29 June, 2026 02:30 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
૧૫ વર્ષનો અંકિત આજકાલ મમ્મી-પપ્પાની પાછળ પડ્યો છે કે હૉલનો એક ભાગ અલગ કરીને તેને એક નાનકડો રૂમ બનાવી આપવામાં આવે. સ્કૂલમાં હતો ત્યારથી દાદીની રૂમમાં જ તે રહેતો હતો. હવે તેને અલગ રૂમ જોઈએ છે. મુંબઈમાં ઘર નાનાં હોય એ તેને સમજાય છે એટલે હૉલમાં જ એક પાર્ટિશન નાખીને નાનકડો ખૂણો તે પોતાનો કરવા માગે છે. પપ્પાએ તેને ઘણો સમજાવ્યો, પણ તે જીદે ચડી ગયો છે કે તેને રૂમ જોઈએ જ છે. છેલ્લે એનાથી ત્રાસીને તેના પપ્પાએ રાડ પાડીને પૂછ્યું કે આટલી જીદ શેની છે? શું મળી જશે અહીં નાનકડા રૂમમાં પડ્યો રહેશે એનાથી. રૂમ આટલો મોટો છે, ત્યાં તારે કેમ નથી રહેવું? અંકિતે રોષમાં કહ્યું, કારણ કે મને મારી સ્પેસ જોઈએ છે.
૧૪ વર્ષની રિયા આજકાલ રૂમ બંધ કરીને કપડાં બદલતી થઈ ગઈ છે. તેની મમ્મીની હાજરીમાં પણ તે કપડાં નથી બદલતી. આ વાત તેની મમ્મીને ગમી, કારણ કે મમ્મીને લાગ્યું કે દીકરી સમજણી થઈ ગઈ છે; પરંતુ ગઈ કાલે તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડીને તે ઘરે આવી ત્યારે સીધી બાથરૂમમાં ઘૂસી ગઈ. અડધા કલાકે બહાર નીકળી ત્યારે પણ કંઈ જવાબ ન આપ્યો. મમ્મી તેને જોઈને સમજી શકતી હતી કે તે રડીને બેઠી છે, પણ તેણે મમ્મીને કશું કહ્યું નહીં. ઊલટું તે નૉર્મલ બિહેવ કરવાની ઍક્ટિંગ કરતી હતી મમ્મીને એવું જતાવવા કે કશું થયું જ નથી. જે છોકરીને મચ્છર પણ કરડે તો મમ્મી-મમ્મી કરીને પાછળ ફરતી હતી તે છોકરી હવે મમ્મીથી પોતાનાં આંસુ છુપાવવા લાગી એ વાતથી મમ્મી ખૂબ દુખી થઈ ગઈ. તેને લાગ્યું કે દીકરી મોટી થવી જોઈતી હતી, પણ આટલી નહીં.
બાળકો ટીનેજર બને ત્યારે પરિવારમાં ઘણા બદલાવ દેખાવા લાગે છે. નાનું હોય ત્યારે જે બાળક આખો દિવસ મમ્મી-મમ્મી કરીને પાછળ ફરતું હોય તે અચાનક રૂમમાં ભરાવા લાગે, નાનું હોય ત્યારે જે આખો દિવસ બકર-બકર વાતો કરીને તમારા કાન થકવી દેતું હોય તે હવે વધુ પડતું ચૂપ રહેવા લાગે, તેનો અવાજ પણ ત્યારે સંભળાય જ્યારે તે મિત્રો સાથે ફોન પર વાત કરતું હોય ત્યારે સમજવું કે બાળક ટીનેજમાં પ્રવેશી ચૂક્યું છે. આ ઉંમરમાં તેને થોડી-ઘણી ખબર પડવા લાગે છે, પણ તે જતાવે છે એવું કે તેને બધી જ ખબર છે અને તમારાં
સલાહ-સૂચનો તેને કાને વાગી શકે છે. કેટલાંક બાળકો આ ઉંમરમાં માતા-પિતાથી ઘણાં દૂર થઈ જાય છે, કારણ કે તેમને માતા-પિતા દુશ્મન લાગવાનું શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં માતા-પિતાએ શું કરવું એ સમજવાની કોશિશ કરીએ.
