સિનેમા અને મા

12 May, 2019 01:52 PM IST  |  મુંબઈ | મા તૂઝે સલામ - હર્ષ દેસાઈ

સિનેમા અને મા

રૂપલ પટેલ

‘મેરે પાસ માં હૈ...’ આ ફક્ત એક ડાયલૉગ નથી, આ ડાયલૉગમાં આખી દુનિયા સમાયેલી છે એવું કહેવું ખોટું નથી. ૧૯૭૫માં આવેલી ‘દીવાર’માં શશી કપૂરનો આ એક એવરગ્રીન ડાયલૉગ છે. આ ડાયલૉગ માટે શશી કપૂરને તો યાદ કરવામાં આવે જ છે, પરંતુ આ ડાયલૉગ એટલો મહત્ત્વનો પણ છે જેની સામે કંઈ પણ નકામું લાગે. ફિલ્મમાં પણ એ જ દેખાડવામાં આવ્યું છે કે જ્યારે અમિતાભ બચ્ચન કહે છે, ‘મેરે પાસ બિલ્ડિંગ હૈ, પ્રૉપર્ટી હૈ, બૅન્ક-બૅલૅન્સ હૈ, બંગલા હૈ, ગાડી હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ...?’

આ સવાલના જવાબમાં શશી કપૂર માત્ર એટલું જ બોલે છે, ‘મેરે પાસ માં હૈ.’ મધર્સ ડે હોય અને આપણે આ ડાયલૉગને યાદ ન કરીએ તો થોડું ચાલે. બૉલીવુડમાં પહેલાંની ફિલ્મોમાં આવા ઘણા ડાયલૉગ છે. બૉલીવુડ પાસે મા સાથે સંકળાયેલા દરેક રસ માટે ડાયલૉગ છે. કૉમેડી હોય કે પછી કોઈને શૉક આપવાનો હોય ત્યારે ‘મૈં તુમ્હારે બચ્ચે કી માં બનનેવાલી હૂં’નો સમાવેશ કરવામાં આવે છે. કોઈ નવી શરૂઆત અથવા તો ખુશીની વાત હોય તો ‘માં મુઝે આશીર્વાદ દે.’ દુઃખની વાત હોય ત્યારે ‘બચ્ચે કો તો હમને બચા લિયા, લેકિન મા કો નહીં બચા પાયે.’ અને પ્રેમની વાત હોય ત્યારે ‘માં કે ખાને મેં જો સ્વાદ હૈ વો ઔર કહીં નહીં.’ કોઈ સાથે છેડતી કરી હોય ત્યારે ‘તુમ્હારે ઘર મેં માં-બહન હૈ કિ નહીં ? ગુસ્સામાં હોય ત્યારે ‘માં કા દૂધ પિયા હૈ તો સામને આ.’ મા કેટલી બહાદુર છે અથવા તો સ્ટ્રૉન્ગ છે એની વાત હોય ત્યારે ‘તુ અભી ઇતના ભી અમીર નહીં હુઆ કિ અપની માં કો ખરીદ સકે.’ દેશભક્તિની વાત હોય ત્યારે ‘યે ધરતી મેરી માં હૈ’ જેવા ઘણા ડાયલૉગ છે.
પહેલાંની ફિલ્મોની વાત કરીએ તો મમ્મીઓને દુખિયારી અને રડતી વધુ દેખાડવામાં આવતી હતી. ૧૯૯૫માં આવેલી ‘કરણ અર્જુન’માં રાખીને હંમેશાં રડતી અને તેમના દીકરાની રાહ જોતી જ દેખાડવામાં આવી હતી. જોકે આ ફિલ્મનો ડાયલૉગ ‘મેરે કરણ અર્જુન આયેંગે’ ખૂબ જ ફેમસ થયો હતો. ફિલ્મોમાં માતાનું પાત્ર પહેલાં ભલે ગમે એવું દેખાડવામાં આવે, પરંતુ તેના ડાયલૉગ ખૂબ સ્ટ્રૉન્ગ હતાં. એટલે જ એ આજે પણ લોકજીભે એ સાંભળવા મળે છે.

