ભાષાપ્રેમ અને ગાવાની કળા છેડાપરિવારની ત્રણે પેઢીઓને વારસામાં મળ્યાં છે

29 July, 2020 08:49 PM IST  |  Mumbai | Bhakti Desai

ભાષાપ્રેમ અને ગાવાની કળા છેડાપરિવારની ત્રણે પેઢીઓને વારસામાં મળ્યાં છે

છેડા પરિવાર

આજે જ્યારે ગુજરાતી પરિવારનાં બાળકોને ગુજરાતી લખતાં-વાંચતાં નથી આવડતું ત્યાં છેડાપરિવારના સભ્યોમાં સમૃદ્ધ ભાષા અને ભાષાઓ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો છે.

ચેમ્બુરમાં રહેતા ૬૪ વર્ષના અત્યંત મળતાવડા તથા રમૂજી સ્વભાવના રમેશ છેડાના પરિવારમાં તેમનાં પત્ની રંજના, મોટા પુત્ર મિલન, પુત્રવધૂ દિશા, પૌત્રી સિદ્ધિ, નાના દીકરા ભાવિન તથા પુત્રવધુ હેતલ સંયુક્ત પરિવારમાં રહે છે.
રમેશભાઈથી લઈને નાની સિદ્ધિ સુધીનો દરેક સભ્ય મળતાવડો અને બીજાને ક્ષણમાં પોતાના કરી દે એવા સ્નેહાળ સ્વભાવનો છે. આ આખો પરિવાર કળાનો પ્રેમી છે. રમેશભાઈનાં બા-બાપુજી પાસેથી તેમને અને તેમના પરિવારને સમૃદ્ધ ભાષાનો વારસો મળ્યો છે. રમેશભાઈ, તેમના બન્ને પુત્રો અને સિદ્ધિ આમ ત્રણે પેઢી જૈન ધર્મનાં સ્તવનની રચના કરે છે અને આ સ્વરચિત સ્તવનોની ધૂન તૈયાર કરીને ગાવામાં ત્રણેય પેઢી માહેર છે. ચોથા ધોરણમાં ભણતી સિદ્ધિ ગુજરાતી અને અંગ્રેજીમાં સ્કૂલ તરફથી યોજાતી વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ લઈને જ આવે છે. તેની સાથે વાત કરતી વખતે પણ તેની પાસે અખૂટ શબ્દભંડોળ છે એવું વર્તાઈ આવે છે.
સ્કૂલ અને ગામડાના જીવન વિશે
રમેશભાઈનો જન્મ કચ્છના બગદા ગામમાં થયો. સાત વર્ષની વય સુધી તેઓ આ ગામમાં રહ્યા. પણ જ્યારે તેઓ એ સમયનું વર્ણન આજે પણ કરે છે ત્યારે શબ્દોથી જાણે આ રળિયામણા ગામનું ચિત્ર નજર સમક્ષ ઊભું કરી દે છે. તેઓ કહે છે, ‘અમારું આ ગામ થોડું ઊંચાઈ પર આવેલું છે તેથી જાણે પહાડ પર હોય એવું લાગે છે. અમારા પરિવારના સભ્યોમાં બા, બાપુજી, મારી ત્રણ મોટી બહેનો, એક નાની બહેન અને હું હતાં. ઓછા લોકો જાણતા હશે એવી એક વાત કહું કે અમારા ગામમાં નાના ખાડા જેવી ત્રણ ફીટ ઊંડી વીરડીઓ રહેતી અને નવાઈની વાત એ છે કે આ નાની એવી વીરડીમાં આખા ગામને એક ચોમાસાથી બીજા ચોમાસા સુધી ચાલે એટલું પાણી મળી રહેતું. જાણે કોઈ અક્ષય પાત્ર હોય! ગામ નાનું હોવાથી બધું ત્યાં નજીકમાં જ હોય. નિશાળ પણ કંઈ ખૂબ છેટે નહોતી. ઘંટ વાગે એ ઘરમાં સંભળાય એટલે પહેરેલાં કપડાંમાં પાટી-પેન લઈને નિશાળ તરફ દોટ મૂકવાની. ચંપલ પણ પહેર્યાં છે કે નહીં એની ખબર જ્યારે દોડતાં-દોડતાં પગમાં પથ્થર વાગે ત્યારે પડે. માસ્તર ખુરશી પર બેસતા અને અમે બાળકો જૂથમાં નીચે બેસતાં. એક તરફ પહેલીમાં ભણતા વિદ્યાર્થીઓનું જૂથ જ્યારે બીજા ધોરણના બીજી તરફ આમ વર્ગની વચ્ચે દીવાલ નહોતી. ગામડાનું જીવન અને ત્યાંના લોકો એટલા સરળ હોય છે કે તેમના મનમાં ઊંચ-નીચ એવા વર્ગ કે દીવાલને કોઈ સ્થાન નહોતું.’
નાનકડી અને વાકકલામાં નિપુણ એવી સિદ્ધિને પણ પોતાનું ગામ બહુ ગમે છે. તે કહે છે, ‘મને બીજું કોઈ પોતાના ગામ જતું હોય તોય મારું ગામ યાદ આવી જાય અને રડવું આવી જાય. એમ થાય છે કે હમણાં જ ત્યાં જતી રહું. લૉકડાઉનને કારણે આ વર્ષે અમે ગામ નથી જઈ શક્યાં. બાકી અમે મે મહિનામાં તો બધાં ત્યાં જ હોઈએ છીએ. ત્યાં ઘરની જગ્યા એટલી મોટી છે કે મારા મિત્રો, બહેનપણીઓ અને હું ઘરની આસપાસ લુકાછુપી રમીએ છીએ. વરસાદ આવે ત્યારે એટલી ઠંડક થઈ જાય કે પંખો પણ ચાલુ ન કરવો પડે. મોટું આંગણું છે અને એમાં એક ઝાડ છે. ઠંડી હવાની મજા લેતાં બસ ખાટલા પર બેસી જવાનું. ત્યાં મોર પણ જોવા મળે છે. મુંબઈમાં લોકો ભાગ્યા જ કરે છે, ત્યાં એવું નથી. એકદમ શાંતિથી પૂરતો સમય મળે છે. સાચું કહું તો મને મુંબઈમાં નથી ગમતું.’
