મળો માણસાઈના દીવાને

19 October, 2025 11:36 AM IST  |  Mumbai | Rashmin Shah

પત્ની અને દીકરીના પરિવારવાળા ચેન સી જે કામ કરે છે એ માટે અત્યાર સુધીમાં તેને ચાઇના ગવર્નમેન્ટ દ્વારા પંદરથી વધારે અવૉર્ડ આપવામાં આવ્યા છે.

ચાઇનાના ચેન સીન

આંખ સામે સુસાઇડ કરતી લેડીને જોઈને ચાઇનાના ચેન સીને વિચાર આવ્યો કે કોઈ માણસે તેને રોકી હોત તો? આ જ વિચારે ચેનને નવો વિચાર આપ્યો કે એ માણસ હું બનું તો? અને ચેન્ગે એ કામ કર્યું. છેલ્લાં વીસ વર્ષમાં ચેન્ગે દુનિયાના સૌથી કુખ્યાત પૈકીના એક એવા નાન્જિંગ બ્રિજ પરથી પાંચસોને સુસાઇડ કરતાં બચાવ્યા છે. એક બ્રિજ પર ચોકી કરવાની તેની બે દાયકાની સફર પર એક ડૉક્યુમેન્ટરી પણ બની ચૂકી છે

‘તમને પ્રૉબ્લેમ શું છે, મને વાત કરો. હું રસ્તો કાઢીશ.’

સામેથી કોઈ જવાબ નથી આવતો અને વ્યક્તિ બ્રિજની નીચેથી વહેતી યાંગ્ઝે નદીની સામે જોયા કરે છે. નદીથી ૨૩૦ ફીટ એટલે કે અંદાજે ત્રેવીસ માળની હાઇટ પર આવેલા બ્રિજ પર ઊભેલી એ વ્યક્તિને નીચે જવું છે, જીવન ખતમ કરવું છે પણ એક માણસ તેની પાસે આવીને તેની સાથે વાતોએ વળગ્યો છે.

‘જુઓ, જીવન ભગવાને આપ્યું છે. કોઈ હેતુસર આપ્યું છે. આ જીવનને એ હેતુ સુધી લઈ જવું એ જ આપણો ધર્મ છે. શું કામ કોઈ ખોટા વિચાર મનમાં લાવો છો?’ ચાઇનીઝમાં બોલતી વ્યક્તિ તરત સામેવાળાને કહે છે, ‘એક વાર તમારો ફેસ મિરરમાં જુઓ. એમાં કેટલું તેજ છે? આ તેજને તમારે શું કામ ઓલવી નાખવું છે? બીજા કોઈનું નહીં તો તમારી ફૅમિલીનું તો વિચારો.’

‘મારું કોઈ નથી...’ સામેવાળો તોછડાઈથી જવાબ આપે છે, ‘તમે જાઓ અહીંથી, મને મારું કામ કરવા દો.’

‘હું પણ એ જ કહું છું, તમે તમારું કામ કરો. આ... આ રીતે જીવન ટૂંકાવી નાખવું એ તમારું કામ નથી.’

વાર્તાલાપ આગળ ચાલે છે અને એ પછી પણ જીવન ટૂંકાવવા આવેલી વ્યક્તિના મનમાંથી સુસાઇડનો વિચાર જતો નથી અને ક્ષણના છઠ્ઠા ભાગમાં બ્રિજની પાળી પર ચડી જાય છે પણ જે માણસ તેને સમજાવતો હતો એ પણ ગાંજી જાય એવો નથી. બેઠી દડીનો શરીર ઘાટ ધરાવતો એ માણસ પણ ચપળતા સાથે બ્રિજની પાળી પર ચડી ગયેલી વ્યક્તિને કમરેથી પકડી લે છે અને ઝાટકો મારીને પાછળની સાઇડ ખેંચી લે છે. આ જે ખેંચાખેંચી ચાલે છે એને લીધે હવે બ્રિજ પરથી પસાર થતા લોકો પણ એકઠા થઈ જાય છે અને સુસાઇડ કરવા આવેલી વ્યક્તિને સમજાવવા લાગે છે. ખબર પડે છે કે ઘરે માને કૅન્સર છે અને તેનાં ખિસ્સાં ખાલી છે. બચાવવા આવેલો માણસ તરત પોતાનું ગજવું ખાલી કરી નાખે છે અને બાંહેધરી પણ આપે છે કે તારી માની કૅન્સરની સારવાર આપણે સાથે મળીને કરીશું. એ માણસ ત્યારે ને ત્યારે પોતાની કૅપ કાઢીને લોકોની વચ્ચે ફેરવવા માંડે છે અને થોડી જ વારમાં ખાસ્સી મોટી રકમ એકઠી થઈ જાય છે. સુસાઇડ કરીને જીવન ટૂંકાવવા માગતી વ્યક્તિ આ બધું જોઈ રહે છે, તેની આંખો ભીની છે અને તેના હોઠ પર એક જ વાત છે, ‘યુ આર માય રિયલ ઍન્જલ...’

