આપણે શું ફક્ત બીજાઓનું અનુકરણ કરવું કે પછી પોતાની અલગ છાપ ઉપસાવવી?

19 May, 2019 12:21 PM IST  |  | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

આપણે શું ફક્ત બીજાઓનું અનુકરણ કરવું કે પછી પોતાની અલગ છાપ ઉપસાવવી?

તાજેતરમાં મેં રોલ્ફ ડોબેલીલિખિત પુસ્તક ‘ધ આર્ટ ઑફ થિંકિંગ ક્લિયરલી’ વાંચ્યું. પુસ્તકમાં લખાયેલા વિચારો મને સ્પર્શી ગયા. આથી મને લાગ્યું કે તેની થોડી ઝલક આપ વાંચકોને પણ આપું.

પોતે કેવી વ્યક્તિ બનવું છે? પોતાની પાસે વિશિક્ટ કૌશલ્ય કયું છે? પોતે શું ફક્ત બીજાઓનું અનુકરણ કરવું કે પછી પોતાની અલગ છાપ ઉપસાવવી? શું પોતે બીબાઢાળ ન હોય એવા વિચારો અને વર્તન કરવાં? એ બધા પ્રશ્નો વિશે તમે ક્યારેય વિચાર્યું છે.

ધારો કે તમે કોઈ સંગીત સમારોહમાં ગયા છો. કલાકાર કળા રજૂ કરી રહ્યો હોય એવામાં એક દર્શક તાળી વગાડે છે અને તેનું જોઈને બધા જ લોકો તાળીઓનો ગડગડાટ કરી દે છે. એકની તાળી પડતી જોઈને બધા વગરવિચાર્યે તાળીઓ પાડવા લાગી જાય છે. આવું કેમ? શક્ય છે કે તમને પોતાને પણ એ ગાયક કલાકારનું ગાયન ગમ્યું હોવાથી તમે તાળીઓ પાડવા લાગી ગયા હશો, પણ જો બીજાઓનું અનુકરણ કરીને તમે તાળીઓ પાડી હોય તો એ વર્તનને ‘સોશ્યલ પ્રૂફ’ કહેવાય છે.

પોતે ક્યારેય સોશ્યલ પ્રૂફનો શિકાર બન્યા છીએ કે નહીં એ વિચાર કરવા જેવો ખરો. તેનું કારણ એ છે કે કોઈનું અનુકરણ કરવું એ એક વાત છે અને પોતાની આગવી ઓળખ ઊભી કરવી એ બીજી. પોતાની વિશિક્ટ ઓળખ વિકસાવવાનું ઘણું મહત્વપૂર્ણ હોય છે.

બીજાઓ કરે છે એમ નહીં કરીએ તો મૂર્ખ ઠરીશું એવું શું કામ લાગતું હોય છે? બધાને અન્યોની સાથે રહેવાનું ગમતું હોય છે, પરંતુ લોકો જે કરે છે તેને યોગ્ય ગણીને તેમનું આંધળું અનુકરણ કરવાને બદલે પોતાના વિચારો અને લાગણીઓને માન-સ્થાન આપવાનું પણ અગત્યનું હોય છે.

રોકાણમાં પણ એવું જ હોય છે. બીજાઓ કેટલાંક સ્ટૉક્સ/મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદી રહ્યા છે તેનો અર્થ એવો નથી કે એ લાભદાયક જ હોય. કોઈ પણ સ્ટૉક વિશે પોતે અભ્યાસ કરીને નિર્ણય લેવો જોઈએ.

બીજાઓનું અનુકરણ કરવાથી ફસાઈ જવાય છે એવી ખબર પડી ગયા બાદ એ સ્થિતિથી બચવું મહત્વનું છે. બીજાઓથી અલગ કંઈક કરવામાં જરા અજુગતું લાગી શકે છે, પરંતુ માણસે પોતાનાં વિચારો-લાગણીઓને ધ્યાનમાં રાખીને પોતાના નિષ્કર્ષો કાઢવા જોઈએ.

સોશ્યલ પ્રૂફ જેવી જ એક બીજી વાત જાણવા જેવી છે. તેને કહેવાય છે ‘સંક કૉસ્ટ ફેલસી’. 

આ મુદ્દો સમજાવવા માટે એક સવાલ પૂછું છું. ધારો કે તમે એક ફિલ્મની ટિકિટ ૨૦૦ રૂપિયામાં ખરીદી છે. તમે ફિલ્મ જોવા જઈ રહ્યા છો ત્યાં રસ્તામાં તમને અકસ્માત થયેલો દેખાય છે. તમને ઘાયલ માણસની મદદ કરવાની ઇચ્છા થાય છે. શું તમે માનવતાનો વિચાર કરીને ફિલ્મ જોવા જવાનું માંડી વાળશો?

તમને ઘાયલની મદદ કરવાનું ઘણું મન થાય છે, પરંતુ ટિકિટના ૨૦૦ રૂપિયા ખચ્ર્યા હોવાથી તમે મનને મારીને ફિલ્મ જોવા જશો. ફિલ્મ જોવા જવાના નિર્ણયને વળગી રહેવાની આ વૃત્તિને સંક કૉસ્ટ ફેલસી કહેવાય છે. તમે ફિલ્મ જોવા જાઓ કે ન જાઓ, એ પૈસા તો ગયા જ છે. આથી તમે જ્યારે ઘાયલને મદદ કરવા જવાનો વિચાર કરો ત્યારે તમારે એ પૈસા સામું જોવાનો કોઈ અર્થ નથી. તમારા નિર્ણય પર એની અસર હોવી જોઈએ નહીં.

દરેક નિર્ણય વિશે નવેસરથી વિચાર કરવો રહ્યો. આમાં પણ રોકાણની વાત પર આવીએ. તમે કોઈ શૅર વેચવાનો નિર્ણય લો ત્યારે એ નિર્ણયનો આધાર શૅરની ખરીદીના ભાવ પર હોવો જોઈએ નહીં. ભવિષ્યમાં તમે શૅરની બાબતે જ્યારે પણ નિર્ણય લો ત્યારે તેના ખરીદભાવનો વિચાર કરવો જોઈએ નહીં. ખરીદભાવનો વિચાર ફક્ત કરવેરાના હેતુસર થવો જોઈએ, કારણ કે તેના આધારે તમારે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવાનો હોય છે.

આ પણ વાંચો : સર્વવિરતી સાધુ ધર્મનું અને દેશવિરતી ગૃહસ્થ ધર્મનું લક્ષણ

મનુષ્યના વર્તનની બીજી કેટલીક ખાસિયતો વિશે આગામી લેખમાં વાત કરીશું.

(લેખક CA, CFP અને FRM છે)

weekend guide columnists