ઘરમાં જો અરીસો તૂટ્યો તો સાત વર્ષની પનોતી પાક્કી

23 February, 2020 01:38 PM IST  |  Mumbai | Arpana Shirish

ઘરમાં જો અરીસો તૂટ્યો તો સાત વર્ષની પનોતી પાક્કી

પ્રતીકાત્મક તસવીર

ઘણા અમેરિકનો આ માન્યતા ધરાવે છે. ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા વિકસિત દેશોમાં પણ અંધશ્રદ્ધા, શુકન-અપશુકન અને અતરંગી માન્યતાઓ પ્રચલિત છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે વર્ષે ૧૦ કરોડ રૂપિયા ‘ઍન્ટિ સુપરસ્ટિશન ઍક્ટ’ વિશે જાગૃતિ લાવવા માટે ફાળવવાની જાહેરાત કરી છે ત્યારે જાણીએ કે દુનિયાભરના દેશોમાં કેવી-કેવી અંધશ્રદ્ધા અને માન્યતાઓ  પ્રવર્તે છે.

મોટા ભાગના લોકો ભલે ઓછામાં ઓછા પણ અંધશ્રદ્ધાળુ હોય છે ખરા. લકી નંબરોમાં માનવાની વાત હોય કે પછી ખરાબ નજરથી બચવા માટે બાળકોને નજરિયા બાંધવાની વાત હોય, વિવિધ સંસ્કૃતિઓમાં તેમના આવા અંધવિશ્વાસ પાછળની જુદી-જુદી અને અદ્ભુત વાર્તાઓ છે. અને આમાં પછાત કે આદિવાસી જ નહીં, વિકસિત દેશોનો પણ સમાવેશ થાય છે. વિશ્વભરના દેશોમાં લોકો અંધશ્રદ્ધાને પગલે કેવા-કેવા પ્રયોગો કરે છે એ જાણીએ.

અમેરિકનો માટે ૧૩ તારીખ અને શુક્રવારનો યોગ સૌથી વધુ અપશુકનિયાળ

ખૂબ જ ફૉર્વર્ડ અને વિકસિત એવા અમેરિકામાં જો ૧૩ તારીખ અને શુક્રવારનો યોગ એકસાથે આવી જાય તો એને અપશુકનિયાળ માનવામાં આવે છે. પોતાની લાઇફમાં આ યોગ આવ્યો એ વાતને અહીંના લોકો દુર્ભાગ્ય માને છે. આ દિવસે કોઈ પણ સારું કામ અમેરિકામાં થતું નથી. આ સિવાય અહીંના લોકો અરીસાનું ખાસ રક્ષણ કરે છે. કહેવાય છે કે જે અરીસો તોડે તેની પાછળ ૭ વર્ષની પનોતી બેસે છે.

 

બ્રાઝિલના લોકો માને છે કે પર્સ જમીન પર રાખીએ તો ગરીબ થઈ જવાય

બ્રાઝિલ લૅન્ડ ઑફ કૉફી તરીકે ઓળખાય છે. કૉફી અને ધનને લઈને એક ઇન્ટરેસ્ટિંગ માન્યતા છે. કહેવાય છે કે જ્યારે ઘરમાં કૉફી બનાવવામાં આવે ત્યારે કપમાં કૉફી નાખતાં પહેલાં સાકર નાખવી જોઈએ એનાથી વ્યક્તિ ધનવાન થઈ જાય છે. એ જ બ્રાઝિલિયન ક્યારેય પર્સને જમીન પર નથી રાખતા, કારણ કે તેમની માન્યતા પ્રમાણે જમીન પર પર્સ ટેકવવામાં આવે તો એ વ્યક્તિ ગરીબ બની જાય છે. 

ગુડ લક માટે બ્રાઝિલિયનો પોતાની સાથે શાર્ક માછલીનો દાંત રાખે છે. એ સિવાય સમુદ્રમાંથી મળી આવતાં છીપલાં પણ ઘરમાં ખુશાલી લાવે છે એવી તેમની માન્યતા છે.

આફ્રિકનો માને છે કે વાઇફને જૂતાં ગિફ્ટ કરીએ તો તે જીવનથી દૂર થઈ જાય

જાદુમંતર અને અંધશ્રદ્ધા જો દરેક વાતમાં જોવા મળે તો એ છે આફ્રિકા. અહીં ઘુવડને ખૂબ જ અપશુકનિયાળ માનવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈને ઘુવડનાં દર્શન થઈ જાય તો બૅડ લકને આમંત્રણ મળે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ઘુવડ લોકોને શ્રાપ આપવા માટે જ દર્શન દે છે.

બાળકોને ક્યારેય ઘરની ફરશ સાફ કરવા દેવામાં નથી આવતી, કારણ કે એનાથી તેઓ અનિચ્છિત મહેમાનોને આમંત્રણ આપે છે એવી માન્યતા છે.

