કાચના રંગીન ટુકડાઓની હકીકત

27 June, 2020 10:02 PM IST  |  Mumbai | Raj Goswami

કાચના રંગીન ટુકડાઓની હકીકત

હકીકત

ચીનનું યુદ્ધ પંડિતજીની નાલેશી હતું. ચીન સાથે તેમણે શાંતિ અને સહયોગનો એક મહેલ ઊભો કર્યો હતો અને એ તેમની આંખ સામે જ ધસી પડ્યો હતો. એ દિવસોમાં નેહરુ બહુ એકલવાયા થઈ ગયા હતા. નેહરુના આંતરરાષ્ટ્રીય મિત્રો મદદે આવ્યા નહોતા, ઘરઆંગણે તેમની થૂથૂ થતી હતી. ચીનનું યુદ્ધ જવાહરલાલ નેહરુનું બ્લન્ડર ગણાતું હતું.

ભારત-ચીન વચ્ચે ૧૯૬૨માં થયેલા યુદ્ધ પર અત્યાર સુધીમાં ૬ ફિલ્મો બની છે. ૧૯૬૩માં શિવાજી ગણેશનની તામિલ ‘રથા થીલંગમ’ (રક્ત-તિલક) પહેલી ફિલ્મ. એ પછી ચેતન આનંદે બનાવેલી ‘હકીકત’ ૧૯૬૪માં આવી. ૨૦૧૭માં સલમાન ખાનને લઈને કબીર ખાને ‘ટ્યુબલાઇટ’ બનાવી હતી. ૨૦૧૮માં પંજાબી ફિલ્મ ‘સૂબેદાર જોગિન્દર સિંહ’ આવી હતી. એ જ વર્ષે જે. પી. દત્તાની ‘પલટન’ આવી. એ પછી ૨૦૧૯માં ‘72 અવર્સ’ આવી હતી, જેમાં રાઇફલમૅન જશવંત સિંહ રાવતની શહીદીની કહાની હતી.
એમાં ચેતન આનંદની ‘હકીકત’ સૌથી શ્રેષ્ઠ યુદ્ધ-ફિલ્મ છે. એ ખાલી ફિલ્મ જ નહોતી, દેશની ચેતનાને પ્રભાવિત કરનારી ઘટનાનો એક સાંસ્કૃતિક દસ્તાવેજ છે. યુદ્ધ-ફિલ્મ કોને કહેવાય એનો પરિચય ચેતન આનંદે આપ્યો હતો. હૉલીવુડમાં બહેતરીન યુદ્ધ-ફિલ્મો બની છે, કારણ કે પશ્ચિમની દુનિયાને આધુનિક યુદ્ધોનો સારોએવો અનુભવ છે, ખાસ કરીને બે વિશ્વયુદ્ધોમાં. હૉલીવુડમાં છેક ૧૯૩૦માં ‘ઑલ ક્વાઇટ ઑન વેસ્ટર્ન ફ્રન્ટ’ (એ જ નામની ક્લાસિક નવલકથા પરથી) ફિલ્મ આવી હતી, જેમાં એક યુવાન સૈનિકના યુદ્ધના મોહભંગની કહાની હતી.
અગાઉ ભારતના સૈનિકોએ અનેક યુદ્ધોમાં ભાગ લીધો હતો, પણ ૧૯૬૨માં પૂરા દેશનું યુદ્ધ પહેલું હતું અને એમાં કારમી હાર થઈ હતી. ચેતન આનંદે ‘હકીકત’ને પંડિત જવાહરલાલ નેહરુને અર્પણ કરી હતી, પરંતુ ભારતીય સૈનિક અને રાજકીય નેતાગીરીએ ક્યાં અને કેવી ભૂલો કરી હતી એનો ઈમાનદાર ચિતાર હતો. ‘હકીકત’ એના અસલી લોકેશન અને યુદ્ધની ક્રૂર વાસ્તવિકતા કેવી હોય એને કોઈ ભાવનાત્મક ઉશ્કેરાટ વિના રજૂ કરવા માટે યાદગાર છે.