આ સ્પેસ એટલે શું?
ટીનેજ બાળકો સતત માતા-પિતા અને ઘરના લોકોથી એક સ્પેસ માગતાં હોય છે, પરંતુ માતા-પિતા સમજી જ નથી શકતાં કે આ સ્પેસનો અર્થ શું છે? એ સમજાવતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘બાળક મોટું થાય એમ જે બદલાવ આવે એમાં સ્પેસનો અર્થ એ છે કે હવે તે અમુક નિર્ણયો જાતે લેવા માગે છે. ફક્ત નિર્ણયો જ નહીં, અમુક જવાબદારીઓ પણ તે જાતે લેવા માગે છે. મોટા થવામાં આ મહત્ત્વનું છે. આ એક પડાવ છે જેમાં બાળકો ખુદને સમજી રહ્યાં હોય છે, શું કરવું શું ન કરવું એ સમજવાની કોશિશ કરી રહ્યાં હોય છે એટલે તેમને જે સ્પેસ જોઈએ છે એ આપવી ખૂબ જરૂરી છે. બાળકના ઓવરઑલ ડેવલપમેન્ટ માટે એ જરૂરી છે.’
સમજો અને સ્વીકારો
પેરન્ટિંગ કોચ રિરી ત્રિવેદી કહે છે, ‘સ્પેસ હોવી એ ટીનેજ બાળકોની બાયોલૉજિકલ જરૂરિયાત છે. કેટલાક પેરન્ટ્સ આ જરૂરિયાતને સમજ્યા વગર બાળકે ક્રીએટ કરેલી સ્પેસમાં ઘૂસવાની કોશિશ કરતા હોય છે. બાળક કપડાં બદલતું હોય ત્યારે દરવાજો ખોલીને રૂમમાં ઘૂસી જાય, તેમની ડાયરી વાંચી લે, રૂમને લૉક કરવાની સદંતર મનાઈ કરી દે, થોડી વાર બાળક શાંતિથી એકલું બેઠું હોય તો વગર કારણે ત્યાં આવીને બેસી જશે અને તેને વાત ન કરવી હોય તો પણ કરવા લાગશે. તમારું આવું વર્તન બાળકને જણાવે છે કે તમે તેને તેની સ્પેસ દેવા નથી માગતા, તમને તેના પર વિશ્વાસ નથી જેને કારણે તમારા બન્ને વચ્ચેના સંબંધમાં ખટાશ આવી શકે છે. પેરન્ટ્સ ખોટા નથી, કારણ કે તેમના માટે બાળક આખી જિંદગી નાનું બાળક જ રહેવાનું છે. જોકે એવું હોતું નથી. ઉંમર સાથે દરેક સંબંધ બદલાય છે. પહેલાં જે બાળક તમને એક સેકન્ડ એકલા નહોતું મૂકતું તેને હવે તમારું સતત તેની સાથે રહેવું ગમતું નથી. એનો સ્વીકાર માતા-પિતાએ કરવો જરૂરી છે.