વાતમાં ભલે સત્ત્વ ફિલ્મનું લાગતું હોય પણ હકીકત એ છે કે આ વાસ્તવિક દૃશ્ય છે અને આવું દૃશ્ય ઑલમોસ્ટ દર દસમા અને પંદરમા દિવસે ચીનના નાન્જિંગ બ્રિજ પર જોવા મળે છે. થાકી-હારીને જીવન ટૂંકાવવા આવેલા લોકોને સમજાવવાનું આ કામ ચાઇનીઝ ચેન સી કરે છે. તમારી જાણ ખાતર ચેન્ગે આ કામ સ્વૈચ્છિક રીતે શરૂ કર્યું છે. ચેન કહે છે, ‘માનવજીવન મૂલ્યવાન છે. કોઈ ખાસ હેતુસર ભગવાને આપણને જન્મ આપ્યો છે તો જીવન આવી રીતે શું કામ ટૂંકાવવાનું, પણ અપસેટનેસ વચ્ચે માણસ આ પગલું ભરવા તૈયાર થઈ જાય છે. એ જે નાજુક ક્ષણો છે એને સાચવી લેવામાં આવે તો પછી જીવન ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જાય છે.’

ઈસવી સન ૨૦૦૨થી ચેન સીએ આ કામ શરૂ કર્યું અને સુસાઇડ માટે દુનિયાના કુખ્યાત સ્થળો પૈકીના એક એવા નાન્જિંગ બ્રિજ પર પૅટ્રોલિંગ કરી સુસાઇડ કરવા આવતા લોકોને મનાવવાનું, રોકવાનું, સમજાવવાનું અને તેમને નવેસરથી જીવન શરૂ કરવા માટે ઉત્સાહ પ્રદાન કરવાનું શરૂ કર્યું. ચેન્ગે અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોને સુસાઇડ કરતાં રોક્યા છે. ચેનના આ માનવતાવાદી કાર્યને ધ્યાનમાં રાખીને એના પર ‘ઍન્જલ ઑફ નાન્જિંગ’ નામની ડૉક્યુમેન્ટરી પણ બની, જેનાં દુનિયાભરમાં બેમોઢે વખાણ પણ થયાં.

પહેલાં વાત ચેન સીની... 

ચાઇના અને ખાસ તો ચાઇનાના શહેર નાન્જિંગ માટે દેવદૂત બનીને કામ કરતા સામાન્ય બુદ્ધિમતા અને અતિ સામાન્ય દેખાવના ચેન સીના ફોટોગ્રાફ્સ અનેક લોકોના ઘરમાં છે જેને ચેન્ગે સુસાઇડ કરતાં રોક્યા છે તો અનેકાનેક લોકો એવા પણ છે જે મોત મેળવવા આવ્યા હતા પણ બદલામાં ચેન સી જેવો દોસ્ત લઈને પાછા ફર્યા.

ચાઇનાના જિઆંગસુ નામના સ્ટેટના સુકિયન નામના નાના ગામમાં ચેનનો જન્મ ૧૯૬૮માં થયો. ચેનનું નાનપણ જબરદસ્ત ગરીબી વચ્ચે પસાર થયું. ચેનને ભણવાની ખૂબ ઇચ્છા હતી પણ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તે ગ્રૅજ્યુએશન પણ પૂરું કરી શક્યો નહીં અને ટીનેજમાં જ તે મજૂરીમાં લાગી ગયો. થોડાં વર્ષો સુકિયનમાં રહ્યા પછી ચેન નાન્જિંગ શહેરમાં શિફ્ટ થયો. આ એ જ નાન્જિંગ શહેરની વાત છે જેનો બ્રિજ સુસાઇડ પૉઇન્ટ તરીકે કુખ્યાત થઈ ગયો હતો.

