વિચાર દેખાતો નથી પણ એ વિચારે જ આ સંસ્કૃતિનું સર્જન કર્યું છે

13 December, 2020 11:33 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

વિચાર દેખાતો નથી પણ એ વિચારે જ આ સંસ્કૃતિનું સર્જન કર્યું છે

કબીરવડઃ કબીરે ભોંયમાં ઉતારી લીધેલી દાતણની ચીર આજે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. આજે મૂળ કયું અને થડ કયું, શાખા કઈ અને પ્રશાખા કઈ એ કોઈ જાણતું નથી.

સંપત્તિ એટલે શું? આવું જો કોઈ પૂછે તો આંખ મીંચીને સોમાંથી નવાણું જણ હસીને કહી દેશે, સંપત્તિ એટલે સંપત્તિ. સંપત્તિમાં વળી શું પૂછવાનું હોય? ધન-ધાન્ય, બંગલા, મોટર, બૅન્ક- બૅલૅન્સ, શરીર પર લાગેલુ ઘરેણું આ બધું સંપત્તિ કહેવાય. દિવાળી કાર્ડ કે આવા વાર-તહેવારે શુભેચ્છા કાર્ડ લખીએ છીએ ત્યારે પરસ્પર શુભેચ્છાઓ આપીએ છીએ, આશીર્વચનો પણ આપીએ છીએ. આગામી વર્ષો ધન-ધાન્યથી ભરપૂર રહો. તિજોરીઓ સંપત્તિથી ફાટફાટ થાય.
સંપત્તિ એટલે શું?
આપણે સૌ પરસ્પરને સમૃદ્ધિ વધતી રહો એવી શુભેચ્છાઓ આપીએ છીએ. અહીં સમૃદ્ધિ એટલે ચેકથી જે નાણાં વટાવી શકાય છે એ સમૃદ્ધિ છે. રેતીના અફાટ રણમાં પુષ્કળ તરસ લાગી છે. ધોમધખતો સૂરજ માથા ઉપર છે. આ વખતે સોનાની એક લગડી કીમતી છે, પણ મૂલ્યવાન નથી. આ વખતે ઠંડા પાણીનો કુંજવો અનેકગણો વધુ કીમતી કહેવાય. કિંમત અને મૂલ્ય વચ્ચેનો સંબંધ સમજી લેવો જોઈએ. આજે શિક્ષણનો અર્થ વિદ્યાર્થી જ્ઞાન મેળવે એ નથી, ડિગ્રી મેળવે એ છે. ડિગ્રી મેળવ્યા પછી ક્યાં જૉબ મળશે, કેવડું પૅકેજ મળશે એ જ સ્તરે શિક્ષણનું મૂલ્યાંકન થાય છે. કોણ જાણે કેમ આજે વિચારને આપણે સમૃદ્ધિ કહેતા નથી. દુનિયામાં આજ સુધીમાં જે કાંઈ બન્યું છે અથવા જે બની રહ્યું છે, એ બધું જ કોઈને કોઈ એક માણસના વિચારો પર બનેલું છે. વાલ્મીકિ કે વ્યાસે જે વિચાર્યું એ આજે પાંચ હજાર વર્ષ પછી પણ વર્તન કે વ્યવહાર બનીને આપણને જિવાડી રહ્યું છે. કલ્પના કરો કે રામાયણ અને મહાભારત આ બે સંસ્કૃતિ ગ્રંથ આપણી રોજિંદી જિંદગીમાંથી નીકળી જાય તો શું રહે? આ પવિત્ર તીર્થસ્થાનો, આ ભવ્ય મંદિરો, આ બધાનો આકાર પહેલાં એક વિચારમાંથી આવ્યો છે. વિચાર દેખાતો નથી પણ એ વિચારે જ આ સંસ્કૃતિનું સર્જન કર્યું છે.
તમારો સમય બગાડ્યો
ટુચકા જેવો એક પ્રસંગ - કદાચ એ ટુચકો ન પણ હોય, ખરેખર પ્રસંગ પણ હોય, સાંભળવા જેવો છે. એક મુઠ્ઠી ઊંચેરા માણસને તેના મિત્રે કહ્યું - ‘આજે સાંજે પાંચ વાગ્યે આપણે અમુક તમુક જગ્યાએ મળીશું.’ બન્નેએ કબૂલ કર્યું. આ પછી પેલો મુઠ્ઠી ઊંચેરો માનવી તો સમયનો પાલક હતો. પુષ્કળ કામઢો હતો. આમ છતાં પેલા નિયત કરેલા સમયે તે બરાબર એ સ્થળે પહોંચી ગયો. પેલો મિત્ર આવ્યો નહોતો. આ માણસ માટે પ્રતીક્ષા કર્યા વિના છૂટકો નહોતો. પૂરા અડધા કલાક સુધી તે વાહનોની ભીડ જોતો રહ્યો. લોકોની નાસભાગ જોઈ રહ્યો. આ નાસભાગના સમયે તેમના ચહેરા ઉપરના ભાવ, આકાશમાં આમતેમ ગુલાંટ મારતાં વાદળાં, નજીકના સરોવરમાં ઊઠતા પાણીના તરંગો આ બધું જોતો રહ્યો. અડધા કલાકે પહેલા સજ્જન આવ્યા અને ક્ષમાભર્યા સ્વરે બોલ્યા- ‘મિત્ર, મને માફ કરજો. મેં તમારા અડધા કલાકનો સમય બગાડ્યો. અડધા કલાકમાં તમે ઘણું કામ કરી શક્યા હોત.’ પેલા મુઠ્ઠી ઊંચેરા માણસે મિત્રના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે મારે ડરવાની કોઈ જરૂર નથી. મેં અડધો કલાક અહીં ઊભા રહીને કામ જ કર્યું છે. સાંજના સમયે લોકોના ચહેરા ઉપર કેવા ભાવ હોય છે, એ ભાવ તરફ સાવ બેતમા સૂર્ય અને વાદળો આકાશમાં ગમ્મત કરતાં હોય છે. સરોવરમાં નાહી રહેલા નાના, નિર્દોષ અને નાગડા છોકરા કેવા બેફિકર હોય છે, આ બધું જોવા મળે એ સમયનો બગાડ ન કહેવાય. એમાંય તમે હજી જો મોડા આવ્યા હોત તો પેલો સૂર્ય આથમવા માંડ્યો હોત અને એ દૃશ્ય પણ કંઈ ઓછાં કીમતી ન કહેવાત. તમને આથમતા સૂર્યને જુએ કેટલા દિવસ થયા?’
પહેલા મિત્ર પાસે આનો કોઈ જવાબ નહોતો.
કામ એટલે કામ
વિચારબીજ એટલે કબીરવડ. એક વહેલી સવારે સેંકડો વર્ષ પહેલાં કબીર નામના એક તત્કાલીન દિવસોના મામૂલી માણસે વેંત એક લાંબું દાતણ કર્યું. દાતણની ચીર જમીનમાં ઊંડી ખોસી દીધી. આ દાતણની ચીર આજે ક્યાં હશે અને કઈ હશે એ કોઈ જાણતું નથી, પણ કબીરે ભોંયમાં ઉતારી લીધેલી દાતણની ચીર આજે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. આજે મૂળ કયું અને થડ કયું, શાખા કઈ અને પ્રશાખા કઈ એ કોઈ જાણતું નથી. સેંકડો એકરના વિસ્તારમાં વડનું એક વિશાળ વૃક્ષ ઊભું છે. કબીર કે દાતણની ચીર કશું જ દેખાતું નથી.
ઉપનિષદનું એક કથાનક આની સાથે સરખાવવા જેવું છે. ઋષિ શ્વેતકેતુના પુત્ર ઉદ્દાલક બાર વર્ષ સુધી ગુરુને ત્યાં ભણીને આવ્યો. પોતે બધું જ જ્ઞાન સંપાદન કર્યું છે એવા અભિમાન હેઠળ તેણે પિતાને કહ્યું, ‘પિતાજી, મેં બધું જ જ્ઞાન મેળવ્યું છે.’ પિતા સમજી ગયા કે પુત્ર અહંકારથી વાત કરી રહ્યો છે. તેમણે ધીમેથી કહ્યું, ‘પેલું સામે ઊભું છે એ વૃક્ષ કયું છે?’ પુત્રએ હસીને તુચ્છ ભાવે કહ્યું, ‘એમાં શું પૂછવાનું હોય, એ તો વડ છે.’ જવાબમાં પિતાએ કહ્યું, ‘એ વડનો એક ટેટો અહીં લઈ આવ બેટા.’ પુત્ર ટેટો લઈ આવ્યો એટલે પિતાએ કહ્યું, ‘આ વિશાળ વૃક્ષ આ ટેટાને કારણે થયું છે એ વાત ખરી છે?’ પુત્રએ કહ્યું, ‘હા પિતાજી, વૃક્ષના મૂળમાં તો આ ટેટો જ છે.’
‘અને એ તો દેખાતો નથી એ વાત ખરી છે?’ પિતાએ પૂછ્યું.
‘ક્યાંથી દેખાય?’ પુત્રે કહ્યું, ‘એ તો મૂળ બની ગયો છે.’
‘તો પછી એનો અર્થ એવો થયો મૂળ દેખાતું નથી. તું એ ટેટો તોડી નાખ અને પછી શું દેખાય છે એ જો.’
પુત્ર ટેટો તોડી નાખ્યો અને બોલ્યો, ‘અહીં તો એક સૂક્ષ્મ બીજ છે, પિતાજી.’
‘તો પછી એ બીજને તોડ્યા પછી તને કંઈ દેખાય છે?’
પુત્રે બીજ તોડી નાખ્યું પણ એમાં ખાલી અવકાશ સિવાય કંઈ નહોતું. તે બોલ્યો, ‘પિતાજી, આ બીજમાં તો કશું જ નથી.’
‘જે કશું જ દેખાતું નથી એમાંથી જ આ વિશાળ વૃક્ષ બન્યું છે. આ બ્રહ્માંડ પણ જે નથી દેખાતું એમાંથી બનેલું છે. જા, ગુરુ પાસેથી આ જ્ઞાન શીખી લે.’
સર્જન દૃશ્યમાન નથી. વિસર્જનના બિંદુમાંથી એ અવકાશને આંબે છે.

dinkar joshi columnists weekend guide