તારી આંખનો અફીણી ગીતના સર્જક અજિત મર્ચન્ટની બહુ યાદ આવે છે

02 April, 2020 07:42 PM IST  |  Mumbai | Latesh Shah

તારી આંખનો અફીણી ગીતના સર્જક અજિત મર્ચન્ટની બહુ યાદ આવે છે

અજિત મર્ચન્ટ

૧૮ માર્ચ, ૨૦૧૧. પૃથ્વી પરનો સિતારો આકાશ પર ખરી પડ્યો. ગુજરાતી ગીત-સંગીત, નાટ્યજગતને આ એક સંગીતના સાધક, આરાધક, જોગીની, અલગારીની ખોટ હંમેશ સાલશે. ધીર, ગંભીર, ખમીરવંત, સરળ, સાલસ, નિખાલસ, શિસ્તબદ્ધ, સર્જનશીલ, સંગીત પ્રત્યે ઊંડી સૂઝ ધરાવતા, ખરા અર્થમાં કલાના પૂજારી. જેટલાં વિશેષણો આપીએ એટલાં ઓછાં પડે.

૨૫૦થી વધારે ગુજરાતી-મરાઠી-હિન્દી નાટકોમાં, ફિલ્મોમાં (પોતાને પસંદ પડે એજ કરવાની જીદવાળા) સંગીત પીરસનાર મહારથી શ્રી શ્રી શ્રી અજિત મર્ચન્ટને મારાં કોટિ-કોટિ વંદન. 

શ્રી અજિત મર્ચન્ટ‍ને હું મળ્યો ચિત્કાર વખતે. મેં તેમને 'ચિત્કાર' નાટકમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા માટે સમજાવ્યા અને તે મારી સમજાવવાની તીવ્રતા જોઈને 'ચિત્કાર' નાટકમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા માટે રાજી થઈ ગયા. અમે નસીબદાર હતા, અજિત મર્ચન્ટ જેવા પ્રખર સંગીતના શહેનશાહે મ્યુઝિક આપવાની હા પાડી. મારી ધગશ જોઈ માની ગયા. અજિત મર્ચન્ટ જેટલા મહાન હતા એટલા  વિનયી અને વિવેકી હતા. કામમાં ભૂલ થાય તો સ્વભાવમાં તીખા તમતમતા, ગુસ્સો તેમનો સાતમા આસમાન પર હોય. જાણે પરશુરામ. પણ કામમાં અર્જુન અને એકલવ્ય જેવા નિષ્ઠાવાન હતા. તેમને મેં જ્યારે ચિત્કારની વાર્તા સંભળાવી તો તેમને ગમી. તેમણે હા પાડી. એ દિવસે મેં ગામ આખામાં ઢંઢેરો પીટ્યો હતો - ‘ચિત્કાર’માં એક બાજુ અજિત મર્ચન્ટ, બીજી બાજુ વિજય કાપડિયા, ત્રીજી બાજુ દીપક ઘીવાલા અને સુજાતા મહેતા. આપણું દિલ તો ભયો-ભયો થઈ ગયું.

 ‘ચિત્કાર’ તો મારું પહેલું જ લેખક-દિગ્દર્શક તરીકે કમર્શિયલ ફુલલેન્ગ્થ ડ્રામા હતું. આ પહેલાં મેં પરેશ રાવલ સાથે ઉતમ ગડા લિખિત, દિનકર જાની દિગ્દર્શિત ‘રાફડા’ નાટકનું નિર્માણ કર્યું હતું. ‘આપણું તો ભાઈ એવું’ અને ‘ગેલેલિયો’ તેમ જ ‘પગલા ઘોડા’ ડાયરેક્ટ કર્યા હતાં, પણ એ પ્રાયોગિક નાટકો હતાં. 