યાંગ્ઝે રિવર થકી બે ભાગમાં વહેંચાતા શહેરના બન્ને ભાગને જોડવા માટે ૧૯૬૮માં જ નાન્જિંગ બ્રિજ બન્યો. રેલવે ટ્રૅક અને વ્હીકલ ટ્રૅકથી બનેલા આ બ્રિજ પર ફુટપાથ પણ છે જેનો ઉપયોગ પગપાળા ચાલનારા લોકો કરે છે. ૨૦૦૬ સુધીમાં નાન્જિંગ બ્રિજ પરથી ૨૦૦૦ કરતાં વધુ લોકોએ સુસાઇડ કર્યું હતું. પણ ચેન્ગે શરૂ કરેલા કામ પછી અહીં સુસાઇડનો દર ઘટીને સાવ તળિયે પહોંચી ગયો છે. ઍની વેઝ, આપણે વાત કરીએ ચેનની.

નાન્જિંગમાં શિફ્ટ થયા પછી ચેન્ગે ફ્રૂટ્સ વેચવાનું શરૂ કર્યું. તેનો પોતાનો નાનકડો ફ્રૂટ-સ્ટોર છે અને આજે પણ તે પોતાનો જીવનનિર્વાહ એ ફ્રૂટ-સ્ટોરના વેપાર પર જ કરે છે. ચાઇનીઝ સરકારનું આ સ્તર પર અદ્ભુત કામ કરી આપનારા ચેનને નાન્જિંગ સિવિલ સર્વિસ દ્વારા જૉબની ઓફર થઈ હતી પણ ચેન્ગે એ નકારી દીધી હતી. ચેનની દલીલ હતી, ‘જે કામ હું માણસાઈના નાતે કરું છું એ કામ સરકારી ઑફિસર બન્યા પછી તો ડ્યુટીમાં ફેરવાઈ જશે અને મારે આ કામને માણસાઈ માટે જ રાખવું છે. આ કામે તો મારી અંદર માણસ જન્માવ્યો છે. મને આનું કોઈ વળતર નથી જોઈતું.’

હા, નાન્જિંગ સિવિલ સર્વિસે જૉબ ઑફર કર્યા પછી ચેન્ગે પોતાના આ કામને ફ્રી-ટાઇમની ડ્યુટી તરીકે જોવાને બદલે સાચા અર્થમાં સમાજના સેવક તરીકે જોવાનું શરૂ કરી દીધું અને તેણે નક્કી કરી લીધું કે પોતે અડધો દિવસ પોતાનો બિઝનેસ કરશે અને બપોરથી મોડી રાત સુધી તે આ બ્રિજ પર સ્વયંસેવક બનીને લોકોને સુસાઇડ કરતાં રોકવાનું કામ કરશે. અત્યારે ચેન રોજ બપોરે બાર વાગ્યે નાન્જિંગ બ્રિજ પર પહોંચી જાય છે અને રાતે બાર વાગ્યા સુધી ખડા પગે બ્રિજ પર નજર રાખે છે.

વાત પહેલી અઘટિત ઘટનાની... 

ચેનના મનમાં સીધા જ શ્રીરામ વસી ગયા અને તેણે લોકોને બચાવવાનું શરૂ કરી દીધું એવું બિલકુલ નથી. ૨૦૦૦ની સાલના    પ્રારંભના દિવસોની વાત છે. બ્રિજ પરથી ચેન પસાર થતો હતો અને તેણે જોયું કે એક જણ બ્રિજની પાળી પર ચડ્યો અને તેણે સુસાઇડ કર્યું. એ સમયે ઘણા લોકોનું એ માણસ તરફ ધ્યાન હતું. એ લોકોની જેમ જ ચેનનું પણ ધ્યાન એ વ્યક્તિ પર હતું પણ મોટા ભાગના હેબતાઈ ગયા હતા. ચેન કહે છે, ‘જો એ સમયે કોઈ એક આગળ આવ્યો હોત તો પેલાનો જીવ બચી ગયો હોત.’

