ભવિષ્ય એ જ દર્શાવે છે જે ભૂતકાળે જોયું છે

15 January, 2021 07:03 PM IST  |  Mumbai | Rashmin Shah

ભવિષ્ય એ જ દર્શાવે છે જે ભૂતકાળે જોયું છે

ભવિષ્ય એ જ દર્શાવે છે જે ભૂતકાળે જોયું છે

જો વાસ્તવવાદી બનવા માગતા હો તો તમારે મહાભારતના યુદ્ધવિરામ પછી સત્યની જીતની વાતના આત્મસંતોષ સાથે અટકવાને બદલે આગળ વધવું જોઈએ અને આગળ વધવા માટે મહાભારતના યુદ્ધ પછીનો આ પ્રસંગ સૌથી શ્રેષ્ઠ છે.
કૌરવોના વધ સાથે યુદ્ધ પૂર્ણ થયું અને પારાવાર પીડા વચ્ચે ભીષ્મએ પણ બાણશૈયા પર અંતિમ શ્વાસ લીધા. દેખીતી રીતે જે કંઈ જોઈતું હતું એ બધું મળી ચૂક્યું હતું અને એ પછી ગુમાવ્યાની યાદી પણ અઢળક લાંબી હતી. સૌકોઈ આ પોતાના હિસ્સામાં આવેલી ઉધારીનો હિસાબ માંડી રહ્યા હતા. ઉધારીનો હિસાબ અને નસીબમાં જમા થયેલું સુખ પણ હિસાબની સાથે વાંચવામાં આવી રહ્યું હતું. સુખ અને દુઃખની, ખુશી અને વેદનાની આ જે કોઈ જમાઉધારી હતી એણે દરેકના ચહેરા પર ગ્લાનિ પાથરવાનું કામ કરી દીધું હતું અને એ પછી પણ ગ્લાનિની માત્રા અર્જુનના ચહેરા પર વિશેષ નીતરી રહી હતી. સમગ્ર મહાભારતમાં કૃષ્ણએ અનેક રોલ કર્યા છે. તેમણે દ્રોપદી સાથેનો સખાધર્મ પણ નિષ્ઠાપૂર્વક બજાવ્યો અને જરૂર પડી ત્યારે અર્જુનને બચાવવાના હેતુથી, સત્યને ઉગારી લેવાની ભાવના સાથે કપટ પણ રમવાનું કામ કર્યું. જરૂર પડી ત્યારે સારથિ બની રથને હંકાર્યો અને જરૂરિયાત ઊભી થઈ ત્યારે યુદ્ધના મેદાનમાંથી રથને દૂર હંકારી જઈ કર્ણને છેતરવાનું કામ પણ કરી લીધું.
યુદ્ધ પછી વિષાદ વચ્ચે અર્જુનની આંખોમાં આંસુ હતાં ત્યારે કૃષ્ણની ભૂમિકા ભાઈબંધની બની ગઈ હતી. અર્જુન પોતાની છાવણીમાં ત્રસ્ત મન સાથે રડતો હતો ત્યારે કૃષ્ણ તેની પાસે આવ્યા. બન્ને વચ્ચેનો વાર્તાલાપ મહત્ત્વનો નથી પણ એ વાર્તાલાપનો સૂર અભિમન્યુ હતો. એ અભિમન્યુ જે પાંચ પાંડવોના તમામ પુત્રોમાં સૌથી લાડકો હતો અને એ અભિમન્યુ જે અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સાતેસાત કોઠા વીંધીને અંદર ઘૂસી ગયો હતો. કોઠામાં અંદર દાખલ થવાનું જ્ઞાન અભિમન્યુને તેની ગર્ભાવસ્થા દરમ્યાન મળ્યું હતું જે સૌકોઈ જાણે છે અને મા સૂઈ ગઈ એટલે ગર્ભાધાન દરમ્યાન એ કોઠા કેવી રીતે વિચ્છેદ કરીને એ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું એ અભિમન્યુના કાન સુધી પહોંચ્યું નહીં એ પણ સૌકોઈ જાણે છે.