આજના જમાનાની મમ્મીઓને ફક્ત હવે રડતી બતાવવામાં નથી આવતી. પહેલાંની ફિલ્મો હોય કે સિરિયલ, મમ્મીનું પાત્ર ઘરેલુ સ્ત્રીનુંહતું. જોકે આજે ફિલ્મ, સિરિયલ કે વેબ-સિરીઝ કોઈ પણ હોય, મમ્મી ઘરને સાચવવાની સાથે તેના બિઝનેસ અથવા તો જૉબને પણ સાચવી જાણતી જોવા મળી રહી છે. આ તમામની વચ્ચે મમ્મીનાં પાત્રો પણ ઓછાં થવા લાગ્યાં છે. જોકે એવી પણ કેટલીક ફિલ્મો છે જેમાં આજે મમ્મીઓનાં પાત્રોને અમુક જ ફિલ્મોમાં ખૂબ સારી રીતે દેખાડવામાં આવે છે.

આજે મમ્મીનાં કેટલાંક પાત્રો એવાં છે જે લોકોને યાદ રહી ગયાં છે; જેમાં નીના ગુપ્તાનું ‘બધાઈ હો’નું પાત્ર અને સીમા પાહવાનું ‘બરેલી કી બરફી’નું તથા ‘શુભ મંગલ સાવધાન’નો સમાવેશ છે. બૉલીવુડમાં મમ્મીનાં પાત્રોથી તેમનું પાત્ર અલગ કઈ રીતે પડ્યું એ વિશે જણાવતાં સીમા પાહવા કહે છે, ‘મહિલાઓ આજે ખૂબ જ આગળ વધી રહી છે અને એની સાથે મમ્મીઓના પાત્રમાં પણ સુધારો આવી રહ્યો છે. પહેલાં મમ્મીઓને રડતી દેખાડવામાં આવતી હતી, પરંતુ હવે તેમને હસતી દેખાડવામાં આવે છે. પર્સનલી વાત કરું તો મમ્મી એવું નામ છે જે બોલતાંની સાથે જ ચહેરા પર સ્માઇલ આવી જવી જોઈએ. હું ફિલ્મ પસંદ કરતી વખતે આ જ વાતને ધ્યાનમાં રાખું છું. મેં ક્યારેય મમ્મીના પાત્રને સિરિયસ બનાવવાની કોશિશ નથી કરી અને આ જ કારણ છે કે મારી મમ્મી બાકીની મમ્મીઓથી અલગ થઈ ગઈ.’

મમ્મીનું પાત્ર સ્ટ્રૉન્ગ થવાની સાથે તેમના ડાયલૉગ્સમાં પણ ખૂબ જ પરિવર્તનઆવ્યું છે. એક રીતે કહીએ તો બોલ્ડનેસ આવી ગઈ છે. સીમા પાહવા કહે છે, ‘સોસાયટીમાં જે ચેન્જ આવે છે એ તમને ફિલ્મોમાં પણ જોવા મળશે. એક સમય હતો જ્યારે સેક્સ વિશે વાત કરવા માટે પણ મમ્મીઓ ગભરાતી હતી, પરંતુ આજે એ વિશે તેઓ ઓપનમાં વાત કરે છે. ‘શુભ મંગલ સાવધાન’ની વાત કરું તો એમાં વચ્ચેનો રસ્તો શોધવામાં આવ્યો હતો. મમ્મી તેની દીકરી સાથે સેક્સ વિશે બિન્દાસ વાત નથી કરી શકતી એટલે તેણે ‘અલીબાબા અને ચાલીસ ચોર’ના ઉદાહરણ દ્વારા એ વાત કરી હતી. મૉડર્ન જમાનો આવી ગયો છે. દીકરીઓ આગળ વધી રહી છે અને તેની સાથે મમ્મીઓ પણ મૉડર્ન થઈ રહી છે. જે મમ્મીઓ ડાયરેક્ટ વાત નથી કરી શકતી તેઓ મારા પાત્રની જેમ ફેરવી-ફેરવીને વાતો કરે છે.’

ભવિષ્યમાં મમ્મીઓના પાત્ર વિશે સીમા કહે છે, મમ્મીના પાત્રથી ફિલ્મ પર ખૂબ જ અસર પડે છે, કારણ કે જેવી મમ્મી હશે એવાં તેમનાં બાળકો હશે. રિયલ-લાઇફની સાથે રીલ-લાઇફમાં પણ મમ્મી ખૂબ જરૂરી છે.’

