સુરૈયા જાહેરમાં આવવા નથી માગતાં, આપણે બીજું કોઈ નામ વિચારીએ

27 May, 2020 09:23 PM IST  |  Mumbai | Pankaj Udhas

સુરૈયા જાહેરમાં આવવા નથી માગતાં, આપણે બીજું કોઈ નામ વિચારીએ

બી. કે. કરંજિયાની બાયોગ્રાફી એવી ‘કાઉન્ટિંગ માય બ્લેસિંગ’માં ૬૦ અને ૭૦ના દસકાની હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો છે.

‘આપણે સુરૈયાજીને લાવીએ તો?’

‘પંકજ ઉધાસ લાઇવ ઇન રૉયલ આલ્બર્ટ હૉલ’ના લૉન્ચિંગ માટે સુરૈયાજીને લાવવાનો વિચાર મનમાં ઝબકી તો ગયો, પણ સાથોસાથ એ પણ ખબર હતી કે સુરૈયાજી પોતે સ્વયંસ્વીકૃત અજ્ઞાતવાસમાં હતાં. ક્યાંય જોવા મળતાં નહોતાં અને કોઈ જગ્યાએ તેમનું નામ પણ સંભળાતું નહોતું. આવા સમયે સુરૈયાજીને આવવાનું કહ્યું હોય તો શું તેઓ આવે ખરાં? તેઓ આ વાત માને ખરાં? આટલાં મોટાં સિંગર જેમના નામે સદીના દસકા લખાયા હોય, જેમણે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ આપી હોય અને એ ઊંચાઈ પર રહીને જાતે જ તેમણે પોતાની જાતને પાછી ખેંચી લીધી હોય એ હસ્તી આલબમના લૉન્ચિંગમાં આવવા તૈયાર થાય ખરાં?
હું મનમાં ને મનમાં આવી અનેક ગડમથલ વચ્ચે અટવાતો હતો અને એ પછી લાંબા મનોમંથન પછી મેં મ્યુઝિક ઇન્ડિયાની એ મીટિંગમાં જેકોઈ બેઠા હતા એ બધા સામે વાત મૂકી.
‘સુરૈયાજી... આપણે તેમને આલ્બમના લૉન્ચિંગમાં લાવવાં જોઈએ.’
સુરૈયા.
સૌકોઈની આંખો ચમકી અને બધા એ દિશામાં વિચારવા લાગ્યા. એક એવું નામ હતું જેમણે ગઝલોને જીવતી રાખવામાં ખૂબ ઉમદા કામ કર્યું હતું. સુરૈયાજી, એક એવું નામ હતું જે ૫૦ અને ૬૦ના દસકા પર લોકોના હૃદયનો ધબકાર બની ગયું હતું. એક એવું નામ સુરૈયાજી જેમણે ભારતીય ફિલ્મ અને સંગીત-ઇન્ડસ્ટ્રીને આસમાનની ઊંચાઈ દેખાડી હતી. આજે પણ સુરૈયાજી અને મિર્ઝા ગાલિબ કોઈને યાદ આવે એટલે સૌકોઈને ‘મિર્ઝા ગાલિબ’ની ગઝલો યાદ આવી જાય અને એ ગઝલોની સાથે સુરૈયાજી સૌકોઈની આંખ સામે તરી આવે.
મેં પ્રસ્તાવ મૂક્યો એટલે એના પર વિચારણા થઈ. વિચારણા તો શું, સૌકોઈએ બીજી મિનિટ જ સહમતી આપી દીધી, પણ મુદ્દો એ જ હતો કે તેઓ આવશે કે નહીં? સુરૈયાજી ક્યાંય બહાર નીકળતાં નહોતાં, ભાગ્યે જ કોઈને મળતાં હતાં. તેઓ પોતાના ઘરમાં જ રહે અને જ્વલ્લે જ કોઈની નજરે ચડે. થોડી વાતો થઈ અને એ પછી નિર્ણય લેવાયો કે આપણે બીજું બધું વિચારવાને બદલે તેમને લાવવાની દિશામાં કામ કરીએ. નક્કી થયું કે હવે મ્યુઝિક ઇન્ડિયાની માર્કેટિંગ તેમનું કામ કરશે. એ સુરૈયાજીને કૉન્ટૅક્ટ કરે અને એ પછી ઇવેન્ટ ટીમને જણાવે કે શું થયું અને તેમનો શું જવાબ આવ્યો?