‘જે દીકરાની સાથે આખી જિંદગી જીવી લઈશ એ દીકરાને તેના અંતિમ શ્વાસ દરમ્યાન એક વાર પણ મળવા ન મળ્યું...’ અર્જુનનો વિષાદ વાજબી હતો, ‘ગોવિંદ એક વખત, માત્ર એક વખત મને અભિમન્યુને મળવું છે.’
‘જે નસીબવંત નથી તેને મળીને શું મેળવીશ પાર્થ?’
‘સાંત્વના...’
‘સાંત્વનાથી શું પામશે?’
‘સધિયારો... આશ્વાસન.’ કૃષ્ણએ નનૈયો નહોતો ભણ્યો એટલે અર્જુનની જીદ અકબંધ રહી, ‘મળી લેવાથી મનનો ભાર હળવો થઈ જશે... જીવનનાં હવે પછીનાં વર્ષો પર કોઈ ભાર નહીં રહે.’
‘જીવન ક્યારેય ભારવિહીન નથી હોતું પાર્થ... ભાર આપવો એ તો જીવનનું કર્તવ્ય છે. કેવી રીતે તું એને કર્તવ્યવિહીન કરવા માગે છે?’
કૃષ્ણને સૌથી વધુ સારી રીતે જો કોઈએ ઓળખવાનો પ્રયાસ કર્યો હોય તો એ અર્જુન હતો. શબ્દોની રમત અને વાણીનો વૈભવ પાથરવામાં કૃષ્ણની ઉસ્તાદી સમગ્ર મહાભારતકાળ દરમ્યાન અર્જુને જોઈ હતી. અત્યારે એ રમત અને એ વૈભવમાં અર્જુન ફસાવા નહોતો માગતો.
‘મને બીજી કોઈ ચર્ચા ન જોઈએ ગોવિંદ... તું એક વાર, માત્ર એક વાર મને અભિમન્યુને મેળવી આપ. મારે એક વાર, માત્ર એક વાર અભિમન્યુને મળવું છે...’
‘મળવું અને એક વાર મળવું એ બન્ને વચ્ચે તફાવત છે પાર્થ...’ અકળ સ્મિત સાથે કૃષ્ણે અર્જુનની સામે જોયું, ‘એક વાર મળ્યા પછી બની શકે કે તને કાયમ માટે એ મેળાપનો અફસોસ રહી જાય.’
‘અત્યારે જે પ્રાયશ્ચિત્ત મારા મનને ફોલી ખાય છે એના કરતાં મળ્યા પછી આવનારો નવેસરનો વિરહ મને
મંજૂર છે.’
નવા તર્ક અને નવી દલીલો લડાવ્યા વિના કૃષ્ણ અર્જુનને એક ઘનઘોર જંગલ વચ્ચે લઈ આવ્યા. જંગલમાં ઠેર-ઠેર વિકરાળ પ્રાણી અને ચિત્રવિચિત્ર પક્ષીઓનો કલરવ ચાલુ હતો. એક જગ્યાએ આવીને કૃષ્ણ ઊભા રહ્યા અને તેમણે અર્જુનને જમીન પર બેસવાનો ઇશારો કર્યો. અર્જુને પલાંઠી જમાવી દીધી પણ તેના મનમાં રહેલો સંશય અકબંધ હતો.
‘પાર્થ, મારે અભિમન્યુને
મળવાનું છે...’
જવાબ વિના જ નવી સૂચના આવી.
‘સામે જો...’
સામે આંબાનું ઝાડ હતું. અર્જુનની આંખો એ ઝાડ પર સ્થિર થઈ કે તરત જ બીજો આદેશ આવ્યો.
‘ઉપર જો...’
અર્જુને ઉપરની દિશામાં નજર કરી. ઉપર એક ડાળ હતી અને એ ડાળ પર એક પોપટ બેઠો હતો.
