આ બહેનોની ક્રીએટિવિટી એવી છે કે કચરો પણ કંચન બની જાય છે

09 February, 2021 02:09 PM IST  |  Mumbai | Bhakti D. Desai

આ બહેનોની ક્રીએટિવિટી એવી છે કે કચરો પણ કંચન બની જાય છે

આ બહેનોની ક્રીએટિવિટી એવી છે કે કચરો પણ કંચન બની જાય છે

શું તમે ક્યારેય કોઈ વસ્તુ ફેંકતાં પહેલાં એનો બીજી કઈ રીતે ઉપયોગ કરી શકાય એવો વિચાર કર્યો છે? જો જવાબ ના હશે તો આ લેખ વાંચીને આપ આજથી જ આવું વિચારતા થઈ જશો. આજે આપણે એવી મહિલાઓને મળીએ જેઓ જબરજસ્ત સર્જનાત્મકતા ધરાવે છે, નાની-મોટી નકામી ચીજોને સંઘરીને એમાંથી એવું ક્રીએશન કરે છે કે એ જોઈને તમને પણ કોઈ ચીજ ડસ્ટબિનમાં ફેંકતાં પહેલાં આનું શું બનાવી શકાય એવો વિચાર કરવાનું મન થઈ જશે. 

જૂનાં છાપાંમાંથી દીકરીનો ફેન્સી ડ્રેસનો કૉસ્ચ્યુમ બનાવવાનો વિચાર આવે ખરો?  

કાંદિવલીમાં રહેતાં ધારા વ્યાસના હાથમાં એવી કળા છે કે ઘરની કોઈ પણ ફેંકવા જેવી વસ્તુ તેમના હાથમાં આવે તો એ વસ્તુ કોઈ ઉપયોગની વસ્તુમાં પરિવર્તિત થઈ જાય. શું આ કોઈ આ જાદુ છે? આનો હસતાં-હસતાં જવાબ આપતાં તેઓ કહે છે, ‘આ જાદુ મારા હાથનો નથી, પણ મારી આદતનો છે કે મને કોઈ પણ વસ્તુ ફેંકી દેવી ન ગમે. મારી પાસે છાપામાં પેમ્ફલેટ્સ આવે તો હું એની કોરી બાજુ મારાં બાળકોને લખવા માટે આપું. આમાંથી જ સર્જનાત્મકતા નિખરે છે. હું પહેલાં નોકરી કરતી હતી. બન્યું એવું કે લગ્ન થયા પછી હું એક ગૃહિણી બની ગઈ. મારી પાસે બપોરે બહુ સમય રહેતો અને મને સતત કંઈ કામ કરવાની આદત હતી તેથી નવરા બેસવું ન ગમે. મારા હાથમાં જૂની કંકોતરી, એમાં લગાડેલી સુશોભનની વસ્તુઓ, નાના દોરા, ફેંકવાના બૉક્સ, બાટલીઓ, કપ, જાર, કપડાં, કવર, ઝિપ, પિન્સ આવું જે પણ આવતું એ હું જમા કરવા લાગી.  બજારમાંથી રંગો લઈ આવી. જૂની કંકોતરીમાંથી મેં લગ્નમાં આપીએ એવાં એન્વલપ્સ બનાવ્યાં, મારી દીકરીની સ્કૂલમાં ફૅન્સી ડ્રેસ સ્પર્ધા હતી ત્યારે મને થયું કે જૂનાં છાપાંઓ પડ્યાં છે એમાંથી કંઈક બનાવું અને મેં મોરનો પહેરવેશ બનાવ્યો. આ માટે મોર પણ બનાવ્યા હતા. જૂના વૉશિંગ મશીનનાં કવરમાંથી બે પાઉચ અને થેલીઓ બનાવી. આમાં ચેઇન, હૅન્ડલ ઘરમાં જૂનાં હતાં એ જ વાપર્યાં. અમારી સોસાયટીમાં ઘણી તૂટેલી ઈંટ હતી. મેં બાળકોનું માર્ગદર્શન કરી તેમની સાથે મળીને એ ઈંટને રંગીને કમ્પાઉન્ડ બનાવ્યું અને એની અંદર એક નાનો બગીચો બનાવ્યો, જેમાં બી  વાવી ઝાડ ઉગાડ્યાં. ધારીએ તો ઘણું નવું કરી શકાય છે અને કોઈ વસ્તુ ફેંકવા જેવું રહેતું જ નથી.’   