બીજા બધાને તો વાત કદાચ ભુલાઈ પણ ગઈ હશે પણ ચેનના મનમાં આ વાત ઘર કરી ગઈ અને ચેન જાતને પૂછવા લાગ્યો, ‘એ એક માણસ હું શું કામ ન બનું?’

ચેન્ગે એ કામ કર્યું પણ શરૂઆતના તબક્કે તે આ ધ્યાન ત્યારે જ રાખતો જ્યારે બ્રિજ પરથી પસાર થતો. એવો સમય આવી ગયો જ્યારે ચેનને એ માણસ બનવાની તક મળી ગઈ.


ચેન સીભાઈએ બ્રિજ પર CCTV કૅમેરા લગાવી દીધા છે જેને તે નજીકમાં જ બનાવેલી ઑફિસમાંથી મૉનિટર કરતા રહે છે. 

માત્ર લોકોને રોકવામાં નહીં, આગળ વધારવામાં પણ સક્રિય

ચેન સીએ માત્ર લોકોને સુસાઇડ કરતાં રોક્યા જ નથી પણ ત્યાર પછી લોકોને આગળ વધવામાં હેલ્પ સુધ્ધાં કરી છે. એક વ્યક્તિ હતી જેની પાસે છોકરાઓની ફી ભરવા માટે પૈસા નહોતા તો ચેન્ગે એ બાળકોને દત્તક લઈ લીધાં અને છ વર્ષ સુધી એ બચ્ચાંઓની ફી ભરી. આ આર્ટિકલની શરૂઆતમાં જે કિસ્સાની વાત કરી છે એ પણ સત્ય હકીકત છે. માના કૅન્સરના કારણે સુસાઇડ કરવા માગતા એક યંગસ્ટરને ચેન્ગે ડૉક્ટરની ફીથી લઈને તેની મમ્મીના કીમો સુધીની જવાબદારી ચેન્ગે ઉપાડી લીધી. અલબત્ત, ચેન પણ માંડ પોતાનો ઘરખર્ચ કાઢે છે પણ આ કામ માટે તે બીજા પાસેથી મદદ લઈ આવ્યો હતો.

સુસાઇડ કરવાથી બચાવવામાં આવેલા ઘણાખરા આજે પણ ચેનના કૉન્ટૅક્ટમાં છે તો કેટલાકે તો ચેનનો ફોટો પણ પોતાના ઘરમાં રાખ્યો છે. ચેન કહે છે, ‘હું એ લોકોને પણ કહું છું કે મારો આભાર માનવો હોય તો આ રીતે નહીં, મારી જેમ બીજાને હેલ્પ કરીને કરો જેને તમારી જરૂર છે.’

વાત પહેલી ઘટનાની 

૨૦૦૦નું વર્ષ હતું અને જૂન મહિનો હતો. એક દિવસ બ્રિજ પરથી પોતાનું સ્કૂટર લઈને પસાર થતાં ચેનની નજર એક મહિલા પર પડી. મહિલાની હરકત તેને થોડી શંકાસ્પદ લાગી. ચેનને આજે પણ એ ઘટના અક્ષરશઃ યાદ છે. ચેન કહે છે, ‘એ લેડી પંદર-વીસ ફીટના એરિયામાં અવરજવર કરતી હતી અને રસ્તા પર તેનું ધ્યાન હતું, જે જોઈને મને લાગ્યું કે તે જુએ છે કે મારા પર કેટલા લોકોની નજર છે. તે ઇચ્છતી હતી કે કોઈ તેની સામે ન જુએ.’