સિરિયલોની સ્થિતિ

ફિલ્મોમાં તો મમ્મીઓનાં પાત્રો બદલાતાં રહ્યાં છે, પરંતુ શું ટીવી-સિરિયલમાં કોઈ ફેરફાર થયો છે. સિરિયલમાં પણ મમ્મીઓને રડતી દેખાડવામાં આવી રહી છે કે એમાં પરિવર્તન આવ્યું છે? સ્ટાર પ્લસ પર ૨૦૧૦થી ૨૦૧૭ સુધી આવેલી ‘સાથ નિભાના સાથિયા’માં રૂપલ પટેલે ઘરેલુ સ્ત્રી કોકિલા મોદીનું પાત્ર ભજવ્યું હતું અને તે હાલમાં ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં મીનાક્ષી રાજવંશનું પાત્ર ભજવી રહી છે. આ સિરિયલમાં તે ઘર સાચવવાની સાથે તેના બિઝનેસને પણ સાચવતી જોવા મળે છે. વર્ષોથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં મમ્મીના પાત્રમાં કેવો બદલાવ આવ્યો છે એ વિશે રૂપલ પટેલ કહે છે, ‘મને લાગે છે કે પહેલાં મમ્મીઓની ઇમોશનલ સાઇડને વધુપડતી દેખાડવામાં આવતી હતી, પરંતુ આજની મમ્મીને ખૂબ જ બૅલૅન્સ દેખાડવામાં આવી રહી છે. આજની મમ્મીને આજના ટાઇમની દેખાડવામાં આવી રહી છે. તે ઘર પણ સંભાળે છે, બાળકો પણ સંભાળે છે અને તેની ઑફિસ પણ સંભાળે છે. હાલના મારા આ શોમાં હું શાકભાજી પણ કાપી રહી છું અને લૅપટૉપ પર કામ પણ કરી રહી છું. હું ઘર સંભાળવાની સાથે મારી ટ્રાવેલ-કંપની પણ સંભાળી રહી છું. પહેલાં એક ઇમોશનલ સાઇડને ખૂબ જ સુંદર રીતે દેખાડવામાં આવતી હતી, પરંતુ આજે મહિલાઓને સશક્ત દેખાડવામાં આવે છે.’

દુનિયા જેમ-જેમ આગળ વધી રહી છે એમ મમ્મીના પાત્રને પણ વધુ સારી રીતે દેખાડવામાં આવી રહ્યું છે. જોકે સૌથી મોટો પ્રશ્ન છે આજની જનરેશનનો. આજની જનરેશન જુદી જ વિચારસરણી ધરાવે છે. તેમની વિચારસરણીને આજની મમ્મી કેવી રીતે હૅન્ડલકરે છે એ વિશે રૂપલ પટેલ કહે છે, ‘મીનાક્ષીના બે દીકરાઓ છે. એક દીકરાની વિચારસરણી એવી છે કે તમારા મગજમાં જે આવે એ કરવું જોઈએ. મીનાક્ષી આ સમયે તેમને સમજાવે છે કે પોતાના મનનું કરવું જોઈએ, પરંતુ એનાથી મોટી વાત છે ફૅમિલી. ફૅમિલીના પૉઇન્ટ ઑફ વ્યુથી પણ તેમને સમજાવવા જરૂરી છે. મારું પાત્ર તેમને સમજાવે છે કે આપણે હું પરથી આપણે બનવું જોઈએ. આજની જનરેશન તેમણે ભવિષ્યમાં શું કરવું છે એને લઈને ખૂબ જ ચોક્કસ છે. તેમને કેવી છોકરી જોઈએ છે એ પણ તેમણે નક્કી કરી લીધેલું હોય છે. જોકે મમ્મીએ તેમને સમજાવવું પડે છે કે તેમણે ફૅમિલી તરીકે શું કરવું છે અને ફૅમિલી બનાવવા માટે હું કરતાં આપણેની ભાવના હોવી જોઈએ.’