આનંદબંધુઓ (દેવ અને વિજય)માંથી સૌથી મોટા ચેતન આનંદે તેમની ૫૦ વર્ષની કારકિર્દીમાં ૫૦ ફિલ્મો અને એક ટેલિસિરિયલ ‘પરમવીર ચક્ર’ બનાવી હતી. ફિલ્મો ખાસ ચાલી નહોતી, પણ સાર્થક અને સૉફિસ્ટિકેટેડ ફિલ્મસર્જક તરીકે (નીચા નગર, હીર રાંઝા, હંસતે જખ્મ, કુદરત) હિન્દી સિનેમામાં તેમણે નામ કાઢ્યું હતું. ટેબલ પર બેસાય કેવી રીતે, વાત કેવી રીતે કરાય, ખાવાનું કેવી રીતે ખવાય એ બધું ચેતન આનંદે નાના ભાઈ દેવ આનંદને શીખવાડ્યું હતું. જેને ‘દેવ આનંદ-સ્ટાઇલ’ કહે છે એ ચેતનભાઈ તરફથી આવી હતી.
મૂળ લાહોરના ઍડ્વોકેટ પિશોરીલાલ આનંદના દીકરા ચેતન આનંદ ગુરુકુળ વિશ્વવિદ્યાલયમાં હિન્દુ શાસ્ત્રો અને લાહોર કૉલેજમાંથી અંગ્રેજી ભણ્યા હતા. એ પછી બીબીસીમાં કામ કરીને દેહરાદૂનમાં દૂન સ્કૂલમાં શિક્ષક બન્યા હતા. ઇતિહાસ ભણાવતા હતા એટલે તેમણે સમ્રાટ અશોક પર એક પટકથા લખી હતી અને મુંબઈમાં ડિરેકટર ફણી મઝમદારને એ બતાવવા ગયેલા. એમાંથી રસ્તો સિનેમા તરફ ફંટાયો હતો.
તેમની પહેલી ફિલ્મ ‘નીચા નગર’ (૧૯૪૬) જેમાં ઊંચાઈ પર રહેતો એક સમૃદ્ધ જમીનદાર નીચાણમાં રહેતા ગામવાસીઓ પર ગંદું પાણી છોડે છે અને તેની સામે અંદોલન કરે છે એવી કહાની હતી. ઍક્ટ્રેસ કામિની કૌશલનું આ ફિલ્મથી આગમન થયેલું. તેમની પાછળ દેવ આનંદ મુંબઈમાં હીરો બન્યા એટલે બન્ને ભાઈઓએ ખુદની કંપની નવકેતન ફિલ્મ્સ શરૂ કરી. નવકેતનની સુપરહિટ ‘ગાઇડ’નું ચેતન આનંદ જ નિર્દેશન કરવાના હતા, પણ ભારત સરકાર તરફથી એ જ વખતે ‘હકીકત’ને લદાખમાં શૂટ કરવાની પરવાનગી મળી એટલે ‘ગાઇડ’ને વિજય આનંદે હાથમાં લીધી.
ઍક્ટર અનુ કપૂર ‘હકીકત’ની એક દિલચસ્પ કહાની કહે છે. ૧૯૬૨ના ક્રિસમસના દિવસોમાં ચેતન આનંદ એક ફિલ્મ માટે ક્યાંકથી ૨૫,૦૦૦ રૂપિયાની લોન મળી જાય એના ચક્કરમાં હતા. ચેતન આનંદનાં પત્ની ઉમા (જેઓ એક પત્રકાર-લેખક હતાં અને ‘નીચા નગર’માં હિરોઇન હતાં)ની એક બહેનપણી અમેરિકન એમ્બેસીમાં કામ કરતી હતી. તેને ખબર પડી કે આનંદને રૂપિયા જોઈએ છે. તેણે ઉમાને કહ્યું કે મારા મામા પ્રતાપસિંહ કૈરો પંજાબના મુખ્ય પ્રધાન છે તેમની મદદ લઈએ.