ચેનને તેની વર્તણૂક વિચિત્ર લાગી એટલે તેણે આગળ જઈને પોતાનું સ્કૂટર રોકી દીધું અને પછી એ મહિલા પર નજર રાખીને તે ઊભો રહી ગયો. ચેન્ગે જોયું કે મોકો મળતાં એ મહિલા બ્રિજની પાળીની સાવ નજીક ગઈ અને પછી પાળી પર ચડી ગઈ. ચેનની આંખો પહોળી થઈ ગઈ અને તે દોડતો એ લેડી પાસે પહોંચી ગયો. નસીબજોગે એ લેડી હજી પાળી પર બેસવા જતી હતી ત્યાં ચેન્ગે તેને પાછળ ખેંચી, પાળી પરથી ઉતારી લીધી અને પછી તેની સાથે વાત શરૂ કરી. શરૂઆતમાં તો લેડીએ ગલ્લાંતલ્લાં કર્યાં પણ જેવું ચેન્ગે તેને પૂછ્યું કે તમે સુસાઇડ કરવા માગો છોને? પેલી લેડીના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ અને બીજી જ સેકન્ડે તે રડી પડી. ચેન્ગે તેને પહેલાં તો આશ્વાસન આપ્યું, જેની એવી અસર થઈ કે એ લેડીને પોતાને લાગવા માંડ્યું કે તે ખોટું પગલું ભરતી હતી. ચેન કહે છે, ‘જીવન મળશે કે નહીં એ પણ જો ઑલમાઇટીના હાથની વાત હોય તો પછી એ જીવન ટૂંકાવવાનું કામ પણ તેને જ આપવું જોઈએ, આપણે ભગવાનથી તો મોટા નથી જ નથી.’

એ લેડીને જે આર્થિક પ્રશ્નો નડતા હતા એ સૉલ્વ કરવામાં પણ ચેન્ગે તેને મદદ કરી. એ લેડીના ફેસ પર આવેલું સ્માઇલ અને એ પછી તેનો જીવન જીવવા માટેનો બદલાયેલો ઉત્સાહ જોઈને ચેનને થયું કે આનાથી મોટી કોઈ માનવસેવા હોઈ જ ન શકે. ચેનને બદનામ બ્રિજ વિશે તો ખબર જ હતી. હવે તે જ્યારે પણ બ્રિજ પરથી નીકળતો ત્યારે ધ્યાન રાખીને જવા લાગ્યો કે કોઈ આવું સ્ટેપ ન લે. થોડા મહિનાઓમાં જ ચેન્ગે સાત લોકોને સુસાઇડ કરતાં બચાવ્યા અને એ પછી ચેન્ગે નક્કી કર્યું કે તે હવે પોતાનો ફ્રી સમય આ બ્રિજને આપશે.

૨૦૦૩ની ૧૯ ડિસેમ્બરથી ચેન વીક-એન્ડમાં આ બ્રિજ પર આવી જવા લાગ્યો. શનિ-રવિ બન્ને દિવસે તે ત્યાં જ રહે અને ખોટું પગલું ભરવા માગતા લોકોને રોકે, સમજાવે અને જીવન જીવવા માટે ઉત્સાહ આપે. ચેનને ખબર નહોતી કે આવતા સમયમાં તે માણસાઈના કેવા દીવાઓ પ્રગટાવવાનો છે.


સુસાઇડ કરતાં રોકેલા કે પછી પાણીમાં પડી ગયા પછી તરત બચાવી લેવાયેલા લોકોને તેઓ માનસિક રીતે સ્વસ્થ થાય ત્યાં સુધી પોતાની જ ઑફિસમાં બનાવી રાખેલી રૂમોમાં રાખે છે.

ચેન સીએ કહેલા આ શબ્દો ક્યારેય ભૂલવા જેવા નથી

૧. લોકો આત્મહત્યા કરવા નથી ઇચ્છતા, તે ફક્ત પોતાની પીડાનો અંત ઇચ્છે છે.
૨. ભગવાનમાં જો વિશ્વાસ હોય તો માણસમાં વિશ્વાસ રાખવો જ પડે, કારણ કે માણસ ભગવાનનું જ સર્જન છે.
૩. જો તમે કોઈને બચાવો છો તો તમે જીવનદાતા જ છો.
૪. માનવતાથી મોટું બીજું કોઈ નથી.
પ. હું ડૉક્ટર નથી, સાઇકોલૉજિસ્ટ નથી પણ હું એક માણસ છું અને એ વાત મને ક્યારેય ભુલાવાની નથી.

