સુશાંત સિંહ રાજપૂત-મૃત્યુ એક, પણ સપનાં હજારો અને લાખોનાં તૂટ્યાં

25 June, 2020 05:08 PM IST  |  Mumbai | Manoj Joshi

સુશાંત સિંહ રાજપૂત-મૃત્યુ એક, પણ સપનાં હજારો અને લાખોનાં તૂટ્યાં

સુશાંત સિંહ રાજપૂત


વાત બહુ વરવી લાગશે અને તમને એમાં તોછડાઈ પણ લાગી શકે છે, પણ આ હકીકત છે. મને બહુ ગુસ્સો આવે છે સુશાંત સિંહ રાજપૂત પર. શું કામ, આવું સ્ટેપ શું કામ લેવાનું? જરાક તો આજુબાજુના સૌકોઈનો વિચાર કરવો હતો. જરાક તો જોવું હતું બીજાની તરફ, પોતાના ફૅન્સ તરફ. સુશાંત સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે એક બહુ મોટી સામ્યતા જો કોઈ હોય તો એ કે બન્નેએ સાવ નાના શહેરમાંથી આવીને દેશ અને દુનિયામાં નામ બનાવ્યું. એક વાત યાદ રાખજો, નાના શહેરમાંથી આવનારાઓ પર એક જવાબદારી હોય છે. જગતભરનાં સપનાંઓ જોનારા સૌકોઈનાં સપનાંઓ અકબંધ રાખવાની. હા, સુશાંત સિંહ રાજપૂતે અનેકને સપનાં જોતાં કર્યાં હતાં તો સુશાંતે અનેકના જીવનમાં આઇડલ બનવાનું કામ કર્યું હતું. સુશાંત જેવા બનવાનાં સપનાંઓ યંગસ્ટર્સ જોવા માંડ્યાં હતાં અને એના જેવા બનવા માટે તેમણે સંઘર્ષ કરવાની હિંમત પણ ભેગી કરી લીધી હતી. આ હિંમત તોડવાનું કામ સુશાંતના આ સ્ટેપે કર્યું છે અને એટલે જ સુશાંત પર ગુસ્સો આવી રહ્યો છે. સુશાંતના દાખલાઓ લઈને અનેક યુવાનોએ પોતાના ફૅમિલીના સભ્યોને મનાવ્યા અને તેમને મુંબઈ આવવા દેવા માટે મનાવ્યા. એ સૌના જીવ આજે અધ્ધર છે અને એટલે સુશાંત પર ગુસ્સો આવે છે. ગુસ્સો આવે છે સુશાંતનો એ વાત પર કે તેણે સપનાંઓ જોવાની આઝાદી યંગસ્ટર્સને આપી અને એ જ આઝાદીને તેણે ગળાફાંસો આપી દીધો.
જીવનમાં કોઈ દુઃખી ન હોય એવું બનતું નથી અને જીવનમાં કોઈ સર્વગુણ સંપન્ન પણ હોતું નથી. જીવનનું આ જ કામ છે. મેદાન છોડીને જનારાની ક્યારેય વાહવાહી નથી થતી. વાહવાહ એની જ થાય, તારિફ એની જ થાય જે મેદાન પર ઊભા રહીને બૅટિંગ કરે અને ફીલ્ડિંગ કરે. સુશાંતે ફિલ્મોમાં મબલખ ડાયલૉગ બોલ્યા, જીતની આશાને જીવંત રાખવાની વાત કહી અને એ પછી તેણે જ મેદાન છોડી દીધું. એક કલાકાર તરીકે હું કહીશ, જ્યારે સ્ક્રિપ્ટ વાંચવા હાથમાં આપવામાં આવે ત્યારે એ સ્ક્રિપ્ટ માત્ર વાંચવાની નથી હોતી, એને જીવનમાં પણ ઉતારવાની હોય છે. બુક્સ શું કામ વાંચવાની છે? પ્રેરણા માટે અને જીવનને એક નવી દિશા મળે એવા ભાવથી. સુશાંત સ્ક્રિપ્ટ વાંચતો રહ્યો, પણ એમાં કહેવાયેલી વાત, કહેવાયેલો ભાવ અને કહેવાયેલો સંદેશ તેણે જીવનમાં ઉતાર્યો નહીં અને એનું જ પરિણામ એ આ ઘટના છે.
સુશાંત સિંહની એકેક ફિલ્મ જુઓ તમે. એ ફિલ્મોએ અનેકમાં જીતનો જુસ્સો ભર્યો અને એ ફિલ્મોએ અનેકને જીતના દરવાજે લાવીને ઊભા રાખ્યા, પણ સુશાંત, સુશાંત એ ફિલ્મોમાંથી જીતનો સંદેશ અને લડત આપવાનો સિદ્ધાંત લેવાનું વિસરી ગયો. કાં વિસરી ગયો અને કાં તેણે એની માટે કોઈ પ્રયાસ કર્યા નહીં. બહુ ગુસ્સો આવે, જ્યારે કોઈ પ્રયાસ ન કરે. સુશાંત પર એ નાનાં શહેરોના યંગસ્ટર્સની જવાબદારી હતી જેને સપનાં જોવાનો હક તેણે આપ્યો હતો. માત્ર સુશાંતનું મોત નથી થયું. સુશાંતના મોત સાથે એ હજારો-લાખો યુવાનોનાં સપનાંઓનું પણ મોત થયું છે અને એ મોતની જવાબદારી સુશાંતના શિરે છે. હા, અને એટલે જ સુશાંત પર ગુસ્સો આવે છે.

sushant singh rajput manoj joshi bollywood columnists