ઓળખાણ અને અહંકાર

09 February, 2025 07:58 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

પરિવાર, પાડોશ, વ્યવસાય એમ સહજ રીતે તમારે ઘણાબધાના પરિચયમાં આવવાનું થતું હોય છે. આ બધી નામાવલિ જો એક કાગળ પર ઉતારશો તો તમને તરત જ પ્રતીતિ થઈ જશે કે તમે જેને ઓળખાણ કહો છો એવી કોઈ નામાવલિ બહુ મોટી નથી હોતી

મોદીજી સાથે સેલ્ફી

‘અરે, એવું બધું કહેવાની કંઈ જરૂર નથી. આપણું નામ આપશો એ જ પૂરતું છે. ત્યાં બધા જ આપણને ઓળખે છે.’ આ કે આવા પ્રકારનું વાક્ય તમારા કાને ક્યારેક ને ક્યારેક અવશ્ય પડ્યું હશે. તમારે કોઈ સરકારી કચેરી કે બીજા કોઈ ખાતામાં કઈ કામકાજ હોય અને એ કામકાજ પતાવવા માટે ફલાણા ભાઈ ઉપયોગી છે એવું કોઈ કહે એટલે તમે ફલાણા ભાઈને મળીને વાત કરશો. બસ, થઈ રહ્યું. આ ફલાણા ભાઈ એમ જ કહેશે, ‘અરે, ત્યાં તો આપણને બધા જ ઓળખે છે.’

આવું વાક્ય તમે સાંભળ્યું હશે એ પૂરતું નથી, સાંભળતાં વેંત રાજીના રેડ થઈ ગયા હશો. આ ફલાણા ભાઈએ કહ્યું કે એ ઑફિસમાં તો તેમને બધા ઓળખે છે એટલે તમને થયું કે આપણું કામ ચપટી વગાડતાં થઈ જશે. થાય જને. જો આ ફલાણા ભાઈની ઓળખાણ આમ છેક સુધી હોય તો તમે હળવા ફૂલ થઈ જાઓ પણ બીજા દિવસે એ ઑફિસમાં જાઓ અને ફલાણા ભાઈએ જેમનું નામ આપ્યું હતું એ માણસને શોધતાં જ તમારો ખાસો સમય જતો રહે છે. એનું કારણ એ હતું કે આ માણસ પણ ઑફિસનો એક અંશ હતો અને આવા અંશને શોધ્યા પછી તમે પેલા ફલાણા ભાઈની વાત કરો એટલે આ અંશને આ ફલાણા ભાઈ કોઈ રીતે યાદ જ ન આવે. મુશ્કેલીથી તેમને યાદ અપાવ્યું એટલે તે બોલ્યા, ‘હા, હા! યાદ આવ્યું. તેમનું કામ પણ મારે હસ્તક જ થયું હતું. તમારી વિગતો બધી આપતા જાઓ, ફુરસદે હું જોઈ રાખીશ.’ આટલું કહીને આ કર્મચારી ભાઈ તમારી કોઈ નોંધ લીધા વિના પોતાના કામે વળગી ગયા.

કોણ જાણે કેમ આપણને બધા ઓળખે છે, આપણે બહુ જાણીતા માણસ છીએ એવું કહેવાનો, દેખાડવાનો વધતા-ઓછા અંશે આપણને સહુને ભારે શોખ હોય છે. ઓળખાણ મોટી ખાણ છે એનો ઇનકાર થઈ શકે નહીં. ઓળખાણથી આપણી પ્રતિભા વધે છે એવી ભૂલભરેલી માન્યતા સેવવા જેવી નથી. જ્યોતીન્દ્ર દવેએ આવા માણસો વિશે એક સરસ મજાનો લેખ વર્ષો પહેલાં લખ્યો હતો. તેમણે કહેલું કે ઓળખાણથી કામ થાય છે ખરાં પણ કામ થવા માટે ઓળખાણ જ હોવી જોઈએ એ માન્યતા સાવ સાચી નથી. ખાણમાં ઊતરેલો માણસ ખાણથી ખરડાયા વિના રહેતો નથી. જો એ ખાણમાંથી ખરડાયા વિના જ બહાર આવે તો એનો અર્થ એવો થયો કે તેણે ખાણમાં કરવા જેવું કામ કર્યું નથી.

તમને કેટલા માણસો ઓળખે છે?

તમે સમાજની, તમારી નાતજાતની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો એવું તમે માનો છો. તમે પ્રોફેસર છો, પત્રકાર છો, ધમધોકાર ધંધાદારી છો, સમાજ જીવનમાં આગળ પડતી જાહેર પ્રવૃત્તિ પણ કરો છો. આ બધી તમારી માન્યતાઓ સાથે તમને આ વળગણ પણ છે, આપણે ઘણી ઓળખાણ છે. યાદ કરો, તમે કેટલા માણસોને ઓળખો છો? પરિવાર, પાડોશ, વ્યવસાય એમ સહજ રીતે તમારે ઘણાબધાના પરિચયમાં આવવાનું થતું હોય છે. આ બધી નામાવલી જો એક કાગળ પર ઉતારશો તો તમને તરત જ પ્રતીતિ થઈ જશે કે તમે જેને ઓળખાણ કહો છો એવી કોઈ નામાવલી બહુ મોટી નથી હોતી. ‘કંઈ કામકાજ હોય તો કહેજો’ આવું કહેનારા માણસો તમને અવારનવાર મળે છે. આવા માણસને કોઈક વાર કોઈક કામ સોંપી જોજો. કામની વાત સાંભળ્યા પછી આ ઓળખાણવાળો તમને ધીમેથી કહી દેશે, ‘અરે, એ દિવસોમાં તો હું બહારગામ છું. એક મીટિંગ માટે ગયા વિના છૂટકો નથી નહીંતર તમારું કામ હું ચોક્કસ કરી આપત.’ થઈ રહ્યું. કામકાજ કરવાની ઉત્સુકતા તરત જ શમી જાય છે.