ફરી આવ્યો એક નાનો ચેન્જ

શરૂઆતમાં પસાર થાય ત્યારે નજર રાખવી, એ પછી વીક-એન્ડમાં બાર કલાકની ડ્યુટી કરવી; આ બે નિયમો પછી બ્રિજ પરથી સુસાઇડ કરતા લોકોના આંકડામાં ફરક પડ્યો; પણ એ ફરક નજીવો હતો એટલે ચેનને જ વિચાર આવ્યો કે સારું કામ કરવા માટે મુરત ન જોવાનું હોય, એ તો કોઈ પણ ઘડીએ કરવાનું હોય.

ચેન્ગે નક્કી કર્યું કે હવે તે રોજેરોજ બ્રિજ પર જઈને ચોકીદારી કરશે અને ચેનને તેની વાઇફે પણ સપોર્ટ કર્યો. માર્કેટમાંથી ફ્રૂટ ખરીદવાથી માંડીને અડધો દિવસ એટલે કે બપોર સુધી ચેન પોતાના સ્ટૉલનું કામ સંભાળે અને એ પછી સ્ટૉલ સાચવવાની જવાબદારી ચેનની વાઇફની, ચેન બ્રિજ સાચવે. રાતે બાર વાગ્યા સુધી અને જો ઊંઘ ન આવતી હોય તો મોડે સુધી પણ ચેન બ્રિજ પર સ્કૂટર લઈને અવરજવર કર્યા કરે અને જો કોઈ સુસાઇડ કરવાની પેરવી કરતું હોય તો તરત તેની પાસે પહોંચી જાય. ચેન કહે છે, ‘જીવ આપવા માગતી વ્યક્તિના ચહેરા પરથી જ ખબર પડી જાય કે તે ડિપ્રેસ્ડ છે. તેના ચહેરા પર તેજ જોવા નથી મળતું. તેના શરીરમાં પણ તમને ઉત્સાહ જોવા ન મળે કે ન તો તેનામાં કોઈ જાતનો ઉમંગ દેખાય. જે સુસાઇડ કરવા માગતું હોય તે આજુબાજુમાં સતત જોયા કરતું હોય. મને લાગે છે કે આ એક એવો ભાવ છે કે હજી પણ, આ છેલ્લી ક્ષણોમાં પણ મને ક્યાંકથી આશાનું કિરણ જોવા મળી જાય અને હું મરવાનું ટાળી દઉં.’

‘ઍન્જલ ઑફ નાન્જિંગ’ ડૉક્યુમેન્ટરી સમયે ચેનની સામે દસ અલગ-અલગ માનસિકતા ધરાવતી વ્યક્તિને ઊભી રાખવામાં આવી હતી. એ દસેદસનાં CCTV ફુટેજ જોઈને ચેન્ગે ત્રણ વ્યક્તિને અલગ તારવી અને કહ્યું કે આ લોકોના મનમાં સુસાઇડના વિચારો આવી ગયા હશે. પૂછવામાં આવ્યું તો એ વાત સોએ સો ટકા સાચી પડી. લોકોના ચહેરાઓ વાંચી-વાંચીને ચેનમાં આ માસ્ટરી આવી ગઈ છે. ચેન કહે છે, ‘વ્યક્તિના વિચારોની અસર તેના ચહેરા અને બૉડી-લૅન્ગ્વેજમાં દેખાતી જ હોય. જો તમે એ પારખી શકો તો તમને વ્યક્તિના સારા-ખરાબ કે ડિપ્રેસ્ડ મૂડની ખબર પડ્યા વિના રહે નહીં.’

ચેન્ગે જે જહેમત ઉઠાવી એનું પરિણામ એ આવ્યું કે તે અત્યાર સુધીમાં પાંચસોથી વધારે લોકોને સુસાઇડ કરતાં અટકાવી શક્યો. ચેન કહે છે, ‘એ લોકોને નવું જીવન મળ્યું અને મને મારા જીવનનું ધ્યેય. મારા જીવનનું એક જ ધ્યેય છે બસ, લોકો જીવે અને ખુશી સાથે હસતા મોઢે મુશ્કેલીનો સામનો કરી પોતાના જીવનનું ધ્યેય ઉજાગર કરે.’

columnists Rashmin Shah suicide china gujarati mid day