અજિત મર્ચન્ટ એટલે જેમણે ૧૯૫૦માં ‘દીવાદાંડી’ ફિલ્મનું નિર્માણ કર્યું એમાં તેઓ મ્યુઝિક- ડિરેક્ટર પણ હતા. એ ફિલ્મમાં તેમણે દિલીપ ધોળકિયા પાસેથી ગીત ગવડાવ્યું - તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો... આ ગીત અજરામર થઈ ગયું. આજે પણ આ ગીત વગર કોઈ પણ મહેફિલ કે ગુજરાતી ગીતોનો જલસો ઝાંખો લાગે. આજે સિત્તેર વર્ષ બાદ પણ આ ગીતની એટલી જ ડિમાન્ડ છે. આજે પણ વન્સ મોર અને સીટીઓ અને ચિચિયારીઓ આ ગીત પર આવે જ આવે. 

સિનિયર પ્રોફેશનલ્સને જ્યારે કોઈ કામ સોંપો ત્યારે ‍તમારી જવાબદારી એ વિભાગની પૂરી થઈ જાય. 

 અજિતભાઈના પિતા ક્રિમિનલ લૉયર હતા. મૂળ બેટ દ્વારકાના વતની. તેમને સંગીતની કૉન્સર્ટમાં જવાનો ખૂબ શોખ. સાથે બાળક અજિતને પણ લઈ જાય. એટલે નાનપણથી જ અજિત મર્ચન્ટે સંગીતનો જલસો ચાખ્યો હતો. એટલે તે પણ મીરાબાઈ જેમ કૃષ્ણભક્તિમાં સરી પડ્યાં હતાં એમ સંગીતની સાધનામાં સરી પડ્યા. ગુજરાતીમાં પહેલી વાર હિન્દી ફિલ્મના પ્રખ્યાત ગાયક મુકેશને તેઓ લઈ આવ્યા હતા. વિશ્વવિખ્યાત ગઝલગાયક જગજિત સિંહને શરૂઆતના સ્ટ્રગલના દિવસોમાં તેમણે સાથ આપી સ્થાયી થવામાં પૂરો સાથ આપ્યો હતો. જે જગજિતજીએ વર્ષ ૨૦૦૦માં એક હાઉસફુલ શોમાં સ્ટેજ પરથી જાહેર કર્યું હતું અને સ્પેશ્યલી પ્રેક્ષકગૃહમાં ઊતરીને પ્રેક્ષકો વચ્ચે બેઠેલા અજિતભાઈને સ્ટેજ પર લઈ ગયા હતા અને અશ્રુભીની આંખે જગજિત સિંહ શ્રી અજિત મર્ચન્ટને ભેટી પડ્યા. આવાં તો કંઈ કેટલાંય સુંદર કાર્યો અજિત મર્ચન્ટના નામે બોલાય છે. મ્યુઝિક-ડિરેક્ટર ઍન્ડ કમ્પોઝર અજિત મર્ચન્ટ એટલે એક મૂઠી ઊંચેરો માનવી તમારી સમક્ષ સરળ, સહજ અને િવવેકથી વાત કરતા હોય. તેમની સાદગી જોઈને જો તમે તેમને ન જાણતા હો તો તમને લાગે કે તે કંઈ જ નથી અને તમને જ્યારે જાણ થાય કે તે કેટલા મહાન સંગીતજ્ઞ, સાધક અને સૂઝબુજવાળા મહાન સંગીતકાર છે ત્યારે તમારા અહમનો તો ભાંગીને ભુક્કો થઈ જાય.