‘પાર્થ, આ જ તારો અભિમન્યુ છે...’
અર્જુનની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા માંડી. અઢળક, મબલક અને ચોધાર આંસુ. અર્જુને એ જ આંસુ વચ્ચે જ અભિમન્યુને ફરિયાદ કરી: ‘જો આમ જ, આમ જ તારે ચાલ્યા જવું હતું તો પછી શું કામ તું મારી જિંદગીમાં આવ્યો? શું કામ તેં માયા લગાડી, શું કામ... શું કામ તેં સૌનાં દિલ જીત્યાં અને શું કામ તેં અમને સૌને છોડ્યા. જવાબ આપ અભિમન્યુ, તું જવાબ આપ... કોણ સાચવશે તારી માને હવે? કોણ દરરોજ મારી પાસે આવીને લાડ સાથે મને વળગશે, કોણ હવે ઘોડેસ્વારી કરવા જવાની જીદ કરશે... તું જ કહે, કોણ હવે મારો બુઢાપો તારવશે... કોણ હવે મને અગ્નિદાહ આપશે?’
અર્જુનના આ વલોપાતને પોપટે તો ગણકાર્યો પણ નહોતો. એ તો મસ્ત રીતે ચાંચ મારીને કેરી ખાવામાં વ્યસ્ત હતો. આરામથી એ કેરી ખાય અને અર્જુન પોતાનો વલોપાત કર્યા કરે. વલોપાત અકબંધ હતો અને એ અકબંધ વલોપાત વચ્ચે જ પોપટનું પેટ ભરાઈ ગયું. પોપટે કેરીને ચાંચ મારવાનું બંધ કરીને અર્જુનની સામે જોયું.
‘તારા વિના હવે મારું જીવન કેમ વીતશે અભિમન્યુ, કેવી રીતે હું મારાં બાકીનાં વર્ષો જીવીશ?’
‘એય બસ હવે, ચૂપ મર...’ પોપટના ખોળિયામાંથી અભિમન્યુનો અવાજ આવ્યો, ‘સાલા નપુંસકની જેમ શું દેકારો કરે છે? સાત જન્મ સુધી આમ જ મેં હૈયાફાટ રૂદન કર્યું પણ તું તારા આ બાપ માટે રોકાયો કે હું તારા માટે રાહ જોઈને બેસી રહું?’
અર્જુનની આંખો ખૂલી ગઈ. અર્જુનના જીવનનું એ બ્રહ્મજ્ઞાન હતું. અગાઉના સાત જન્મ અભિમન્યુ તેનો પિતા હતો અને આ આઠમા જન્મે બાપ બનવાની કમનસીબી અર્જુનના નસીબમાં અંકાઈ હતી. નસીબમાં અંકાયેલી કમનસીબી ત્યારે જ સમજાય જ્યારે પરિસ્થિતિ પલટવાર કરીને અવળી દિશામાં બેસી જાય. આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાનું જ્ઞાન હોવું જોઈએ. શાયર જાંનિસાર અખ્તરે કહ્યું છે : ધીરે ચલ રાહી, રાહ કો તકલીફ હો રહી હૈ.
અર્જુનનું બ્રહ્મજ્ઞાન એ સમસ્ત સૃષ્ટિનું જ્ઞાન છે. છોડીને જશો તો દુઃખ પારાવાર થશે પણ જે સમયે ખબર પડશે કે અગાઉ આપણે પણ એ જ કૃત્ય કરી ચૂક્યા છીએ તો વાસ્તવિકતા સમજાઈ જશે. અહીં તો વાત મોતની છે પણ જો આ જ વાત સાથની બનીને ઊભી રહેવાની હોય અને તમે ઇચ્છતા હો કે કોઈ તમને છોડીને જાય નહીં તો એક વખત પીઠ પાછળ નજર કરીને જોઈ લેવું, ભૂતકાળ તમારા નામે તો આવું કૃત્ય દર્શાવતો નથીને?
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Rashmin Shah columnists