હિન્દી ફિલ્મોમાં ઍક્ટિંગ કરવા આવેલા વિશ્વજિતને અશોકકુમારે શું સલાહ આપી?

01 September, 2019 03:29 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

હિન્દી ફિલ્મોમાં ઍક્ટિંગ કરવા આવેલા વિશ્વજિતને અશોકકુમારે શું સલાહ આપી?

વિશ્વજીત

ફિલ્મ ‘સાહિબ, બીબી ઔર ગુલામ’માં હીરોના રોલ માટેની ઑફરનો વિશ્વજિતે અસ્વીકાર કર્યો. એનું મુખ્ય કારણ હતું ગુરુ દત્તે તેમની સામે એક શરત મૂકી કે પાંચ વર્ષ સુધી તે કેવળ ગુરુ દત્ત ફિલ્મ્સમાં જ કામ કરી શકે. વિશ્વજિતને આ વાત મંજૂર નહોતી. આમ વિશ્વજિત ફરી પાછા  કલકત્તા આવી ગયા અને બંગાળી ફિલ્મો અને નાટકોમાં વ્યસ્ત થઈ ગયા. (ગુજરાતીમાં વિશ્વજિત; જેનો બંગાળીઓ ઉચ્ચાર કરે છે બિશ્વજિત). 

એક દિવસ સંગીતકાર હેમંતકુમાર તેમની પાસે આવ્યા અને કહે, ‘વિશ્વજિત, તારે મારી સાથે મુંબઈ આવવાનું છે. સ્ટેજની આ નોકરીમાંથી રાજીનામું આપી દે. મુંબઈમાં હું એક ફિલ્મ બનાવું છું એમાં તારે હીરોનો રોલ કરવાનો છે.’

વિશ્વજિત કહે, ‘અહીં મારાં નાટકોના શો રોજ હાઉસફુલ જાય છે. મેં એ લોકો સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે. તે લોકો મને છોડશે નહીં.’

હેમંતકુમારે કહ્યું, ‘નલિન અને હેમંત (નાટક કંપનીના માલિક)ને કહીશ કે તને મારી હિન્દી ફિલ્મમાં હું બ્રેક આપું છું તો એ લોકો માની જશે.’ અને આમ વિશ્વજિત અને હેમંતકુમાર માલિકોને મળવા ગયા. હેમંતકુમારે તેમને એટલું જ કહ્યું, ‘આમ કરવાથી વિશ્વજિતને લાભ થશે.’ આ સાંભળીને માલિકે આ બન્ને સામે વિશ્વજિત સાથે થયેલો કૉન્ટ્રૅક્ટ ફાડી નાખતાં એટલું જ કહ્યું, ‘જો તેનું ભવિષ્ય ઉજ્જ્વળ થતું હોય તો અમે તેની આડે નહીં આવીએ.’

એ દિવસને યાદ કરતાં વિશ્વજિત કહે છે, ‘ગુરુ દત્તને ના પાડીને હું કલકત્તા પાછો આવ્યો ત્યારે મને ખબર નહોતી કે કિસ્મત બહુ જલદી મને આવો બીજો મોકો આપશે. હું મુંબઈ આવ્યો અને હેમંતકુમારની કંપની ગીતાંજલિ ફિલ્મ્સની પહેલી ફિલ્મ ‘બીસ સાલ બાદ’નું શૂટિંગ શરૂ થયું. એ દિવસોમાં જ્યારે હું શૂટિંગ માટે દર અઠવાડિયે મુંબઈ આવતો ત્યારે ખારમાં તેમના બંગલા ‘ગીતાંજલિ’માં રહેતો. હેમંતકુમાર પણ કલકત્તા આવ-જા કરતા. એ દિવસોમાં લોકો મજાક કરતા કે આ લોકોએ ‘ઍર ઇન્ડિયા’ ખરીદી લીધું છે.’

‘બંગાળી ફિલ્મ ‘જિજ્ઞાસા’ની હિન્દી રીમેક ‘બીસ સાલ બાદ’ એક સસ્પેન્સ ફિલ્મ હતી. એ ફિલ્મના ડિરેક્ટર હતા બીરેન નાગ, જે પહેલા આર્ટ-ડિરેક્ટર હતા. એ ફિલ્મમાં હીરો મોટા ભાગે કોટ અને હૅટ પહેરીને જંગલમાં ફરતો હોય છે એવાં દૃશ્યો હતાં. હું વિચાર કરું કે આ કઈ જાતની ફિલ્મ છે? આ સીન સ્ટુડિયોમાં શૂટ કર્યા છે. અમુક આઉટડોર શૂટિંગ કોલ્હાપુર પાસે આવેલા હિલ સ્ટેશન પન્હાળામાં કર્યું છે. મને ખબર નહોતી કે ફિલ્મ કેવી બની રહી છે? હિન્દી ફિલ્મ-મેકિંગની શું ખૂબી–ખામી છે એના વિશે હું સાવ અજાણ હતો.’

આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મને વહીદા રહેમાન ખૂબ જ પ્રોત્સાહન આપતી રહી. શૉટ પૂરો થાય એટલે કહે, ‘વિશ્વજિત, બહુત અચ્છા શૉટ હુઆ હૈ.’ તે ખૂબ જ કો-ઑપરેટિવ હતી. કોઈ વખત એકથી વધુ રીટેક થાય અને હું થોડો નર્વસ થાઉં તો મને કહેતી, ‘કોઈ બાત નહીં, બડે-બડે સિનિયર  કલાકારોં કે ભી બહુત સારે રીટેક્સ હોતે હૈં. ઇસમેં કોઈ ટેન્શન લેનેવાલી બાત નહીં હૈ.’

‘જ્યારે ફિલ્મ પૂરી થઈ અને મેં જોઈ ત્યારે ખબર પડી કે આ દૃશ્યો ફિલ્મના પ્રવાહ માટે ખૂબ જ અગત્યનાં હતાં. હેમંતકુમારનું  બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અદ્ભુત હતું. વરલીના લોટસ થિયેટરમાં પ્રીમિયરની રાતે હું એકદમ નર્વસ હતો. સત્યજિત રે ત્યાં આવ્યા હતા. હું જે સીટ પર બેઠો હતો એની એક તરફ લતા મંગેશકર તો બીજી તરફ આશા ભોસલે હતાં. બીજા અનેક કલાકાર-કસબીઓ ત્યાં હાજર હતા. ફિલ્મ સૌને ગમી, ખાસ કરીને એનું સંગીત, સસ્પેન્સ વાતાવરણને જમાવવામાં સફળ રહ્યું. લોકોને ગીતો પણ પસંદ આવ્યાં. પ્રીમિયર પૂરું થયા પછી મોડી રાતે અમે ‘પ્રભુ કુંજ’ લતાજીને ઘેર ડિનર માટે ગયા હતા. તેમણે મારાં ખૂબ વખાણ કર્યાં અને શુભેચ્છાઓ આપી કે મુંબઈમાં તમે મોટું નામ કરશો.’

‘બીસ સાલ બાદ’ ખૂબ લોકપ્રિય ફિલ્મ હતી. લતાજીને ‘કહીં દીપ જલે કહીં દિલ’ માટે ફિલ્મ ફેર અવૉર્ડ મળ્યો. આ ફિલ્મનાં બીજાં ગીતો પણ લોકપ્રિય થયાં. ખાસ કરીને મારા પર પિક્ચરાઇઝ  થયેલું ‘બેકરાર કર કે હમે યું ન જાઈએ’ આ ગીત હેમંતકુમારે ગાયું હતું. એક ખાસ વાત કહું, જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે દરેક પ્રોડ્યુસરે મને કહ્યું કે તમે બંગાળી ફિલ્મોમાં ઘણાં ગીતો ગાયાં છે. અહીં તમે જ તમારાં ગીતો ગાઓ. મેં કહ્યું કે અહીં તમારી પાસે મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે અને કિશોરકુમાર જેવા સિંગર્સ છે. મને એટલી ખબર છે કે તેમનાથી વધુ સારું નથી ગાતો. હું મારાં ગીતો માટે તેમનો જ અવાજ પ્રીફર કરીશ. મારે એક વાતનો એકરાર કરવો છે કે મારી સફળતામાં રફીસાહેબનો મોટો ફાળો છે. મને અને અમારા સમયના બીજા અનેક કલાકારોને તેમના અવાજને કારણે લોકપ્રિયતા મળી છે.’

પોતાની મર્યાદાને સહજતાથી સ્વીકારવી એનો અર્થ એવો નથી કે તમે હાર સ્વીકારી લીધી. નક્કી એ કરવાનું હોય છે કે તમારો મુખ્ય આશય શું છે. જે ફીલ્ડમાં તમારે આગળ વધવું છે એ સિવાય બીજાં પ્રલોભનોને નજરઅંદાજ કરવાં જ પડે છે. જ્યારે પ્લેબૅક સિન્ગિંગની પ્રથા નહોતી ત્યારે થોડી ઍક્ટિંગ કરતા અને થોડું સારું ગાતા કલાકારોને ફિલ્મોમાં ચાન્સ મળતો. એક કે. એલ. સૈગલને બાદ કરતાં સિંગર હીરો બનવાનો પ્રયત્ન કરવા માટે મુકેશ, તલત મેહમૂદ અને નજીકના ભૂતકાળમાં સોનુ નિગમને પ્રેક્ષકોએ નકાર્યા છે. વિશ્વજિતે સિંગર–હીરો બનવાનું પ્રલોભન જતું કરીને કેવળ ઍક્ટિંગ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું એ બતાવે છે કે તેમનું થિન્કિંગ ક્લિયર હતું.