એ સિવાય આફ્રિકન પુરુષો વાઇફને કયારેય જૂતાં ગિફ્ટ નથી આપતા, કારણ કે તેમનું માનવું છે કે એમ કરવાથી વાઇફ જૂતાં લઈને તેમની લાઇફમાંથી દૂર જતી રહે છે.

યુરોપમાં દુલ્હનના ડ્રેસ પર કરોળિયો દેખાય તો ગુડ લક માનવામાં આવે

ફ્રાન્સના આઇફલ ટાવર સામે લગ્ન કરવાનું ઘણા લોકોનું સપનું હશે, પણ આ ઐતિહાસિક યુરોપના દેશોમાં લગ્નને લઈને અનેક અંધશ્રદ્ધાળુ માન્યતાઓ છે. અહીં લગ્ન કરવા માટે લિપ યર અશુભ ગણાય છે. એ સિવાય શનિવારે પણ લોકો લગ્ન કરવાનું ટાળે છે. તેમના માટે લગ્ન કરવા માટે બેસ્ટ દિવસ એટલે રવિવાર. એક વાર લગ્ન નક્કી થઈ ગયા પછી જો એને કોઈક કારણસર આગળ ધકેલવાં પડે તો એનાથી બૅડ લક આવે છે એવું અહીંના લોકો માને છે. એક માન્યતા પ્રમાણે તો લગ્નના દિવસે દુલ્હને ત્રણ ચીજો રાખવી જોઈએ જેમાંથી એક જૂની, એક નવી અને એક કોઈની પાસેથી ઉછીની લીધેલી હોય એ. આ સિવાય લગ્નજીવન મીઠું અને આનંદમય રહે એ માટે દુલ્હન પોતાના હાથના મોજામાં સાકરનો ટુકડો પણ રાખે છે. અમસ્તા ભલે કરોળિયો જોઈને ઊછળી પડતા હોઈએ પણ લગ્નના દિવસે વેડિંગ ડ્રેસ પર સ્પાઇડર મળે તો એ યુરોપમાં ગુડ લક ગણાય છે. આ સિવાય જો એક દુલ્હન પોતાના લગ્નસ્થળે જતી હોય અને તેને સામે ચાલતાં કોઈ બીજી દુલ્હન દેખાય અને જો બન્ને એકમેકની સામે જુએ તો સૌથી મોટું અપશુકન ગણાય છે.

ચીનના લોકો માને છે કે નૂડલ્સ જેટલા લાંબા, આયુષ્ય એટલું લાંબું

તમે ભાગ્યે જ કે કોઈ ચીની પુરુષને મોટી અને ભરાવદાર દાઢી સાથે જોયો હશે. જો તેઓ મૂછ પણ રાખે તો ટ્રિમ કરેલી રાખે છે. આ બધા પાછળ કારણ જુદું જ છે. ચીનમાં માન્યતા છે કે જો ચહેરા પરના વાળ અસ્તવ્યસ્ત દેખાતા હોય તો એ બૅડ લકને આમંત્રણ આપે છે.

દુનિયાભરના લોકો ભલે માનતા હોય કે પ્રેમ કરવામાં ઉંમર નથી મળતી પણ ચીનમાં એ નડે છે. અહીં જો વ્યક્તિ પોતાનાથી ત્રણ કે છ વર્ષ નાની કે મોટી વ્યક્તિ સાથે લગ્ન કરે તો કહેવાય છે કે કપલ ક્યારેય સુખી નથી રહી શકતું, કારણ કે ત્રણ અને છ બન્ને આંકડા ચીનમાં અનલકી ગણાય છે.

ચીનમાં અંધશ્રદ્ધા લગ્ન અને દેખાવ સુધી જ સીમિત નથી, ડિનર ટેબલ પર પણ છે. અહીંનું ફેવરિટ ફૂડ એટલે કે નૂડલ્સ બને એટલા લાંબા રાખવામાં આવે છે, કારણ કે અહીં માન્યતા છે કે જો નૂડલ્સ ટુકડામાં કાપીને સર્વ કરવામાં આવે તો એનાથી જીવનરેખા ઘટી જાય છે. અને નૂડલ્સ લાંબા-લાંબા રાખવામાં આવે તો એનાથી આયુષ્ય પણ લાંબું મળે છે. છેને ગજબ! આ જ રીતે ગુડ લક માટે ચીનીઓને ૮નો આંકડો પણ ખૂબ પ્રિય છે. ચીની ભાષામાં સમૃદ્ધિ અને આઠ આ બન્ને શબ્દોનો ઉચ્ચાર સરખો થાય છે, જેને લીધે કાર હોય કે ઘર; ૮ નંબર મળે એના માટે ત્યાં પડાપડી હોય છે. ૨૦૦૮માં જ્યારે બીજિંગમાં ઑલિમ્પિક્સ થઈ હતી ત્યારે ગ્રૅન્ડ ઓપનિંગ સેરેમની પણ ૮ ઑગસ્ટના રાતના ૮.૦૮ વાગ્યે  લેવાઈ હતી અને એ કોઈ સંજોગ નહોતો. જોકે આઠ જેટલો પ્રિય છે એટલો જ ચારનો આંકડો અપ્રિય છે, કારણ કે તેમની ભાષામાં ચારનો ઉચ્ચાર ‘મરણ’ આ શબ્દના ઉચ્ચાર જેવો હોય છે, જેને લીધે એ આંકડાને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ત્યાં સુધી કે તેમના બિલ્ડિંગમાં જો તમે એલિવેટરમાં જશો તો ચાર નંબર દેખાશે જ નહીં, કારણ કે ચોથા માળે ફ્લૅટ કોઈ ખરીદશે જ નહીં! 

