દાઉદનો ગુટકાનો ધંધો - અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

05 April, 2020 02:36 PM IST  |  Mumbai | Vivek Agarwal

દાઉદનો ગુટકાનો ધંધો - અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

ફાઈલ ફોટો

દાઉદ એવી વ્યક્તિ છે, જેને આગના કૂવામાં પૈસા દેખાય, તો તેમાંથી પણ જે રકમ હાથ લાગે, તે તિજોરી સુધી પહોંચાડી જ દેશે...

એવો કોઈ ધંધો નથી, જેમાં પૈસા હોય અને તે ધંધો દાઉદ ન કરે...

... 2000ના ડિસેમ્બરમાં સમાચાર મળ્યા કે, દાઉદે બેફામ કમાણી જોઈને ગુટકાના ધંધામાં ઝંપલાવ્યું.

આ માહિતી સૌથી પહેલાં મહારાષ્ટ્રના વન વિભાગના અધિકારીઓને મળી. વન વિભાગે ડી-કંપની દ્વારા મંગાવવામાં આવેલો ચાર ટન કાથાનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરીને ખળભળાટ મચાવી દીધો.

વન વિભાગના અધિકારીઓને જાણ થઈ કે, થાણે જિલ્લામાં ખેરનાં વૃક્ષોમાંથી નીકળેલા બે કરોડ રૂપિયાના કાથાની ખેપ એરપોર્ટ પર આવી છે.

એક વરિષ્ઠ વન અધિકારીના જણાવ્યા અનુસાર, બે ટન કાથો સહારા એરપોર્ટ પરથી જપ્ત થયો. બાકી માલ બાતમીના આધારે થાણે જિલ્લામાંથી પકડાયો. તપાસમાં માલૂમ પડ્યું કે આ કાથો દુબઇની એક ફ્લાઇટ માટે બુક થયો હતો. ત્યાંથી તે કાથો કરાચી જવાનો હતો.

તે દિવસોમાં દાઉદે ભારતના બે ગુટકા ઉત્પાદકો સાથે મળીને પાકિસ્તાનમાં ગુટકા કંપની શરૂ કરી હતી. એવું માનવામાં આવે છે કે, વર્ષે રૂ. 1,500 કરોડના ધંધામાં અડધો-અડધ હિસ્સો દાઉદનો છે.

તમને જણાવી દઈએ કે, કાથો આપતા ખેરનાં વૃક્ષો થાણે જિલ્લા કે કર્ણાટકના કેટલાક ભાગોમાં ઊગે છે. થાણે જિલ્લાના તાનસા સરોવરની આસપાસ અને શાહપુરા તાલુકામાં કાથા અને સોપારીનાં વૃક્ષ થાય છે.

વન અધિકારીઓનો અંદાજ છે કે, કાળા બજારમાં એક ટ્રક ખેરના લાકડાની કિંમત આશરે 15 લાખ રૂપિયા છે. ઘણાં મોંઘાં હોવાને કારણે ખેરનાં વૃક્ષોની ગેરકાયદેસર કાપણી અને તસ્કરીની મોટી ગેંગ બની ચૂકી છે.

વન અધિકારીઓએ ચાર ટ્રક ભરેલો કાથો, સોપારી તથા કેટલીક સામગ્રી ભરેલો માલ વાડા રેન્જ, જવ્હાર, સકવાર અને દહાણુ વિસ્તારથી જપ્ત કર્યો. વન વિભાગે એક ખાસ ટુકડી ગુજરાતના હિંમતનગરમાં મોકલી, જેથી ત્યાં દાણચોરીથી મોકલાયેલા ખેરનાં વૃક્ષો જપ્ત કરી શકાય.

એક વરિષ્ઠ વન અધિકારીના મત અનુસાર, થાણે જિલ્લામાં ગુટકા બનાવવા માટે જરૂરી ઉત્તમ પ્રકારનો કાથો મળે છે.

દિલ્હી, સિરાસપુર, કાનપુર, લખનૌ અને હરિયાણામાં ગુટકાનાં આશરે 75 જેટલાં કારખાનાં આવેલાં છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પણ ઘણાં કારખાનાં છે. નકલી ગુટકા બનાવતાં કારખાનાં તો દેશભરમાં ફેલાયેલાં છે.

પર્યાવરણવાદીઓના મતે, કારખાનાંઓને કાથાનો પુરવઠો પૂરો પાડવા માટે થાણેનાં જંગલોમાં રોજ ખેરનું ઓછામાં ઓછું બે ટ્રક ભરીને લાકડું કાપવામાં આવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડીને કાથામાં રૂપાંતરિત કરવા માટે તેને ગુજરાતના બિલ્લાડ કે ઉમરગામમાં મોકલવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દાણચોરો ખેરના લાકડાના ગરમાં અનેક પ્રકારનાં રસાયણો ભેળવે છે, જેનાથી નશો ચઢે છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ, તેનો નશો

બ્રાઉન સુગર જેવો તેજ હોય છે. કાથામાંથી કોઈને શું નશો મળતો હશે, તે તો તે જ જાણે. પણ એક વાત નક્કી છે કે, કાથામાંથી મળતા પૈસાથી દાઉદને અનેરો નશો મળે છે, તે સર્વવિદિત છે.

તે તો એક જ છે, જેના વિશે અંધારી આલમમાં સૌ એકી સ્વરે કહે છેઃ

તાકાતનો નશો.

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

weekend guide vivek agarwal columnists