વિશ્વજિત માટે આપણને માન થાય કે ખૂબ જ નિખાલસતાથી તેમણે આ હકીકતનો સ્વીકાર કર્યો.  એ સમયે જે ફિલ્મોનાં ગીત-સંગીત લોકપ્રિય થાય એ જ ફિલ્મ હિટ થતી. આનો મોટો લાભ હીરો-હિરોઇનને મળતો એમ છતાં આજે ‘બૈજુ બાવરા’ને યાદ કરીએ તો ભારતભૂષણ નહીં, પણ નૌશાદ યાદ આવે. ‘અનારકલી’ને યાદ કરીએ તો પ્રદીપકુમાર નહીં, પણ સી. રામચંદ્ર યાદ આવે. ‘સસુરાલ’ યાદ કરીએ તો રાજેન્દ્રકુમાર નહીં, શંકર–જયકિશન યાદ આવે અને ‘બીસ સાલ બાદ’ યાદ કરીએ તો વિશ્વજિત નહીં, હેમંતકુમાર યાદ આવે છે.

‘બીસ સાલ બાદ’ (૧૯૬૨) બાદ વિશ્વજિતની ફિલ્મો હતી ‘બિન બાદલ બરસાત’ (૧૯૬૩), ‘કોહરા’ (૧૯૬૪) જે ઇંગ્લિશ ફિલ્મ ‘રેબેકા’ પર આધારિત હતી; એ પણ સસ્પેન્સ થ્રિલર હતી. એ ફિલ્મના સેટ્સ ટૂરિસ્ટ અટ્રૅક્શન બની ગયા હતા, કારણ કે એમાં ફર્નિચર, પડદા, કૉસ્ચ્યુમ દરેક ચીજ સફેદ હતી. ગીતાંજલિ ફિલ્મ્સની આ ફિલ્મમાં ફરી એક વાર વહીદા રહેમાન હિરોઇન હતી અને હેમંતકુમારનું સંગીત હતું. આ ફિલ્મોને કારણે તેમના પર લેબલ લાગી ગયું, ‘સસ્પેન્સ હીરો ફ્રૉમ બેન્ગાલ’. એ પછી ઇન્ડસ્ટ્રીમાં સસ્પેન્સ ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો અને ‘વોહ કૌન થી’ અને ‘ગુમનામ’ જેવી ફિલ્મો આવી. એ સમયે ફરી એક વાર વિશ્વજિતે એક અગત્યનો નિર્ણય લીધો એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

‘મારે એક જ ઇમેજમાં ટાઇપકાસ્ટ થઈને નહોતું રહેવું. મેં નિર્ણય કર્યો કે મારે હવે રોમૅન્ટિક રોલ કરવા જોઈએ. એ માટે મેં હાથમાં ગિટાર લઈને ગીતો ગાતા, રોમૅન્સ કરતા પ્લેબૉય હીરોના રોલવાળી ફિલ્મો સાઇન કરી અને ‘મેરે સનમ’, ‘એપ્રિલ ફૂલ’ જેવી ફિલ્મો કરી જે મ્યુઝિકલી ખૂબ જ હિટ ગઈ. ત્યાર બાદ મને એવા જ રોલ મળવા લાગ્યા. ફરી પાછો હું ટાઇપકાસ્ટ થવા લાગ્યો એટલે મેં નક્કી કર્યું કે મારે કમર્શિયલ, સોશ્યલ, માયથોલૉજિકલ દરેક પ્રકારની ફિલ્મો કરવી  જોઈએ. મારા આ નિર્ણયથી મારા પ્રોડ્યુસર ચિંતા કરવા લાગ્યા. મને કહે, તમારી ઇમેજ રોમૅન્ટિક હીરોની છે. તમે આવી ફિલ્મો કરશો તો અમારી ફિલ્મોની માર્કેટ પર અસર થશે. મેં તેમને સમજાવ્યા કે હું કોઈ એક જ ઇમેજમાં કેદ થઈને બંધાવા નથી માગતો.’