વિવિધ કળાઓનો વારસો
રમેશભાઈ તેમનાં બા અને બાપુજીની આગવી ઓળખાણ આપતાં કહે છે, ‘ધંધા અને કામકાજ માટે બાપુજી સાથે અમારો આખો પરિવાર મુંબઈ આવ્યો અને પછી હું નગરપાલિકાની સ્કૂલમાં ભણ્યો. એક મોટી જગ્યામાંથી સૅન્ડહર્સ્ટ રોડ પાસે એક નાના ઘરમાં બંધાઈ ગયાં હોઈએ એવું લાગ્યું, પણ સમય જતાં ટેવાઈ ગયાં. મારા બાપુજીનું અનાજનું કામ હતું. કામકાજની સાથે તેમની ધાર્મિક વૃત્તિ તેમને વ્યસ્તતામાંથી પણ મહારાજ સાહેબનાં પ્રવચનો સાંભળવાનો સમય ફાળવવામાં મદદ કરતી હતી અને તેઓ માત્ર સાંભળતા જ નહીં, પણ એને પુસ્તકમાં અને જીવનમાં પણ ઉતારતા. મારી બહેનોને અને મને ઉપદેશભર્યા પત્રો પણ લખતા. બાનું નામ સુંદરબાઈ. જેવું નામ એવું જ વ્યક્તિત્વ હતું. એકદમ વ્યવસ્થિત અને પહેરવા-ઓઢવાનાં ખૂબ શોખીન. ઘડીભર ઘરમાં નિરાંતે બેસે નહીં.’
સ્તવન અને પ્રભાતિયાં
નાનો દીકરો ભાવિન પોતાના પરિવારમાં ચાલ્યા આવતા ભક્તિગીતના વારસા વિશે કહે છે, ‘હું નાનો હતો ત્યારે ગામમાં એક મહિનો દાદી સાથે રહેતો. હવે ખાસ લગ્નનાં ગીત કોઈ જાણતાં નથી, પણ મારા ગાવાના શોખીન દાદીને લગ્નનાં ૫૦થી ૬૦ ગીતો મોઢે હતાં. સ્તવન અને ગાથાઓ પણ મોઢે રહેતી. તેમણે લેખનકળામાં હાથ નહોતો અજમાવ્યો, પણ માત્ર વાત પરથી જણાઈ જાય કે તેઓ ભાષાનાં ધની હતાં. અમારી આજુબાજુમાં વૈષ્ણવો રહેતા. સવારે વહેલા ઊઠી પ્રભાતિયાં ગાય અને ઠાકોરજીની સેવા કરે. હું પણ દાદી પાસેથી અને આ વૈષ્ણવો પાસેથી પ્રેરાઈને તેમની સાથે ગુનગુનાવતો. હિન્દી, ગુજરાતી ગીતો અને ભજનોના રાગ પર જ આ સ્તવનોની ધૂન આધારિત હોય છે. આમ પ્રભાતિયાને ગુનગુનાવવાથી લઈને સ્વરચિત સ્તવનોને ગાવાની કળા આત્મસાત કરી.’
તો બીજી તરફ ભાષાપ્રેમનું શ્રેય દાદાને આપતાં મિલનભાઈ કહે છે, ‘મહારાજસાહેબનાં બોલાયેલાં પ્રવચનો અને પોતાના વિચારો અમારા દાદાએ જે પુસ્તકમાં લખ્યાં હતાં એ પુસ્તકો અમારી પાસે આજેય છે અને અમે જ્યારે એ વાંચીએ છીએ ત્યારે સમજાય છે કે
તેઓ ભાષાનું ખૂબ ઉમદા જ્ઞાન ધરાવતા હતા. ભાષાપ્રત્યેનો પ્રેમ ત્યાંથી આવ્યો. ગામમાં પપ્પાએ જૈન સ્તવનો સાંભળી અને ગાઈને રચવાનું શરૂ કર્યું. તેમને જોઈને હું પણ શીખ્યો.’
વારસામાં મળેલી કળાઓ વિશે મોટાં પુત્રવધૂ દિશાબહેન કહે છે, ‘ઘણી કલાઓ જન્મથી જ વારસાગત રીતે આવે છે અને સંયુક્ત કુટુંબમાં રહી અમુક ચાલતી આવતી પરંપરાઓને બાળક જોઈ-જોઈને જ શીખી લે છે. તેથી સંયુક્ત કુટુંબમાં રહેવું મને ખૂબ ગમે છે. હું સિદ્ધિને દાદા-દાદી સાથે રમતાં જોઉં કે પછી કાકા-કાકી સાથે તેના સંવાદ સાંભળું ત્યારે આનંદ થાય છે કે તેના બાળમાનસ પર આજે જે છાપ પડી રહી છે એની સકારાત્મક અસર તે મોટી થશે ત્યારે દેખાશે. હું પણ સંયુક્ત પરિવારમાં રહી છું. મારાં દાદી પાસેથી મને ભરતકામનો વારસો મળ્યો છે અને યોગાનુયોગ મારાં દાદી સાસુને પણ આનો શોખ હતો. તેમનો આ શોખ હું વહુ તરીકે જીવંત રાખી શકીશ એ મારે માટે ગર્વની વાત છે.’