અજિત મર્ચન્ટને મેં ચિત્કાર માટે સાઇન કર્યા, પણ તેમની શિસ્તબદ્ધતાને ખાળવી મારા જેવા બેફિકરા, બિનજવાબદાર યુવાનિયા માટે અઘરી હતી. હું તો જેહાદી અને મનમાં આવે ત્યારે કામ કરું, કારણ કે ક્રીએટિવ હોવાનો ફાંકો હતો. મોડે સુધી જાગવાનું, શફીભાઈ સાથે મુંબઈની ગલીઓમાં રખડતાં, ખાતાંપીતાં રાત ગુજારવાની સવાર પડે ત્યાં સુધી અને બપોર સુધી ઘોર્યા કરવાનું. આ મારો અને મારા નાતભેરુઓનો શિરસ્તો હતો. આખી રાત વાતો નાટકોની જ કરીએ. કાલિદાસથી શેક્સપિયર, આઈનેસ્કો, આલ્બર્ટ કામૂ  અને સિતાંશુ યશશ્ચંદ્ર અને મધુ રાય અને પી. એલ. દેશપાંડેથી ગિરીશ કર્નાડની કૃતિઓના વિશ્લેષણ કરીએ એટલે આપણને એમ લાગે કે આપણા જેવું તો કોઈ જ નથી નાટ્ય જગતમાં. આપણે તો સૌથી વધુ સર્જનશીલ અને સેન્સિટિવ નાટકના કીડા છીએ. છેલ્લી ઘડીએ જ સ્ક્રિપ્ટ લખવાની અને થોડાઘણા રિહર્સલમાં મોડા પડીએ તો શું થઈ ગયું, ચલતા હૈ ઍટિટ્યુડવાળા. પહેલા જ દિવસે નક્કી કરેલા સમયે ભાંગવાડીમાં અજિતભાઈ રિહર્સલમાં મને મળવા આવ્યા ડૉટ ત્રણ વાગ્યે અને હું પહોંચ્યો સાડાત્રણે. તો ખબર પડી કે તે તો જતા રહેલા. ફક્ત પાંચ જ મિનિટ રાહ જોઈ અને કહેતા ગયા કે તેમનાથી મારું કામ નહીં થાય. પહેલી વાર કોઈએ મને ના કહી, મારા ઈગોને જબરદસ્ત ઠેસ પહોંચી. અડધો કલાક જ લેટ થયો એમાં શું થયું? જવા દે, બીજા મ્યુઝિક િડરેક્ટરને બુક કરી લઈશ. પણ મારો ગુસ્સો ખોટો હતો એ મને સુજાતાએ રિયલાઇઝ કરાવ્યું કે વાંક મારો જ કહેવાય. તે તો સમયસર આવી ગયા હતા. એટલા સિનિયર માણસ ને તું રાહ જોવડાવે એ સારું ન કહેવાય, ફોન કરીને માફી માગ. દીપકભાઈએ સમજાવ્યું કે અજિતભાઈને ન છોડાય, તે જો મ્યુઝિક આપશે તો નાટકને ચાર ચાંદ લાગી જશે. શું કરું સમજાતું નહોતું. એક બાજુ મારો ઈગો અને બીજી બાજુ અજિતભાઈ, કોને પસંદ કરવા? અજિતભાઈને પસંદ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. મેં અજિતભાઈને ફોન કર્યો, ચાર-પાંચ કલાક પછી એમ સમજીને કે તેમને ગુસ્સો આવ્યો હોય તો થોડો સમય જાય તો શાંત પડી ગયા હશે. તેમણે ફોને ઉપાડ્યો નહીં. બહુ બધી રિંગ વાગી ત્યારે તેમનાં પત્ની નીલમબહેને ફોન ઉપાડ્યો. મેં તેમને કહ્યું કે હું લતેશ શાહ બોલું છું અને મારે અજિતભાઈ સાથે વાત કરવી છે. એ સમયમાં તો લૅન્ડલાઇનવાળા ફોન હતા. નીલમબહેને કહ્યું, ‘એક મિનિટ.’ બૅકગ્રાઉન્ડમાં ગર્જના સંભળાઈ, ‘તેને કહી દે મારે મ્યુઝિક નથી આપવું.’ મેં સાંભળ્યું. નીલમબહેને એ જ વાત દોહરાવી ને ફોન મૂકી દીધો. મેં રિહર્સલમાં આવીને વાત કરી. બધાએ મને સમજાવ્યો, તેમના ઘરે જઈને સમજાવી આવ. 