એવી રીતે ચેતન આનંદ અને મુખ્ય પ્રધાનની મુલાકાત ગોઠવાઈ. ૧૯૬૨ના યુદ્ધમાં કૈરોએ તમામ પંજાબવાસીઓને રક્તદાન અને ધનદાન કરવા તૈયાર કર્યા હતા. ૫૦ની ઉંમરથી નીચેના તમામ પ્રધાનો અને ધારાસભ્યોને સક્રિય સેવા આપવા તૈયાર કર્યા હતા. તમામ સ્કૂલોમાં સૈનિક તાલીમ શરૂ કરવામાં આવી હતી. બે લાખ જેટલી મહિલાઓને નાગરિક સંરક્ષણ, હોમગાર્ડ્સ અને રક્ષાદળ માટે તૈયાર કરવામાં આવી હતી.
ચેતન આનંદ મળ્યા તો મુખ્ય પ્રધાને કહ્યું, ‘પુત્તર, ૧૯૬૨ના ચીનના યુદ્ધમાં આપણા પંજાબના ઘણા જવાન શહીદ થયા છે. તું તેમની શહીદી પર ફિલ્મ બનાવ.’ આનંદે કહ્યું કે, ‘શહીદો પર બનેલી ફિલ્મ કોણ જુએ અને એમાં કોણ પૈસા રોકે?’ કૈરોએ કહ્યું, ‘તું જો શહીદો પર ફિલ્મ બનાવે તો આખું પંજાબ તારા પડખે ઊભું રહેશે, બોલ, કેટલું બજેટ થાય?’ ‘વાર્તા લઈને આવું છું’ કહીને ચેતન આનંદ એ દિવસે રવાના થઈ ગયા.
તેમણે બીજી મુલાકાતમાં ‘હકીકત’ની કહાની સંભળાવી, પણ એવું કહ્યું કે ‘એને અસલી લોકેશન પર ફિલ્માવવી પડે અને બહુ ખર્ચો આવે.’ ‘કેટલો?’ ‘૧૦ લાખની આસપાસ.’ ‘બસ?’ મુખ્ય પ્રધાને તાત્કાલિક પંજાબના નાણાસચિવને ૧૦ લાખ રૂપિયાનો ચેક આપવાની વાત કરી. ચેતન આનંદ મીટિંગમાંથી ઊઠ્યા ત્યારે હાથમાં ચેક હતો. જાણે એ નવા વર્ષની ગિફ્ટ હતી. આનંદ ૨૫,૦૦૦ રૂપિયા માટે ચક્કર કાપતા હતા અને હવે ૧૦ લાખ રૂપિયાનો ચેક હાથમાં હતો. ઉપરથી સરકારનો સહયોગ પણ હતો. ચેતન આનંદે ‘હકીકત’ને પૂરી લગનથી બનાવી અને ભાવિ પેઢી જેને ભારત-ચીન યુદ્ધની કોઈ સ્મૃતિ નથી તેમને માટે આ ફિલ્મ એક જીવંત સંદર્ભ બની ગઈ.
કહે છે કે પંડિત નેહરુ પણ ઇચ્છતા હતા કે ચીન સામેના યુદ્ધમાં ભારતે જે બહાદુરીથી મુકાબલો કર્યો હતો એની લોકોને ખબર પડે. તેમણે અસલી લોકેશન્સ પર ફિલ્મને શૂટ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. ચીનનું યુદ્ધ પંડિતજીની નાલેશી હતું. ચીન સાથે તેમણે શાંતિ અને સહયોગનો એક મહેલ ઊભો કર્યો હતો અને તે તેમની આંખ સામે જ એ ધસી પડ્યો હતો. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર લખે છે કે એ દિવસોમાં નેહરુ બહુ એકલવાયા થઈ ગયા હતા. નેહરુના આંતરરાષ્ટ્રીય મિત્રો મદદે આવ્યા નહોતા, ઘરઆંગણે તેમની થૂથૂ થતી હતી. ચીનનું યુદ્ધ નેહરુનું બ્લન્ડર ગણાતું હતું.