વેબ-સિરીઝની મમ્મી

ફિલ્મો અને ટીવી બાદ વેબ-સિરીઝ પણ ખૂબ જ સારી-સારી બની રહી છે. વેબ-સિરીઝનો ફાયદો એ છે કે એમાં કોઈ જાતનું સેન્સર-બોર્ડ નથી હોતું. કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબના શો બનાવી શકે છે. થોડા સમય પહેલાં આવેલી ઝોયા અખ્તરની ‘મેડ ઇન હેવન’માં હાઇ-પ્રોફાઇલલગ્નોની બૅક-સ્ટોરી કહેવામાં આવી હતી. આ શોના દરેક એપિસોડમાં એક અલગ મમ્મી જોવા મળી હતી જેને અલગ-અલગ રીતે દેખાડવામાં આવી છે. જોકે આવી ખૂબ જ ઓછી સિરીઝ બની રહી છે જેમાં મમ્મીને દેખાડવામાં આવી હોય. આ વિશે ડિજિટલ વર્લ્ડમાં કેજરીવાલ તરીકે જાણીતા એક્ટર જિતેન્દ્રકુમારનું અલગ માનવું છે. જિતેન્દ્રની ‘કોટા ફૅક્ટરી’ હાલમાં જ રિલીઝ થઈ છે જેનો ફાઇનલ એપિસોડ આવવાનો બાકી છે. આ સિરીઝમાં મમ્મીના પાત્રને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ વિશે જિતેન્દ્ર કહે છે, ‘મમ્મીની વાત હોય ત્યારે એ ખૂબ જ જટિલ પ્રશ્ન હોય છે કે તેમને કેવી રીતે પેશ કરવી સાચી વાત છે કે પહેલાંની ફિલ્મોમાં તેમને હંમેશાં રડતી જ દેખાડવામાં આવતી હતી. પરંતુ ત્યારે પણ તેમનું પાત્ર એટલું જ સ્ટ્રૉન્ગ હતું જેટલું આજે કોઈ પણ ફિલ્મ કે વેબ-સિરીઝમાં જોવા મળે.
‘દીવાર’ની મમ્મીને લઈ લો અથવા તો ‘કરણ અર્જુન’ની મમ્મીને લઈ લો. ‘કરણ અર્જુન’માં મમ્મી હંમેશાં કહેતી હતી કે મેરે કરણ-અર્જુન આયેંગે. આ પાત્ર સૌથી સ્ટ્રૉન્ગ હતું, કારણ કે દુનિયાએ તેમનાં બાળકો મૃત્યુ પામ્યાં છે એવું સમજી લીધુ હતું, પરંતુ તેની મમ્મી એ માનવા તૈયાર જ નહોતી. આથી મારા માટે એ પાત્ર પણ હંમેશાં સ્ટ્રૉન્ગ જ રહ્યું છે. આજે લોકો વધુ જાગરૂક થઈ ગયા છે. તેમને ખબર છે કે આજની મમ્મી કેવી છે. આજે સોસાયટીને ધ્યાનમાં રાખીને જ પાત્રો લખવામાં આવે છે. પહેલાંની આપણી સોસાયટીમાં મમ્મીઓ ઘરેલુ હતી અને એથી એવાં પાત્રો લખવામાં આવતાં. પહેલાં મમ્મીને જ્યારે તેનો દીકરો છોડીને ભણવા માટે જતો હોય ત્યારે પણ રડતી દેખાડવામાં આવતી હતી. (‘કભી ખુશી કભી ગમ’ યાદ કરો). જોકે અમારી ‘કોટા ફૅક્ટરી’માં એવું નથી. દીકરો ભણવા માટે કોટા જાય છે એનું દુઃખ મમ્મીને છે, કારણ કે દીકરો પહેલી વાર ઘર છોડીને તેનાથી દૂર જઈ રહ્યો છે. જો કે અમે મમ્મીને રડતી નથી દેખાડી, કારણ કે જો મમ્મી દીકરા સામે રડી પડે તો તેની હિંમત તૂટી જાય.

બાળકોને સ્ટ્રૉન્ગ બનાવવા માટે આજે મમ્મીએ પણ સ્ટ્રૉન્ગ બનવું પડે છે અને અમે એ જ દેખાડ્યું છે. મમ્મીને દુઃખ છે અને તે રોજ તેના દીકરાને ફોન કરીને એક જ સવાલ પૂછે છે ‘તું સારો છેને? તારું ત્યાં મન તો લાગી ગયું છેને?’ તો આ ઇમોશન્સ પહેલાંની મમ્મીમાં પણ હતા. આજે પણ છે અને હંમેશા રહેવાના. જોકે એને રજૂ કરવાની રીતમાં બદલાવ આવતો રહેશે. બાળક જ્યારે ઘરની બહાર જાય ત્યારે તે સૌથી વધુ વાત તેની મમ્મી સાથે શૅર કરતો હોય છે. પપ્પા સાથે તે કામ પૂરતી જ વાત કરતો હોય છે, પરંતુ મમ્મી સાથે તે દુનિયાભરની વાત કરતો હોય છે. કોણ મિત્ર બન્યું? ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ વગેરે જેવી વાતો પણ મમ્મી સાથે જ થતી હોય છે. આથી જ મમ્મી હંમેશાં સ્પેશ્યલ રહેવાની.’

weekend guide columnists