આ પરિવારમાં બાળલગ્નથી લઈને પ્રેમલગ્ન થયાં છે

લગ્ન બાબતે રંજનાબહેન પોતાનાં લગ્નની વાત કરતાં કહે છે, ‘એ સમયમાં વડીલો જન્મથી જ અમારાં લગ્ન નક્કી કરી દેતાં અને એ પ્રમાણે જ લગ્ન થાય. એ સમયે છોકરીઓ લગ્ન પછી જ પતિને મળતી અને લગ્ન સુધી તો કંઈ ખાસ વાતચીત કરવી, હરવુંફરવું આ બધા
માટે અમને મંજૂરી નહોતી. હવે જમાનો બદલાયો છે. મિલનનાં અરેન્જડ મૅરેજ છે, જ્યારે ભાવિનનાં પ્રેમલગ્ન છે.’
બાળલગ્ન પદ્ધતિમાં જીવનમાં સાથે આવ્યા પછી શું ક્યારેય કોઈ મતભેદ નથી થતા એ પ્રશ્નનો જવાબ રંજનાબહેન આપે એ પહેલાં તો ખડખડાટ હસતાં રમેશભાઈ બોલી પડ્યા, ‘જુઓ નજર સામે છીએ અને હજી સુધી અમે સાથે જ છીએ. વિરોધાભાસ એ છે કે અમે મોઢાં નહોતાં જોતાં તોય જીવન સારી રીતે નિભાવતાં હતાં, પણ આજે છોકરા-છોકરીઓ બધું જોઈને કરે છે તોય સમાજમાં છૂટાછેડા લેનારની સંખ્યા વધી ગઈ છે.’
નાની પુત્રવધૂ હેતલ પોતાની પ્રેમકથા કહેતાં કહે છે, ‘આટલી જૂની પદ્ધતિથી જેમણે લગ્ન કર્યાં તેવાં મારાં મમ્મી-પપ્પા (સાસુ-સસરા)એ અમારાં પ્રેમલગ્નને સ્વખુશીથી જાહેર કર્યાં હતાં. તેમણે જાહેર કર્યું પછી મને ખબર પડી કે અરે! આને તો પ્રેમ કહેવાય! કારણ એ હતું કે ભાવિન અને હું નાનપણથી એકબીજાને ઓળખતાં હતાં. અમારા બન્નેનાં ગામ કચ્છમાં આડોશ-પાડોશમાં. વેકેશનમાં ગામમાં જઈએ ત્યારે મળતાં. સાતમા ધોરણથી નજર મળી ગઈ હતી, પણ એ સમયે છોકરીઓ આગળ પડતાં વિચારોની નહોતી તેથી આને હું પ્રેમનું નામ આપી દઉં અને આવા ખાસ મિત્રને બૉયફ્રેન્ડ માની લઉં એવો વિચાર મેં કર્યો જ નહોતો. ખેંચાણ એટલું હતું કે તેની સાથે ફોન પર વાત કરવા અન્યના ઘરેથી ફોન કરીને સંપર્કના રસ્તાઓ શોધી લેતી હતી. બસ! મારી આ જ તાલાવેલી જોઈને મારા સાસરાવાળાએ અને ભાવિને મને વહુ માની લીધી અને રાહ જોવાઈ રહી હતી ફક્ત મોટાં ભાભીના મળવાની એટલે કે મિલનભાઈ માટે છોકરી મળે એની. દિશાભાભી મળ્યાં એટલે અમારી રાહ પૂરી થઈ અને આ મૈત્રી અને પ્રીત લગ્નમાં પરિણમી.’

bhakti desai columnists