈ છે.

હૈદરાબાદની ઘટના પણ આવી નાની-નાની વાતોનો સરવાળો છે. ઘરમાં મા-બહેન કે દીકરીને સન્માન મળતું જોયું નથી એટલે એ સન્માનની નજરે જોવાની ભાવના રહેતી નથી. ભાવના રહેતી નથી એટલે વિકૃતિ મનમાં આળોટ્યા કરે છે અને વિકૃતિ આળોટતી રહે છે એટલે કોઈ પણ જગ્યાએ છોકરીને જોયા પછી તેની શૉર્ટ્સ અને અજાણતાં જોવા મળી ગયેલા તેના અન્ડર‍આર્મ્સ જ આંખ સામે રહે છે. વિકૃતિને રોકવા માટે કૃતિની વ્યાખ્યા સમજાવવી પડશે. વિકૃતિને અટકાવવા માટે કૃતિનું સન્માન કરતાં શીખવવું પડશે. જો એ કરવામાં નિષ્ફળ જઈશું તો આપણે સમાજના નાના ભાગમાં જીવતા જંગલીઓની અડફેટમાં ચડતા રહીશું અને એનું દુઃખ વારંવાર સહન કરવાના કિનારે આવ્યા કરીશું. ડૉક્ટર કે જાગૃતિ જેવા કિસ્સાઓ ન બને એ માટે જેકોઈ પગલાં લેવાં પડે એ લેવાં જ જોઈશે. મહારાષ્ટ્રમાં સરકાર ન બને એની ચિંતા કરવાને બદલે એકેક નાગરિકને સ્પર્શે છે એવા આ પ્રકારના પ્રશ્નોનું સૉલ્યુશન લાવવું જ પડશે.

Bhavya Gandhi columnists