બે, ચાર અને છ દિવસ.
સમય પસાર થતો ગયો, પણ માર્કેટિંગ ટીમ પાસેથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે મેં જ સામેથી પૂછયું કે થયું શું? માર્કેટિંગ ટીમ કેમ રિવર્ટ નથી થઈ રહી?
મને જે જવાબ મળ્યો એ જવાબ નિરાશા જન્માવે એવો હતો.
‘હમ ટ્રાય કર રહે હૈં પર ઉનકા કૉન્ટૅક્ટ હી નહીં હો રહા હૈ...’
વધારે પૂછપરછ કરી એટલે ખબર પડી કે એ લોકોનો પ્રૉબ્લેમ સાચો હતો. સુરૈયાજી કોઈની સાથે વાત જ નહોતાં કરતાં. વાયા-મીડિયા તેમની સાથે વાત કરવી પડતી હતી અને એ બધામાં એક જ જવાબ આવતો કે તેઓ બહાર આવવા કે કોઈને મળવા નથી માગતાં. વાયા-મીડિયા હોવાને લીધે પરિસ્થિતિ પણ એવી હતી કે સાચી વાત અને આખી વાત પણ સુરૈયાજી સુધી પહોંચે છે કે નહીં એની ખબર નહોતી પડતી. માર્કેટિંગ ટીમના લોકો સુરૈયાને મળવાની વાત કહેતા ત્યારે મીડિયેટર સમય લેતા અને બે દિવસ પછી એવું કહી દેતા કે સુરૈયાજી આ વિષય પર વાત કરવા નથી માગતાં.
‘હમ કુછ ઑલ્ટરનેટ સોચે અબ...’
મ્યુઝિક ઇન્ડિયાએ હથિયાર મૂકી દીધાં. તેમને એવું લાગતું હતું કે સુરૈયાજી નહીં આવે અને જો તેઓ ન આવવા માગતાં હોય તો આપણે જલદી બીજા નામ પર વિચારણા શરૂ કરી દેવી જોઈએ જેથી સમય વેડફાય નહીં. તેમની વાત ખોટી નહોતી. મેં તમને અગાઉ કહ્યું હતું એમ, ટ્રિપલ કૉન્સર્ટનો વિચાર કરીને બધું આયોજન આગળ ચાલતું હતું અને ઑડિટોરિયમથી માંડીને બધું બુકિંગ પણ પતી ગયું હતું. ઍડ્વર્ટાઇઝમેન્ટ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
‘આપ કે ઝહન મેં અગર કોઈ નામ હૈ... તો આપ બતાઇએ.’
‘જી, સોચતે હૈં...’
એ સમયે તો મેં આવો જવાબ આપી દીધો, પણ મારું મન બીજા કોઈ ઑલ્ટરનેટને શોધવાની ના પાડતું હતું. મન કહેતું હતું કે આટલી સરળતાથી આપણે વાતને પડતી ન મૂકવી જોઈએ. સુરૈયાજી હવે બહાર આવે, સૌને મળે અને તેમના હાથે આલબમ લૉન્ચ થાય તો એનાથી ઉત્તમ બીજું કશું હોઈ જ ન શકે. સુરૈયાજીને મળવું જ જોઈએ અને તેમને મળીને આખી વાત તેમની સામે મૂકવી જોઈએ. કોશિશ કરવી જોઈએ તેમને સમજાવવાની કે ગઝલને આપની જરૂર છે. આપ એક વાર બહાર આવો.
બધાં કામ રાબેતા મુજબ ચાલતાં હતાં પણ મનમાં આ મુજબના વિચારો એકધારા ચાલ્યા કરે અને એ વિચારોમાંથી હું કોઈ ને કોઈ રસ્તો શોધવાનું કે પછી એવો કૉન્ટૅક્ટ શોધવાનું કામ કરતો જે સુરૈયાજી સુધી મને પહોંચાડે. મનમાં આ દુવિધાઓ ચાલતી હતી અને એ દુવિધાઓ વચ્ચે જ મને યઝદ કરંજિયા યાદ આવ્યા.