છેવટે નાછૂટકે હું હિંમત એકઠી કરીને તેમના ઘરે ગયો, એય બીજે દિવસે. માફી માગી. તેમણે સમય પર જે લેક્ચર આપ્યું એ દાંત કચકચાવતાં, શાંતિથી સાંભળ્યું. મને મારી ભૂલ સમજાઈ કે મને બીજાનો સમય બગાડવાનો કોઈ હક નથી. મેં મારી ભૂલ કબૂલ કરી અને પ્રૉમિસ આપ્યું કે બીજી વાર આવી ભૂલ નહીં થાય અને તરત તે રાજી થઈ ગયા. પણ લોઢાના ચણા ચાવવા સહેલા નહોતા. તેમણે મને રિહર્સલ બતાવવાનું કહ્યું. મેં રિહર્સલ દેખાડ્યું. બે જ અંક રેડી હતા એટલે તેમણે કહી દીધું કે કમ્પ્લીટ અંક સાથે રિહર્સલ થઈ જાય પછી આખી સ્ક્રિપ્ટ લઈ આવજે, પછી આપણે મ્યુઝિકનું રેકૉર્ડિંગ કરીશું. તેમણે ઇમર્જન્સી આપી એટલે નાટક શો ત્રણ દિવસ પહેલાં દેખાડી તેમને પૂરી સ્ક્રિપ્ટ આપી. તેમણે બેઝિક મ્યુઝિક નોટેશન લખી રાખેલું. બીજે દિવસે બપોરે ત્રણથી રાત્રે ત્રણ વાગ્યા સુધી મને બાજુમાં બેસાડી મ્યુઝિક રેકૉર્ડ કર્યું અને મને રાત્રે જ માસ્ટર ટેપ આપી. મ્યુઝિક સુપરહિટ નીવડ્યું. જોઈતું હતું એટલું જ. દરેક સીન અને એન્ડમાં બ્લૅકઆઉટ માટે પીસ બનાવ્યા અને દરેક ઍક્ટની શરૂઆત અને અંત અને કલાઇમૅક્સનું એવું ‍અસરકારક બૅકગ્રાઉન્ડ

મ્યુઝિક આપ્યું કે દરેક સીનના અંતે પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ અને વાહની દાદથી થિયેટર છલકાવી દેતા. એમાં મ્યુઝિક બહુ જ વખણાયું. આજે પણ મારા ‘ચિત્કાર’ નાટકના સંગીતનાં મ્યુઝિક ડિરેક્ટર રજત ધોળકિયા ભારોભાર વખાણ કરે છે. ‘ચિત્કાર’ના સંગીતનાં વખાણની ખીચડી મારી દાઢે વળગી, પણ તેમના ચહેરા પર જરાય અહમનો અણસાર સુધ્ધાં નહોતો. 

એ અજરાઅમર સંગીતકાર અજિતભાઈ સાથે પછી તો મારા ગાઢ સ્નેહભર્યા સંબંધવર્ષો સુધી રહ્યા. તેમણે મારા જીવનનો સૌથી મહત્ત્વનો પાઠ શિસ્ત મને શીખવાડ્યો જેણે મારા જીવનને નવો જ વળાંક આપ્યો. થૅન્ક યુ અજિતભાઈ, વી વિલ ઑલ્વેઝ મિસ યુ. અને તેમના જેવો જ બીજો ઓલિયો એટલે વિજય કાપડિયા નામનો ચિત્રવિચિત્ર સેટ ડિઝાઇનર જે રંગભૂમિ માટે જ જીવ્યો, જેના દરેક સમાં સ્ટેજ જ ધબકતું. તેની વાત કરીએ આવતા ગુરુવારે.

latesh shah columnists