એનો અર્થ એ નથી કે પડતું મૂકી દો
સ્પેસનો અર્થ એવો નથી કે બાળકને પડતું મૂકી દો, તેને જે કરવું હોય એ તું કરી શકે એવું નથી હોતું. આ ઉંમરમાં બાળક અમુક પ્રકારની મૂંઝવણમાં હોય અને એટલે અમુક રીતે ખોટા માર્ગે ચડી શકે છે. આપણે અવારનવાર એવું સાંભળતા હોઈએ છીએ કે તેનું બાળક ખોટે રસ્તે ચડી ગયું અને માતા-પિતાને ખબર પણ નથી. બાળક જ્યારે તમને કશું કહે નહીં અને છુપાવે, તમારે તેની સ્પેસને રિસ્પેક્ટ પણ આપવાની અને એમાં જબરદસ્તી ઘૂસવાનું પણ ન હોય ત્યારે આ બધામાં કરવાનું શું? એ વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘એ ખૂબ જરૂરી છે કે બાળક કયા રસ્તે છે, શું કરે છે, તેના મિત્રો કેવા છે, તે કેટલી હદ સુધી જઈ શકે છે એની માહિતી તમને હોવી જ જોઈએ; પણ એ માટે જબરદસ્તી કરવી યોગ્ય નથી. બાળકને તમે પરાણે પૂછશો તો તે ચિડાશે, જવાબ નહીં આપે. વધારે ફોર્સ કરશો તો ખોટું બોલી દેશે. એટલે પરાણે તો કશું કરવું ખોટું જ છે.’
બાળક માટે અવેલેબલ રહો
તો પછી સાચો રસ્તો શું? આ પ્રશ્નનો જવાબ આપતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘આ સમજવા માટે એક કિસ્સો કહું. દેરાસરમાં દરરોજ દર્શન અને પૂજા માટે જતાં એક બહેનને બીજા દર્શનાર્થીઓ જોડે બોલચાલ થઈ ગઈ, કારણ કે દેરાસરમાં તે ફોન લઈને જતાં હતાં. તેમણે કહ્યું કે એ શક્ય નથી કે હું ફોન લઈને ન આવું. મારું બાળક અબ્રૉડ ભણે છે, તે ગમે ત્યારે ફોન કરે તો મારે એ ઉપાડવો હોય, એ મને ન ચાલે કે હું ફોન ન ઉપાડું. આ વાતને સમજવા જેવી છે. સમાજમાં એવાં ઘણાં માતા-પિતા છે જેમને તેમનાં બાળકો રજેરજની માહિતી આપે છે. તેમના પર કોઈ દબાવ નથી, પણ તેઓ તેમનાં માતા-પિતા સાથે એવી રીતે જોડાયેલાં છે કે તેમને ખુદને વાત કરવી ગમે છે. આ માટે પેરન્ટ્સે બાળકોના સમયે અવેલેબલ રહેવું જરૂરી છે. તેને જ્યારે વાત કરવી હોય ત્યારે તમે નથી તો તે પાછળથી વાત કરે પણ ખરી અને ન પણ કરે એટલે અવેલેબલ રહેવું અત્યંત જરૂરી છે. એટલે જ બાળક સ્કૂલથી આવે ત્યારે તેને મળવું ખૂબ જરૂરી છે.’
એટલું કરો
બહાર ભણનારાં ઘણાં બાળકોને ખુદ તેમનાં માતા-પિતા સાથે બધી વાત ન કરે તો નથી ચાલતું. આવું સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ બનાવવાની કોશિશ કરો. બાળકની નવી પેઢીની તકલીફોને જાણવાની જ નહીં, એને સમજવાની પણ કોશિશ જરૂરી છે. તમને તે કોઈ વાત કહે અને તમે તેના પર તૂટી જ પડવાના હો, તેને ખિજાવાના કે તેની લાગણીને સગેવગે જ કરવાના હો કે તે દરેક બાબતે ખોટું જ છે એમ જણાવ્યા કરતા હો તો તે તમને વાત નહીં કરે. અહીં ફરી વાત એમ નથી કે તેની ખોટી બાબતોને સ્વીકારી લેવાની છે. જો તમારું બૉન્ડ સ્ટ્રૉન્ગ હશે તો જ્યારે તમે કહેશો કે આ બરાબર નથી તો તેને ખબર હશે કે પેરન્ટ મારી ભલાઈ માટે જ કહે છે. માતા-પિતા અને બાળક વચ્ચેનો સંબંધ દરરોજ ઘડાય છે જેના યોગ્ય ઘડતર માટે લાગણી, કાળજી અને એકબીજાના સાથની જરૂર રહે છે.