ફિલિપીન્સની બહેનો માને કે ભીના વાળ સાથે સૂઓ તો માનસિક સંતુલન ખોરવાઈ જાય

ફિલિપીન્સમાં જો કોઈ વ્યક્તિ મોટા કાન સાથે જન્મે તો તેને ખૂબ જ લકી માનવામાં આવે છે. એ સિવાય જો સાપ રસ્તો કાપે તો એને પણ ગુડ લક તરીકે જોવામાં આવે છે. ફિલિપીન્સની સ્ત્રીઓ ક્યારેય પોતાના ડ્રેસ પર મોતીકામ નથી કરાવતી, કારણ કે તેમની માન્યતા છે કે ડ્રેસ પરનાં મોતી આંખમાં આંસુ લાવે. આ સિવાય તેઓ ક્યારેય ભીના વાળ સાથે સૂતી નથી કારણ કે માન્યતા એવી છે કે જો કોઈ વ્યક્તિ ભીના વાળ સાથે સૂઈ જાય તો તે સવારે માનસિક સંતુલન ખોઈ બેસે છે.

ઇજિપ્તના લોકો નવજાત બાળકને નજર ન લાગે એટલે બે અઠવાડિયાં સુધી નવડાવે નહીં

પિરામિડના પ્રદેશ ઇજિપ્તમાં સૌથી મોટી અંધશ્રદ્ધા એ છે કે ખરાબ નજરવાળા લોકો કોઈના પર જાદુટોણા કરી શકે છે, જેનાથી તેઓ બીમાર પડી શકે છે. એ માટે તેઓ બ્લુ કલરનાં ઇવિલ આઇ, બ્લુ મોતી અને બ્લુ રંગના માણસના હાથવાળી આકૃતિ હંમેશાં પોતાની સાથે રાખે છે. એ સિવાય બને ત્યાં સુધી કપડાં પણ બ્લુ જ પહેરે છે.

નવજાત બાળકોને દુષ્ટ નજર ન લાગે એ માટે તેઓ તેમને બે અઠવાડિયાં સુધી નવડાવતા નથી. આ સિવાય જો કોઈ સ્ત્રી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં માગતી હોય તો સૌથી પહેલાં તે પોતાના ખભા પર થોડું મીઠું ભભરાવી દે છે. માન્યતા છે કે આવું કરવાથી તેણે બનાવેલા ભોજનમાં ખૂબ સ્વાદ આવે છે. એક ઐતિહાસિક ઇજિપ્શિયન માન્યતા પ્રમાણે બિલાડીને ૯ જીવન મળે છે. અને એટલે ઇજિપ્તમાં બિલાડીને એક પવિત્ર પ્રાણી માનવામાં આવે છે.

રશિયનો માને છે કે ઊંધું ટી-શર્ટ પહેરીને ગયા તો જાહેરમાં ધુલાઈ પાક્કી

જો તમે રશિયામાં હો તો ભૂલથી ટી-શર્ટ ઊંધું ન પહેરી લો એનું ધ્યાન રાખજો. આ દેશના લોકોમાં માન્યતા છે કે જો કપડાં ઊંધાં પહેર્યાં હોય તો જાહેરમાં માર પડે છે જેના કારણે લોકો જો આવી ભૂલ થઈ જાય તો તરત જ તેમના મિત્રને પોતાને થોડું મારવાનું કહે છે, જેથી જાહેરમાં પિટાઈ થવાનું બૅડ લક ઘટી જાય.

જો ઘરેથી નીકળતા સમયે કંઈ ભૂલી જાઓ તો રશિયાના લોકો એ ચીજ લેવા ઘરે પાછા જવાનું ટાળે છે. કહેવાય છે કે આવું કરવાથી અપશુકન થાય અને આખો દિવસ ખરાબ જાય. પણ જો એ વસ્તુ વિના ચાલે એમ જ ન હોય અને ઘરે પાછું આવવું જ પડે તો ફરી નીકળતાં અચૂક અરીસામાં જોવું પડે નહીં તો મોટુ અપશુકન થાય. આ સિવાય ઘરની અંદર જો કોઈ ભૂલમાંય સીટી વગાડી દે તો એ વ્યક્તિને લીધે ઘરમાં ધનહાનિ થશે એવી અહીં માન્યતા છે.

arpana shirish weekend guide columnists