હમણાં એક મિત્રે આ સંદર્ભમાં બહુ મજાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આ પૃથ્વી ઉપર તમે ચાલીસ, પચાસ કે સાઠ વર્ષથી વસો છો. હવે આ વસવાટના દિવસો દરમિયાન તમે જેટલાના પરિચયમાં આવ્યા છો એના કરતાં જેઓ સ્વર્ગે સિધાવ્યા છે એવા તમારા સ્નેહી સંબંધીઓની નામાવલી બહુ મોટી થઈ જશે. સ્વર્ગ એટલે કયું ધામ એ આપણા પૈકી કોઈ ટકોરાબંધ જાણતું નથી અને આમ છતાં સ્વર્ગ વિશે આપણને કોઈ શંકા પણ નથી. તમારા સ્વર્ગવાસી આપ્તજનો તમને બરાબર યાદ છે. આ સ્વર્ગવાસી આપ્તજનો તમે આગ્રહપૂર્વક બોલાવો તોય તમારી પાસે આ પૃથ્વી પર પાછા આવવાના નથી. કુરુક્ષેત્રના મહાયુદ્ધ પછી યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર આરુઢ થયા એ પછી એક વાર તેમણે મહર્ષિ વ્યાસને આ સદ્ગત થયેલાઓના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મહર્ષિ વ્યાસે યુધિષ્ઠિર સહિત સહુ પાંડવોને આવાં દર્શન કરાવ્યાં. ગંગા તટે લઈ જઈને તેમણે પરમ તત્ત્વોનું આવાહન કર્યું અને યુધિષ્ઠિરના આ સહુ સદ્ગતો ગંગાના પ્રવાહની ઉપર પ્રગટ થયા. યુધિષ્ઠિરે જોયું કે આ બધામાં પિતામહ ભીષ્મથી માંડીને અભિમન્યુ સુધીના પરિવારજનો અને બીજા અસંખ્ય સ્વજનો પ્રસન્નતાપૂર્વક આ પ્રવાહ ઉપર દેખાઈ રહ્યા હતા. યુધિષ્ઠિરે લાગણીવશ થઈને વિનંતી કરી કે ‘તમે સહુ પાછા અહીં પૃથ્વી ઉપર પધારો. અમને બહુ આનંદ થશે.’ પણ પેલા સ્વર્ગીય સ્નેહી જનોએ દૃઢતાપૂર્વક કહ્યું કે ‘અમે જ્યાં છીએ ત્યાં જ સુખી છીએ. તમારો વખત પૂરો થાય ત્યારે તમે પણ અહીં આવજો ત્યારે આપણે મળીશું. અમને પૃથ્વીવાસી થવામાં રસ નથી.’

આ વાતનો મર્મ એ છે કે આપણે સ્વર્ગવાસ વિશે અકળાઈ જવાની જરૂર નથી. પૃથ્વી પરનાં વર્ષો દરમિયાન આપણે જે જીવીએ છીએ એનાથી સુપેરે પરિચિત થઈ ગયા હોઈએ છીએ. પૃથ્વી પરનો વસવાટ પૂરો થયા પછી જેને આપણે સ્વર્ગ કહીએ છીએ એ વસવાટ કેવો હશે એની કોઈ માહિતી આપણી પાસે નથી એટલે આપણે મૃત્યુથી ડરતા હોઇએ છીએ. આ ડર અજ્ઞાનતાનો છે.

ઓળખાણની ખાણ

ઓળખાણ સાથે આપણે આપણા અહંકારને સાંકળી લઈએ છીએ. વધારે ઓળખાણ હોવી એટલે પોતે વધુ પ્રતિષ્ઠિત છીએ એવો ભ્રમ આપણે સેવીએ છીએ. વ્યવહારમાં ઓળખાણ પરસ્પરના પરિચયથી આગળ વધતા એક પ્રવાહ જેવું છે. ગંગાના પ્રવાહમાં જેમ તરતા મૂકેલા દીવાની જ્યોત ધીરે-ધીરે બુઝાઈ જાય છે એ રીતે આ ઓળખાણનું પણ થાય છે. એ રીતે તરતા દીવાઓ પૈકી આપણો દીવો કયો એ આપણે જોઈએ છે. તરી રહેલા દીવાઓ પૈકી કઈ જ્યોત આપણી છે એ આપણે કળી શકતા નથી. ઓળખાણ ગમે એવી વિભાવના છે. એ કેળવવી પણ જોઈએ પણ એનું અધિક મૂલ્યાંકન કરીને અહંકાર સાથે એનો સંબંધ વિશેષ ન થાય એ તપાસવું રહ્યું.

columnists dinkar joshi gujarati mid-day mumbai exclusive