ગંદવાડનું ફૂલ : કટ્ટરવાદ

22 November, 2020 08:51 PM IST  |  Mumbai | Dinkar Joshi

ગંદવાડનું ફૂલ : કટ્ટરવાદ

ગંદવાડનું ફૂલ : કટ્ટરવાદ

ઘણા મિત્રો પ્રેમભરી વાતચીતમાં પરસ્પર માટે ‘સાલા’ શબ્દ વાપરે છે. આ સાલા શબ્દ તેમને મન સહજ છે. વાસ્તવમાં આ સાલા શબ્દ સંબંધ દાવે સાળાનું વ્યવહારિક રૂપ છે. સાળો શબ્દ એક રીતે ગાળ છે. પત્નીનો ભાઈ એટલે સાળો. આ સાળો જ્યારે ઉત્સાહી મિત્રો પરસ્પર સાલા કહીને સંબોધે ત્યારે અજાણ્યો અર્થ એવો જ થાય છે કે એ મિત્રની બહેન પોતાની પત્ની હોય. હવે જો આ અર્થ સમજાઈ જાય તો પછી આ શબ્દ લાડભર્યો ગણાય ખરો? આમ છતાં આ શબ્દ વ્યવહારિક ભાષામાં એવો અને એવો અડીખમ રહેવાનો. આ શબ્દને સહજતાથી વળગી રહેનારો કટ્ટરવાદી કહેવાય ખરો?
કટ્ટરવાદ એટલે બુદ્ધિમત્તાનો લય
આ કટ્ટરવાદી શબ્દ આજકાલ ખૂબ પ્રચલિત થયો છે. હકીકતે પોતાની માન્યતામાં જડબેસલાક ચુસ્તીથી વળગી રહેનારા એટલું જ નહીં, એ વિષયમાં બીજાની એક પણ માન્યતાનો સ્વીકાર નહીં કરનારા કટ્ટરવાદી કહેવાય. તમારી માન્યતાને વળગી રહો ત્યાં સુધી તમે ગુનેગાર નથી. બીજાની માન્યતાનો તિરસ્કાર કરવો, જરૂર પડે એને હડસેલી કાઢવી, આવું અસભ્ય વલણ એ કટ્ટરવાદ છે. તમે સામેવાળાની માન્યતા ન સ્વીકારો અને તમારી માન્યતાને જ ચુસ્તીથી વળગી રહો એ કટ્ટરવાદ છે. આમાં બુદ્ધિમત્તાનો લય થાય છે.
અદ્ભુત અજ્ઞાનનું બીજું નામ કટ્ટરવાદ
આચાર્ય રજનીશ તેમનાં વ્યાખ્યાનો માટે ખ્યાતનામ છે. આફ્રિકાના અંધારિયા પ્રદેશના કોઈક છેવાડાના દેશ વિશે તેમણે એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે આ દેશમાં લોકો ૧૭મી અને ૧૮મી સદી સુધી નિર્વસ્ત્ર પશુની જેમ વસતા હતા. તેઓ સંપૂર્ણ માણસ હતા, પણ માણસાઈનું કોઈ પણ લક્ષણ તેઓ જાણતા નહોતા. વર્ષોવર્ષ તેમની પ્રજોત્પત્તિ વધતી હતી, પણ આ પ્રજોત્પત્તિ કેમ થાય છે એની તેમને મુદ્દલ જાણ નહોતી. મૈથુનની પ્રક્રિયાથી તેઓ અજાણ નહોતા. સ્ત્રી-પુરુષ દૈહિક સંબંધનો તેઓ એક જાનવરની જેમ જરૂરિયાત પૂરતો ઉપયોગ કરી લેતા. બહારની દુનિયાના લોકો જ્યારે ત્યાં ગયા ત્યારે હેરત પામ્યા. તેમણે આ જંગલી માણસોને વસ્ત્ર પહેરતાં શીખવાડ્યું, સ્નાન કરતાં શીખવાડ્યું અને પોતાના વેપારના લાભ માટે કાળી મજૂરી કરતાં શીખવાડ્યું. પણ જ્યારે તેમણે જાણ્યું કે પ્રજોત્પત્તિ થતી હોવા છતાં દૈહિક પ્રક્રિયાને એની સાથે સંબંધ છે એ જાણતા જ નથી ત્યારે એ મૂળ વાત તેમને સમજાવવી ભારે મુશ્કેલ બની ગઈ હતી. આદિવાસીઓ આ પરદેશી માણસોની ખોરાક, વસ્ત્ર, દવા આ બધી વાત શીખી રહ્યા હતા પણ મૈથુન વિષેની આ સમજણ સ્વીકારવા તૈયાર નહોતા. પ્રજોત્પત્તિ એ પરમેશ્વરની દેણ છે અને માણસે એમાં કશું જ કરવાનું હોતું નથી એવો ભયાનક કટ્ટરવાદ તેમણે સેવ્યો હતો. આ વાત તેમને સમજાવવાની જો કોઈ સુધરેલો માણસ સહેજ પણ કોશિશ કરતો તો તે ભયાનક ઝનૂની થઈ જતા. આ વાત ઈશ્વરના પ્રદેશમાં હસ્તક્ષેપ છે એવું માનતા. આમ કોઈ પાપ નહોતું, પ્રશ્ન માત્ર માન્યતાનો હતો, પ્રશ્ન માત્ર અજ્ઞાનતાનો હતો, પ્રશ્ન માત્ર સમજણનો હતો. પણ વાસ્તવિક સ્વરૂપે એ ધાર્મિક કટ્ટરવાદ જ હતો.
હું સાચો અને મારી વાત સાચી છે