‘હકીકત’ ફિલ્મ એમાં ઉત્સાહના કિરણ જેવી હતી. ફિલ્મમાં ભારતીય સેનાની એક ટુકડી લદાખના પહાડી ઇલાકામાં તહેનાત છે. એનો કૅપ્ટન બહાદુર સિંહ (ધર્મેન્દ્ર) અંગ્મો (પ્રિયા રાજવંશ) નામની એક લદાખી છોકરીના પ્રેમમાં પડે છે. બહાદુર સિંહ અંગ્મોના ભાઈ સોનમને તેનો સાથી બનાવે છે, જેનું સૈનિક બનવાનું સપનું છે. કાશ્મીર અને લદાખની મુલાકાતે આવેલા બહાદુર સિંહના પિતા, બ્રિગેડિયર સિંહ (જયંત)ને સંદેશો મળે છે કે સીમા પર ચીની સૈનિકોએ ચૂપચાપ ઘૂસણખોરી શરૂ કરી છે. બ્રિગેડિયર મેજર રણજિતસિંહ (બલરાજ સહાની) અને બહાદુર સિંહને આદેશ આપે છે કે તેઓ જવાનો સાથે મોરચા પર જઈને પોસ્ટ્સની રક્ષા કરે. એમાંથી યુદ્ધની શરૂઆત થાય છે.
ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે જ પંડિતજીનું અવસાન થયું. ચેતન આનંદ એનાથી દુખી થઈ ગયા હતા, પણ પછી તેમણે નેહરુની અંતિમયાત્રાના દૃશ્યને પણ ફિલ્મના અંતમાં જોડી લીધું હતું. ફિલ્મમાં એ વાસ્તવિક દૃશ્યો પણ છે જ્યારે યુદ્ધનાં બે વર્ષ પહેલાં ચીનના વડા પ્રધાન ચાઉ એનલાઇ ભારત આવ્યા હતા અને ‘હિન્દી-ચીની ભાઈ-ભાઈ’નું નાટક રચી ગયા હતા. ફિલ્મમાં આ ‘ભાઈ-ભાઈ’ના નારાને પણ સામેલ કરવામાં આવ્યો હતો. ફિલ્મની શરૂઆતમાં જ ચેતન આનંદે જાહેરાત મૂકી હતી ઃ ‘આ ફિલ્મ પૂરી વિનમ્રતા સાથે સ્વર્ગીય જવાહરલાલ નેહરુને સમર્પિત છે, જે આ પ્રકારના પ્રયાસો માટે કાયમ પ્રેરણાનો સ્રોત રહ્યા અને આજે પણ છે.’
ફિલ્મનું સૌથી મજબૂત પાસું એની વાસ્તવિકતા છે. ચેતન આનંદે બહુ મહેનત કરીને પહાડી ઇલાકા, મિલિટરી પાર્શ્વભૂમિ અને સ્થાનિક નાગરિકોના જીવનને અસલ સ્વરૂપમાં પેશ કર્યું હતું. પાત્રોને પણ ચેતન આનંદે બહુ અસલી લોકો તરીકે બનાવ્યા હતા. ‘હકીકત’ની કક્ષાની બીજી અસલી સૈનિક ફિલ્મ ૧૯૯૭માં જે. પી. દત્તાની ‘બૉર્ડર’ હતી, જે ૧૯૭૧ના પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત હતી.
એ ઉપરાંત ‘હકીકત’ એનાં બહેતરીન ગીતો માટે પર યાદગાર છે. એ માત્ર યુદ્ધ-ફિલ્મ નહોતી, માનવીય સંવેદનાઓની અભિવ્યક્તિ પણ હતી. ફિલ્મમાં એક સિપાઈ રામસિંહ છે. એ તેની પ્રેમિકા સાથે ઝઘડીને મોરચા પર આવ્યો છે અને હવે પત્રની રાહ જુએ છે. દર વખતે ટપાલી આવે અને દર વખતે તેને નિરાશા મળે. સિપાઈઓ તેના પત્ર પર શરત પણ મારે છે. એવામાં રામસિંહ મોહમ્મદ રફીના કંઠે ‘મૈં યે સોચ કર ઉસકે દર સે ઊઠા થા કિ વો રોક લેગી, મના લેગી મુઝકો’ ગાય છે. જાદુઈ ગીત છે.