ફિલ્મ ‘કિસ્મત’માં એક ગીતમાં મારે હિરોઇન બબીતા સાથે સ્ત્રીના વેશમાં ડાન્સ કરવાનો હતો. હું થોડો અવઢવમાં હતો. મેં ડિરેક્ટર મનમોહન દેસાઈને કહ્યું કે મને વિચાર કરવા દો. તેઓ કહે, આમાં વિચાર કરવા જેવું નથી. યુ આર એન આર્ટિસ્ટ; યુ હેવ ટુ એન્ટરટેઇન.’ હું અશોકકુમાર પાસે ગયો. દાદામુનિ મારા ફેવરિટ ઍક્ટર છે. એક સમય એવો હતો કે દિલીપકુમાર, દેવ આનંદ અને બીજા કલાકારો દાદામુનિ શૂટિંગ કરતા હોય ત્યારે તેમને જોવા આવતા અને ઍક્ટિંગની ટિપ્સ લેતા. મેં તેમની સલાહ લીધી કે મારે શું કરવું જોઈએ? તેમણે કહ્યું, ‘તું એક અભિનેતા છે. તારે કોઈ પણ રોલ કરવા માટે પાછીપાની ન કરવી જોઈએ. ગમે એ રોલ હોય; ભિખારી કે રાજા, લૂલો કે આંધળો, હીરો કે વિલન, પુરુષ કે સ્ત્રી છેવટે તો એ રોલ અભિનયનું એક અંગ છે. તું મને જો. મેં કદી વિચાર નથી કર્યો કે આ રોલ કરું અને આ ન કરું. હું હીરો, કૉમેડિયન, રાજા, રંક દરેક પ્રકારના રોલ સ્વીકારું છું. આર્ટિસ્ટ માટે આ એક ચૅલેન્જ છે. એનાથી દૂર ન ભાગવું. આ જ તો મોકો છે આપણી ટૅલન્ટ દેખાડવાનો.’

દાદામુનિની વાત સાચી હતી. વિખ્યાત માઇકલ જોર્ડનનું એક વાક્ય યાદ આવે છે, ‘લિમિટ્સ, લાઇક ફિયર આર ઓફન ઍન ઇલ્યુઝન’ સફળતા મેળવવા માટેનો યોગ્ય રસ્તો એક જ છે તમારી મર્યાદાઓ જાણીને જ તમારો નવો ગોલ સેટ કરો. શક્ય છે કે આમ કરવા જતાં તમે તમારું સાચું કૌવત જાણી શકશો‍. વિશ્વજિતે આમ જ કર્યું.

‘મેં દાદામુનિની વાત માની અને ‘કજરા મોહબ્બતવાલા, અંખિયોં મેં ઐસા ડાલા’ ગીતમાં સ્ત્રીવેશમાં ઍક્ટિંગ કરી. મારે માટે આ નવી ચૅલેન્જ હતી. આ ગીત જબરદસ્ત હિટ થયું. મને મારાં નાટકોમાં કામ કરવાના દિવસોનો અનુભવ અહીં કામ આવ્યો. એ દિવસોમાં પુરુષો સ્ત્રીનો  રોલ કરતા એટલે તેમના હાવભાવ, બોલવા-ચાલવાની અને ડાન્સ કરવાની સ્ટાઇલની મને ખબર હતી. આને કારણે મારું કામ એકદમ સહેલું થઈ ગયું. સેટ પર દરેક એ વાતથી હેરાન હતા કે કેટલી સહજતાથી આ ગીતમાં હું ઠૂમકા મારીને નાચતો હતો. જોકે અમુક લોકોએ મારી ટીકા કરી, પરંતુ ત્યાર બાદ આવો ટ્રેન્ડ શરૂ થયો અને શમ્મી કપૂર (કાશ્મીર કી કલી, પ્રોફેસર), અમિતાભ બચ્ચન (લાવારિસ), રિશી કપૂર (રફુચક્કર), કમલ હાસન (ચાચી ચારસોબીસ) જેવી ઘણી ફિલ્મોમાં હીરોએ સ્ત્રીનાં પાત્રોનો અભિનય કર્યો છે. આજે પણ ઘણી કૉમેડી સિરિયલમાં આ ટ્રેન્ડ ચાલે છે.’

આ પણ વાંચો : દુઃખ જોઈતું જ નથી, દુઃખ આપવું જ નથી

૨૫ ઑગસ્ટની રાતે ‘સંકેત’ના ઉપક્રમે અભિનેતા વિશ્વજિતના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમીન સાયાની અને અશોકકુમારનો પરિવાર, નૌશાદનો પરિવાર, રવિનો પરિવાર,  મોહમ્મદ રફીનો પરિવાર, મજરૂહ સુલતાનપુરીનો પરિવાર અને શકીલ બદાયુનીના પરિવારની ઉપસ્થિતિમાં વિશ્વજિત અને બીજા કલાકારોએ લોકપ્રિય ગીતોની રજૂઆત કરી હતી.

weekend guide columnists