કેક બોર્ડમાંથી શોપીસ અને જૂની બરણી પર ચેઇન લગાવીને ટ્રેઝર બૉટલ બનાવી દીધી છે આમણે

અંધેરીમાં રહેતાં ગૃહિણી પ્રતીક્ષા સોઢા નાનપણથી કળાને લગતું નવું કંઈક કરવામાં રસ ધરાવે છે. તેઓ પોતાના આ શોખ વિશે માહિતી આપતાં કહે છે, ‘મારે ત્યાં કોઈનો જન્મદિવસ હોય તો  હું ઘરમાં જે ઉપલબ્ધ વસ્તુઓ હોય એમાંથી કાર્ડ્સ બનાવું અને આપું. આનાથી એક વ્યક્તિગત ભેટ આપવાની ખુશી મળે છે. કોઈનાં પણ લગ્ન હોય તો આણાની વસ્તુઓની સજાવટમાં પણ હું આગળ રહેતી અને હવે જ્યારે નવરાશ મળે તો હું ઘરની વેસ્ટ વસ્તુઓને સુંદરતા અર્પી એને ઘરમાં જ નવેસરથી નવું સ્થાન આપવાની કોશિશ કરું છું. એક ઉદાહરણ આપું તો કેક બોર્ડ સામાન્ય રીતે લોકો ફેંકી દે છે, પણ મેં આની પર તૂટેલો પ્લાસ્ટિકનો કાંટો, તૂટેલી ચમચી પેઇન્ટ કરી મારા રસોડા માટે એક શોપીસ બનાવ્યું છે. બીજી એક વસ્તુ બનાવી છે એમાં ઘરમાં ઑલિવ્સની ખાલી બૉટલ હતી એના પર ટિશ્યુ પેપરનું ટેક્સચર આપી છોકરાઓનાં જૂનાં કપડાંની તૂટેલી ચેઇન લગાડી એને પહેલાં કાળા રંગથી રંગી પછી ઍન્ટિક ગોલ્ડન ફિનિશ આપ્યું અને એ ઝિપમાં પૈસાના સિક્કાઓ અટકાવી એક ટ્રેઝર બૉટલ બનાવી દીધી. હું ફેંકવાની વસ્તુઓ સાચવી રાખું છું અને જ્યારે કંઈક નવું બનાવું છું ત્યારે એમનો ઉપયોગ કરું છું. હાલમાં જ મેં ઍમેઝૉનના પાર્સલના બૉક્સમાંથી બર્થ-ડે કાર્ડ બનાવ્યું હતું. એક તૂટેલા કૉફી મગમાંથી મારા દીકરાના સ્ટડી ટેબલ પર રાખવા તેના નામવાળું પેન સ્ટૅન્ડ બનાવ્યું. આ સિવાય ઘરમાં જેટલી નાની-મોટી કાચની બાટલી અને બરણીનાં ઢાંકણાં ઢીલાં થઈ જાય તો એ બૉટલ્સને ઍક્રિલિક કલર કરી એની પર ચિત્ર કરી હું નાના ઝાડ-છોડ રાખવા અથવા કોઈ પણ નાની વસ્તુઓ રાખવા એનો ઉપયોગ કરું છું. એક ગૃહિણી તરીકે આ કામ માટે મને પૂરતો સમય નથી મળતો નહીં તો કદાચ હું ઘરમાં વપરાતી કોઈ જ વેસ્ટ વસ્તુને ફેંકવામાં જવા જ ન દેત.’