સૈનિક જ્યારે ભૂખ્યા-તરસ્યા મોરચા પરથી પાછળ હટી રહ્યા હોય છે, આર્મી બેઝ સાથે સંપર્ક તૂટી ગયો હોય છે અને પરિવારના લોકો તેમને મરી ગયાનું માની રહ્યા હોય છે ત્યારે કૈફી આઝમીના શબ્દો અને મદન મોહનના સંગીતમાંથી મન્ના ડે-ભૂપેન્દ્રનું એક ગીત આવે છે ઃ ‘હો કે મજબૂર મુઝે ઉસને ભુલાયા હોગા.’ એક સૈનિકની પીડાનું આ સર્વશ્રેષ્ઠ ગીત છે. લતા મંગેશકરના અવાજમાં બેહદ રોમૅન્ટિક ગીત ‘જરા સી આહટ હોતી હૈ, તો દિલ સોચતા હૈ કિ તુમ હો...’ આજે પણ યાદગાર છે. એ બધામાં મોહમ્મદ રફીનું ‘કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથિયોં’ રાષ્ટ્રભક્તિનાં ગીતોમાં આજે પણ અવ્વલ નંબરે છે.
પ્રિયા રાજવંશની આ પહેલી ફિલ્મ. તે શિમલામાં વીરા નામથી સિખ ફૉરેસ્ટ ઑફિસર પિતાના ઘરમાં જન્મી હતી. પિતા સુંદરસિંહ સંયુક્ત રાષ્ટ્રસંઘના અસાઇનમેન્ટ પર બ્રિટન ગયા અને ત્યાં પ્રિયા રૉયલ ઍકૅડેમી ઑફ ડ્રામૅટિક આર્ટ્સમાં જોડાઈ હતી. ગોરી, ઊંચી, પાતળી અને પંજાબી કાઠીવાળી હતી. દેખાવમાં નવાબી હતી. બાવીસ વર્ષની હતી ત્યારે લંડનના એક ફોટોગ્રાફરે તેનો ફોટો લીધો હતો. એ ફોટો કોઈક રીતે ભારતના સામયિકમાં આવી ગયો અને એક દોસ્તના ઘરે ચેતન આનંદને એ ફોટો મનમાં વસી ગયો હતો અને નક્કી કર્યું કે ‘હકીકત’ની હિરોઇન આ છોકરી હશે. રાજપૂત કોટા પરિવારના એક ફિલ્મસર્જક ઠાકુર રણબીર સિંહ કોઈક રીતે વીરાના પરિવારને ઓળખતા હતા તેમના માધ્યમથી વીરાની મુલાકાત આનંદ સાથે કરાવવામાં આવી અને એમાંથી એ ‘હકીકત’માં પ્રિયા રાજવંશ બની. તે કાયમ માટે ચેતન આનંદની ફિલ્મોમાં જ કામ કરતી રહી અને બન્ને લિવ-ઇન રહ્યાં હતાં.
૧૯૬૪માં બેન્ગાલ ફિલ્મ જર્નલિસ્ટ અસોસિએશન અવૉર્ડ સમારંભમાં સત્યજિત રાય અને ચેતન આનંદ ભેગા થયા, તો રાયે આનંદને કહ્યું, ‘ચેતન, મેં હકીકત જોઈ છે. બહુ મજબૂત દૃશ્યો છે, બહેતરીન સંગીત છે, પણ કહાની નથી.’ આનંદ હસીને બોલ્યા હતા, ‘હકીકત’ ફિલ્મ નથી, મોજેક છે.’
મોજેક એટલે કાચ કે પથ્થરના રંગીન ટુકડાથી બનાવેલી રચના.

weekend guide columnists raj goswami