યઝદ કરંજિયા અત્યારે પુણેમાં રહે છે.
યઝદ મુંબઈ યુનિવર્સિટીમાં મારી સાથે જ ભણતા. એજ્યુકેશન લેવલ પર તેઓ મારા જુનિયર પણ અમારી મિત્રતા ખૂબ સબળ, બહુ સારી મિત્રતા અમારી વચ્ચે. મેં યઝદને ફોન કર્યો. યઝદને ફોન કરવાનું કારણ એ કે તેમના પિતા બી. કે. કરંજિયા જાણીતા મૅગેઝિન ‘ફિલ્મફેર’ના એડિટર હતા. ‘ફિલ્મફેર’ આપ સૌ જાણો જ છો. ભારતનું સૌથી જૂનું અને ખ્યાતનામ ફિલ્મી મૅગેઝિન. પચાસેક વર્ષથી તો ‘ફિલ્મફેર’ અવૉર્ડ્‍સ પણ થાય છે અને એ અવૉર્ડ આપણે ત્યાં ઓસ્કર સ્તરનો ગણાય છે. અત્યારે જે NFDC કહેવાય છે એ શરૂ થયું ત્યારે ફિલ્મ ફાઇનૅન્સ કૉર્પોરેશન હતું, જેની સ્થાપના પણ બી. કે. કરંજિયાએ કરી હતી. તેમણે લખેલી વાર્તા પરથી ફિલ્મ ‘પેસ્તનજી’ બની હતી. આ ફિલ્મમાં તેમણે ડાયલૉગ્સ પણ લખ્યા હતા. કરંજિયાસાહેબની બાયોગ્રાફી ‘કાઉન્ટ માય બ્લેસિંગ્સ.’
થોડી પ્રારંભિક હાય-હેલોની વાતો પછી મેં યઝદને કહ્યું કે તું તારા ફાધરને વાત કર અને એવી ટ્રાય કર કે સુરૈયાજી અમને મળે, અમને સાંભળે. એ પછી જો તેમની ઇચ્છા નહીં હોય તો આપણે તેમને નહીં બોલાવીએ, પણ એક વખત અમને પર્સનલી મળીને સાંભળી લે. યઝદે હા પાડી અને તેમણે પિતાને વાત કરી કે પંકજને આ રીતે સુરૈયાજી સાથે મીટિંગ કરવી છે.
બી. કે. કરંજિયાને સુરૈયાજી સાથે ખૂબ સારા સંબંધ હશે, પર્સનલ ઓળખાણ હશે કે પછી એવા વ્યવહારો હશે કે તેઓ તેમને આ પ્રકારે વાત કરી શકે એવી મારી ધારણા હતી અને આ ધારણા ખોટી પણ નહોતી. કારણ કે સુરૈયાજી એક જમાનાનાં ખૂબ ફેમસ ઍક્ટ્રેસ અને સિંગર હતાં. ‘ફિલ્મફેર’એ તેમના ખૂબબધા ઇન્ટરવ્યુ છાપ્યા હોય એ સમજી શકવા જેવું છે. કરંજિયાસાહેબે સુરૈયાજીને ફોન પર રિક્વેસ્ટ કરી કે પંકજ એક ગઝલસિંગર છે, તે તમને પર્સનલી મળવા માગે છે. માત્ર અને માત્ર તેમની રિક્વેસ્ટને કારણે સુરૈયાજીએ હા પાડી અને મને પર્સનલી મળવા તેઓ તૈયાર થયાં.
આ કન્ફર્મેશન મને યઝદે આપ્યું હતું. યઝદનો ફોન આવ્યો ત્યારે હું ખુશ થઈ ગયો. તેણે મને કહ્યું કે બે દિવસ પછી તારે બપોરે ૧૨ વાગ્યે તેમના ઘરે રૂબરૂ મળવા જવાનું છે. મારે મન તો એ દિવસ દિવાળી જેવો બની ગયો હતો.
સુરૈયાજીને રૂબરૂ મળ્યા પછીની વાતો કરીશું આપણે આવતા બુધવારે ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.

pankaj udhas columnists