કટ્ટરવાદ એટલે બીજું કંઈ નહીં માત્ર અજ્ઞાન જ છે. હું સાચો અને મારી વાત જ સાચી કટ્ટરવાદનું આ પાયાનું સૂત્ર છે. આમ મારી માન્યતા પછી એ ધર્મની હોય કે પછી કોઈ પણ હોય, પણ મેં સ્વીકારી છે એટલે જેવીતેવી મામૂલી તો હોય જ નહીં એવો અહંકાર પણ છે. અહંકાર દરેક માણસમાં હોય છે. માણસના હાથ-પગ કાન-નાક બધા અવયવો જોઈ શકાય છે અને દરેકમાં હોય છે. એ જ રીતે અહંકાર દરેક માણસમાં હોય છે પણ જોઈ શકાતો નથી. અહંકારનું દર્શન માત્ર તેના વર્તન ઉપરથી થાય છે. માણસ કોઈ પણ ભોગે પોતાના અહંકારને લેશ પણ જતો કરવા તૈયાર નથી હોતો. પરિણામે અહંકારનું સ્વરૂપ કટ્ટરવાદ બની જાય છે.
કટ્ટરવાદ રૂડો રૂપાળો પણ છે?
આજકાલ જાહેર સભાઓમાં, સેમિનારોમાં, અખબારી લેખોમાં અને પરસ્પર મંત્રણાઓમાં કટ્ટરવાદ શબ્દ છૂટથી વપરાય છે. અહીં દરેક વક્તા પોતાના સિવાય બીજા સૌને કટ્ટરવાદી બતાવવાનો સંકેત આપતો હોય છે. ઘોર હિંસા અને અપાર અસહિષ્ણુતા વચ્ચે ગળાબૂડ સ્નાન કરનારાઓ નિર્લજ્જતાથી કાંઠે ઊભેલાને આ સ્નાનની પવિત્રતા માણતા નથી એવી ગાળો આપે છે. કટ્ટરવાદ માણસ-માણસ વચ્ચે વિભાજન કરે છે અને બૌદ્ધિક કક્ષાએ કંઈ પણ સમજુતી રહેતી નથી. એ જાણતા હોવા છતાં આ કટ્ટરવાદીઓ આફ્રિકાના અંધારિયા ખંડના નાગોડિયા જંગલી મનુષ્યની જેમ વર્તન કરે છે. આફ્રિકન નાગોડિયાઓને પેલી પ્રક્રિયા સમજાવી શકાતી નથી. એ રીતે આધુનિક કટ્ટરવાદીઓ પણ કટ્ટરવાદના કુરૂપને જોઈ શકતા નથી. આથી ઊલટું તેઓ કટ્ટરવાદ કેવો રૂપાળો છે, કેવું પરમ સત્ય છે અને માણસ માત્રએ કટ્ટરવાદી બનીને ધર્મ અને પરમાત્માનો આદેશ સ્વીકારવો જોઈએ એવું કહેતા હોય છે. કટ્ટરવાદ કોઈ પણ કક્ષાએ રૂપાળો બની શકે નહીં. કુટુંબમાં, વર્ગખંડમાં, વ્યવસાયમાં કે અન્ય વ્યવહારમાં કટ્ટરવાદ કુરૂપ છે અને રૂપાળો બનાવી શકાય જ નહીં.
જય શ્રીકૃષ્ણ અને જય જિનેન્દ્ર
થોડા સમય પહેલાં એક બગીચામાં ફરવા જવાનું થયું હતું. લગભગ પંચોતેર વર્ષની ઉંમરના એક વૃદ્ધ મળી ગયા. તેમની સાથે બે-બે ત્રણ-ત્રણ વર્ષના બે પૌત્ર બાબાગાડીમાં હતા. આ વૃદ્ધજન મારા પરિચિત હતા એટલે અમે પરસ્પર થોભ્યા અને ખબર અંતર પૂછ્યા. બાબાગાડીમાં બેઠેલાં બન્ને બાળકો હાથ ઊંચા કરીને કિકિયારી કરતાં હતાં. મેં બાળકોના ગાલ ઉપર હેતભરી ટપલી મારી અને પછી કહ્યું - ‘બેટા, જે-જે કરો.’ આમ કહીને મેં તેમને મારા હાથ જોડીને જય-જય કેમ કરાય એ બતાડ્યું. તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. મારી સામે વિસ્મયથી જોઈ રહ્યાં. મેં તેમના હાથ પકડીને ફરી વાર કહ્યું - ‘બેટા, જય શ્રીકૃષ્ણ કરો.’ આ વખતે પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. હવે પેલા વૃદ્ધ હસીને બોલ્યા - ‘તે જય શ્રીકૃષ્ણ નહીં બોલે, તે જય જિનેન્દ્ર કહેશો તો જ બોલશે. અમારા ઘરમાં જય જિનેન્દ્ર જ બોલાય છે.’ આટલું કહીને તેમણે બાળકોને કહ્યું. બન્ને બાળકો હાથ ઉછાળીને બોલ્યાં, જય જિનેન્દ્ર!
કટ્ટરવાદ ક્યાંય બહાર નથી
કટ્ટરવાદ ઇસ્લામમાં નથી, ખ્રિસ્તીઓમાં નથી, ઈરાન, ઇરાક, તુર્કસ્તાનમાં અને પાકિસ્તાનમાં નથી; આપણા ઘરમાં છે, આપણી શેરીમાં છે, આપણા વ્યવહારમાં છે. અરે! મંદિરે જતી વખતે દર્શનમાં પણ છે. એને શી રીતે હટાવીશું? કટ્ટરવાદ ગંદવાડનું ફૂલ છે અને આજકાલ સંખ્યાબંધ માણસો આ ફૂલ હાથમાં લઈને ઉકરડા પર બેઠા હોય છે.

weekend guide columnists dinkar joshi