સોફાના લેધરમાંથી ફ્લોટિંગ દીવા અને ટીનના ડબ્બામાંથી બાર્બેક્યુ પ્લેટ બનાવાય

મહાવીરનગરમાં રહેતાં કિન્નરી મોદીના હાથની કારીગરી વાસ્તવમાં તેમણે બનાવેલી વસ્તુઓમાં છલકાય છે. તેઓ ગૃહિણી છે અને અન્ય તમામ જવાબદારીઓ સાથે વેસ્ટમાંથી બેસ્ટને પણ એક જવાબદારી જ સમજે છે. તેઓ કહે છે, ‘વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવી એ આજની જરૂરિયાત છે અને આ એક અભિગમ છે, જે દરેકે કેળવવો જોઈએ. હું ફરવા જાઉં તો ઝાડ-પાન જેવી વસ્તુઓ લઈ આવું અને એનો ઉપયોગ કરું. દરિયાકિનારે ફરવા જાઉં ત્યારે  છીપલાં, શંખ, એકદમ નાના શંખ લાવી રાખું. હું જ્યારે ફરવા જાઉં ત્યારે પણ મારી નજર ઝાડમાંથી કયાં ફૂલ નીચે પડ્યાં છે એના પર હોય છે. એક ઉદાહરણ આપું તો હું શિમલાથી પાઇનનાં ફૂલ લાવી હતી, જે પહેલાં ત્યાં ઝાડ નીચે ખરીને પડેલાં મળતાં અને હવે તો ત્યાંના સ્થાનિક લોકો આને વેચે છે. એનો કુદરતી રંગ એટલો સરસ લાકડા જેવો હોય છે કે એના પર કોઈ રંગ ચડાવવાની જરૂર નથી હોતી. મેં ઘરમાં એક નાના કુંડાને રંગી, થોડું ઘાસ મૂકી એના પર આ ફૂલોને ક્રિસમસ ટ્રીની જેમ ગોઠવ્યું. દરેક ફૂલ પર મોતી લગાડ્યાં અને સુશોભનમાં મુકાય એવો વાઝ બનાવ્યો. અમારા કુટુંબનાં બાળકોને સ્કૂલમાં લઈ જવા આ શોપીસ મેં બનાવ્યું હતું. ટિશ્યુ પેપરનું કાર્ડબોર્ડ કે પેપરનું બૉક્સ હું ક્યારેય ફેંકતી નથી. મેં હાલમાં જ આવા એક બૉક્સને છીપલાં અને શંખથી સુશોભિત કર્યું. અમારા ઘરમાં સોફા બનાવ્યા પછી જે લેધરના ટુકડા બચ્યા એને મિસ્ત્રી કચરામાં નાખતા હતા. મને એ એટલા ગમી ગયા કે મેં એને પાનનો આકાર આપી સ્ટેપલર મારી એમાંથી મેં ફ્લોટિંગ દીવો બનાવ્યો. ટિનના ડબ્બાને કાપીને બાર્બિક્યુ પ્લેટ બનાવી છે. ટિનના ડબ્બામાંથી એક મુખવાસ સર્વ કરવાની પ્લેટ પણ બનાવી છે અને ઘણું બનાવી શકાય. આમ કોઈ પણ વસ્તુનો હાથેથી બનાવવાનો આનંદ અનેરો હોય છે.’

કાચની બરણી પર શંખ, છીપલાં અને સૂતળીથી દિલ ખુશ થઈ જાય એવાં શોપીસ બનાવ્યાં છે આમણે 

ચર્ની રોડમાં રહેતાં સોનલ દેવાણીને વિવિધ બૉક્સ, બરણીઓ, લગ્નની કંકોતરીમાંથી કંઈક અવુંનવું બનાવવાનો શોખ પહેલેથી જ છે. તેઓ આ વિશે કહે છે, ‘મને  વેસ્ટ વસ્તુઓમાંથી અમુક ઉપયોગી થાય એવી વસ્તુઓ બનાવવી ખૂબ ગમે છે. કોઈ પણ વસ્તુ વાપરી લીધા પછી એમાંથી કંઈક બનાવવાની મજા આવે છે. બરણીઓ કે કપ તૂટી જાય તો એને ફેંકવાની જગ્યાએ એમાંથી શું બની શકશે અને એ બન્યા પછી કેવું દેખાશે એ જોવાની દૃષ્ટિ મેં નાનપણથી કેળવી છે. જેમ કે મેં નવું મિક્સર ખરીદ્યું તો એના વિવિધ જાર બૉક્સમાં પૅક થઈને આવ્યા. મેં એ દરેક બૉક્સનો ઉપયોગ એક મોટું સ્ટેશનરી હોલ્ડર બનાવવા કર્યો અને એની બહારની બાજુ પસ્તીમાં આપવાનાં છાપાંઓથી સજાવી દીધી. આવી જ રીતે એક બૉટલ અને બે-ત્રણ નાનાં-મોટાં કન્ટેનર્સ જમા થયા પછી એમાંથી હૅન્ડવૉશ માટેની પમ્પવાળી બાટલી, બ્રશ અને પેસ્ટ મૂકવાનો ગ્લાસ આ બધું બનાવ્યું. આના સુશોભન માટે મેં મારી પાસે સૂતળી પડી હતી એનાથી એને આખું વીંટી પછી એના પર રંગથી વિવિધ આકૃતિઓ બનાવી દીધી. પહેલાંની કાચની બરણીઓ હવે લોકો ખાસ વાપરતાં નથી. મારી પાસે ઘરમાં પડી હતી તેથી મેં એના પર રંગ કરી શંખ, છીપલાં, સૂતળી આનાથી એને સજાવી એના દરવાજા પાસે મૂકવા હોમ એન્ટ્રન્સ શોપીસ બનાવ્યા. મેં આને મારા સ્ટેટસ પર મૂક્યા અને લોકોએ મને હવે તેમના ઘરમાં દરવાજા પાસે રાખવા માટે આવા શોપીસ બનાવવા મને પ્રેરિત કરી છે. મેં આની તમામ ડિઝાઇન બનાવી છે.’

bhakti desai columnists